પુલિત્ઝર, જૉસેફ : (. 10 એપ્રિલ 1847, મૅકો, હંગેરી; . 29 ઑક્ટોબર 1911, અમેરિકા) : અખબારી જૂથના માલિક અને વિશ્વપ્રસિદ્ધ પુરસ્કારના પ્રણેતા. 1864માં તે હંગેરીથી સ્થળાંતર કરીને અમેરિકા આવ્યા અને અમેરિકાના લશ્કરમાં જોડાયા. પછીના જ વર્ષે તેમને લશ્કરમાંથી છૂટા કરી દેવાયા અને અકિંચન અવસ્થામાં તે સેંટ લૂઈ ખાતે આવ્યા; ત્યાં તેઓ અખબારી વૃત્તાંતનિવેદક બન્યા.

જૉસેફ પુલિત્ઝર

થોડા સમય પછી તે ત્યાંના રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા. તેમણે જૂનાં અખબારોની માલિકી મેળવી તેને નવો ઘાટ આપી પ્રગટ કરવા માંડ્યાં. અખબારોમાં સૌપ્રથમ વખત રંગીન ચિત્રવાર્તા(comics)નો પ્રારંભ તેમણે કર્યો. 1883માં તેમણે ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’ ખરીદ્યું અને એ સાથે જ તેમના ભાગ્યે પલટો લીધો. તે અતિશય ધનાઢ્ય બની ગયા. તેમણે કોલંબિયા સ્કૂલ  ઑવ્ જર્નાલિઝમને મોટી રકમનું દાન કર્યું અને પોતાના વસિયતનામામાં સાહિત્ય, નાટ્ય, સંગીત તથા પત્રકારત્વ માટે વાર્ષિક પુરસ્કાર તરીકે ‘પુલિત્ઝર પ્રાઇઝ’ની સ્થાપના કરી. જગતભરમાં તે નામાંકિત ઍવૉર્ડ લેખાય છે.

અલકેશ પટેલ

મહેશ ચોકસી