પૂરનિયંત્રણ : પૂરથી થતી જાનહાનિ તથા માલમિલકતોનું થતું નુકસાન અટકાવવા અમલમાં મુકાતી કાર્યવહી. નદીનો પ્રવાહ તેના કાંઠાની માઝા વટાવી ઉપર થઈને વહે ત્યારે તેને પૂર કહે છે. એ પૂરનાં પાણી નદીકાંઠાનાં ગામો, ખેતરો, તથા કારખાનાંઓ વગેરેમાં ભરાઈ જાય છે. ઓચિંતા પૂરથી માલમિલકત, રસ્તાઓ, ખેતરોમાંનો ઊભો પાક, સંદેશાવ્યવહાર, રેલવે વગેરેને નુકસાન થાય છે અને જાનહાનિ પણ થાય છે.

ભારતમાં દર વર્ષે લગભગ રૂ. 500 કરોડથી રૂ. 1000 કરોડ સુધીનું નુકસાન મોટી નદીઓમાં આવતાં પૂરથી થાય છે. નદીમાં પૂર આવવાનાં કારણો નીચે પ્રમાણે છે :

(1) સ્રાવક્ષેત્રમાં વધુ પડતા વરસાદથી પાણીનું ઊભરાવું, (2) જળનિકાસની અને નીકની અપૂરતી ક્ષમતા, (3) કાંપથી નદીની ક્ષમતામાં ઘટાડો થવો, (4) બાંધેલા આડબંધ, બૅરેજ, છલતી વગેરેનું અચાનક તૂટી જવું, (5) પૂર વખતે દરિયા તરફથી ભરતીનું આવવું.

પૂરનિયંત્રણ માટે જુદા જુદા ઉપાયો નીચે પ્રમાણે છે:

(1) પૂરથી અસર પામતા પટ માટેના ઇજનેરી ઉપાયો, (2) પૂરના વહેણના નિયમન માટેના ઇજનેરી ખાતા દ્વારા લેવાતા ઉપાયો, (3) પૂર આવતાં પૂર્વે અને એ આવતાં હોય તે દરમિયાન પૂર નિયંત્રણ સેલ દ્વારા જરૂરી ચેતવણી આપવાના કે આ સાથે સંકળાયેલા ઉપાયો; (4) પૂર સામે લડી લેવા માટે ઇજનેરી અને વહીવટી તંત્ર દ્વારા કરવાના ઉપાયો.

(1) પૂરપ્રભાવિત પટ માટેના ઇજનેરી ઉપાયો :

(ક) મહત્તમ પૂરની તીવ્રતામાં ઘટાડો.

(ખ) નદીની વહનક્ષમતામાં વધારો, નદી પર બંધ બાંધીને જળાશય ઊભું કરવાથી નદીના નીચાણવાળા ભાગમાં પૂરની તીવ્રતામાં ઘટાડો કરી શકાય છે. કૃત્રિમ રીતે પુન: પ્રવાહિત (recharge) કરી અંત:સ્રવણ વધારી પાણી ઊભરાવાનું પ્રમાણ ઘટાડી શકાય છે. બંધના નીચાણવાસની નદીની સંગ્રહશક્તિને ધ્યાનમાં લઈ જળાશયમાંથી પાણી છોડવાનું નિયંત્રણ કરી શકાય છે. પૂર-પ્રવાહનો હંગામી સંગ્રહ કરે તેવા નાના નાના બંધો અમુક અંતરે નદીમાં બાંધવામાં આવે છે, તેનો મુખ્ય હેતુ પૂરનિયંત્રણનો હોય છે. આવાં જળાશયને પૂર અટકાવનારાં જળાશયો (detention-reservoirs) કહેવામાં આવે છે.

(ગ) નદીના પટના સમાંતરે માટીના આડબંધો (embankments)  બાંધવાથી પૂરના પ્રવાહને કાંઠા પરથી ઊભરાઈ જતો રોકી શકાય છે. માટીના આડબંધની ઊંચાઈ નદીમાં આવેલ મહત્તમ સપાટીથી વધારે રાખવામાં આવે છે. ધક્કો (levee) બાંધવો એ પૂરનિયંત્રણનો જૂનો અને સસ્તો ઉપાય છે.  (જુઓ આકૃતિ.)

ધક્કો : પૂરનિયંત્રણનો પારંપરિક સરળ ઉપાય

(ઘ) નદીની પહોળાઈ તથા ઊંડાઈ વધારી, નદીનો આડછેદ વધારી નદીની વહનક્ષમતા વધારી શકાય. નદીમાં ઊગતી વનસ્પતિને દૂર કરી નદીનું અવરોધક પ્રમાણ ઓછું કરી શકાય. નદીનું વહેણ વાંકુંચૂકું હોય તો પ્રવાહને નિયંત્રિત કરનારી આડનીક (cut off channel) કરી નદીના પ્રવાહનો અવરોધ દૂર કરી શકાય.

(ઙ) સ્રાવક્ષેત્રની લાક્ષણિકતાની અસર અપવાહ પર પડે છે. સ્રાવક્ષેત્રની જમીનનું ધોવાણ, અંત:સ્રવણ, પાણીનું ઉપભોગીય બાષ્પોત્સર્જન જેવા ઘટકોની અસરનો અભ્યાસ કરી જરૂરી અપવાહ વધારવાનાં પગલાં ભરી શકાય.

ટૂંકમાં, નદીમાં આવેલ પૂર-પ્રવાહના માર્ગની જાળવણી માટેના બાંધકામની માવજત કરી પૂરની તીવ્રતા ઓછી કરી, તેનાથી થતું નુકસાન ઓછું કરી શકાય છે.

(2) વહીવટી ઉપાયો : પૂરની તીવ્રતા દર વર્ષે જુદી જુદી હોય છે. મોટી તીવ્રતાવાળા પૂરની શક્યતાઓ ઘણી જ ઓછી હોય છે. પાણી અને કાંપવાળી જમીનની ઉપલબ્ધતા પ્રમાણે લોકો પોતાની પ્રવૃત્તિઓ નદીકાંઠાના પટમાં વધારે છે. વધુ મોટું પૂર આવતાં આ લોકોની માલ-મિલકત બચાવવા નદીના પૂરનિયંત્રણ – પટમાં રક્ષણાત્મક ઇજનેરી તથા વહીવટી ઉપાયો લેવાની ફરજ પડે છે.

(3) પૂરની આગાહી, ચેતવણી અને રાહતકાર્યો : પૂરની આગાહી અને ચેતવણી માટે પૂરતી વ્યવસ્થા હોવી જરૂરી છે. ઉપરવાસના સ્રાવક્ષેત્રમાં થતા વરસાદ અને નદીના વહેણના પાણીની સપાટી જાણી કેટલી માત્રાનું પૂર આવશે તેની ગણતરી કરી નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પૂરની ચેતવણી આપી શકાય અને તેમને ભયમુક્ત સ્થળે ખસેડવાનું કાર્ય હાથ ધરી શકાય. ટેલિફોન, રેડિયો, રડાર, કૃત્રિમ ઉપગ્રહના માધ્યમ દ્વારા માહિતી મેળવી પૂરની માત્રાની ગણતરી થઈ શકે.

પૂરનો સામનો કરવા માટે વ્યવસ્થિત વહીવટી તંત્ર હોવું જરૂરી છે. સરકાર પૂરનો સામનો કરવા પૂરનિયંત્રણ વિભાગ ઊભો કરે છે. પૂરનો સામનો કરવા માટે નીચે જણાવેલ માહિતીની આવદૃશ્યકતા રહે છે:

(1) પૂરની સપાટીની આગાહી, (2) અસર પામતો વિસ્તાર; (3) મદદની જરૂરિયાત, (4) સંબંધિત અધિકારીઓને ત્વરિત સૂચના પહોંચાડવાનું તંત્ર, (5) વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં રક્ષણાત્મક બાંધકામો કરી રક્ષણ આપવાનું આયોજન, (6) અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર, (7) રોગ ફાટી ન નીકળે તેનું આયોજન.

બિનસરકારી સંસ્થાઓ પણ આવી આફતમાં મદદરૂપ થઈ શકે છે.

નગીન મોદી