પુશ્કિન ઍલેક્ઝાન્દર (Aleksandr – ઍલેક્સાન્દર)

January, 1999

પુશ્કિન, ઍલેક્ઝાન્દર (Aleksandr – ઍલેક્સાન્દર) સેર્ગીવિચ (જ. 20 મે 1799, મૉસ્કો; અ. 29 જાન્યુઆરી 1837) : રશિયન કવિ, નવલકથાકાર, નાટ્યકાર. રશિયાનો જ નહીં, વિશ્વસાહિત્યનો પણ મહત્વનો કવિ. અઢારમી સદીની પરાકાષ્ઠા અને ઓગણીસમી સદીનું આરંભબિન્દુ બની રશિયન સાહિત્યમાં અપૂર્વ ભૂમિકા ભજવનાર આ કવિ ઘસાઈ ગયેલા એક ઉમરાવ પરિવારમાં જન્મેલો. એનો ઉછેર રશિયન અને ફ્રેન્ચ એમ બે સંસ્કૃતિઓ વચ્ચે થયો. ફ્રેન્ચ શિક્ષકો પાસેથી તાલીમ મળી. પુનરુત્થાનકાળ અને ફ્રેન્ચ ક્રાન્તિના વાતાવરણમાં એનું ભાવ-વિશ્વ ઘડાયું. રશિયન રાજાશાહી અને રશિયન ખેડૂતોની અવદશાએ પણ એને ઊંડી અસર પહોંચાડી. 15 વર્ષની વયે કવિતા લખવાનું શરૂ કર્યું ત્યારે ફ્રેન્ચ અને ઇટાલિયન કવિઓ એના આદર્શ રહ્યા; પણ તેનાં રાજકીય લખાણોને કારણે દક્ષિણ રશિયામાં દેશવટો મળતાં એના જીવનનો નવો અધ્યાય શરૂ થયો.

ઍલેક્ઝાન્દર સેર્ગીવિચ પુશ્કિન

કૌતુકપ્રિયતા ગઈ અને સ્વાભાવિક તેમજ ચોકસાઈભરી શૈલીએ એનું સ્થાન લીધું. ફરી વાર દેશવટો મળતાં શુદ્ધ રશિયન પરિવેશ અને પ્રાચીન રશિયન ઐતિહાસિક પરંપરાએ એનાં લખાણોમાં પ્રવેશ કર્યો. છેવટે નિકોલસ પહેલો એને માફી બક્ષીને મૉસ્કોમાં રાખે છે. અહીં કૃત્રિમતાના પરિત્યાગ સાથે સ્વાભાવિકપણે એ વાસ્તવવાદનો પ્રણેતા બને છે ને એક બાજુ રશિયન સાહિત્યનું એ એના ઉદાર વલણ અને વિશાળ વાચનથી યુરોપીકરણ કરે છે, તો બીજી બાજુ રશિયા, એની ભાષા, એની ચેતના, એની ગરિમા, એના વારસાનું આકલન કરી એ યુરોપીય સંસ્કૃતિનું રૂસીકરણ કરે છે. ટૂંકમાં, આ લેખકે રશિયન ઇતિહાસની મૂળભૂત સમસ્યાઓને નવાં કાવ્યકલેવર આપ્યાં. 38 વર્ષની યુવાવયે પત્નીના સંદર્ભમાં પુશ્કિન એક અધિકારી સાથે દ્વન્દ્વયુદ્ધમાં ઊતરતાં અને ગંભીર રીતે ઘવાતાં મૃત્યુ પામે છે.

પુશ્કિન ઊર્મિકાવ્યો, કથાકાવ્યો પદ્યનાટકો અને પદ્યકથાઓ લખ્યાં છે. ‘ધ જિપ્સિઝ’ (1824) તથા ‘ધ બ્રૉંઝ હૉર્સમન’ (1833) એનાં જાણીતાં કથાકાવ્યો છે. પદ્યનાટકોમાં ‘ધ કોવિટસ નાઇટ’ (1830), ‘ધ સ્ટોન ગેસ્ટ’ (1830), ‘ધ વૉટર નિમ્ફ’ (1832) આગળ તરી આવે છે; તો, ‘ધ ટેલ ઑવ્ ધ ફિશરમન ઍન્ડ ધ ગોલ્ડન ફિશ’ (1833) તેમજ ‘ધ ટેલ ઑવ્ ધ ગોલ્ડન કૉકરલ’ પદ્યકથા રૂપે ધ્યાન ખેંચે છે. આ બધામાં ‘યૂજીન ઑનેગિન’ (1823-31) પદ્યનવલ એનું સમર્થ સર્જન ગણાયું છે.

પુશ્કિનનાં ગદ્યલખાણો એની કવિતા જેટલાં પ્રભાવક નથી બન્યાં, તેમ છતાં એવું કહેવાય છે કે એમાં એવાં બીજ અને એવા આરંભો પડેલા છે જે પછી રશિયન કલાનાં બધાં પ્રકારો અને સ્વરૂપોમાં વિકસિત થયાં  છે. ગદ્યનો આરંભ આ સમર્થ કવિના જીવનમાં પણ એક નવો તબક્કો સૂચવે છે. આ તબક્કો એની ઐતિહાસિક નવલકથા ‘ધ બ્લૅક મૂર ઑવ્ પીટર ધ ગ્રેટ’(1812-25)થી શરૂ થાય છે. આ પછી પુશ્કિન એકસાથે પાંચ વાર્તાઓ લખી અને એને એક વર્તુળમાં બાંધી, જે ‘ધ ટેલ્સ ઑવ્ ઇવાન બેલ્કિન’(1830)ના નામે પ્રસિદ્ધ છે. આ ઉપરાંત ‘ધ વિલિજ ઑવ્ ગોર્યુખિનો’, ‘દુબ્રોવ્સ્કી’, ‘ધ કૅપ્ટન્સ ડૉટર’, ‘ધ ક્વીન ઑવ્ સ્પેડ્ઝ’ અને ‘ધ પોસ્ટમાસ્ટર’ લખાયાં. ગદ્યમાં પુશ્કિન અત્યંત સાદી, અસંદિગ્ધ અને સંનિષ્ઠ રીતિ નિપજાવી. યથાર્થતા, સંક્ષિપ્તતા, અલંકારોનો અભાવ અને ઝડપથી વિકસતું વિષયવસ્તુ  પુશ્કિનના ગદ્યસર્જનનાં મુખ્ય લક્ષણો છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા