પેશ્વા : શિવાજીના પ્રધાનમંડળમાંનો મુખ્ય પ્રધાન. શિવાજીની શાસન-વ્યવસ્થામાં આઠ પ્રધાનોને જુદાં જુદાં ખાતાંઓ આપવાની વ્યવસ્થા હતી. તેમાં મુખ્ય પ્રધાનને પેશ્વા તરીકે ઓળખવામાં આવતો. આ પ્રધાનો રાજાને સીધા જવાબદાર રહેતા. દરેક પ્રધાન સ્વતંત્ર રીતે કામ કરતો. રાજાની ગેરહાજરીમાં પેશ્વા રાજ્યના વડા તરીકે કામ કરતો અને રાજાના જેટલી સત્તા ભોગવતો. શરૂઆતમાં રાજાની દોરવણી હેઠળ પેશ્વા તેમના આદેશ મુજબ કામ કરતા. મરાઠી રાજ્યમાં તેઓ સર્વેસર્વા હતા અને એમનો હુકમ સૌ કોઈ માથે ચડાવતા. છત્રપતિ શિવાજીના અવસાન પછી પણ મરાઠાઓ ગેરીલા પદ્ધતિથી યુદ્ધ કરતા. તેમણે ઔરંગઝેબને હંફાવી તેની લશ્કરી છાવણીને ઉઠાવીને દિલ્હી પાછા ફરવાની ફરજ પાડી હતી.

શિવાજીના પુત્ર શંભાજીના વધ પછી ગાદીવારસાની તકરાર મરાઠા રાજ્યમાં જામી. મુઘલોએ મરાઠાઓમાં તડાં પડાવવા માટે શંભાજીના પુત્ર શાહૂને કારાવાસમાંથી મુક્ત કર્યો. આ સમય પહેલાં શિવાજીના બીજા પુત્ર રાજારામની વિધવા તારાબાઈએ મરાઠાઓએ ગુમાવેલા બધા કિલ્લા સર કરીને પોતાના પુત્ર શિવાજીને છત્રપતિ તરીકે જાહેર કરી દીધો હતો. કેદખાનામાંથી છૂટ્યા પછી શાહૂ મહારાષ્ટ્રમાં આગળ વધવા લાગ્યો. શાહૂ ગાદીનો ખરો હકદાર છે એમ નક્કી કરી મરાઠા સરદારો તેના નેજા હેઠળ ભેગા થવા લાગ્યા. તારાબાઈએ તેમની સામે લશ્કર મોકલ્યું, પણ લશ્કરનો સેનાપતિ ધનાજી જાદવ શાહૂના પક્ષમાં ભળી ગયો. તારાબાઈનો પક્ષ નબળો પડ્યો. તારાબાઈએ પોતાના પુત્ર શિવાજી બીજાનો કોલ્હાપુરમાં છત્રપતિ તરીકે રાજ્યાભિષેક કર્યો. બીજી તરફ સાતારામાં શાહૂનો છત્રપતિ તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો. આમ મરાઠી સત્તાને વિનાશને પંથે દોરી જનાર પરિબળો ઊભાં થયાં.

આ પરિસ્થિતિમાંથી મરાઠી સત્તાને બહાર લાવવાનું અને મજબૂત કરવાનું કાર્ય પેશ્વાએ કર્યું. છત્રપતિ શાહૂ મરાઠા સરદારોની મદદ અને મહેરબાનીથી ગાદીએ આવ્યો હતો. અણીને સમયે એને ખરી મદદ કરનાર બાલાજી વિશ્ર્વનાથ પર એના ચાર હાથ હતા. આ ચિત્તપાવન બ્રાહ્મણ સરદારે તારાબાઈના પક્ષકારોને પરાજય આપી છત્રપતિ શાહૂને સત્તારૂઢ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આથી છત્રપતિ શાહૂએ બાલાજી વિશ્ર્વનાથને પેશ્વાપદ આપ્યું. છત્રપતિ શાહૂ એની સલાહ-દોરવણી પ્રમાણે જ વર્તવા લાગ્યો. આમ પેશ્વાપદની દૃષ્ટિએ બાલાજી વિશ્ર્વનાથ પહેલો પેશ્વા બન્યો.

બાલાજી વિશ્ર્વનાથ (1713-1720) : મરાઠી સત્તાના વિકાસ માટે મહારાષ્ટ્રની બહાર સત્તા જમાવવાનો પહેલો વિચાર એણે કર્યો. બાલાજી વિશ્ર્વનાથના વડવાઓ જંજીરાના સીદીઓના તાબામાં આવેલા શ્રીવર્ધન ગામના દેશમુખો હતા. ચિપલૂણમાં મીઠાના ધંધામાં કારકુન તરીકે બાલાજી વિશ્ર્વનાથે નોકરીની શરૂઆત કરી. પછી તેણે મહેસૂલ ખાતામાં કામ કર્યું હતું. પછી પુણે (પૂના) તથા દોલતાબાદના સૂબા તરીકે પણ કામ કર્યું હતું. શાહૂની મુશ્કેલ પરિસ્થિતિમાં તેની સાથે સંબંધ બાંધી પોતાની કુશળતા, વફાદારી અને ચારિત્ર્ય દ્વારા સારો પ્રભાવ પાડ્યો હતો. શાહૂની મુક્તિ બાદ એને મદદ કરવામાં અને એના વિરોધીઓને સમજાવવાનું મહત્ત્વનું કાર્ય તેણે કર્યું હતું. મરાઠા નૌકાદળના વડા અને તારાબાઈના ખાસ પક્ષકાર કાન્હોજી આંગ્રેને શાહૂના પક્ષમાં લાવવાનું મહત્ત્વનું કાર્ય તેણે કર્યું હતું. સેનાપતિ ચંદ્રસેને શાહૂના પક્ષમાંથી રાજીનામું આપ્યું ત્યારે તેણે પોતાની કુશળતા અને હોશિયારી બતાવી શાહૂને બચાવ્યો હતો. આમ શાહૂને બાલાજી વિશ્ર્વનાથની કુનેહ અને શક્તિઓનો ઘણો લાભ મળ્યો હતો.

મુઘલોના આંતરવિગ્રહ સમયે બાલાજી વિશ્ર્વનાથે સૈયદ હુસેનખાન સાથે સંધિ કરી અને આ સંધિ દિલ્હીના બાદશાહ પાસે પળાવવાનું વચન લીધું. આ સંધિ પ્રમાણે શિવાજીના કિલ્લા અને સ્વરાજ્ય તરીકે ઓળખાતો બધો પ્રદેશ શાહૂને મળે. ખાનદેશ, વરાડ, ગોંડવાના, હૈદરાબાદ અને કર્ણાટકના મરાઠાઓએ જીતેલા પ્રદેશો પર શાહૂની સત્તા ચાલુ રાખવી. મુઘલોના દક્ષિણના છ પ્રાંતોમાં મરાઠાઓને ચોથ અને સરદેશમુખી ઉઘરાવવાની સત્તા આપવી અને તેના બદલામાં શાહૂ 15,000નું લશ્કર બાદશાહની સેવામાં આપે અને દક્ષિણમાં લૂંટફાટ અને ગેરવ્યવસ્થાને મરાઠાઓ અટકાવવી. કોલ્હાપુરમાં શંભાજીને શાહૂએ હેરાન કરવો નહિ અને મુઘલ બાદશાહને દસ લાખ રૂપિયા ખંડણી દર વર્ષે આપવી. મુઘલ બાદશાહે શાહૂની માતા યેશુબાઈ, પત્ની, ભાઈ મદનસિંહ અને બીજા મરાઠા રાજવંશનાં માણસોને છોડી મૂક્વાં.

બાલાજી વિશ્ર્વનાથ અને ખંડેરાવ દાભાડે 15,000ના મરાઠી સૈન્ય સાથે દિલ્હી ગયા. શાહૂની માતા અને કુટુંબનાં બીજા સભ્યોને છોડાવવામાં આવ્યા. દક્ષિણમાં શાહૂને ચોથ અને સરદેશમુખી ઉઘરાવવાનો હક્ક મળ્યો. આમ પેશ્વા તરીકે બાલાજી વિશ્ર્વનાથ કુશળ, રાજનીતિજ્ઞ અને સમર્થ વહીવટકર્તા સાબિત થયો.

પેશ્વા બાજીરાવ પહેલો (1720-1740) : બાલાજી વિશ્ર્વનાથના અવસાન બાદ તેના વીસ વર્ષની ઉંમરના પુત્ર બાજીરાવની પેશ્વા તરીકે શાહૂએ નિમણૂક કરી. બાજીરાવે દરબારમાં પોતાની નવી નીતિ રજૂ કરીને સમજાવ્યું કે આપણે વૃક્ષના મૂળ પર ઘા કરીશું તો ડાળીઓ આપોઆપ ખરી પડશે. શાહૂએ આ વાત સ્વીકારી ઉત્તર તરફ આગળ વધવા સૂચના મરાઠા સરદારોને આપવામાં આવી.

રજપૂત રાજાઓ અંદરોઅંદર ઝઘડતા હતા તેનો લાભ ઉઠાવી 1724માં બાજીરાવે માળવા પર ચઢાઈ કરી, એ પ્રદેશ જીતી લીધો. તેણે પોતાના પ્રતિનિધિઓને ત્યાં મહેસૂલ વસૂલ કરવા નીમ્યા. આ સરદારો ઉદાજી પવાર, મલ્હારરાવ હોલ્કર અને રાણોજી સિંધિયાએ ત્યાં પાછળથી અનુક્રમે ધાર, ઇન્દોર અને ગ્વાલિયરનાં રાજ્યોની સ્થાપના કરી. મરાઠા સેનાએ મોટાભાગના ગુજરાત પર અંકુશ જમાવ્યો અને મહેસૂલ ઉઘરાવવાનું કામ ખંડેરાવ દાભાડે તથા દામાજી ગાયકવાડને સોંપવામાં આવ્યું. ગાયકવાડે પાછળથી વડોદરા રાજ્યની સ્થાપના કરી. પેશ્વાએ પોતાના ભાઈ ચિમનાજી અપ્પાને 1728માં માળવા મોકલ્યો. તેણે માળવાના મુસ્લિમ ગવર્નરને હાંકી કાઢ્યો અને ત્યાં મરાઠાઓની સત્તા સ્થાપી. બુંદેલખંડના રાજા છત્રસાલને વિકટ પરિસ્થિતિમાં બાજીરાવે મદદ કરી તેની પાસેથી બુંદેલખંડનો ત્રીજા ભાગનો વિસ્તાર મેળવ્યો. બુંદેલાઓ અને મરાઠાઓ વચ્ચે મિત્રાચારીના કરાર કરવામાં આવ્યા. પેશ્વાએ ત્યાં વહીવટ કરવા માટે ગોવિંદ બલ્લાળ ખેર નામના પ્રતિનિધિને મૂક્યો, જે પાછળથી ગોવિંદ પંત બુંદેલાના નામે ઇતિહાસમાં પ્રસિદ્ધ થયો અને તેણે ઝાંસીના રાજ્યની સ્થાપના કરી.

મુઘલ સત્તાના અસ્તકાળે નિઝામ-ઉલ-મુલ્ક આસફજહાં સૌથી બળવાન સરદાર બની રહ્યો હતો. તે મરાઠાઓને પોતાના મોટા શત્રુ માનતો હતો. મરાઠાઓ અંદરોઅંદર લડે તે માટે તે પ્રયત્નો કરતો હતો. શાહૂ પાસેથી દક્ષિણ હિંદના મુઘલ પ્રાંતોમાંથી ચોથનો હક્ક છોડાવી દેવા પ્રયત્ન કરતો હતો; તેથી નિઝામ અને મરાઠાઓ વચ્ચે યુદ્ધ થયું. પેશ્વાએ નિઝામને ઔરંગાબાદ પાસે ઘેરી લીધો અને તેનો પુરવઠો કાપી નાખ્યો. તેને સંધિ કરવાની ફરજ પડી. આ સંધિ ‘મુન્ગી શિવગાંવ’ની સંધિ તરીકે ઓળખાય છે. પેશ્વાને નિઝામે પચાવી પાડેલો પ્રદેશ પાછો સોંપ્યો. મરાઠા યુદ્ધ-કેદીઓને મુક્ત કરાવ્યા અને મુઘલોના દક્ષિણના છ સૂબાઓમાં ચોથ ઉઘરાવવાના અધિકારો મેળવ્યા.

આ સંધિ પછી પણ નિઝામનું વલણ દુશ્મનાવટભર્યું રહ્યું. બાજીરાવે નિઝામને ફરી હરાવ્યો. નિઝામે બાજીરાવ સાથે સુલેહ કરી મરાઠાઓને નક્કી કરેલી ચોથ અને સરદેશમુખી ઉઘરાવવાના હક્ક આપ્યા. બાજીરાવને ઉત્તર હિંદના આક્રમણ દરમિયાન નિઝામે તટસ્થ રહેવાની કબૂલાત આપી. ઉત્તર તરફ મરાઠાઓનું ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યવસ્થા ઊભી થઈ.

બાજીરાવે માળવામાં ચોથ ઉઘરાવવાની તેમજ થયેલા ખર્ચને પહોંચી વળવા થોડી રોકડ રકમ મેળવવાની દિલ્હીની સત્તા પાસે માગણી કરી. પાછળથી પેશ્વાએ માળવા, બુંદેલખંડ, બંગાળ અને દખ્ખણ ઉપર સંપૂર્ણ સત્તાની માગણી કરી. બાજીરાવનો સામનો કરી શકે તેવો શક્તિશાળી સેનાપતિ મુઘલો પાસે ન હતો. બાજીરાવે મુઘલ સૈન્યને હરાવ્યું અને દિલ્હીના સીમાડે પહોંચી ગયો. મુઘલ શહેનશાહે નિઝામની મદદ માગી. નિઝામે આ તક ઝડપી લીધી. બાજીરાવની સેનાને ફસાવવા માટે તેણે યોજના બનાવી. બાજીરાવે નિઝામની બધી ગણતરીઓ ઊંધી પાડી. નિઝામને ભોપાળ નજીક સજ્જડ હાર આપી. 1738ના જાન્યુઆરીમાં નિઝામને દુરાઈ સરાઈની સંધિ સ્વીકારવાની ફરજ પડી. આ સંધિ પ્રમાણે સમગ્ર માળવા પર મરાઠાઓનો અંકુશ સ્વીકારવામાં આવ્યો. નર્મદા અને ચંબલ વચ્ચેનો સંપૂર્ણ પ્રદેશ મરાઠાઓની સત્તાનો પ્રદેશ જાહેર કરવામાં આવ્યો. નિઝામે દંડ પેટે રૂ. પચાસ લાખ ચૂકવ્યા. બાજીરાવની આ નોંધપાત્ર સફળતા હતી.

મરાઠાઓએ 1737માં સાલસેટ અને 1739માં વસઈનો પ્રદેશ પૉર્ટુગીઝોને હરાવીને મેળવ્યો. માત્ર 40 વર્ષની ઉંમરે 1740માં બાજીરાવનું અવસાન થયું. તેની સૈનિક અને સેનાપતિ તરીકેની શક્તિ અદ્ભુત હતી. મરાઠા સામ્રાજ્યના વિસ્તારનો યશ તેને મળ્યો.

બાજીરાવ એક ઉત્તમ પેશ્વા હતો.

બાલાજી બાજીરાવ (1740-1761) : બાજીરાવના સૌથી મોટા પુત્ર બાલાજી બાજીરાવ નાનાસાહેબને 18 વર્ષની ઉંમરે છત્રપતિ શાહૂએ પેશ્વા તરીકે નીમ્યો. આ રીતે શાહૂએ પેશ્વાપદ વંશપરંપરાગત બનાવવાની પ્રણાલિકા પાડી. તેણે પિતા અને કાકા ચિમનાજીની દેખરેખ નીચે યુદ્ધનીતિ અને રાજનીતિનું શિક્ષણ મેળવ્યું હતું. વિરોધીઓને લશ્કરી તાકાતથી દાબી દેવામાં તે માનતો હતો. તેણે તરુણાવસ્થામાં પોતાની શક્તિઓ, વફાદારી, સ્વદેશભક્તિ અને કાર્યદક્ષતાનો શાહૂને પરિચય કરાવ્યો હતો. તેણે લશ્કરમાં ભાડૂતી સૈનિકો દાખલ કર્યા. યુદ્ધ કરવાની જૂની પદ્ધતિ ત્યજી દેવામાં આવી. તેનાં લશ્કરો કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા સિવાય હિંદુ અને મુસલમાનોને લૂંટવા લાગ્યાં તેથી રાજપૂતો અને બીજા હિન્દુઓની સહાનુભૂતિ તેણે ગુમાવી.

દક્ષિણમાં આગળ વધવાની નીતિ સાથે 1757માં શ્રીરંગપટ્ટનમ્ પાસે મરાઠા સેના આવી પહોંચી અને એ પ્રદેશમાંથી જોરજુલમથી ચોથ ઉઘરાવી બિદનોર અને મૈસૂરના હિંદુ રાજ્ય પર ચઢાઈ કરી. 1760માં ઉદ્ગીર પાસે સદાશિવરાવે નિઝામઅલીને હરાવ્યો. સંધિ કરી બીજાપુરનો આખો પ્રાંત, ઔરંગાબાદ અને બીદર(વરાડ)નો થોડો ભાગ, દોલતાબાદ અને બીજા કેટલાક કિલ્લા મેળવ્યા.

મરાઠા સત્તાને ઉત્તરમાં આગળ વધારવા માટે બાલાજી બાજીરાવે ખાસ ધ્યાન આપ્યું. 1756ના અંતે તેણે ઉત્તર તરફ લશ્કર મોકલ્યું. સખારામ બાપુએ જાટ સરદારો સાથે મિત્રાચારી બાંધી દોઆબમાં મરાઠાઓએ સર્વોપરી સત્તા સ્થાપી. ઑગસ્ટ, 1757માં મરાઠાઓએ દિલ્હી પર હુમલો કર્યો અને વઝીર ઇમાદના હાથમાં દિલ્હીની સત્તા સોંપી. 1758માં સરહિંદ અને લાહોરનો પ્રદેશ તાબે કર્યો. પંચોતેર લાખ રૂપિયાની વાર્ષિક ખંડણી લેવાની શરતે આદિનાબેગને આ પ્રદેશનો વહીવટ સોંપી, મરાઠા સેના પાછી ફરી. રઘુનાથરાવ મરાઠાઓની સત્તા છેક અટક સુધી લઈ ગયો પણ આ સિદ્ધિ યોગ્ય વ્યવસ્થાના અભાવે પોકળ સાબિત થઈ. પુણેની તિજોરીને તેનાથી કોઈ આવક થઈ નહિ અને લશ્કરના ખર્ચ પાછળ એંસી લાખ રૂપિયા શરાફોને આપવા પડ્યા. લશ્કરનાં દળોને પગાર ચૂકવવાના બાકી હતા અને રાજકીય રીતે અહમદશાહ અબ્દાલી સાથેનું યુદ્ધ અનિવાર્ય બન્યું.

પંજાબમાં આદિનાબેગનું મૃત્યુ થતાં ત્યાં અરાજકતા અને અંધાધૂંધી વ્યાપી ગયાં. આથી પેશ્વાએ સાબાજી સિંધિયાને પંજાબનો વહીવટ સોંપ્યો. દુરાનીએ પંજાબ ઉપર હુમલો કરી પંજાબ જીતી લીધું. અહમદશાહ અબ્દાલીએ દિલ્હી પર ચઢાઈ કરી. મરાઠાઓના વિરોધી બનેલા રોહિલાઓ તથા ઔંધના નવાબે અહમદશાહને સાથ આપ્યો. મરાઠાઓના રજપૂતો સાથેના ખરાબ વર્તનને કારણે તેઓ તટસ્થ રહ્યા. પેશ્વાની ટૂંકી રાજકીય દૃષ્ટિને કારણે મરાઠાઓએ દેશની મુખ્ય સત્તાઓનો સાથ ગુમાવ્યો. સૂરજમલ જાટ મરાઠા સરદાર સદાશિવરાવ ભાઉ સાથેના મતભેદને કારણે તેમનો સાથ છોડી ચાલ્યો ગયો. મરાઠા લશ્કરને માલસામાનની મુશ્કેલી પડવા લાગી. તેથી ઑક્ટોબર, 1760માં તેઓ પાણિપત પહોંચ્યા.

પાણિપતના મેદાનમાં મરાઠા સૈન્ય અને અહમદશાહ અબ્દાલીનું સૈન્ય એકબીજાની સામે આવી ગયાં. ભૂખમરાથી ત્રાસેલા મરાઠા સૈન્યે (14મી) જાન્યુઆરી, 1761ના રોજ જંગ છેડ્યો. વિશ્વાસરાવ બંદૂકની ગોળીથી મરાયો. સદાશિવરાવે દેશનું રક્ષણ કરતાં બલિદાન આપ્યું. મરાઠા સૈન્યે યુદ્ધભૂમિ છોડી નાસી જવાનું પસંદ કર્યું. પાણિપતના યુદ્ધમાં મરાઠાઓની કારમી હાર થઈ. હજારો સૈનિકો યુદ્ધભૂમિમાં મરાયા. મહારાષ્ટ્રમાં ભારે આપત્તિ ઊતરી. વિજેતાઓને લૂંટમાંથી ખૂબ માલ મળ્યો. આ હારના સમાચાર આવ્યા ત્યારે પેશ્વા બીમાર હતો અને રાષ્ટ્રવ્યાપી હોનારતના સમાચારથી જૂન(1761)માં ભારે હૈયે તેણે દેહ છોડ્યો.

પાણિપતના ત્રીજા યુદ્ધે મરાઠા સત્તા પર મરણતોલ ફટકો માર્યો.

પેશ્વા માધવરાવ પહેલો (1761-1772) : મરાઠાઓના કપરા સંજોગોમાં નાની ઉંમરના, નાજુક તબિયતવાળા માધવરાવને પેશ્વાપદ આપવામાં આવ્યું. માધવરાવમાં શ્રદ્ધા અને જુસ્સો અજબનાં હતાં. સત્તર વર્ષની ઉંમરે પેશ્વાની જવાબદારી ઉઠાવનાર માધવરાવે નોંધ્યું છે કે અત્યારે રાજ્યના ત્રણ મહાન દુશ્મનો છે : હૈદરાબાદનો નિઝામ, મૈસૂરનો હૈદરઅલી અને અંગ્રેજો; પરંતુ ઈશ્ર્વરની મહેરબાની હશે તો એ સર્વેને તાબે કરી શકાશે.

પાણિપતના પરાજયનો સૌ પ્રથમ લાભ લેવા નિઝામે પ્રયત્ન કર્યો. પેશ્વાની સેનાએ નિઝામને હાર આપી. રાઘોબાના ખરાબ વર્તનથી સંધિમાં ખાસ લાભ મરાઠાઓને મળ્યો નહિ. રાઘોબા અને માધવરાવ વચ્ચે મેળ ન હતો. તેનો લાભ ઉઠાવી નિઝામે પુણે ઉપર ફરી આક્રમણ કર્યું. માધવરાવે રાઘોબાને સમજાવી પોતાના પક્ષમાં લીધા. ગોદાવરી નદીના કિનારે રાક્ષસભુવન પાસે નિઝામ અને મરાઠા સૈન્ય વચ્ચે દારુણ યુદ્ધ થયું. માધવરાવે ભારે પરાક્રમ બતાવ્યું. નિઝામને એવો બોધપાઠ આપ્યો કે એ પછી તેણે બત્રીસ વર્ષ સુધી મરાઠાઓ સામે યુદ્ધ કર્યું નહિ. સંધિ પ્રમાણે નિઝામે કેટલોક પ્રદેશ મરાઠાઓને આપવો પડ્યો.

હૈદરઅલી એક સૈનિકમાંથી શક્તિશાળી સુલતાન બન્યો હતો. અંગ્રેજો અને મરાઠાઓને તેની વધતી તાકાતને સીમિત રાખવાનો વિચાર આવી ગયો હતો. પાણિપતના પરાજયનો લાભ ઉઠાવી તેણે મરાઠાઓના કેટલાક પ્રદેશો પચાવી પાડ્યા હતા. તે નિઝામને પણ મરાઠાઓ વિરુદ્ધ ઉશ્કેરતો હતો. મરાઠાઓનો ઘણો પ્રદેશ તેણે પચાવી પાડ્યો હતો; તેથી મરાઠાઓને વર્ષે પચાસ લાખ રૂપિયાની ખાધ પડતી હતી. માધવરાવે 1764માં હૈદરઅલીને સખત હાર આપી. રાઘોબાના કાવતરાને પરિણામે હૈદરઅલીને ફરી સત્તા મળી અને મરાઠાઓને ખાસ લાભ થયો નહિ. 1767માં હૈદરઅલી સામે ફરી યુદ્ધ થયું. તેમાં તેને સંધિ કરવાની ફરજ પડી. તેણે પોતાના કેટલાક કિલ્લા અને એકત્રીસ લાખ રૂપિયા પેશ્વાને આપ્યા. આ સંધિનો ભંગ થતાં 1770 અને 1771માં મરાઠા સેનાએ હૈદર સામે યુદ્ધ કરી તેને સંધિ કરવાની ફરજ પાડી. 1772માં સંધિ પ્રમાણે મરાઠાઓને 25 લાખ રૂપિયા અને છ લાખનું ઝવેરાત આપ્યું; એ ઉપરાંત ત્રણ વાર્ષિક હપ્તાઓમાં 19 લાખ રૂપિયા વધારાના આપવાનું સ્વીકાર્યું. મરાઠાઓએ મૈસૂરમાં અનેક કિલ્લા અને અગત્યનાં સ્થળો ટકાવી રાખ્યાં.

માધવરાવ વેપારી અંગ્રેજોને બરાબર ઓળખી ગયો હતો. અંગ્રેજો પણ માધવરાવની ચાણક્યનીતિને જાણી ગયા હતા. તેથી તેઓ મિત્રાચારીનો હાથ લંબાવવાનું યોગ્ય માનતા. અંગ્રેજ ટૉમસ મૅસ્ટીન (1767) પેશ્વાની મૈત્રી માટે આવ્યો હતો; પણ તે તેમાં સફળ થયો ન હતો. છતાં પેશ્વાને એટલી ખાતરી આપી હતી કે જ્યાં સુધી પેશ્વા અંગ્રેજો સાથેની મૈત્રીમાં વફાદાર રહેશે ત્યાં સુધી અંગ્રેજો તેના સંબંધીઓ કે વિરોધીઓને મદદ કરશે નહિ. માધવરાવના સમય દરમિયાન અંગ્રેજો અને પેશ્વાના સંબંધો મૈત્રીભર્યા જ રહ્યા હતા.

પાણિપતના પરાજયથી મરાઠી સત્તા ઉત્તર ભારતમાં ડામાડોળ પરિસ્થિતિમાં આવી હતી. માધવરાવે સરદારોની મદદથી આ પરિસ્થિતિને સુધારવામાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. તેણે સૌપ્રથમ વરાડના રાજા જાનોજી ભોંસલેને 32 લાખ રૂપિયાની આવકવાળો પ્રદેશ આપીને રાજી કરી લીધો; છતાં ભોંસલે પેશ્વા વિરુદ્ધ કામો કરતો હતો, આથી નિઝામની મદદ લઈ પેશ્વાએ તેના પર આક્રમણ કર્યું અને તેને સંધિ કરવાની ફરજ પાડી. તેની પાસે આઠ લાખની આવકનો પ્રદેશ રાખી બાકીનો પાછો લઈ લીધો.

ઉત્તર હિંદમાં મરાઠા સરદાર મલ્હારરાવ હોલકર પોતાના પ્રતિસ્પર્ધીઓને ધીમે ધીમે માત કરી મરાઠા સત્તા સ્થાપવામાં સફળ થયો. 1765માં તે મૃત્યુ પામ્યો. એની આ પ્રતિષ્ઠા ટકાવવાનો યશ અહલ્યાબાઈ હોલકરને મળ્યો. પેશ્વાએ મહાદજી શિંદેને ઉત્તર ભારતમાં મોકલ્યો. તેણે બહાદુરીપૂર્વક કાર્ય કરીને નજીબખાનના મૃત્યુ બાદ બાદશાહ શાહઆલમને દિલ્હીની ગાદી પર બેસાડ્યો. મરાઠાઓની મદદના બદલામાં દિલ્હીના આ બાદશાહે તેમને 40 લાખ રૂપિયા અને મીરત, કારા અને કોરાના જિલ્લાઓ આપ્યા તેમજ પોતાના રાજ્યમાં અગત્યની નિમણૂકો પેશ્વાની સંમતિથી કરવાની કબૂલાત આપી. આમ દિલ્હી અને ઉત્તર ભારતમાં પરિસ્થિતિ સુધરી રહી હતી એવામાં જ 1772માં માધવરાવનું અવસાન થયું.

માધવરાવના અવસાનથી મરાઠા રાજ્ય પર આફતનાં વાદળો ધસી આવ્યાં. થોડા સમય માટે નાના ફડનવીસ અને મહાદજી શિંદેની રાહબરી હેઠળ મરાઠાઓની વિકાસયાત્રા ચાલુ રહી. ત્યારપછી રાજ્ય પતનના માર્ગે ધકેલાઈ ગયું. માધવરાવનું કાર્ય અને સમજ જોતાં તે એક મહાન પેશ્વા હતો. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેની હિમ્મત અને બહાદુરી પ્રશંસનીય હતાં. અનેક કપરા સંજોગોમાં મરાઠા રાજ્યને સ્થિરતા અને પ્રગતિ આપવાનું માન તેને ફાળે જાય છે.

નારાયણરાવ પેશ્વા : માધવરાવના અવસાન પછી 17 વર્ષના તેના ભાઈ નારાયણરાવને પેશ્વા બનાવવામાં આવ્યો. તે સગીર હોવાથી રાજ્યનો વહીવટ રાઘોબા ચલાવતો હતો. તેની ઇચ્છા જાતે જ પેશ્વા થઈ જવાની હતી. તેણે હૈદર અને નિઝામ સાથે સંધિ કરી. મરાઠાઓએ તેમની પાસેથી જીતેલા પ્રદેશો પાછા આપ્યા. તેનું આ કાવતરું પકડાઈ જતાં રાઘોબાને કેદ કરવામાં આવ્યો. 1773માં નારાયણરાવનું ખૂન થયું. આ ખૂન રાઘોબાએ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે. નાના ફડનવીસે બાર અગત્યના માણસોનું મંડળ રચ્યું અને પેશ્વાની સત્તાઓ તેમના હાથમાં રાખી. નારાયણરાવની વિધવાએ પુત્રને જન્મ આપ્યો. તેને સવાઈ માધવરાવ નામ આપવામાં આવ્યું. નાના ફડનવીસ અને મહાદજી શિંદે મરાઠાઓને સ્વતંત્ર અને શક્તિશાળી રાખી શક્યા. સવાઈ માધવરાવના 1800માં અવસાન પછી બાજીરાવ બીજો પેશ્વા થયો. 1802માં વસાઈની સંધિ થઈ અને પેશ્વાના પદનો અંત આવ્યો.

જ. મ. શાહ