પૂરણસિંહ (. 17 ફેબ્રુઆરી, 1881, અબોટાબાદ, હાલનું પાકિસ્તાન . 31 માર્ચ, 1931 દહેરાદૂન) : પંજાબી લેખક. એમનું માધ્યમિક તથા ઉચ્ચશિક્ષણ લાહોરમાં. એ જાપાનના પ્રવાસે ગયા ત્યાં બૌદ્ધ ધર્મનો એમની પર એટલો પ્રભાવ પડ્યો કે એમણે તેનો અંગીકાર કર્યો; એટલું જ નહિ, પણ એ બૌદ્ધભિક્ષુ બની ગયા. પછી સ્વામી રામતીર્થના સંપર્કમાં આવ્યા અને વેદાંતી બની ગયા.

પૂરણસિંહે એમની કૃતિઓ દ્વારા પંજાબની પરંપરા છોડી નવા પ્રકારની કવિતા લખીને પંજાબી કવિતામાં એમનું અનોખું વ્યક્તિત્વ સાબિત કર્યું. કેટલાક માને છે કે એમની કવિતા પર ભાઈ વીરસિંહનો પ્રભાવ હતો; પરંતુ પૂરણસિંહનો રહસ્યવાદ તથા આધ્યાત્મિકતા વીરસિંહ કરતાં વધારે વ્યાપક અને ગહન હતાં. એમની કવિતામાં પશ્ચિમના કવિઓ વર્ડ્ઝવર્થ, શેલી, કીટ્સ ઇત્યાદિનો પ્રભાવ છે. એમના બે કાવ્યસંગ્રહો પ્રગટ થયા છે : ‘ખુલ્લે ઘુંડ’ તથા ‘ખુલ્લે મેદાન’. પહેલા સંગ્રહની કવિતા દાર્શનિક તથા વિચારપ્રધાન છે, જ્યારે ‘ખુલ્લે મેદાન’થી પંજાબીની આધુનિક કવિતાનાં મંડાણ થયાં. એમાં પરંપરાને છોડી આધુનિક સંવેદનાનો સૂર સંભળાય છે. એમાં મધ્યકાલીન પંજાબી લોકજીવનને ઢાળવાનો યશસ્વી પ્રયત્ન છે. આધુનિકતાનો સંદેશ આપવા છતાં એ કવિતા પંજાબી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં પંજાબી લોકકથાઓ તથા પૌરાણિક કથાઓને આધુનિક રૂપ આપ્યું છે એ એની વિશેષતા છે.

ચન્દ્રકાન્ત મહેતા