પ્રતિજ્ઞાસૂત્ર : શુક્લ યજુર્વેદનું એક પરિશિષ્ટ. શુક્લ યજુર્વેદી વેદપાઠીઓમાં સંહિતાપાઠ સાથે બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષદ, વેદાંગો તેમજ પરિશિષ્ટોનો પાઠ કરવો પડે છે. શુક્લ યજુર્વેદના ઉવટ અને મહીધર એ બે ભાષ્યકારોનાં ભાષ્યો સહિત પ્રકાશિત થયેલી વાજસનેયી-માધ્યંદિન શુક્લ યજુર્વેદ સંહિતા(પ્રકાશક, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, 1978)ના અંતે ‘સભાષ્ય શુક્લ યજુર્વેદ પરિશિષ્ટાનિ’ એ શીર્ષક નીચે શુક્લ યજુર્વેદનાં આ પરિશિષ્ટો આપેલાં છે : વેદપારાયણવિધિ, અનશ્નત્પારાયણવિધિ, યાજ્ઞવલ્ક્યશિક્ષા, પ્રતિજ્ઞાસૂત્ર અને સર્વાનુક્રમસૂત્ર. આમ ‘પ્રતિજ્ઞાસૂત્ર’ એ શુક્લ યજુર્વેદનાં પાંચ પરિશિષ્ટોમાંનું એક પરિશિષ્ટ છે. એમાં ત્રણ ખંડમાં વહેંચાયેલાં 9 + 7 + 8 = કુલ 24 સૂત્રો છે.

કાત્યાયનને આ પ્રતિજ્ઞાસૂત્રના રચયિતા માનવામાં આવ્યા છે. એ શુક્લ યજુર્વેદસંહિતાકાર યાજ્ઞવલ્ક્યના પુત્ર હતા અને તેમનાં કાત્ય, પુનર્વસુ, મેધાજિત્ તથા વરરુચિ એવાં બીજાં ચાર નામ પણ પ્રચલિત છે.

આ ‘પ્રતિજ્ઞાસૂત્ર’માં આ પ્રમાણે વિષય-પ્રતિપાદન છે : (1) મન્ત્ર અને બ્રાહ્મણ એ બંનેનું ‘વેદ’ નામ છે. એમાંના શુક્લ યજુર્વેદ આમ્નાયમાં માધ્યંદિનીય મન્ત્રમાં સ્વરપ્રક્રિયા આ પ્રમાણે છે : હૃદયમાં અનુદાત્ત, મસ્તકે ઉદાત્ત, કાનના મૂળ પર સ્વરિત. આ પ્રમાણે જાત્ય (સ્વરિત) વગેરે કહેવામાં આવ્યા છે. બ્રાહ્મણ ગ્રંથમાં તો ભાષિક અને સ્વર એ ઉદાત્ત અને અનુદાત્ત છે, જ્યારે છંદોની જેમ સૂત્રો તાન સ્વરવાળાં છે. (2) અંત:સ્થોમાંનો આદ્ય અંત:સ્થ (=‘ય’) પદના આદિમાં રહેલો હોય, બીજા કોઈ વ્યંજન સાથે જોડાયેલો હોય, સંયુક્ત હોય પણ અંત્ય રેફ અને ઉષ્મ વ્યંજન (= શ, ષ, સ, હ) અને સામાન્ય રીતે આદિ, મધ્ય કે અંત્ય ઋકાર સાથે ઉચ્ચારવાનો હોય, ત્યારે જાનો ઉચ્ચાર જકાર (=‘જ’ રૂપે) કરવો. અર્થાત્ જોડાક્ષરમાં ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ કે પ વર્ગના પહેલા ચારમાંના કોઈ પણ વ્યંજન પછી પાંચમો એટલે કે ઙકાર, ઞકાર, ણકાર, નકાર કે મકાર આવતાં પૂર્વ વ્યંજન સાથે તેના જેવો જ એક વધારાનો યમવર્ણ તરીકે ઓળખાતો, વ્યંજન આવીને તે બેવડો બને; જેમ કે, પલિક્ક્નિ, ચખ્ખ્નતુ, અગ્ગ્નિ વગેરે. એ જ રીતે, બીજો અંત:સ્થ (=‘વ’) બીજા એકલા વ્યંજન સાથે જોડાયેલો હોય, ઉષ્મ વ્યંજન, ઋ કાર દ્વારા એકાર (= એ) સાથે ઉચ્ચારણ કરવું. એ જ રીતે તૃતીય અંત:સ્થ (=‘ર’)નું ઉચ્ચારણ કરવું. કોઈક વાર ઋકારનું ઉચ્ચારણ તો, ભલે એ જોડાયેલ કે ન જોડાયેલ હોય છતાં, સામાન્યત: સર્વત્ર એ જ રીતે કરવું. છેલ્લા અંત:સ્થ (=‘લ’) પદના આદિ, મધ્ય કે અંતે હોય ત્યારે અનુક્રમે ગુરુ, મધ્યમ, અને લઘુવૃત્તિથી – એમ ત્રણ પ્રકારે ઉચ્ચારણ કરવું. મૂર્ધન્ય (= ટ, ઠ, ડ, ઢ, ણ, ર, ષ) વર્ણ અને ઉષ્મ વ્યંજન (શ,ષ,સ,હ) જોડાયેલા ન હોય, કે ટ વર્ગીય સિવાય જોડાયેલ હોય ત્યારે ખકાર (= ‘ખ’) રૂપે ઉચ્ચારણ કરવું. પણ અધ્યયન (=વેદપાઠ) વગેરે કર્મ વખતે, પણ અર્થ સમજાવતી વખતે મૂળમાં હોય તેમજ ઉચ્ચારણ કરવું. (3) અનુસ્વારનો એમ આદેશ (=ઙ કાર કે નાકમાંથી) ઉચ્ચારણ કરવું. એના ત્રણ પ્રકાર હ્રસ્વ, દીર્ઘ અને ગુરુ એમ ભેદ પાડીને કહેવામાં આવ્યા છે. દીર્ઘ કે ગુરુ પછી અનુસ્વાર આવે તો હ્રસ્વ અને હ્રસ્વ પછી અનુસ્વાર આવે તો દીર્ઘ અને ગુરુ પછી અનુસ્વાર આવે તો ગુરુ. (ગુરુ = સંયુક્ત અક્ષર પૂર્વેના અક્ષર; અક્ષર = એક કે વધુ વ્યંજનયુક્ત, કે સ્વતંત્ર, સ્વરવર્ણ) પરસવર્ણ પછી થોડોક વિરામ, અન્ય સ્થાનોમાં વિસર્ગ પછી થોડોક વિરામ, પદના આદ્ય સંયુક્તાકાર અક્ષરની થોડીક દીર્ઘતા થાય છે.

આ રીતે પ્રતિજ્ઞાસૂત્રમાં યજુર્વેદની સંહિતાના વેદપાઠને લગતાં ઉચ્ચારણ અંગેનાં સૂચનો દર્શાવવામાં આવ્યાં છે. અત્યારના જમાનામાં એનું ઉચ્ચારણ ‘વેદપાઠીઓ’ ‘ગુમ્’ એમ કરે છે, જેમાં એક અક્ષર વધી જતાં છંદોભંગ થતો જોવા મળે છે. તેથી એ પ્રથા અશાસ્ત્રીય છે.

નારાયણ કંસારા