પૂરપ્રવાહપ્રસ્તર (torrential bedding) : સ્તરરચના અથવા પ્રસ્તરીકરણનો એક લાક્ષણિક પ્રકાર. રણ જેવા શુષ્ક કે અર્ધશુષ્ક પ્રદેશોમાં થોડા સમયગાળા માટે પડી જતા વરસાદના, સૂસવાતા ક્રિયાશીલ પવનોના તેમજ જ્યાં સૂકાં ભેજવાળાં થાળાં(playa)ની નિક્ષેપક્રિયાના સંજોગો હોય ત્યાં પૂરપ્રવાહ-પ્રસ્તરરચનાની શક્યતા રહે છે.

પૂરપ્રવાહ-પ્રસ્તર

નદીજન્ય સંજોગો હેઠળ પણ પૂર આવે ત્યારે સ્થૂળ પરિમાણવાળા દ્રવ્યનો બોજ આગળ ધકેલાય છે અને શાંત જળપ્રવાહની સ્થિતિમાં સૂક્ષ્મ માટી કે કાંપકાદવ જમા થાય છે, જેને પરિણામે આ પ્રકારનું પ્રસ્તરીકરણ થાય છે. સ્થૂળ દ્રવ્યનાં પડ અને સૂક્ષ્મ દ્રવ્યનાં ક્ષિતિજસમાંતર પડ વારાફરતી એક પછી એક ગોઠવાયેલાં મળે ત્યારે એવી સ્તરરચના પૂરપ્રવાહ-પ્રસ્તર તરીકે ઓળખાય છે. અર્ધશુષ્ક પ્રદેશોમાં નદીઓ દ્વારા વહન પામીને પંખાકારમાં જમા થયેલા કાંપમાં તે વિશેષે કરીને જોવા મળે છે.

ગિરીશભાઈ પંડ્યા