પ્રથમોપચાર (first aid) : તબીબની સહાય મળે તે પહેલાં માંદી કે ઈજાગ્રસ્ત વ્યક્તિને તરત અપાતી સારવાર. તેમાં જીવનને જોખમી સ્થિતિની સારવાર તથા ઓછી જોખમી તકલીફોની સારવારનો સમાવેશ થાય છે. તેમાં વિવિધ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે, જેમ કે ખૂબ તાવ ચડવો, લોહીનું દબાણ ઘટી જવું, બેભાન થઈ જવું, હાડકું ભાંગી જવું વગેરે. પ્રથમોપચાર આપવાની સાથે સાથે બને તેટલી ઝડપથી તબીબનો સંપર્ક કરાય છે અથવા દર્દીને હૉસ્પિટલમાં ખસેડાય છે.

(1) પુષ્કળ તાવ આવવો : જ્યારે 40° સે. કે વધુ તાવ આવે ત્યારે આખા શરીરે ઠંડા પાણીનાં પોતાં મૂકવાનું કે શરીર પર ઠંડું પાણી રેડવાનું સૂચવાય છે. દર્દી પર પંખો નંખાય છે અથવા તેને વાતાનુકૂલિત વાતાવરણમાં લઈ જવાય છે. કપડાને બદલે કેળનાં પાન પણ ચાલે. 38° સે. જેટલો તાવ થાય ત્યાં સુધી તે ચાલુ રખાય છે. દર્દીને બરફના પાણીનાં પોતાં ન મૂકવાની સલાહ અપાય છે કેમ કે તે ક્યારેક ટાઢ સાથે વધુ તાવ લાવે છે. શરીરનું પાણી ઘટે નહિ માટે ખાંડ, ગોળ તથા લીંબુનું ઠંડું પાણી અપાય છે. પૅરેસીટેમૉલની ગોળી ઉપલબ્ધ હોય તો તે આપી શકાય છે. નાના બાળક્ધો મૉસ્પિરિન ન આપવાની સૂચના કરાય છે. જો બાળકને તાવને લીધે ખેંચ આવે તોય પોતાં મૂકવાનું ચાલુ રાખવું જરૂરી છે.

(2) લોહીનું દબાણ ઘટવું : તેને શાસ્ત્રીય ભાષામાં આઘાત (shock) કહે છે. તે જીવનને જોખમી પરિસ્થિતિ છે. પુષ્કળ દુખાવો, દાઝી જવું, લોહી વહી જવું, ભારે બીમારી થઈ જવી, જોરદાર ઍલર્જી (વિષમોર્જા) થઈ આવવી કે હૃદયરોગનો હુમલો થવો વગેરે વિવિધ બાબતો લોહીનું દબાણ ઘટાડે છે. દર્દીની નાડી ઝડપી અને નબળી બને છે, તેને પરસેવો થાય છે, શરીર ઠંડું પડે છે, ચામડી ઠંડી, ભીની અને ફિક્કી પડે છે, સખત તરસ લાગે છે લોહીનું દબાણ ઘટે છે. અને તે અશક્ત, અજંપાભર્યો, ગૂંચવાયેલો થાય છે અને ક્યારેક બેભાન થઈ જાય છે. ઉપચાર માટે દર્દીને તેનું માથું નીચું રહે અને પગ ઉપર રહે તેમ સુવાડી દેવાય છે. જો માથાને ઈજા થયેલી હોય તો પગ ઊંચા કરાતા નથી. ઠંડા પડી ગયેલા દર્દીને કાપડ વીંટાળવામાં આવે છે. સભાન દર્દીને સહેજ ગરમ અને ખાંડ, મીઠું તથા લીંબુવાળું પાણી અપાય છે. જો શસ્ત્રક્રિયા કરવી પડે તેવી ઈજા હોય તો પ્રવાહી આપવાને બદલે ઝડપથી તબીબી સહાયની વ્યવસ્થા કરાય છે. દર્દીને શાંતિ, હૂંફ અને હૈયાધારણ અપાય છે. જો ઍલર્જીને લીધે આઘાત હોય તો એડ્રિનાલિનનું ઇંજેક્શન જીવનરક્ષક છે. શક્ય એટલી ઝડપથી નસ વાટે પ્રવાહી આપવું પણ જરૂરી બને છે. જો દર્દી બેભાન હોય અને તેણે ઊલટી કરી હોય તો તેના મોઢાને તરત સાફ કરીને માથાને એક બાજુ પર ફેરવાય છે, જેથી કરીને તેનો શ્વસનમાર્ગ ખુલ્લો રહે. તેને મોં વાટે કશું અપાતું નથી. ઝડપથી નસ વાટે પ્રવાહી આપવાની વ્યવસ્થા કરાય છે અને તબીબનો સંપર્ક કરાય છે.

(3) બેભાનાવસ્થા : બેભાનાવસ્થાનાં સામાન્ય કારણોમાં વધુ પડતો દારૂ પિવાઈ જવો, માથા પર વાગવું, થાકને કારણે મૂર્ચ્છા આવી જવી, મગજની નસમાં લોહી જામી જવાથી લકવો થવો, લોહીનું દબાણ ઘટવું, ઝેર લેવાયેલું હોય કે અપાયેલું હોય, દર્દીને મધુપ્રમેહનો રોગ હોય વગેરેનો સમાવેશ થાય છે. દર્દીનો શ્વાસોચ્છવાસ અટકેલો હોય તો તેનો શ્વસનમાર્ગ ખુલ્લો કરીને કૃત્રિમ શ્વસન અપાય છે. શરીરમાંથી લોહી વહેતું હોય તો તે ભાગને દબાવીને લોહી વહેતું અટકાવવામાં આવે છે. જો હૃદયના ધબકારા બંધ થયા હોય તો હૃદયમર્દન (cardiac massage) આપવામાં આવે છે. કૃત્રિમ શ્વસન તથા હૃદયમર્દનની પ્રક્રિયાઓ ‘‘પુનશ્ચેતનક્રિયા’’માં દર્શાવી છે. (જુઓ વિ. કો. ખંડ  11)

(4) ઘાવમાંથી લોહી વહેવું : લોહી વહેતા અંગને ઊંચું કરાય છે અને ઘાવ પર ચોખ્ખા કપડાથી દબાણ આપવામાં આવે છે. સામાન્ય રીતે 15 મિનિટ જેટલું દબાણ આપવાથી લોહી વહેતું અટકે છે. જો તેનાથી લોહી ન અટકે તો તે અંગ (હાથ કે પગ)ના શરીર પાસેના ભાગ પર પટ્ટો બાંધી દેવાય છે જેથી ત્યાંનું રુધિરાભિસરણ ઘટે. લોહી વહેતું સાવ બંધ થઈ જાય અને તે અંગ ભૂરું પડી જાય તેટલો જોરથી પટ્ટો બંધાતો નથી. સામાન્ય રીતે કાપડનો પટ્ટો વપરાય છે. પરંતુ દોરી  કે તાર વપરાતો નથી. 10-15 મિનિટે તેને છોડીને ફરીથી બાંધવામાં  આવે છે. આવો પટ્ટો ફક્ત હાથ કે પગ પર બંધાય છે. તે અન્યત્ર (માથું, ડોક, ધડ કે પેટ પર) બંધાતો નથી. લાંબા સમય સુધી પટ્ટો બાંધવાથી આખા અંગને નુકસાન થવાનો ભય છે.

(5) ગળામાં કશુંક અટકવું : જો કોઈના ગળામાં ખાતી વખતે કશું અટકી જાય તો તરત તેની પાછળ ઊભા રહીને હાથની મુઠ્ઠી વડે ડૂંટી આગળથી પેટને જોરથી અને ઝડપથી દબાવવામાં આવે છે, જેથી કરીને ફેફસામાંની હવા તે બાહ્ય પદાર્થને બહાર ફેંકી દે. બેભાન કે મોટા દર્દીને સુવાડીને તેના પેટ પર ઝૂકીને જોરથી દબાવવામાં આવે છે. તે સમયે તેનું મોઢું એક બાજુ વાળેલું હોય છે. જો તેનો શ્વાસોચ્છવાસ શરૂ ન થાય તો કૃત્રિમ શ્વસન પણ કરાવાય છે. અન્નનળીમાં ધારવગરનો ઈજા ન કરે તેવો ધાતુમય પદાર્થ (દા.ત., સિક્કો) દર્દી ગળી જાય તે માટે પાણી કે કેળાં અપાય છે. તે ઘણી વખત મળમાર્ગે બહાર નીકળી જાય છે.

(6) ડૂબવું : જે દર્દી શ્વાસ લેવાનું બંધ કરે છે તેને 4 મિનિટમાં ફરીથી શ્વસન કરાવવું જરૂરી છે. માટે જો તેનું શ્વસન બંધ હોય તો તરત જ કૃત્રિમ શ્વસન અપાય છે અને ત્યારબાદ તેના પેટમાંથી પાણી કાઢવાની ક્રિયા કરાય છે. ડૂબેલી વ્યક્તિને બહાર કાઢી તેનું મોઢું એક બાજુ ફેરવીને પેટ દબાવવામાં આવે છે, જેથી તેના પેટમાંનું પાણી બહાર આવી જાય અને શ્વસનમાર્ગ પણ થોડો ચોખ્ખો થાય. શ્વસનની તકલીફની તીવ્રતા જોવા માટે નાકનું ટેરવું, હોઠ, જીભ અને નખમાં ભૂરાશ છે કે નહિ તે જોવાય છે. ડૂબેલી વ્યક્તિના મોં-નાકમાંથી કાદવ, ઘાસ વગેરે દૂર કરાય છે.

(7) વીજળીનો આંચકો લાગવો : વીજળીનો આઘાત એક પ્રકારની તાત્કાલિક સારવાર માંગતી સંકટકાલીન સ્થિતિ છે. તેને કારણે દર્દીનું શ્વસન બંધ થાય છે, હૃદયના ધબકારા બંધ થઈ જાય અથવા બિનઅસરકારક બની જાય છે અને ચામડી દાઝી જાય છે. તે સમયે સુક્કા લાકડાના પાટિયા પર ઊભા રહીને, રબરનાં પગરખાં પહેરીને, રબરનાં મોજાં પહેરીને કે હાથ પર છાપાના કાગળનો જાડો જથ્થો વીંટાળીને દર્દીને ખેંચી પણ કાઢી શકાય તેમ છે કે નહિ તે શોધી કાઢવામાં આવે છે. જોકે તે માટે આવડત, જાણકારી અને અતિશય તકેદારીની જરૂરિયાત રહે છે. શક્ય હોય તેટલી ઝડપથી વીજપ્રવાહને બંધ કરી દેવાય છે. દર્દીને કૃત્રિમ શ્વસન અપાય છે અને હૃદયમર્દન કરાય છે.

(8) અતિશય ગરમીને કારણે ઉદભવતી સંકટમય સ્થિતિઓ : ખૂબ ગરમીમાં કામ કરવાથી પરસેવો થવાની સાથે હાથ, પગ અને પેટમાં દુખાવો ઊપડે છે. તેને તપનપીડા (heat cramps) કહે છે. તે સમયે મીઠું, ખાંડ અને લીંબુવાળું પાણી આપવાથી ફાયદો રહે છે. અતિશય ગરમીમાં કામ કરતાં દર્દી પરસેવે રેબઝેબ થાય છે અને ક્યારેક તે થાકને કારણે મૂર્ચ્છિત થાય છે. તેને તપનક્લાંતિ(heat exhaustion) કહે છે. ખૂબ ગરમીવાળા દિવસમાં આવા ક્લાંત (exhausted) દર્દીની ચામડી ઠંડી અને ભીની હોય છે. તેનું શારીરિક તાપમાન સામાન્ય હોય છે. તેને ‘‘લૂ’’ લાગવી પણ કહે છે. સારવાર માટે દર્દીને ઠંડી જગ્યામાં આરામ કરાવીને મીઠું, ખાંડ અને લીંબુનું પાણી અપાય છે. તેના પગ ઊંચા કરીને તેના પર હાથ વડે ઘસવામાં આવે છે. જો દર્દી બેભાન થઈ ગયો હોય તો ક્યારેક તેને મુખાનુમુખ કૃત્રિમ શ્વસન (mouth to mouth artificial breathing) પણ કરાવવું પડે છે.

ક્યારેક અતિશય ગરમીને કારણે, મોટી ઉંમરની વ્યક્તિની કે દારૂની લતવાળી વ્યક્તિની ચામડી લાલ, ગરમ અને સુક્કી થાય છે, ખૂબ ઊંચો તાવ ચડે છે (42° સે. કે વધુ શારીરિક તાપમાન) અને ઘણી વખત તે બેભાન થઈ જાય છે. તેને તપનવિઘાત (heat stroke) કહે છે. સારવાર માટે દર્દીને ઠંડી જગ્યાએ લઈ જઈને તેનાં વધારાનાં કપડાં કાઢી નંખાય છે અને તેના પર ઠંડું પાણી રેડવામાં આવે છે. તેને પંખો નંખાય છે. ક્યારેક ઠંડા પાણીની બસ્તિ અપાય છે. દર 15 મિનિટે તાપમાન લેવાય છે. ક્યારેક આવી વ્યક્તિને મોઢું બહાર રહે તેવી રીતે ઠંડા પાણીના હોજમાં મૂકવામાં આવે છે જેથી તેનું શરીર ઝડપથી ઠંડું પડે. 38° સે.નું તાપમાન થાય ત્યાં સુધી સારવાર સતત ચાલુ રખાય છે. આવા કિસ્સામાં પૅરેસીટેમૉલની કોઈ ખાસ અસર નથી હોતી.

(9) અતિશય ઠંડીને કારણે થતા વિકારો : ઠંડા, ભેજવાળા અને પવનવાળા વાતાવરણમાં જો વ્યક્તિએ પૂરતાં કપડાં ન પહેર્યાં હોય તો તેનું શરીર ઠંડું પડી જાય છે. તે ખૂબ જ જોખમી સ્થિતિ છે. તેને સખત ટાઢ વાય છે, તેનો અવાજ બદલાઈ જાય છે, તે ચાલતાં ચાલતાં પડી જાય છે, માનસિક ગૂંચવણ  અને અતિશય થાક અનુભવે છે. તેને ઝડપથી પવન વગરની સુક્કી અને હૂંફાળી જગ્યાએ લઈ જવાય છે અને તેના શરીરને લૂછીને તેને કોરાં કપડાં પહેરાવાય છે. તેનું માથું, હાથ અને પગને ઢાંકી દેવાય છે. તેની પથારીમાં ગરમ પાણીની કોથળી કે ઉષ્માકારી વીજપડ (heating pad) મૂકીને તેને ગરમી અપાય છે. નાના બાળકને સોડમાં લઈ લેવાય છે. કેટલાક કિસ્સામાં ખાટલાની નીચે અંગારા મૂકીને પણ શેક અપાય છે. તેને ગળી વસ્તુ ખવડાવાય છે કે ફળોનો રસ પિવડાવાય છે. જો દર્દી બેભાન થઈ જાય તો ઘણું જોખમી ગણાય છે. આવું નાનાં બાળકો અને માંદાં માણસોમાં ઘણી વખત બને છે. ક્યારેક અતિશય ઠંડીમાં અપૂરતાં કપડાંવાળી વ્યક્તિના હાથ, પગ, કાન અને ચહેરાની પેશીઓ ઠંડી થઈને શીતદાહ (frostbite) અનુભવે છે. તેના શરૂઆતના ચિહ્ન રૂપે દર્દીને તીવ્ર પીડા થાય છે, ત્યાંની સંવેદના જતી રહે છે. શરીરનો તે ભાગ ઠંડો અને કઠણ થઈ જાય છે. શીતદાહવાળી ચામડી મરી જાય છે, કાળી પડે છે અને ક્યારેક તે ભાગને કાપી કાઢવો પડે છે. તેનાં શરૂઆતનાં  લક્ષણોમાં અસરગ્રસ્ત ભાગમાં ખાલી ચડવી અને તીવ્ર પીડાની સંવેદના થવી વગેરેનો સમાવેશ થાય છે. જેમ જેમ તે ઠંડો પડતો જાય તેમ તેમ તેની સંવેદના જતી રહે છે અને તે ફિક્કો અને કઠણ થઈ જાય છે. જો તે ભાગ પોચો લાગતો હોય તો તે મંદ વિકાર સૂચવે છે. ત્યારે સૂકાં અને હૂંફાળાં કપડાં વડે તેને ઢાંકી દેવામાં આવે છે અને દર્દીની પોતાની કે અન્યની ગરમી મળી રહે તેવી રીતે તેને શરીરની પાસે રખાય છે. તીવ્ર શીતદાહની સારવાર માટે સતત ગરમી આપી શકાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. હૂંફાળા પાણીમાં અસરગ્રસ્ત ભાગને બોળી રાખવો, પાણીનું તાપમાન જાળવી રાખવું, જરૂર પડ્યે પીડાશામક દવા આપવી, આસપાસનું વાતાવરણ હૂંફાળું અને આરામદાયક રાખવું, અસરગ્રસ્ત ભાગને હળવેથી અડવું અને દાઝ્યાના ઘાવ પડ્યા હોય તો તેના પર પાટાપિંડી લગાવવી વગેરે બાબતોને તબીબી સહાય મળે ત્યાં સુધીમાં ઉપચારાર્થે કરી શકાય છે.

(10) નસકોરી ફૂટવી : દર્દીને શાંતિથી બેસાડીને તેના નાકને બે આંગળી અને અંગૂઠાની વચ્ચે 10 મિનિટ દબાવી રાખવામાં આવે છે. જો તેનાથી લોહી વહેવું બંધ ન થાય તો હાઇડ્રોજન પેરૉક્સાઇડ કે વેસેલિનવાળું રૂનું પૂમડું નાકમાં નાંખીને દબાવવામાં આવે છે. સામાન્ય રીતે તે પૂમડાનો છેડો નાકની બહાર રહે તે ખાસ જોવાય છે. ત્યારબાદ ફરીથી નાકને દબાવવામાં આવે છે. જો ઉપલબ્ધ હોય તો ઝાયલોકેઇન અને એડ્રિનાલિનવાળું પૂમડું પણ મૂકી શકાય. થોડાક કલાકો સુધી પૂમડું કઢાતું નથી અને નાક્ધો ખોતરવાની મનાઈ રખાય છે. ક્યારેક નાક પર બરફનો ટુકડો પણ ઘસીને લોહી વહેતું અટકાવી શકાય છે.

(11) ઘાવ પડવો : ઉકાળીને થોડું ઠંડું કરેલું પાણી તથા સાબુથી નાના કાપા, ઘાવ કે ઉઝરડાને સાફ કરાય છે. ઉતરડાયેલી ચામડીની નીચેથી પણ સાફ કરાય છે. તે માટે ચોખ્ખા રૂનું પૂમડું પણ વાપરી શકાય. ચોખ્ખા ઘાવ પર જાળીવાળું કપડું અથવા જાળીકાપડ (gauze) અને રૂનું પડ મુકાય છે અને તેને ચોંટણપટ્ટી(adhesive tape) વડે ચોંટાડી દેવાય છે. દર્દીને ધનુર્વાની વિષાભ રસી(tetanus toxoid) અપાય છે. મોટા ઘાવને સાફ કરાય છે. તેની કિનારીઓને પાસપાસે લાવીને સાંધી દેવાથી લોહી વહેતું અટકે છે અને તે ઝડપથી રુઝાય છે. ઘાવ 12 કલાકથી ઓછો જૂનો હોય અને તે સમયે મોટી હૉસ્પિટલમાં ખસેડતાં વાર લાગે તેમ હોય તો ટાંકા લેવાય છે. ટાંકા લેતાં પહેલાં ગરમ પાણી અને સાબુથી ઘાવને સાફ કરાય છે. કિનારીઓને પાસપાસે લાવીને ચોંટણપટ્ટીઓ વડે અથવા તો ઉકાળેલાં સાંધવાનાં સોય અને દોરાની મદદથી તેમને તે સ્થિતિમાં ગોઠવાયેલી રખાય છે. ટાંકા લેતાં પહેલાં 3 વખત હાથને ઘસીને સાબુથી ધોવા જોઈએ અને દરેક ટાંકાને અલગ અલગ બાંધવાનું સૂચવાય છે. ઘરે સાધનોને સૂક્ષ્મજીવરહિત બનાવવા માટે રાંધવાના કૂકરમાં દબાણ હેઠળ ઉકાળી શકાય છે. 12 કલાકથી જૂનો ઘાવ, પૂરેપૂરો ચોખ્ખો ન થયેલો ઘાવ કે પ્રાણી કે જંતુના ડંખ કે કરડવાનો ઘાવ આ રીતે બંધ કરાતો. છેલ્લે સૂક્ષ્મજીવરહિત પાટો બાંધવામાં આવે છે. તેની મદદથી ઘાવને ચોખ્ખો રાખી શકાય છે. તે માટે જાળીવાળું કાપડ વાપરવામાં આવે છે જેથી ઘાવ પેશીમાં હવાનો ઑક્સિજન જઈ શકે. ઘાવની સારવાર કરીને ધનુર્વાની વિષાભ રસી મૂકવામાં આવે છે.

(12) હાડકું ભાંગવું કે સાંધામાંથી ઊતરી જવું : ભાંગેલું હાડકું જો હાથ કે પગનું લાંબું હાડકું હોય તો તે અંગને ખેંચીને તૂટેલા હાડકાના ભાગોને એક સીધી રેખામાં લવાય છે. અને પછી તે ખસી ન જાય તેવી રીતે પાટો બંધાય છે.  જુદાં જુદાં હાડકાં અને સાંધાની ઈજાઓમાં જુદા જુદા પ્રકારના પાટા બાંધવામાં આવે છે. પ્રથમોપચાર આપવાની તાલીમ લેનાર વ્યક્તિને જુદા જુદા પ્રકારના પાટા બાંધવાની રીત શીખવવામાં આવે છે. હાડકાં પર આ રીતે પાટો બાંધીને દર્દીને ઝડપથી અસ્થિવિદ્ (orthopaedician) પાસે કે હૉસ્પિટલમાં લઈ જવાય છે. હૉસ્પિટલમાં લઈ જતી વખતે જો હાથનું હાડકું ભાંગ્યું હોય કે ખભો ઊતરી ગયો હોય તો ગળેથી ભરવાય તેવી માથાની સ્કાર્ફને વચ્ચેથી વાળીને બનાવેલી ત્રિકોણાકાર ઝોળીમાં તેને રાખવામાં આવે છે. જો પગના ઉપરના ભાગમાં અસ્થિભંગ થયેલો હોય તો દર્દીને સપાટ પાટિયા પર હલનચલન ન થાય તેવી રીતે બાંધીને લઈ જવાય છે. જ્યારે પણ રસ્તા પર કોઈ વ્યક્તિને ઈજા થઈ હોય અને તે પડી ગયેલો હોય ત્યારે તેના કરોડસ્તંભને ઈજા થઈ હોય તેવું બને માટે તેનું માથું, ડોક કે કમર વળે નહિ તે રીતે તેને સપાટ પાટિયા પર હળવેથી સરકાવી દેવાય છે. તે માટે બેત્રણ માણસોની મદદની જરૂર પડે છે. જો પાંસળીમાં ઈજા થયેલી હોય તો પીડાશામક દવા લઈને આરામ કરવાની તથા દર 10–15 મિનિટે થોડા ઊંડા શ્વાસ લેવાની સલાહ અપાય છે. જો ભાંગેલું હાડકું ચામડીને ચીરીને બહાર આવી ગયું હોય તો અંગને ખેંચીને હાડકાના ટુકડાને બેસાડવામાં આવતા નથી કેમ કે કદાચ ઘાવમાં કચરો પડેલો હોઈ શકે. તેથી જો તે ઘાવ પૂરેપૂરો સાફ થવાની ખાતરી ન હોય તો તેને ચોખ્ખા સૂક્ષ્મજીવરહિત કાપડથી ઢાંકીને દર્દીને હૉસ્પિટલ લઈ જવાય છે. તૂટેલાં હાડકાંવાળા અંગને ઘસવો કે મર્દન (massage) કરવો સલાહભર્યું ગણાતું નથી.

(13) વિશિષ્ટ રીતે જોખમી ઘાવ : માટીવાળા ગંદા ઘાવ, ઊંડા ઘાવ, પ્રાણીઓને રાખવાની જગ્યામાં થયેલી ઈજા, મોટા ચીરા અને કચડાઈ ગયેલી પેશીવાળા ઘાવ, કૂતરા કે અન્ય પ્રાણીઓના કરડવાથી થતા ઘાવ કે બંદૂકની ગોળીથી થતા ઘાવ જોખમી ઘાવ છે. શક્ય એટલી વહેલી ઍન્ટિબાયૉટિકની સારવાર અપાય છે. આવા ઘાવને ટાંકા કે કોઈ અન્ય રીતે કદી બંધ કરાતા નથી. ધનુર્વા વિરોધી વિષાભ રસી અપાય છે. ધનુર્વાના જીવાણુઓમાંથી અંત:વિષ (endotoxin) નીકળે છે. ક્યારેક તે સમયે આવા જૈવવિષ (toxin) સામે પ્રતિજૈવવિષ (antitoxin) આપવા વિશે પણ વિચારવું જરૂરી બને છે. બંદૂકની ગોળી કે છૂરાબાજીના ઘાવ ઊંડા હોય છે. ત્યારે તાત્કાલિક ધોરણે ઍન્ટિબાયૉટિક અપાય છે. જૈવિક ક્રિયાઓ કેવી ચાલે છે તેની નોંધ લઈને જરૂરિયાત પ્રમાણે લોહીનું દબાણ વધારવાની કે કૃત્રિમ શ્વસન કરાવવાની ક્રિયાઓ કરાય છે. જો બંદૂકની ગોળીથી કોઈ હાડકું ભાંગ્યું હોય તો તેને અનુરૂપ સહાય અપાય છે. છાતીના ઊંડા ઘાવમાં ઘણી વખત દર્દી શ્વાસોચ્છવાસ વખતે બહારની હવાને સીધી છાતીમાં ખેંચી લે છે. તેથી તેવા ઘાવને ઢાંકી દેવો જરૂરી બને છે. તેવી જ રીતે માથામાં કે પેટમાં ગોળી વાગી હોય તો તે ભાગને પણ ચોખ્ખા પાટાથી ઢાંકી દેવો જરૂરી બને છે. આ કિસ્સાઓમાં શસ્ત્રક્રિયા કરવાની જરૂર હોવાથી મોઢા દ્વારા કશું અપાતું નથી અને ઍન્ટિબાયૉટિકની દવા તરત શરૂ કરાય છે. કોઈની રાહ જોયા વગર ભોગ બનેલી વ્યક્તિને સપાટ પાટિયા (stretcher) પર સૂવાડીને તરત જ હૉસ્પિટલ લઈ જવાય છે.

(14) દાઝવું : ફોલ્લા ન કરતા સાદા દાહની સારવારમાં તેના પર ઠંડું પાણી રેડવામાં આવે છે અને પીડાશામક દવા આપવી જરૂરી બને છે. સામાન્ય રીતે એટલાની જ જરૂર પડે છે. બીજી કક્ષાના ફોલ્લા કરતા દાહની સારવારમાં ફોલ્લાને ફોડવામાં આવતો નથી. તેના પર જેન્શિયન વાયોલેટ ચોપડવામાં આવે છે અથવા ગરમ કરીને ઠંડું કરેલું વેસેલિન કે સિલ્વર સલ્ફાડાયેઝિનનો મલમ ચોપડાય છે. જેમને સલ્ફાના જૂથની દવાઓની ઍલર્જી હોય તેમને સલ્ફાવાળો મલમ લગાડાતો નથી. તેમાં ચેપ લાગેલો હોય તો વિશેષજ્ઞની મદદ લેવી જરૂરી છે. ઊંડા ત્રીજી કક્ષાના દાહમાં ચામડી અને અંદરની પેશીનો કેટલોક ભાગ બળી ગયેલો હોય છે. તેમને ઝડપથી મોટા સારવારકેન્દ્રમાં લઈ જવામાં આવે છે.  દાઝ્યા પર ગ્રીઝ, ચરબી, ઘી, તેલ, કૉફી, કોઈ વનસ્પતિ કે છાણને કદી ન ચોપડવાની સલાહ અપાય છે. તીવ્ર દાહના દર્દીમાં લોહીનું દબાણ ઘટે છે અને ચેપ લાગે છે. માટે તે અંગેની સારવાર શરૂ કરી દેવાય છે.

(15) કેટલાંક ઝેર : ઝેરી અસર થઈ હોય તેવા સભાન દર્દીના ગળામાં આંગળી નાંખીને તેને ઊલટી કરાવાય છે. તે માટે જરૂર પડે કોઈ સખત કડવી દવા પણ ખવડાવી શકાય. તેને તે સમયે બળેલી બ્રેડના ટુકડાને પાણીમાં ભેળવીને લગાડેલી જઠરનળી(stomach tube)ને મોઢા વાટે જઠરમાં ઉતારાય છે અને તેમાં 1થી 2 લિટર જેટલું મીઠાવાળું પાણી નાંખવામાં આવે છે. ત્યારબાદ નળીનો બહારનો છેડો ખાટલાની નીચે લઈ જવાય છે. આ રીતે જઠરમાંનું દ્રવ્ય બહાર આવી જાય છે. સારી રીતે જઠરને સાફ કરીને દર્દીને દૂધ, ઈંડાં કે લોટવાળું પાણી પીવા માટે અપાય છે.

બેભાન વ્યક્તિને ઊલટી કરાવાતી નથી. જો તેનું શ્વસનકાર્ય અટકેલું હોય તો કૃત્રિમ શ્વસન અપાય છે. તેવી જ રીતે કેરોસીન, પેટ્રોલિયમ કે તીવ્ર ઍસિડ કે ક્ષારણ (corrosion) કરતા પદાર્થોનું ઝેર હોય તો તેમને માટે પણ ઊલટી કરાવાતી નથી. તાત્કાલિક સારવાર આપ્યા પછી દર્દીને તરત હૉસ્પિટલમાં ખસેડાય છે. ઝેરી સાપ કરડ્યો હોય તો હલનચલન ઘટાડીને જે ભાગ પર ડંખ લાગ્યો હોય તેને સ્થિર રખાય છે. જે-તે અંગમાં લોહી ફરતું રહે તેવું રાખીને તેના પર લંબનશીલ (elastic) પાટો બંધાય છે. ત્યારબાદ આખા અંગમાં ખેંચીને લાંબો કરી શકાય તેવો લંબનશીલ પાટો બંધાય છે. પરંતુ તે અંગમાંની નાડી બરાબર ચાલતી રહે તેવું ખાસ જોવાય છે. દર્દીને સપાટ પાટિયા પર બેસાડીને લઈ જવાય છે અને તેને હલનચલન ન કરવાની સલાહ અપાય છે. તાવ કે દુખાવો હોય તો પૅરેસીટેમૉલ આપી શકાય છે. ડંખને સ્થાને બરફનો ટુકડો ઘસવાથી દુખાવો ઘટે છે અને ઝેર ફેલાતું પણ અટકે છે. નાગ(cobra)નો ડંખ હોય તો પ્રતિસર્પવિષ (antivenom) તરત અપાય છે. પ્રતિસર્પવિષને મેળવવા માટે હાફકિન્સ ઇન્સ્ટિટ્યૂટ(મુંબઈ)નો સંપર્ક સાધી શકાય. સર્પડંખના ઘાવને કાપવા કે તેમાંથી ઝેર ચૂસવા દેવામાં આવતા નથી.

વીંછીનો ડંખ હોય તો પીડાશામક અને ઍલર્જીને દબાવનારાં પ્રતિહિસ્ટામીન ઔષધો આપવામાં આવે છે. જો તે બીજી વખતનો ડંખ હોય તો ક્યારેક શ્વસનક્રિયા બંધ થઈ જાય છે અથવા દર્દીનું લોહીનું દબાણ ઘટે છે. તે સમયે તે માટેની આગળ દર્શાવેલી સારવાર તરત શરૂ કરાય છે. સામાન્ય રીતે વીંછીના ડંખની જગ્યાએ કાપેલી ડુંગળી મૂકવાની, મધમાખીના ડંખની જગ્યાએ ચૂનો લગાવવાની તથા ભમરાના ડંખની જગ્યાએ વિનેગાર ચોપડવાની સલાહ અપાય છે. કરોળિયાના ડંખ સામાન્ય રીતે ઝેરી હોતા નથી. તે ઘણી વખત સ્નાયુઓને અક્કડ કરે છે અને દુખાવો કરે છે. તેવા સમયે પીડાશામકો, ડાયાઝેપામ, નસ વાટે ધીમે ધીમે કૅલ્શિયમ અને ક્યારેક કૉર્ટિકોસ્ટિરૉઇડ્ઝ અપાય છે. જો લોહીનું દબાણ ઘટે તો તેની તાત્કાલિક સારવાર અપાય છે.

(16) પ્રકીર્ણ તકલીફો : પેટમાં તીવ્ર શૂળ ઊપડે ત્યારે તેનું કારણ કોઈ પેટનો શસ્ત્રક્રિયાને લાયક રોગ હોય છે અથવા કોઈ અન્ય શારીરિક તકલીફ હોય છે. સતત વધતો જતો પેટનો દુખાવો, કબજિયાત, વારંવાર થતી ઊલટીઓ, પેટ ફૂલવું વગેરે વધતી જતી તકલીફો શસ્ત્રક્રિયાની જરૂરિયાતની સંભાવના દર્શાવે છે. તેવા દર્દીમાં તકલીફની રાહત આપતી સારવાર ચાલુ રાખવાને બદલે તેને હૉસ્પિટલમાં ખસેડવો જોઈએ એવું મનાય છે. પેટના કોઈ ભાગને અડતાં કે દબાવતાં દુખે તો તેવું ઘણી તકલીફોમાં બને છે. પરંતુ જો અડક્યા પછી પેટ પરથી હાથ ઉપાડી લેવામાં આવે ત્યારે જો દુખાવો થાય તો તેને પ્રતિસ્પર્શવેદના (rebound tenderness) કહે છે. તે આંત્રપુચ્છશોથ (appendicitis) કે પરિતનકલાશોથ (peritonitis) જેવા શસ્ત્રક્રિયા જરૂરી ગણાય તેવા વિકારો સૂચવે છે.

અંકુર અ. દવે

શિલીન નં. શુક્લ