પેરેસ શિમોન (Peres Shimon)

January, 1999

પેરેસ, શિમોન (Peres, Shimon) (. 1 ઑગસ્ટ 1923, પોલૅન્ડ; . 28 સપ્ટેમ્બર 2016, ઇઝરાયલ) : 1994ના શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અન્ય સાથે મેળવનાર ઇઝરાયલના રાજદ્વારી નેતા. તેમને એ નોબેલ પુરસ્કાર રાબિન અન યાસર અરાફાત સાથે ઇઝરાયલ-જૉર્ડન શાંતિ વાર્તાલાપ અને ઓસ્લો એકોર્ડ શાંતિ વાર્તાલાપ પૅલેસ્ટાઇનના આગેવાનો સાથે સફળતાપૂર્વક કરવા માટે આપવામાં આવ્યો હતો.

શિમોન પેરેસનો જન્મ સ્ઝીમોન પેર્સ્કી, વિઝનીવ, પોલૅન્ડમાં થયો હતો. જે આજે વિસ્નયેવા, બેલારુસ તરીકે ઓળખાય છે. તેમના કુટુંબમાં હિબ્રૂ, યીડિશ અને રશિયન ભાષા બોલવામાં આવતી હતી. પેરેસ શાળામાં પોલિશ ભાષા શીખ્યા. તેમના પિતા લાકડાના વેપારી હતા. માતા પુસ્તકાલયમાં ગ્રંથપાલ હતાં.

1932માં તેમના પિતા આદેશ અનુસાર કાયમી વસવાટ માટે પૅલેસ્ટાઇન આવી તેલ અવીવમાં સ્થાયી થયા. તેમનું કુટુંબ 1934માં તેમની પાસે આવી ગયું. આથી પેરેસે આગળનો અભ્યાસ બાલફોરની શાળામાં કર્યો. પંદર વર્ષની ઉંમરે તેમને બૅન શૅમેન ઍગ્રિકલ્ચરલ સ્કૂલમાં ફેરવવામાં આવ્યા. આથી થોડાં વર્ષો તેઓ કિબુત્ઝ ગૅવામાં રહ્યા. 1941માં તેઓ યુવાપ્રવૃત્તિઓના મંત્રી તરીકે ચૂંટાયા. 1944માં તેમણે ખેતીની તાલીમ લીધી હોવાથી આલ્મુટ આવી ખેડૂત તરીકે તથા ભરવાડ તરીકે જિન્દગીની શરૂઆત કરી.

તેમનાં સગાં-સંબંધી જે વિઝનીવમાં રહ્યાં હતાં એ તમામની 1941માં અગ્નિકાંડમાં હત્યા કરવામાં આવી. કેટલાકનો તો જીવતા સળગાવી દેવામાં આવ્યા.

1945માં પેરેસે સોનિયા ગૅલમાન સાથે લગ્ન કર્યાં.

પેરેસ અને મોશે દયાલને બાસેલની ઝિઓનિસ્ટ કૉંગ્રેસમાં જનારા માપાઈ પ્રતિનિધિમંડળમાં યુવાસભ્ય તરીકે 1946માં મોકલવામાં આવ્યા. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સમાં 1947માં જોડાયા. ત્યાં તેમને હથિયારોની ખરીદી માટે વ્યક્તિગત જવાબદારી સોંપવામાં આવી. 1948માં જ્યારે ઇઝરાયલ સ્વતંત્ર થયું ત્યારે તેમને નૌસેનાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 1950ના દાયકાની શરૂઆતમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલવામાં આવેલા પ્રતિનિધિમંડળના તેઓ નિયામક હતા. અમેરિકામાં હતા તે દરમિયાન તેમણે ધ ન્યૂ સ્કૂલ, ન્યૂયૉર્ક યુનિવર્સિટીમાં અંગ્રેજી, અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. ઉપરાંત હાર્વર્ડ યુનિવર્સિટીમાં ‘ઍડવાન્સ મૅનેજમેન્ટ’ અંગેનો અભ્યાસ કર્યો.

1952માં તેઓ નાયબ નિયામક જનરલ તરીકે રક્ષા મંત્રાલયમાં નિયુક્ત થયા. અને બીજા વર્ષે નિયામક બન્યા. આ પદ પર પહોંચનાર સૌથી નાની ઉંમર (29 વર્ષ) ધરાવનાર વ્યક્તિ તેઓ હતા. ઇઝરાયલ માટે હથિયાર ખરીદી અને લોકોની એકતા માટે તેમણે મહત્વની કામગીરી બજાવી. તેમણે ફ્રાન્સ અને યુ.કે. સાથે ત્રિપક્ષીય કરાર કરી મિરાજ-વિમાનો ખરીદ્યાં. દીમોના ન્યૂક્લિયર રિએક્ટર(પરમાણુભઠ્ઠી)ની સ્થાપના કરી. આથી 1956ના સૂએઝ યુદ્ધ વખતે ઇઝરાયલ પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરી શક્યું. 1958થી સતત તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે તેઓ ચાર્લ્સ-દ-ગૉલ મંત્રણા કરતા રહ્યા અને સફળ પણ થયા.

1959માં તેઓ પ્રથમ ચૂંટણી જીતી નાયબ રક્ષામંત્રી તરીકે 1964 સુધી રહ્યા. અમેરિકાના જ્હૉન એફ. કૅનેડીને સમજાવીને અમેરિકાનાં હૉક-ઍન્ટિઍરક્રાફ્ટ મિસાઇલ ઇઝરાયલ માટે મેળવવામાં તેઓ સફળ રહ્યા.

1969માં પેરેસ શરણાર્થી-સહાય-ખાતાના અને 1970માં વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર-ખાતાના મંત્રી બન્યા. ઇઝાક રાબિનની સરકારમાં 1974માં રક્ષામંત્રી થયા.

27 જૂન, 1976ના દિવસે પૅલેસ્ટાઇન-ચળવળના આતંકવાદીઓએ ઍર ફ્રાન્સના વિમાનનું અપહરણ કર્યું અને 2000 માઈલ દૂર યુગાન્ડા, આફ્રિકા લઈ ગયા. તેમાં 248 મુસાફરો હતા. 4 જુલાઈ, 1976ના રોજ પેરેસ અને રાબિન દ્વારા ઇઝરાયલના સૈનિકો (કમાન્ડો) મોકલવામાં આવ્યા. તેમણે તમામ મુસાફરોને મુક્ત કરનારું ‘ઍન્ટેબી રૅસ્ક્યૂ ઑપરેશન’ કુનેહપૂર્વક પાર પાડ્યું.

1977માં પેરેસ થોડા સમય માટે કાર્યકારી વડાપ્રધાન બન્યા. વિદેશ મંત્રી તરીકે 1994માં ઇઝરાયલ જૉર્ડન વચ્ચે શાંતિ સ્થાપવામાં તેઓ સફળ રહ્યા હતા. તેઓ 1984 અને 1986માં ઇઝરાયલના વડાપ્રધાન બન્યા હતા. 1996માં તેમણે ‘પેરેસ સેન્ટર ફૉર પીસ’ની સ્થાપના કરી. મધ્યપૂર્વના દેશોમાં શાંતિ જળવાઈ રહે એ આ સંસ્થાનો ઉદ્દેશ રહ્યો છે.

પેરેસ કવિ અને ગીતલેખક તરીકે પણ જાણીતા છે. સાહિત્યમાં રસ હોવાને લીધે તેઓ હિબ્રૂ ભાષાનાં તેમ જ ફ્રાન્સના સાહિત્યના અને ચીનના તત્વજ્ઞાનનાં ઉદાહરણો સમાન રીતે આપી શકતા હતા.

તેઓ 2007-14 દરમિયાન નવમા પ્રમુખ તરીકે હતા. બે વખત વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા પેરેસે 1970ના દાયકાથી 1990ના દાયકા સુધી કાર્યકારી વડાપ્રધાન તરીકેની જવાબદારી સંભાળી હતી. તેમના નિવૃત્તિના સમયે તેઓ ઇઝરાયલના સૌથી મોટી ઉંમરના પ્રમુખ હતા. તેમના અવસાન સાથે ઇઝરાયલનું નિર્માણ કરનાર પેઢીનો અસ્ત થયો. તેમના અવસાન પછી તેમણે તૈયાર કરાવેલ પરમાણુભઠ્ઠી અને પરમાણુસંશોધન કેન્દ્રને તેમનું નામ આપવામાં આવ્યું.

તેમણે જે અગિયાર પુસ્તકો લખ્યાં છે તેમાં ‘ધ નેક્સ્ટ સ્ટેપ’, ‘ડેવિડ્સ સ્લીંગ’, ‘ઍન્ડ નાવ ટુમોરો’, ‘ફ્રૉમ ધીસ મૅનસેવન ફાઉન્ડર્સ ઑફ ધ સ્ટેટ ઑવ્ ઇઝરાયલ’, ‘એન્ટેબી ડાયરી’, ‘ધ ન્યૂ મિડલ ઇસ્ટ’, ‘બૅટલ ફૉર પીસ’, ‘ફૉર ધ ફ્યૂચર ઑવ્ ઇઝરાયલ’, ‘ધ ઇમેજનરી વોયેઝ’, ‘બૅન ગુરિયન  અ પોલિટિકલ લાઇફ’નો સમાવેશ થાય છે.

તેમને અનેક માન-સન્માન પ્રાપ્ત થયાં, જેમાં અમેરિકાના પ્રમુખ બરાક ઑબામા દ્વારા 13 જૂન, 2012ના રોજ ‘પ્રેસિડેન્શિયલ મેડલ ઑવ્ ફ્રીડમ’; 31 મે, 2015ના રોજ હિબ્રૂ યુનિવર્સિટી ઑવ્ જેરુસાલેમ દ્વારા ‘ધ સોલોમન બુબ્લિક ઍવૉર્ડ’ને મુખ્ય ગણી શકાય. 18 નવેમ્બર, 2008ના રોજ તેમને કીંગ્સ કૉલેજ, લંડન દ્વારા ‘ડૉક્ટરેટ ઑવ્ લૉ’ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.

કિશોર પંડ્યા