પૉલાઇવૉલો ઍન્તોનિયો

January, 1999

પૉલાઇવૉલો, ઍન્તોનિયો (. 11 જાન્યુઆરી, 1433, ફ્લૉરેન્સ; . 5 ફેબ્રુઆરી, 1498, રોમ) : માનવદેહ-રચનાનો તજ્જ્ઞ ચિત્રકાર અને તૈલચિત્રની નવી તરકીબોનો પ્રણેતા. પિતા જેકોપો પૉલાઇવૉલોએ પુત્ર ઍન્તોનિયોને સોનીનો ધંધો શીખવા માટે બર્ટોલુચિયો દી મિકેલી પાસે મોકલ્યો. આ ઉપરાંત કાસ્તાન્યો પાસેથી ચિત્રકલા અને દોનતેલ્લો પાસેથી શિલ્પકલા શીખ્યો. થોડા જ વખતમાં ફ્લૉરેન્સના બધા જ સોનીઓ તેની ડિઝાઇનોનો ઉપયોગ કરતા થઈ ગયા. ચિત્રકલામાં તેનો પ્રભાવ છેક રફાયેલ સુધી વિસ્તર્યો. રફાયેલે પોતાની કેટલીક મૌલિક કૃતિઓમાં પૉલાઇવૉલોએ દોરેલી માનવઆકૃતિઓનો વિનિયોગ કર્યો છે.

ચિત્રકલા માટે માનવપાત્રનો શરીરવિજ્ઞાનની દૃષ્ટિએ અભ્યાસ કરનાર તે સૌપ્રથમ કલાકાર છે. માનવશરીરને હિંસક ક્રિયામાં મગ્ન હોય તેવું ચીતરવું એ તેની આગવી ખાસિયત છે. આમ પ્રારંભિક નવજાગરણકાળના ઉચ્યેલો, કાસ્તાન્યો અને દોનતેલ્લો તથા પુખ્ય નવજાગરણકાળના માઇકલેન્જેલો અને લિયોનાર્દો દ વિન્ચી વચ્ચે તે મહત્ત્વની કડી બને છે. તેમનાં રેખાચિત્રોની સ્પષ્ટ અસર બોત્તિચેલીનાં ચિત્રો પર પડેલી છે. તેમનું ‘આદમ’ નામનું રેખાચિત્ર લાક્ષણિક છે. ઘન, નક્કર માનવદેહ આમાં કોમળ રેખાઓ વડે પહેલી વાર ચિત્રિત થયો છે.

અમિતાભ મડિયા