પુરાવો

જેના પરથી અન્ય હકીકતના અસ્તિત્વ વિશે હકારાત્મક કે નકારાત્મક અનુમાન તારવી શકાય એ હકીકત સાબિત કરવા માટેની સામગ્રી. જે હકીકતનું અનુમાન તારવી શકાય એ મુખ્ય હકીકત ગણાય છે, અને જે હકીકતમાંથી એવું અનુમાન તારવી શકાય એ પુરાવો કહેવાય છે. દા. ત., ‘અ’ના મૃત શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા છે. હાથમાં લોહીવાળી છરી સાથે દોડતો ‘બ’ ‘ક’ની નજરે પડે છે. આ અંગેની ‘ક’ની જુબાની પરથી અને લોહીવાળા હથિયાર પરથી ‘અ’ના ખૂન અંગે અનુમાન તારવી શકાય છે. ‘અ’નું ખૂન મુખ્ય હકીકત છે, અને ‘ક’ની જુબાની તેમજ લોહીવાળા હથિયારનું પંચનામું હકારાત્મક પુરાવો છે. પણ ‘અ’નો દુશ્મન ‘ડ’ બનાવના દિવસે પરદેશમાં હતો તેથી તે ‘અ’ના ખૂન માટે જવાબદાર હોઈ શકે નહિ એ નકારાત્મક પુરાવો છે.

1872ના ભારતીય પુરાવા અધિનિયમનું ઘડતર મહદંશે અંગ્રેજી કાયદાના આધારે કરવામાં આવેલ છે. તે અધિનિયમની કલમ 3માં પુરાવાના બે જ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે : સાહેદોની સોગંદ ઉપરની જુબાની એટલે કે મૌખિક પુરાવો, અને અદાલત સમક્ષ રજૂ થયેલો દસ્તાવેજી પુરાવો. પણ કાયદાની પરિભાષામાં તેના અન્ય પ્રકારો પણ પ્રચલિત છે :

(1) પ્રત્યક્ષ પુરાવો અને પરોક્ષ કે સાંયોગિક પુરાવો : સાહેદની મૌખિક જુબાની અને રજૂ થયેલ દસ્તાવેજ કે વસ્તુ પ્રત્યક્ષ પુરાવો છે, પણ જુદા જુદા સંજોગો સાબિત થયા પછી એમનું જોડાણ સાંયોગિક પુરાવો બની જાય છે. સાહેદને જૂઠું બોલવા માટેનાં અનેક કારણો સંભવિત હોવાથી મૌખિક પુરાવો ખોટો હોવાની શક્યતા રહેલી હોય છે, પણ સાંયોગિક પુરાવો પ્રાકૃતિક નિયમો પર આધારિત હોવાથી એ વધારે મજબૂત અને નિર્ણયાત્મક ગણાય છે.

(2) સીધો મૌખિક પુરાવો અને સાંભળેલી અફવા : નજરે જોઈને તે મુજબ મૌખિક જુબાની આપનાર સીધો પુરાવો આપે છે જે ગ્રાહ્ય રાખી શકાય, પણ જાતે જોયા વિના અન્ય વ્યક્તિ પાસેથી કોઈ હકીકત સાંભળીને તે મુજબ જુબાની આપવામાં આવે તો તે અફવા-આધારિત પુરાવો ગણાય છે અને તેથી તે જુબાની વિશ્વસનીય ગણાતી નથી.

(3) પ્રાથમિક દસ્તાવેજી પુરાવો અને દુય્યમ દસ્તાવેજી પુરાવો : અસલ દસ્તાવેજ અદાલત સમક્ષ રજૂ કરી તેમાંની સહી અને લખેલી વિગતો સાબિત કરવામાં આવે તો તે પ્રાથમિક દસ્તાવેજી પુરાવો ગણાય છે, અને મૂળ દસ્તાવેજની ઝેરૉક્સ નકલ કે ફોટોગ્રાફ રજૂ કરવામાં આવે તો તે દુય્યમ પુરાવો ગણાય છે. પ્રાથમિક પુરાવાના અભાવે અમુક સંજોગોમાં જ તે ગ્રાહ્ય રાખી શકાય છે.

વળી ભારતીય પુરાવાના કાયદાની કલમ 3માં દર્શાવેલ મુખ્ય બે પ્રકારો સિવાય અન્ય પ્રકારના પુરાવા પણ અદાલત ધ્યાનમાં લઈ શકે છે : (1) ભૌતિક પુરાવો : કોઈ હથિયાર કે વસ્તુ અદાલતમાં રજૂ થાય તે. (2) જુબાની આપતી વખતે સાહેદના ચહેરા પર થતા આવિર્ભાવ અને ફેરફારો. (3) કેસના પક્ષકારે કબૂલ કરેલી કોઈ હકીકત. (4) તકરારી મુદ્દાની પૂરી સમજણ મેળવવા અદાલત સ્થાનિક મુલાકાત વખતે હકીકતને નજરે નિહાળે તે. (5) ફોજદારી કેસમાં જુબાનીઓ પૂરી થયા પછી આરોપીને તે અંગે ખુલાસો પૂછવામાં આવે ત્યારે તે જે જવાબ અને ખુલાસા આપે તે સોગંદ ઉપરની જુબાની ન હોવા છતાં પુરાવામાં ધ્યાનમાં લેવાય છે. (6) એક આરોપીએ કરેલી ગુનાની કબૂલાત અમુક સંજોગોમાં અન્ય સહ-આરોપી વિરુદ્ધ પણ ધ્યાનમાં લઈ શકાય. (7) ભારતના પ્રવર્તમાન કાયદા, વિધાનગૃહોની કાર્યવહી, સરકારી ગૅઝેટમાં પ્રસિદ્ધ થતી નિમણૂકો, રાષ્ટ્રધ્વજ, ભૌગોલિક વિભાગો, જાહેર ઉત્સવો, રજાઓ, અન્ય દેશો સાથેની દુશ્મનાવટ, અદાલતના અધિકારીઓ અને વકીલો, ઇતિહાસ, સાહિત્ય, વિજ્ઞાન કે કલા અંગે અદાલત અધિકૃત પુસ્તકો અને દસ્તાવેજો પર આધાર રાખે છે.

ભારતીય પુરાવા અધિનિયમની કલમ 1 મુજબ આ કાયદો તમામ અદાલતી કાર્યવહીમાં લાગુ પડે છે; પણ લવાદી, સોગંદનામું અને વહીવટી પંચને તે લાગુ પડતો નથી. હકીકતમાં લવાદી કાર્યવહીમાં અને વહીવટી (પ્રશાસનિક) પંચની કાર્યવહીમાં આ અધિનિયમમાં દર્શાવેલા મૂળભૂત સિદ્ધાંતો અનુસરવામાં આવે એવી ગર્ભિત અપેક્ષા હોય છે. દીવાની કાર્યવહીના કાયદા હેઠળ સોગંદનામાને પુરાવા તરીકે ગ્રાહ્ય રાખવાનો હુકમ થઈ શકે છે, પણ સોગંદનામું કરનાર વ્યક્તિની ઊલટતપાસ કરવાનો હક્ક સામા પક્ષકારને અપાતો હોય છે.

આ અધિનિયમ સિવાય, ભારતના નોંધણી અને સ્ટૅમ્પ અધિનિયમોમાં; ફોજદારી કાર્યવહીના મુદતના, વારસાઈના, મિલકત હસ્તાંતરણના, બૅન્કના હિસાબી પુસ્તકોના પુરાવાના અને છૂટાછેડાના કાયદામાં પુરાવા અંગે કેટલાક નિયમો દર્શાવવામાં આવ્યા છે.

તકરારી અને સુસંગત હકીકતો : પુરાવાનો કાયદો હકીકતની સાબિતી માટે રચાયો હોવાથી ‘હકીકત’ એ સંજ્ઞાની વ્યાખ્યા આ રીતે આપી છે : હકીકત એટલે (1) ઇન્દ્રિયગમ્ય વસ્તુ કે વસ્તુસંબંધ, (2) જે વિશે કોઈ વ્યક્તિ સભાન હોય એવી માનસિક સ્થિતિ. આમ કોઈ વ્યક્તિ રસ્તે જતાં કંઈ જુએ કે બોલે એ હકીકત છે, તેમજ કોઈ વ્યક્તિ અમુક અભિપ્રાય ધરાવતી હોય કે બદદાનતથી કોઈ કૃત્ય કરે તો તે માનસિક હકીકત છે. કાયદામાં ‘હકીકત’ના મુખ્ય બે પ્રકાર જણાવેલા છે : (1) તકરારી હકીકત, (2) સુસંગત કે પ્રસ્તુત હકીકત. તકરારી હકીકત એટલે જે હકીકતમાંથી દાવાના એક પક્ષકારનાં હક્ક, જવાબદારી કે અસમર્થતા સ્થાપિત થઈ શકે. સુસંગત કે પ્રસ્તુત હકીકત એટલે અન્ય હકીકત સાથે કાર્યકારણ સ્વરૂપે કે ચૈતસિક રીતે સંકળાયેલ હોય એવી હકીકત. આવી સુસંગત કે પ્રસ્તુત હકીકત વિશે સંબંધિત કાયદાના પ્રકરણ 2માં વિસ્તૃત આલેખન કર્યું છે, જે આ પ્રમાણે છે : તકરારી હકીકત સાબિત કે નાસાબિત કરવા સુસંગત હકીકત વિશે પુરાવો આપી શકાય. (1) તકરારી હકીકતના બનાવના એક ભાગરૂપ હકીકત : દા. ત., ‘બ’ને મારપીટ કરી તેનું મોત નિપજાવવાનો ‘અ’ની સામે આરોપ છે. મારપીટ પહેલાં ‘અ’ કે ‘બ’ શું બોલેલા અને કેમ વર્તેલા એ સુસંગત હકીકત છે, અને એ સાબિત કરી શકાય. (2) તકરારી હકીકત કે સુસંગત હકીકતનાં કારણ કે પરિણામ કે નિમિત્ત બનતી હકીકત પણ સુસંગત ગણાશે; દા. ત., ‘બ’ને લૂંટવાનો ‘અ’ સામે આરોપ છે. બનાવના થોડા જ સમય પહેલાં ‘બ’ પૈસા ગજવામાં લઈ મેળામાં ગયો અને ‘અ’ તેમજ બીજી ત્રાહિત વ્યક્તિઓને પૈસા બતાવ્યા એ હકીકત સુસંગત ગણાય. (3) કોઈ તકરારી હકીકત કે સુસંગત હકીકત પાછળના ઉદ્દેશની ગરજ સારતી હકીકત સુસંગત ગણાય. આવો ઉદ્દેશ વ્યક્તિની આગળપાછળની વર્તણૂક પરથી સાબિત થઈ શકે; દા.ત., ગુનો કરીને પારકી મિલકત પડાવવાનો ‘અ’ સામે આરોપ છે. ગુનો થયા પછી તુરત જ ‘અ’ નાસી જાય છે અથવા ગુનાવાળી મિલકત તેના મકાનમાંથી મળી આવે છે એ હકીકત સુસંગત ગણાય. (4) તકરારી હકીકત કે સુસંગત હકીકતની સમજૂતી માટે જરૂરી જણાતી અન્ય હકીકતો, તકરારી હકીકત કે સુસંગત હકીકતથી ઉદભવતા અનુમાનને સમર્થન આપતી કે નષ્ટ કરતી હકીકતો, કોઈ વ્યક્તિ કે વસ્તુની ઓળખ સ્થાપિત કરતી હકીકતો, તકરારી હકીકત કે સુસંગત હકીકતના સમય કે સ્થળ નક્કી કરતી હકીકતો, તકરારી કે સુસંગત વ્યવહારના પક્ષકારો વચ્ચેનો સંબંધ દર્શાવતી હકીકતો પણ સુસંગત કે પ્રસ્તુત ગણાય છે; દા. ત., ‘અ’ની સામે ગુનો કર્યાનું તહોમત છે. ગુનો થયા પછી ‘અ’ તુરત જ ઘરમાંથી દૂર જતો રહ્યો એ જેવી સુસંગત હકીકત છે, એવી જ રીતે ઘરમાંથી જતી વખતે ‘અ’ને કોઈ તાકીદના કામે હાજર થવાનો સંદેશો આવેલો એ હકીકત પણ એટલી જ સુસંગત છે. (5) બે કે વધારે વ્યક્તિઓએ કોઈ ગુનો કે અપકૃત્ય કરવાનું કાવતરું કર્યું છે એવું માનવા વાજબી કારણ હોય ત્યારે એમાંની કોઈ વ્યક્તિએ બધાંના સમાન ઇરાદાને અનુલક્ષીને કોઈ હકીકત કરી હોય કે લખી હોય તો તે હકીકત કાવતરું સાબિત કરવા કે અન્ય વ્યક્તિઓને જવાબદાર ઠરાવવા સુસંગત ગણાય. (6) અન્યથા સુસંગત ન જણાતી હકીકત પણ જો તકરારી હકીકતથી કે સુસંગત હકીકતથી વિસંગત હોય, અથવા તકરારી કે સુસંગત હકીકતને અત્યંત સંભવિત કે અસંભવિત બનાવે તો તેવી હકીકતો સુસંગત ગણાય છે; દા.ત., અમુક દિવસે ‘અ’એ કૉલકાતામાં અમુક ગુનો કર્યો હશે કે કેમ એવો પશ્ન છે. તે દિવસે ‘અ’ મુંબઈમાં હતો એ હકીકત પ્રસ્તુત છે, અથવા તો કૉલકાતાથી બે હજાર કિલોમીટર દૂર હતો એ હકીકત પણ પ્રસ્તુત છે, કારણ કે એણે ગુનો કર્યો હોય એ અસંભવિત બની જાય છે. (7) નુકસાનવળતર માટેના દાવામાં વળતરની રકમ નક્કી કરવા માટેની દરેક હકીકત સુસંગત ગણાય છે. (8) કોઈ હક્ક કે રૂઢિના અસ્તિત્વ વિશેનો પ્રશ્ન હોય ત્યારે આવો હક્ક કે રૂઢિ જેના વડે અસ્તિત્વમાં આવેલ હોય કે માન્ય કરવામાં આવેલ હોય એ બનાવ, તેમજ આવા હક્ક કે રૂઢિનો અમલ કે વિરોધ થયેલો હોય એવા તમામ બનાવો સુસંગત બની જાય છે; દા. ત., રસ્તાના હક્ક અંગે નિર્દેશ કરતો જૂનો દસ્તાવેજ, તેમજ એ હક્કના ઉપયોગ અથવા વિરોધ અંગેના બનાવો સુસંગત છે. (9) જ્યારે કોઈ વ્યક્તિની માનસિક કે શારીરિક સ્થિતિ તકરારી કે સુસંગત હકીકત હોય, ત્યારે અન્ય વ્યક્તિ પ્રત્યેનો ઇરાદો, જ્ઞાન, શુદ્ધ દાનત, બેદરકારી, બદદાનત વગેરે માનસિક સ્થિતિ દર્શાવતી તેમજ તેની શારીરિક સ્થિતિ કે અનુભવ દર્શાવતી હકીકતો પણ સુસંગત ગણાય છે; દા. ત., ‘અ’ની સામે અમુક ચોરાયેલો માલ સંઘરવાનો આરોપ છે. તપાસમાં તેના કબજામાંથી અનેક અન્ય ચોરાયેલી ચીજવસ્તુઓ નીકળે છે એ હકીકત ‘અ’નું જ્ઞાન અને તેનો ઇરાદો નક્કી કરવા માટે સુસંગત છે. (10) કોઈ કૃત્ય આકસ્મિક કે ઇરાદાપૂર્વકનું હતું એ નક્કી કરવાનું હોય ત્યારે એવા જ પ્રકારનાં કૃત્યો ક્રમબદ્ધ રીતે કરવામાં આવ્યાં હોય એ હકીકત સુસંગત બને છે; દા. ત., ‘અ’ ‘બ’ને એક બનાવટી સિક્કો આપે છે એ કૃત્ય આકસ્મિક છે કે ઇરાદાપૂર્વકનું એ નક્કી કરવામાં ‘ક’, ‘ડ’ અને ‘ફ’ને બનાવટી સિક્કા આપેલા એ કૃત્યો સુસંગત બની જાય છે. (11) કોઈ કૃત્ય કરવામાં આવેલું કે નહિ એ પ્રશ્ન હોય ત્યારે એવું કૃત્ય કરવા માટેની સામાન્ય પ્રણાલી સુસંગત છે; દા.ત., કોઈ પત્ર ટપાલમાં મોકલવામાં આવેલો કે નહિ એ પ્રશ્ન હોય ત્યારે ટપાલમાં મોકલવા માટેના તમામ પત્રો એક સ્થળે ભેગા કરવામાં આવતા અને પેલો પત્ર એ સ્થળે મૂકવામાં આવેલો એ હકીકત સુસંગત ગણાય.

કબૂલાતો : કબૂલાત એટલે કોઈ પક્ષકાર કે એની સાથે સંકળાયેલ વ્યક્તિએ કરેલું તકરારી હકીકત કે સુસંગત હકીકત વિશે અનુમાન કરી શકાય એવું મૌખિક કે દસ્તાવેજી નિવેદન. દીવાની કાર્યવહીમાં એ સ્વીકૃતિ કહેવાય છે અને ફોજદારી કાર્યવહીમાં ગુનાની કબૂલાત કહેવાય છે.

સ્વીકૃતિ : આવી સ્વીકૃતિઓ દાવાઅરજીમાં, લેખિત જવાબમાં અને પત્રવ્યવહારમાં થયેલી હોય ત્યારે તે લખનાર પક્ષકારને બંધનકર્તા નીવડે છે. તકરારી વિષયવસ્તુમાં આર્થિક કે માલિકી હક્ક ધરાવનાર વ્યક્તિએ કોઈ નિવેદન કર્યું હોય એ તેને તેમજ એ વસ્તુ મેળવનાર વ્યક્તિને સ્વીકૃતિ સ્વરૂપે બંધનકર્તા નીવડે છે. તે ઉપરાંત દાવાના પક્ષકાર સિવાયની ત્રાહિત વ્યક્તિ પણ પોતાના હિતવિરુદ્ધ એક પક્ષકાર પ્રત્યેની પોતાની જવાબદારી કબૂલ કરે તો તે સુસંગત સ્વીકૃતિ ગણાય; તે જ રીતે અમુક શારીરિક કે માનસિક સ્થિતિમાંથી પસાર થતી ત્રાહિત વ્યક્તિએ તે સમયે કોઈ નિવેદન કર્યું હોય તો તે પણ પ્રસ્તુત ગણાય છે. આમ ત્રાહિત વ્યક્તિનાં નિવેદનો પણ પક્ષકારો માટે પ્રસ્તુત સ્વીકૃતિની માફક ધ્યાનમાં લેવાય છે. કોઈ દસ્તાવેજમાં લખેલી વિગતો બાબતમાં મૌખિક સ્વીકૃતિઓ કે નિવેદનો પ્રસ્તુત નથી ગણાતાં, એ વિગતો જ ધ્યાનમાં લેવાય છે; સિવાય કે દસ્તાવેજ બનાવટી છે એવી તકરાર ઉઠાવવામાં આવી હોય અને પોતે એ વિગતો વિશે દુય્યમ પુરાવો રજૂ કરવા હક્કદાર છે એવું દસ્તાવેજ રજૂ કરનાર સાબિત કરે. તે જ પ્રમાણે અમુક મૌખિક નિવેદન વિશે કોઈ પુરાવો નહિ આપી શકાય એવી સ્પષ્ટ શરત સાથે કબૂલાત કે સ્વીકૃતિ કરવામાં આવેલ હોય તો તેવું નિવેદન સુસંગત ગણવામાં નહિ આવે અને નિવેદન કરનારને બંધનકર્તા નહિ થાય.

ગુનાની કબૂલાત : (1) આરોપી સાચી અને સ્વૈચ્છિક રીતે ગુનાની કબૂલાત કરે તો તે સુસંગત છે; પણ અદાલતને લાગે કે અધિકાર ધરાવતી વ્યક્તિ તરફથી મળેલ લાલચ, ધમકી કે વચનના કારણે કબૂલાત કરવામાં આવી હોય અને એવી કબૂલાત કરવાથી પોતાને કોઈ લાભ થશે કે પોતાની વિરુદ્ધ આવતી આફત અટકશે એવી માન્યતા પ્રેરવામાં આવી હોય તો ફોજદારી કાર્યવહીમાં એવી કબૂલાત અપ્રસ્તુત ગણાશે. (2) કોઈ પણ આરોપીએ પોલીસ-અધિકારી સમક્ષ ગુનાની કબૂલાત કરી હોય તો તેવી કબૂલાત આરોપીની વિરુદ્ધ સાબિત નહિ કરી શકાય. (3) પોલીસ-અધિકારીના જાપ્તામાં હોય એવી કોઈ વ્યક્તિની ગુનાની કબૂલાત તેની વિરુદ્ધ સાબિત નહિ કરી શકાય, સિવાય કે તે કબૂલાત મૅજિસ્ટ્રેટની હાજરીમાં કરવામાં આવી હોય. (4) એક જ ગુનાના આરોપસર અનેક આરોપીઓ સામે સંયુક્ત તહોમતનામું ફરમાવવામાં આવેલું હોય, તો અન્ય આરોપીઓ સાથે પોતે પણ ગુનો કર્યો છે એવી ગુનાની કબૂલાત અન્ય આરોપીઓ સામે પણ વિચારણામાં લઈ શકાય.

આમ છતાં (1) પોલીસના જાપ્તામાં રહેતા આરોપીએ આપેલી માહિતીના આધારે કોઈ હકીકત શોધી કાઢ્યાનું સાબિત થાય તો તે માહિતીમાં ગુનાની કબૂલાત હોય કે ન હોય તોપણ તેવી માહિતી પુરવાર થઈ શકે.

(2) લાલચ, ધમકી કે વચનની અસર દૂર થાય તે પછી ગુનાની કબૂલાત કરવામાં આવે તો તે પ્રસ્તુત બને છે.

(3) આરોપીને છેતરીને, કે માહિતી ગુપ્ત રાખવામાં આવશે એવું વચન આપીને, કે આરોપી નશામાં હોય તે સ્થિતિમાં, કે તે ગુનાની કબૂલાત કરવા બંધાયો નથી એવી તાકીદ આપ્યા વિના, કબૂલાત મેળવવામાં આવી હોય તો તે અપ્રસ્તુત નથી.

ગેરહાજર સાહેદોનાં નિવેદનો : મૃત્યુ કે અન્ય પ્રબળ કારણોસર જે વ્યક્તિને સાહેદ તરીકે અદાલતમાં હાજર ન કરી શકાય એણે સુસંગત હકીકત બાબતમાં લેખિત કે મૌખિક નિવેદન કર્યાં હોય તો નીચે પ્રમાણેના કિસ્સાઓમાં એ નિવેદનોને સુસંગત ગણવામાં આવે છે : (1) કોઈ વ્યક્તિના મૃત્યુનું કારણ તકરારી હકીકત હોય ત્યારે તે વ્યક્તિએ પોતાના મૃત્યુના કારણ વિશે કરેલ નિવેદન અથવા પોતાના મૃત્યુમાં પરિણમતા સંજોગો વિશે કરેલ નિવેદન પ્રસ્તુત ગણવામાં આવે છે. આવું નિવેદન મરણોન્મુખ હોય કે અન્યથા કરવામાં આવેલ હોય તોપણ પ્રસ્તુત ગણાય છે. (2) પોતાના ધંધા-વ્યવસાયના સામાન્ય ક્રમમાં કોઈ વ્યક્તિએ નિવેદન કર્યું હોય; ધંધાના સામાન્ય ક્રમમાં રખાતા ચોપડાઓમાં નોંધ કરી હોય; નાણાં, ચીજવસ્તુ કે મિલકત મળ્યાની પહોંચ આપી હોય; અથવા તેણે લખેલા કે સહી કરેલા પત્રમાં કે દસ્તાવેજમાં તારીખ દર્શાવી હોય, તો તે પ્રસ્તુત ગણાય છે. (3) એવું નિવેદન વ્યક્તિના આર્થિક હિત વિરુદ્ધનું હોય, કે તેની સામે ફોજદારી કાર્યવહી કે વળતર માટેનો દાવો ઉપજાવી શકે એમ હોય તો તે પ્રસ્તુત ગણાય છે. (4) કોઈ સાર્વજનિક હક્ક કે રૂઢિ વિશે તકરાર ઊભી થાય તે પહેલાં એવા હક્ક કે રૂઢિના અસ્તિત્વ વિશે અભિપ્રાય આપવામાં આવ્યો હોય તો તેવું નિવેદન પ્રસ્તુત બની જાય છે. (5) કોઈ વ્યક્તિઓ વચ્ચેના સગપણના, લગ્નસંબંધના કે દત્તકવિધાનના પ્રશ્નો ઊભા થાય તે પહેલાં આવા સંબંધ અંગે ખાસ જાણકારી ધરાવનાર અન્ય વ્યક્તિએ તેવા સંબંધ અંગે નિવેદન કર્યું હોય તો તે પ્રસ્તુત છે. (6) અવસાન પામેલ વ્યક્તિઓ વચ્ચેના લગ્નના, લોહીના કે દત્તકવિધાનના સંબંધો અંગે કોઈ તકરાર ઉપસ્થિત થાય તે પહેલાં કોઈ વસિયતનામામાં કે દસ્તાવેજમાં અથવા કબરલેખમાં કે કુટુંબચિત્રમાં એવા સંબંધો અંગે કોઈ નિવેદન કરવામાં આવ્યું હોય તો તે પ્રસ્તુત છે. (7) કોઈ હક્ક કે રૂઢિનો પ્રારંભ કરવામાં આવે, અમલ કરવામાં આવે કે વિરોધ કરવામાં આવે તેવા બનાવ અંગે કોઈ દસ્તાવેજ, વસિયતનામા કે અન્ય કાગળમાં નિવેદન કરવામાં આવ્યું હોય તો તે પ્રસ્તુત છે. ઉપરના તમામ પ્રકારનાં નિવેદનો કરનાર વ્યક્તિને સાહેદ તરીકે અદાલતમાં રજૂ કરી શકાતી નથી તેમ છતાં તેનું નિવેદન સાચું હોવાની સંભવિતતા હોવાથી એક પ્રસ્તુત હકીકત તરીકે તેને યોગ્ય વજન આપવામાં આવે છે.

તે જ પ્રમાણે મૃત્યુના કારણે કે અન્ય બળવાન કારણોસર કોઈ વ્યક્તિને સાહેદ તરીકે અદાલતમાં લાવી શકાય એમ ન હોય, તો તેણે અગાઉની ન્યાયિક કાર્યવહીમાં આપેલો પુરાવો સમાન તકરારી પ્રશ્નો ધરાવતી પાછળની ન્યાયિક કાર્યવહીમાં સુસંગત ગણાય છે. જો બંને કાર્યવહીઓમાં પક્ષકારો સમાન હોય અને તેમને ઊલટતપાસ કરવાની પૂરી તક મળી હોય, તો નીચે મુજબના દસ્તાવેજી પુરાવા પ્રસ્તુત ગણાય છે :

(1) ધંધાના સામાન્ય ક્રમમાં રાખવામાં આવેલ ચોપડાઓમાં કરેલ નોંધ.

(2) સરકારી કે સાર્વજનિક નોંધવહી કે ચોપડામાં સરકારી કે સાર્વજનિક કર્મચારીએ તકરારી હકીકત કે સુસંગત હકીકત વિશે કરેલી નોંધ.

(3) સરકારે પ્રસિદ્ધ કરેલ નકશાઓમાં કે જાહેર વેચાણ માટે મૂકવામાં આવેલા નકશાઓમાં તકરારી કે સુસંગત હકીકત વિશે કરવામાં આવેલ ઉલ્લેખ.

(4) સાર્વજનિક પ્રકારની હકીકત વિશે કેન્દ્ર-સરકાર કે રાજ્ય-સરકારના અધિનિયમોમાં કરેલ ઉલ્લેખ.

(5) કોઈ દેશના કાયદા અંગે તકરાર હોય તો તે દેશની સરકારે પ્રસિદ્ધ કરેલ પુસ્તકમાં કે લૉ-રિપોર્ટમાં એ કાયદા અંગે કરવામાં આવેલ ઉલ્લેખ.

અદાલતોના ચુકાદાઓની સુસંગતતા : (1) સમાન પક્ષકારો વચ્ચે સમાન તકરારી બાબતો અંગે અદાલતે ભૂતકાળમાં આપેલો ચુકાદો અદાલતને એ તકરારી બાબત વિશેનો દાવો સ્વીકારતાં અટકાવે છે. (2) સક્ષમ અદાલતે વસિયતનામા, લગ્નસંબંધ, નાદારી કે ન્યાયિક કાર્યવહી અંગે આપેલ આખરી ચુકાદો જે તે વ્યક્તિના કાયદેસરના સ્થાન બાબતમાં પ્રસ્તુત બને છે. (3) સાર્વજનિક બાબતો અંગે ભૂતકાળમાં આપવામાં આવેલો બે પક્ષકારો વચ્ચેનો અદાલતનો ચુકાદો પ્રસ્તુત ગણાય છે, પણ નિર્ણયાત્મક નથી ગણાતો. (4) કોઈ ચુકાદો અક્ષમ અદાલતે આપેલો કે દગાથી અથવા મેળાપીપણામાં મેળવવામાં આવેલો એવું પુરવાર કરવાનો દાવાના પક્ષકારને હક્ક છે.

ત્રાહિત વ્યક્તિઓના અભિપ્રાયની સુસંગતતા : (1) વિદેશી કાયદો, વિજ્ઞાન, કલા, હસ્તાક્ષર કે આંગળાંની છાપ અંગે અદાલતે અભિપ્રાય મેળવવાનો હોય તો એવી બાબતો વિશેના નિષ્ણાતોના અભિપ્રાય પ્રસ્તુત ગણાય છે. આવા અભિપ્રાય સાથે સુસંગત હોય કે વિસંગત હોય એવી હકીકતો પણ પ્રસ્તુત ગણાય છે.

(2) કોઈ વ્યક્તિએ અમુક દસ્તાવેજ લખેલો છે કે તેમાં સહી કરી છે એ નક્કી કરવા માટે તે વ્યક્તિના હસ્તાક્ષર કે સહીથી પરિચિત થયેલી અન્ય વ્યક્તિનો અભિપ્રાય પ્રસ્તુત બને છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને લખતાં કે સહી કરતાં નજરે જુએ, અથવા પોતે લખેલા પત્રના જવાબમાં બીજી વ્યક્તિના હસ્તાક્ષરનું લખાણ મેળવે, અથવા વ્યવસાય કે ધંધાના સામાન્ય ક્રમમાં એવા હસ્તાક્ષરવાળાં દસ્તાવેજો કે લખાણો એની સમક્ષ રજૂ કરવામાં આવતાં હોય, તો તે વ્યક્તિ બીજી વ્યક્તિના હસ્તાક્ષર કે સહીથી પરિચિત થયેલી ગણાશે અને એનો અભિપ્રાય પ્રસ્તુત બનશે.

(3) કોઈ સામાન્ય રૂઢિ કે હક્ક વિશે અભિપ્રાય મેળવવાનો હોય ત્યારે જે વ્યક્તિઓ આવી રૂઢિ કે હક્ક વિશે જાણકાર હોવાની સંભવિતતા હોય તેમનો અભિપ્રાય પ્રસ્તુત બને છે.

(4) કોઈ લોકસમૂહની રૂઢિઓ વિશે, કોઈ ધાર્મિક કે સખાવતી સંસ્થાના બંધારણ અને કાર્યવહી વિશે કે અમુક જિલ્લાઓમાં કે અમુક લોકસમૂહ દ્વારા વપરાતા શબ્દો કે સંજ્ઞાઓ વિશે વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓના અભિપ્રાય પ્રસ્તુત બને છે.

(5) એક વ્યક્તિનું બીજી વ્યક્તિ સાથેનું સગપણ નક્કી કરવાનું હોય ત્યારે કુટુંબના સભ્ય તરીકે કે અન્યથા એવા સગપણ વિશે ખાસ અનુભવથી અને વર્તનથી જાણકારી ધરાવતી વ્યક્તિનો અભિપ્રાય પ્રસ્તુત ગણાય. પણ ભારતીય લગ્નવિચ્છેદ અધિનિયમ કે પીનલ કોડની અમુક કલમો હેઠળ થતી કાર્યવહીમાં લગ્નસંબંધ નક્કી કરવા માટે એવો અભિપ્રાય પૂરતો નહિ ગણાય.

ચારિત્ર્યની સુસંગતતા : દીવાની કાર્યવહીમાં કોઈ વ્યક્તિનું ચારિત્ર્ય એની સામે થયેલા આક્ષેપો સાથે સુસંગત કે વિસંગત હોય એ હકીકત અપ્રસ્તુત બને છે; પણ એનું ચારિત્ર્ય વિચારતાં એને આપવાના નુકસાનવળતરમાં વધારો કે ઘટાડો સંભવિત હોય તો એનું ચારિત્ર્ય પ્રસ્તુત ગણાય છે. ફોજદારી કાર્યવહીમાં આરોપીનું સારું ચારિત્ર્ય કે સામાન્ય આબરૂ પ્રસ્તુત ગણાય છે, પણ એના ખરાબ ચારિત્ર્ય વિશેનો પુરાવો અપ્રસ્તુત ગણાય છે; કારણ કે માનવીનું સામાન્ય ચારિત્ર્ય ગુનાની જવાબદારી નક્કી કરવામાં સહાયભૂત નથી.

નીચે જણાવેલી હકીકત સાબિત કરવાની જરૂર નથી :

(1) ભારતમાં પ્રવર્તમાન કાયદા, યુદ્ધની સમજૂતીઓ, વિધાનગૃહોની કાર્યવહી, અદાલતોનાં સીલ કે મુદ્રા, જાહેર હોદ્દા પર રહેતી વ્યક્તિનાં નામ, શીર્ષક કે સહીઓ, રાષ્ટ્રધ્વજ, સ્થળકાળના વિભાગો, ગૅઝેટમાં પ્રસિદ્ધ થતા જાહેર ઉત્સવો અને રજાઓ, ભારત સરકારના અંકુશ હેઠળના પ્રદેશો, અન્ય રાજ્ય સાથેની દુશ્મનાવટનો પ્રારંભ કે અંત, અદાલતના અધિકારીઓ, કર્મચારીઓ અને વકીલોનાં નામ, વાહનવ્યવહારના નિયમો, તેમજ જાહેર ઇતિહાસ, સાહિત્ય, વિજ્ઞાન કે કલા વિશે અભિપ્રાય નક્કી કરવા યોગ્ય પુસ્તકો કે દસ્તાવેજોની સહાય લઈ શકાય. (2) દાવાઅરજીમાં કે તેના લેખિત જવાબમાં કબૂલ કરેલી હકીકત, તેમજ સુનાવણી દરમિયાન પક્ષકારો જે હકીકત કબૂલ કરતું લખાણ કરી આપે તે હકીકત સાબિત કરવાની જરૂર નથી.

મૌખિક પુરાવો : દસ્તાવેજમાં સમાવેલ લખાણ સિવાયની તમામ હકીકતો મૌખિક પુરાવાથી સાબિત કરી શકાય; પણ આવો મૌખિક પુરાવો પોતાની જ આંખ, કાન કે અન્ય ઇન્દ્રિયથી જે તે હકીકતને અનુભવનાર સાહેદનો હોવો જોઈએ; બીજા પાસેથી ઉછીની માહિતી મેળવનાર વ્યક્તિની જુબાની સાંભળેલ હકીકત (hearsay evidence) કે અફવા ગણીને અદાલત સ્વીકારશે નહિ; કારણ એવી માહિતીનું તથ્યાતથ્ય ચકાસવા ઊલટતપાસનું શસ્ત્ર વાપરી શકાતું નથી. તે જ પ્રમાણે કોઈ બાબત વિશેનો અભિપ્રાય આપવા માટે અભિપ્રાય ધરાવનાર વ્યક્તિએ જાતે પુરાવો આપવો જરૂરી છે; સિવાય કે કોઈ વિષયના નિષ્ણાતનો અભિપ્રાય પ્રસ્તુત જણાતો હોય અને એ નિષ્ણાત મરણ પામેલો હોય કે પુરાવો આપવા અશક્ત હોય કે લાંબા સમય સુધી જુબાની આપવા અદાલતમાં હાજર રહી શકે એમ ન હોય, અને બજારમાં વેચાતાં પુસ્તકોમાં વ્યક્ત કરેલાં એનાં મંતવ્યો એવાં પુસ્તકો અદાલતમાં રજૂ કરી સાબિત કરી શકાય એમ હોય.

દસ્તાવેજી પુરાવો : દસ્તાવેજમાં સમાવેલી બાબતો કે કથનો પ્રાથમિક પુરાવાથી કે દુય્યમ પુરાવાથી સાબિત કરી શકાય. પ્રાથમિક પુરાવો એટલે અદાલત સમક્ષ નજરે નિહાળવા રજૂ થયેલ અસલ દસ્તાવેજ. કોઈ પક્ષકાર આવો અસલ દસ્તાવેજ રજૂ કરી શકે તેમ ન હોય તો જ એ અંગેનો દુય્યમ પુરાવો અમુક સંજોગોમાં જોઈ શકાશે. દુય્યમ પુરાવો એટલે (1) પુરાવાના કાયદામાં ખરી નકલ તરીકે દર્શાવેલ નકલ, (2) યાંત્રિક વિધિથી મૂળ દસ્તાવેજની કાઢવામાં આવેલી નકલ; દા. ત., ફોટોગ્રાફી કે ઝેરૉક્સ પદ્ધતિથી કાઢેલી નકલ, (3) અસલ દસ્તાવેજ પરથી ઉતારેલી કે સરખાવેલી નકલ, (4) દસ્તાવેજની બે નકલ બનાવી સામસામા પક્ષકારોને સહી કરવા આપેલ હોય ત્યારે એમાંની એક નકલ, (5) અસલ દસ્તાવેજ જેણે નજરે જોયો હોય એવા સાહેદની જુબાની.

કયા કિસ્સાઓમાં દસ્તાવેજ અંગેનો દુય્યમ પુરાવો આપી શકાય :

(1) અસલ દસ્તાવેજ સામા પક્ષકારના કબજામાં હોય, અદાલતની પહોંચ બહારની વ્યક્તિના કબજામાં હોય, અથવા એવી વ્યક્તિના કબજામાં હોય કે જે એ રજૂ કરવા બંધાયેલો હોય પણ એ રજૂ કરવાની નોટિસ કે સૂચના મળ્યા પછી પણ અદાલતમાં રજૂ ન કરે. (2) જે વ્યક્તિ વિરુદ્ધ દસ્તાવેજનું અસ્તિત્વ કે તેમાં સમાવેલ બાબતો સાબિત કરવાની હોય તે વ્યક્તિએ કે તેના પ્રતિનિધિએ લેખિત સ્વરૂપમાં તેની કબૂલાત કરી હોય. (3) અસલ દસ્તાવેજ નષ્ટ થયેલો હોય કે ગુમ થયો હોય, અથવા તે દસ્તાવેજમાં ઉલ્લેખેલ બાબતો અંગેનો પુરાવો વાજબી સમયમાં રજૂ થઈ શકે તેમ ન હોય. (4) મૂળ દસ્તાવેજ સહેલાઈથી ખસેડી શકાય તેમ ન હોય. (5) મૂળ દસ્તાવેજ જાહેર દસ્તાવેજની વ્યાખ્યામાં આવતો હોય. (6) મૂળ દસ્તાવેજ પુરાવા તરીકે ગ્રાહ્ય રાખતા કાયદા મુજબની ખરી નકલ તરીકે પ્રમાણિત થયેલ હોય. (7) મૂળ દસ્તાવેજો સંખ્યાબંધ હિસાબના ચોપડા હોય અને અદાલત સરળતાથી એ તપાસી શકી તેમ ન હોય ત્યારે તે તમામના સારાંશરૂપ પરિણામ વિશે આવી બાબતો વિશે ઊંડી જાણકારી ધરાવનાર વ્યક્તિ તેનો પુરાવો આપી શકે.

દસ્તાવેજ સાબિત કરવા અંગેના અન્ય પ્રબંધો : (1) કોઈ દસ્તાવેજમાં કોઈ વ્યક્તિના હસ્તાક્ષર કે સહી હોવાનો આક્ષેપ હોય તો તે હસ્તાક્ષર કે સહી તે વ્યક્તિનાં જ છે એમ સાબિત કરવું જરૂરી બને છે, અને તે માટે તે વ્યક્તિની કે તેના હસ્તાક્ષર કે સહી ઓળખનાર સાહેદની જુબાની લેવી પડે છે. (2) જે દસ્તાવેજમાં સાક્ષીઓની સહીઓ જરૂરી હોય છે તે દસ્તાવેજ સાબિત કરવા તેમાંના એક સાક્ષીની જુબાની લેવી આવશ્યક હોય છે. (3) પણ જો દસ્તાવેજ નોંધાયેલો હોય અને એવો દસ્તાવેજ કરી આપ્યાની હકીકત સામા પક્ષકાર તરફથી નકારવામાં ન આવી હોય તો પોતાના દસ્તખત કરનાર સાક્ષીની જુબાની લેવી ફરજિયાત નથી. (4) જો વસિયતનામું સાબિત કરવું હોય તો દસ્તખત કરનાર એક સાક્ષીની જુબાની લેવી આવશ્યક બને છે. (5) જો અદાલતમાં જુબાની માટે બોલાવી શકાય એવો એક પણ સાક્ષી હયાત ન હોય કે શોધી શકાય એમ ન હોય તો અન્ય સાહેદની જુબાની લઈ એવું સાબિત કરી શકાય કે દસ્તાવેજ કરી આપનારની સહી અને તે જોઈને પોતાના દસ્તખત કરી આપનાર સાક્ષીની સહી એ દસ્તાવેજમાં છે. (6) પણ દસ્તાવેજ કરી આપનાર વ્યક્તિ કે પક્ષકાર જાતે જ એ દસ્તાવેજ કરી આપ્યાની હકીકત કબૂલ કરે તો દસ્તખત કરનાર સાક્ષીની જુબાની લેવી જરૂરી નથી. (7) કોઈ દસ્તાવેજમાં સાક્ષીના દસ્તખત હોય અને જુબાની આપતી વખતે એ પોતાની સહી હોવાની ના પાડે કે પોતાને યાદ નથી એવું કહે ત્યારે એના દસ્તખત અન્ય પુરાવાથી પણ સાબિત કરી શકાય. (8) કોઈ લખાણ કે સહી કોઈ વ્યક્તિના હસ્તાક્ષરમાં છે કે નહિ એ નક્કી કરવા અદાલતને એ સહી કે લખાણને તે વ્યક્તિના હોવાનું સાબિત થયેલા અન્ય હસ્તાક્ષર સાથે કે તે વ્યક્તિએ કબૂલ કરેલ અન્ય હસ્તાક્ષર સાથે સરખાવવાની હકૂમત છે, અને તે હેતુ માટે અદાલત કૉર્ટમાં હાજર હોય એવી વ્યક્તિને પોતાની સમક્ષ એવું લખાણ કરવા કે આંકડા લખવાની સૂચના આપી શકે.

જાહેર દસ્તાવેજો : સાર્વભૌમ પ્રાધિકારીએ, સરકારી ખાતાએ કે ન્યાયપંચોએ કે વિધાનગૃહોના, ન્યાયખાતાના કે વહીવટી જાહેર અધિકારીઓએ કરેલ લખાણ અથવા તેમનું દફતર જાહેર દસ્તાવેજો તરીકે ઓળખાય છે. ખાનગી દસ્તાવેજો વિશે નોંધ રાખનાર સરકારી કે જાહેર દફતર પણ જાહેર દસ્તાવેજ ગણાય છે, અને એવા સરકારી નોંધપત્રકમાંથી દસ્તાવેજની ‘ખરી નકલ’ મેળવી રજૂ કરવામાં આવે તો દસ્તાવેજનું અસ્તિત્વ સાબિત કરવાનું શક્ય છે. જાહેર દસ્તાવેજની વિગતો સાબિત કરવા તેની ખરી નકલ રજૂ થઈ શકે. આ સિવાયના જાહેર દસ્તાવેજો નીચે પ્રમાણે સાબિત થઈ શકે : (1) કેન્દ્ર-સરકાર કે રાજ્ય-સરકારના અધિનિયમો, આદેશો કે અધ્યાદેશો સરકારે મુદ્રિત કરેલા દસ્તાવેજથી સાબિત થઈ શકે; (2) વિધાનગૃહોની કાર્યવહી સરકારી આદેશથી પ્રસિદ્ધ થયેલ સામયિકો કે નકલોથી સાબિત થઈ શકે; (3) પરદેશના વહીવટી તંત્ર કે વિધાનગૃહોની કાર્યવહી તે દેશના સામયિકથી સાબિત થઈ શકે; (4) નગરપાલિકાની કાર્યવહી નગરપાલિકાના મુદ્રિત ઠરાવેલ પુસ્તક પરથી કે તેનું દફતર રાખનાર અધિકારીએ આપેલ ખરી નકલ પરથી સાબિત થઈ શકે.

દસ્તાવેજો બાબતની પૂર્વધારણાઓ : (1) કેન્દ્રસરકારના કે રાજ્ય- સરકારના અધિકારીએ આપેલ પ્રમાણપત્ર કે ખરી નકલ સાચાં હશે એવી પૂર્વધારણા છે; (2) ન્યાયિક કાર્યવહીમાં નોંધાયેલ મૌખિક પુરાવાની ખરી નકલ કે કેદી અથવા આરોપીની કબૂલાતની ખરી નકલ રજૂ થયેથી તે પુરાવો કે કબૂલાત સાચી રીતે નોંધાયેલ હશે એવી પૂર્વધારણા છે; (3) સરકારી ગૅઝેટ (રાજપત્ર) બનાવટી નહિ હોય એવી પૂર્વધારણા છે; (4) કેન્દ્રસરકારે કે રાજ્યસરકારે આપેલા અધિકાર હેઠળ તૈયાર કરવામાં આવેલા નકશા સાચા જ હશે એવી પૂર્વધારણા છે; (5) સરકારે અધિકૃત કરેલ કે પ્રકાશિત કરેલ પુસ્તક કે રિપૉર્ટ સાચી રીતે તૈયાર કરવામાં આવ્યાં હશે એવી પૂર્વધારણા છે; (6) નૉટરી પબ્લિકે, અદાલતે, ન્યાયાધીશે, મૅજિસ્ટ્રેટે કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિએ આપેલ મુખત્યારનામું યોગ્ય રીતે આપવામાં આવ્યું હશે એવી પૂર્વધારણા છે; (7) કોઈ દસ્તાવેજ રજૂ કરવાની નોટિસ આપવા છતાં અદાલતમાં રજૂ કરવામાં ન આવે તો તે કાયદા પ્રમાણે જ તૈયાર કરવામાં આવ્યો હશે એવી પૂર્વધારણા છે; (9) સૌથી મહત્વની પૂર્વધારણા એ છે કે કોઈ દસ્તાવેજ ત્રીસ વર્ષથી વધારે જૂનો હોય અને યોગ્ય હવાલો ધરાવતી વ્યક્તિ તરફથી રજૂ કરવામાં આવે તો તેમાં જણાઈ આવતી સહીઓ અને લખાણો તેમાં દર્શાવેલ વ્યક્તિએ જ કરેલ હશે એવી પૂર્વધારણા છે. આ બધી પૂર્વધારણાઓ છે, અને તે ખોટી સાબિત કરવા પુરાવો રજૂ કરી શકાય.

દસ્તાવેજની શરતો વિશે અન્ય પુરાવો આપી ન શકાય :

(1) કોઈ કરારની, દાનની કે મિલકત-તબદીલીની શરતોને દસ્તાવેજી સ્વરૂપમાં લખવામાં આવી હોય કે કાયદા મુજબ દસ્તાવેજી સ્વરૂપમાં લખવી આવશ્યક હોય ત્યારે તે શરતો સાબિત કરવા તે દસ્તાવેજ રજૂ કરવો જરૂરી છે, અને દસ્તાવેજનો દુય્યમ પુરાવો રજૂ કરી શકાય એમ હોય તો તેવો પુરાવો પણ રજૂ કરી શકાય, પણ અન્ય કોઈ પુરાવો સ્વીકારવામાં નહિ આવે. તેમજ આવી શરતો નાસાબિત કરવાનો કે તેમાં ફેરફાર કર્યો હોવાનો કોઈ મૌખિક પુરાવો ગ્રાહ્ય રાખવામાં નહિ આવે. (2) પણ આવો દસ્તાવેજ દગાથી, ધાકધમકીથી, અવેજ આપ્યા વિના, ભૂલથી કે ગેરકાયદેસર રીતે કરાવી લેવામાં આવ્યો હોય તો તે બાબતનો મૌખિક પુરાવો રજૂ કરી શકાય. (3) વળી જે બાબતમાં દસ્તાવેજમાં કોઈ ઉલ્લેખ ન હોય એ વિશે મૌખિક પુરાવો આપી શકાય. (4) કરારમાં સ્પષ્ટ રીતે નિર્દેશ ન કર્યો હોય એવી રૂઢિ કે વહેવારનો મૌખિક પુરાવો આપી શકાય. (5) પ્રવર્તમાન હકીકતના સંદર્ભમાં દસ્તાવેજની ભાષા સમજવા પુરાવો આપી શકાય. (6) કોઈ દસ્તાવેજની ભાષા સ્પષ્ટ રીતે અનેકાર્થી હોય તો તેનો અર્થ નક્કી કરવા કે ખામી સુધારવા માટેનો પુરાવો રજૂ ન થઈ શકે. દા. ત., ‘અ’ પોતાનો ઘોડો ‘બ’ને રૂ. 5,000 અથવા રૂ. 8,000માં વેચવાનો કરાર કરે છે. ચોક્કસ કેટલી કિંમત ચૂકવવાની છે એ અંગે કોઈ પુરાવો રજૂ ન થઈ શકે. (7) દસ્તાવેજની ભાષા સ્પષ્ટ હોય પણ પ્રવર્તમાન હકીકતના સંદર્ભમાં અસ્પષ્ટ જણાતી હોય તો તેનો અર્થ સ્પષ્ટ કરવા પુરાવો આપી શકાય; દા. ત., ‘અ’ પોતાનું ‘કૉલકાતા’નું ઘર વેચવા માટે દસ્તાવેજ કરે છે. કૉલકાતામાં ‘અ’નું ઘર નથી પણ હાવરામાં છે. દસ્તાવેજ હાવરાના ઘર બાબતમાં છે એવો પુરાવો કરી શકાય. (8) દસ્તાવેજની ભાષા અનેક વ્યક્તિઓ કે વસ્તુઓને લાગુ પડે એમ હોય તો કઈ વસ્તુ કે વ્યક્તિ વિશે દસ્તાવેજ કરવામાં આવ્યો છે એનો પુરાવો આપી શકાય. (9) વળી દસ્તાવેજની ભાષા આંશિક રીતે અમુક હકીકતને લાગુ પડતી હોય અને આંશિક રીતે બીજી હકીકતને લાગુ પડતી હોય તો તે કઈ હકીકતને લાગુ પડતી હશે એનો પુરાવો આપી શકાય. (10) દસ્તાવેજમાં વપરાયેલી ભાષા અવાચ્ય હોય, અથવા સ્થાનિક બોલી કે વિશિષ્ટ અર્થ ધરાવતા શબ્દો, વિદેશી કે તાંત્રિક શબ્દસમૂહ ધરાવતી હોય, તો તેનો અર્થ દર્શાવવા પુરાવો રજૂ કરી શકાય. (11) દસ્તાવેજની શરતોમાં કરેલ સમકાલીન ફેરફાર વિશે ત્રાહિત વ્યક્તિ પુરાવો આપી શકે, પણ દસ્તાવેજના પક્ષકારો ન આપી શકે.

પુરાવાનો બોજો : (1) કોઈ હકીકત પર આધારિત હક્ક કે જવાબદારી સાબિત કરવા ઇચ્છતા પક્ષકારે એ હકીકત સાબિત કરવી પડે. એ પુરાવાનો બોજો કહેવાય છે. કોઈ પણ દાવામાં કે કાર્યવહીમાં પુરાવાનો બોજો એવા પક્ષકાર પર હોય છે કે જે કોઈ પુરાવો રજૂ ન થાય તો હારી જાય; દા. ત., એક લખાણના આધારે ‘અ’ ‘બ’ની સામે નાણાં મેળવવા દાવો કરે છે. ‘બ’ એ લખાણ કરી આપ્યું હોવાનું કબૂલ કરે છે, પણ જણાવે છે કે એ લખાણ દગાથી મેળવવામાં આવ્યું હતું. બંનેમાંથી એકે પક્ષકાર કોઈ પુરાવો રજૂ ન કરે તો ‘અ’ દાવો જીતી જશે, કારણ કે લખાણના અસ્તિત્વ વિશે તકરાર નથી. આમાં દગો સાબિત કરવાનો બોજો ‘બ’ના માથે છે. (2) કોઈ ચોક્કસ હકીકત પર આધાર રાખનાર પક્ષકારના માથે એ હકીકત સાબિત કરવાનો બોજો છે. (3) એક હકીકત પર બીજી હકીકત આધારિત હોય તો બીજી હકીકત સાબિત કરવા ઇચ્છનારે પહેલી હકીકત સાબિત કરવી પડે; દા. ત., ‘અ’ ‘બ’નું મરણોન્મુખ નિવેદન સાબિત કરવા માગતો હોય તો પ્રથમ એણે ‘બ’નું મૃત્યુ સાબિત કરવું પડે. (4) કોઈ વ્યક્તિ સામે કોઈ ગુનાનું તહોમત હોય તો તેનો કિસ્સો કાયદાએ દર્શાવેલ અપવાદમાં આવે છે એવું સાબિત કરવાનો પુરાવો તે વ્યક્તિએ રજૂ કરવો પડે; દા. ત., ‘અ’ની સામે ખૂનનો આરોપ છે. ‘અ’નો બચાવ એવો છે કે ઓચિંતા ભારે ઉશ્કેરાટના કારણે તેણે પોતાની જાત પરનો અંકુશ ગુમાવ્યો હતો. આ બચાવ સાબિત કરવાનો બોજો ‘અ’ના માથે છે, અને તે સાબિત ન કરે તો ખૂનના ગુના માટે જવાબદાર ગણાશે. (5) કોઈ હકીકત કોઈ વ્યક્તિની જાણમાં હોય તો તે હકીકત સાબિત કરવાનો બોજો તે વ્યક્તિના માથે છે. દા. ત., ‘અ’ની સામે ટિકિટ વિના પ્રવાસ કરવાનો આરોપ છે. ટિકિટ ખરીદી હોવાની હકીકત સાબિત કરવાનો બોજો ‘અ’ના માથે છે. (6) કોઈ વ્યક્તિ છેલ્લાં ત્રીસ વર્ષના ગાળામાં હયાત હતી એવું સાબિત થાય તો જે પક્ષકાર એના મૃત્યુનું પ્રતિપાદન કરે એના માથે મૃત્યુ સાબિત કરવાનો બોજો છે, પણ જેમને એના સમાચાર સામાન્યપણે મળતા રહેતા હોય એમને સાત વર્ષ સુધી એના કોઈ જ સમાચાર ન મળ્યા હોય તો એ વ્યક્તિ જીવંત કે હયાત છે એ સાબિત કરવાનો બોજો સામા પક્ષકારના માથે જાય છે. (7) કોઈ વ્યક્તિઓ ભાગીદારો તરીકે, માલિકભાડૂત તરીકે, અથવા મુખ્યકર્તા-અભિકર્તા તરીકે વર્તાવ કરતા હોય, ત્યારે તેમનો સંબંધ એ રીતનો નથી એવું સાબિત કરવાનો બોજો સંબંધ નકારનાર પક્ષકારના માથે રહે છે. (8) કોઈ સ્થાવર-જંગમ મિલકતનો કબજો ધરાવનાર વ્યક્તિ તેની માલિક નથી એવું સાબિત કરવાનો બોજો માલિકી નકારનાર વ્યક્તિના માથે રહે છે. (9) બે વ્યક્તિઓ વચ્ચે વિશ્વાસનો સંબંધ હોય તો એમની વચ્ચેના વ્યવહારો શુદ્ધ દાનતથી કરવામાં આવેલા એ સાબિત કરવું પડે. દા. ત., વકીલ-અસીલ, ડૉક્ટર-દર્દી, ધર્મ-ગુરુ-શિષ્ય વચ્ચેના સંબંધ વિશ્વાસના સંબંધ છે. અસીલે કોઈ મિલકત વેચવા માટે કરેલો દસ્તાવેજ વકીલના લાભમાં શુદ્ધ દાનતથી કરી આપેલો એ હકીકત સાબિત કરવાનો બોજો વકીલના માથે છે. (10) કોઈ સ્ત્રીના લગ્નજીવન દરમિયાન કે તેના છૂટાછેડા પછી બસો એંસી દિવસની અંદર કોઈ વ્યક્તિનો જન્મ થયો હોય તે વ્યક્તિ તેના પતિનું કાયદેસરનું બાળક છે એવું માનવામાં આવશે, સિવાય કે ગર્ભાવસ્થા પહેલાં પતિ-પત્ની વચ્ચે કોઈ સંબંધ નહોતો એવું સાબિત કરવામાં આવે. (11) કુદરતી ક્રમ પ્રમાણે, અને માનવ-વર્તન અને જાહેર કે ખાનગી ધંધાના સામાન્ય ક્રમમાં કોઈ પણ કૃત્ય કરવામાં આવ્યું હશે એ હકીકત અદાલત માની લેશે. આ પૂર્વધારણા વિરુદ્ધ પુરાવો રજૂ કરી ના સાબિત થઈ શકે.

ઉપરની પૂર્વધારણાઓ ઉપરાંત, સમયાનુસાર 1983માં પુરાવા અધિનિયમમાં વધારાની ત્રણ પૂર્વધારણાઓ ઉમેરવામાં આવી છે : કલમ 113A, 113B, 114A. કલમ 113A મુજબ કોઈ પરિણીત સ્ત્રી લગ્નની તારીખથી સાત વર્ષની અંદર આપઘાત કરે અને એવું સાબિત કરવામાં આવે કે તેના પતિ કે પતિના સગાએ તેના ઉપર ક્રૂરતા આચરી હતી, તો અદાલત એવું માની લેશે કે તેના પતિ કે સગાએ તેને આપઘાત કરવામાં પ્રોત્સાહન આપ્યું હતું અને તે રીતે અદાલત તેના પતિ કે સગાને સજા કરી શકશે. આ પૂર્વધારણા યોગ્ય પુરાવો રજૂ કરી નષ્ટ કરી શકાય. કલમ 113 B મુજબ કોઈ સ્ત્રીના મરણ પહેલાં ટૂંક સમયમાં જ અન્ય વ્યક્તિએ દહેજની માગણી કરી તેને ત્રાસ આપ્યો હતો એવું સાબિત થાય તો તે વ્યક્તિએ દહેજ માટે તે સ્ત્રીનું મોત નિપજાવ્યું હશે એમ માની લેવામાં આવશે. આ પૂર્વધારણા યોગ્ય પુરાવાથી અને ઊલટતપાસથી દૂર કરી શકાય. કલમ 114 A મુજબ બળાત્કારના મુકદ્દમામાં જાતીય સંભોગ સાબિત થાય અને સ્ત્રી પોતાની જુબાનીમાં કહે કે એમાં એની સંમતિ નહોતી તો અદાલત માની શકશે કે સ્ત્રીએ સંમતિ આપી નહોતી.

1984માં વધારાની એક કલમ 111 A ઉમેરવામાં આવી. તે મુજબ કોઈ વિસ્તારને કાયદા હેઠળ અશાંત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હોય અથવા એકાદ મહિનાથી એ વિસ્તારમાં જાહેર શાંતિનો સતત ભંગ થતો રહેતો હોય, અને ત્યાં સેનાનો સામનો કરવા માટે સ્ફોટક સામગ્રી કે હથિયારો વાપરવામાં આવ્યાં હોય ત્યારે એ વિસ્તારમાં કોઈ વ્યક્તિની હાજરી પુરવાર થાય તો તે વ્યક્તિએ રાષ્ટ્રદ્રોહના ગુના કે કાવતરામાં ભાગ લીધો હશે એવું માની લેવામાં આવશે.

કોઈ વ્યક્તિ પોતાની જાહેરાત, કાર્ય કે ઉપેક્ષા દ્વારા બીજી વ્યક્તિને અમુક હકીકત સાચી છે એવું માનવા અને તેના આધારે કોઈ કાર્ય કરવા પ્રેરે, તો તે બે વ્યક્તિઓ વચ્ચેના દાવા કે ઇતર કાર્યવહીમાં એ હકીકતનો ઇન્કાર નહિ કરી શકાય; દા. ત., ‘અ’ ‘બ’ સમક્ષ એવી ખોટી રજૂઆત કરે છે કે અમુક મિલકત કે વસ્તુ તેની પોતાની માલિકીની છે, અને એ રજૂઆતના આધારે ‘બ’ એ મિલકત કે વસ્તુ તેની કિંમત ચૂકવીને ખરીદે છે. પાછળથી ‘અ’ તે મિલકત કે વસ્તુનો માલિક બને છે, અને પોતાને વેચાણ વખતે માલિકીહક્ક ન હતો એવા કારણસર વેચાણ રદ કરવા દાવો કરે છે. ‘અ’ને પોતાની અગાઉની રજૂઆત ખોટી હતી એવું કહેવાની છૂટ નથી, તેથી દાવો રદ થશે. આ પ્રતિરોધનો સિદ્ધાંત નૈતિક કારણસર સ્વીકારવામાં આવે છે; પણ આ સિદ્ધાંત સરકારને કાયદા મુજબની પોતાની ફરજો બજાવતાં કે કાયદા ઘડવાની ફરજો બજાવતાં અટકાવી શકતો નથી, અને કાયદાથી પ્રતિબંધિત કૃત્ય કરવાની ફરજ પાડી શકતો નથી.

પુરાવાના કાયદા મુજબ, એક વ્યક્તિ કોઈ વ્યક્તિના ભાડૂત તરીકે કે એવી વ્યક્તિની પરવાનગીથી સ્થાવર મિલકતનો કબજો ધરાવતી હોય તો બીજી વ્યક્તિને મિલકતનો કબજો આપવાનો અધિકાર કે માલિકીહક્ક ન હતો એવી રજૂઆત કબજો ધરાવતી વ્યક્તિ ન કરી શકે, એટલે કે બીજી વ્યક્તિના માલિકીહક્કનો ઇન્કાર ન કરી શકે. તે જ પ્રમાણે જંગમ મિલકત નિક્ષેપbailmentથી આપનારને કે પરવાનો આપનાર વ્યક્તિને નિક્ષેપ કે પરવાનો આપવાનો અધિકાર નહોતો એવો ઇન્કાર મિલકતનો કબજો ધરાવનાર કરી શકે નહિ. હૂંડી કે વિનિમયપત્ર સ્વીકારનાર વ્યક્તિ એવો ઇન્કાર કરી શકે નહિ કે હૂંડી કે વિનિમયપત્ર લખનારને એ લખવાનો કે તેના ઉપર શેરો કરવાનો અધિકાર નહોતો.

સાહેદો વિશે : કુમળી વય, વૃદ્ધાવસ્થા, માનસિક કે શારીરિક રોગ કે એવા કોઈ પણ કારણસર કોઈ વ્યક્તિને પૂછવામાં આવેલા સવાલો સમજવા કે તેના બુદ્ધિપૂર્વકના જવાબ આપવા તે અશક્તિમાન બની હોય. તે સિવાય કોઈ પણ વ્યક્તિ જુબાની આપવા સક્ષમ ગણાય છે. બોલી ન શકનાર સાહેદ ખુલ્લી અદાલતમાં લખીને કે ઇશારા કરીને પુરાવો આપી શકે. ઉચ્ચતર અદાલતનો ખાસ આદેશ ન થાય ત્યાં સુધી કોઈ પણ ન્યાયાધીશ કે મૅજિસ્ટ્રેટ અદાલતમાં કરેલા પોતાના વર્તાવ બદલ કોઈ પણ જવાબ આપવા બંધાયો નથી, પણ તેની હાજરીમાં અદાલતમાં કોઈ બનાવ બન્યો હોય તો તે બાબતમાં તેની જુબાની લઈ શકાય.

કેટલીક બાબતોમાં જુબાની આપવાની ફરજ પાડી શકાય નહિ. (1) પતિ-પત્ની વચ્ચેના દાવા કે કાર્યવહી સિવાયની અન્ય કોઈ કાર્યવહીમાં પતિ કે પત્નીને પોતાની પત્ની કે પોતાના પતિ સાથેની વાતચીત કે વ્યવહાર વિશે જુબાની આપવાની ફરજ પાડી શકાશે નહિ કે તે વિશે જુબાની આપવાની પરવાનગી અપાશે નહિ. (2) વિભાગના વડાની પરવાનગી વિના રાજ્યની કોઈ પણ બાબત વિશે અપ્રસિદ્ધ અધિકૃત રેકર્ડ પરથી જુબાની આપી શકાશે નહિ. (3) કોઈ જાહેર અધિકારીને જાહેર હિતો જોખમમાં મુકાય એની કોઈ માહિતી ગુપ્તપણે આપવામાં આવી હોય તો તે માહિતી જાહેર કરવાની ફરજ પાડી શકાય નહિ. (4) કોઈ પણ મૅજિસ્ટ્રેટને, પોલીસ-અધિકારીને કે મુલકી અધિકારીને કોઈ ગુનો આચર્યાની માહિતી કોની પાસેથી મળી એ જણાવવાની ફરજ પાડી શકાય નહિ. (5) કોઈ વકીલ, બૅરિસ્ટર કે મુખત્યારને તેના અસીલની સ્પષ્ટ સંમતિ વિના અસીલે આપેલી માહિતી કે તેના દસ્તાવેજમાં લખેલી હકીકત કે અસીલને આપેલી સલાહ જાહેર કરવાની પરવાનગી આપી શકાશે નહિ, સિવાય કે આવી માહિતી કોઈ ગેરકાયદેસર ઉદ્દેશ સિદ્ધ કરવા આપવામાં આવી હોય, અથવા વકીલ, બૅરિસ્ટર કે મુખત્યાર તરીકે ફરજ બજાવતાં કોઈ ગુનો કે દગો થયાની હકીકત એના ધ્યાનમાં આવી હોય. આમ ગેરકાયદેસર ઉદ્દેશ સિદ્ધ કરવા માટે આપવામાં આવેલી માહિતી વકીલ કે બૅરિસ્ટર કે મુખત્યાર ગુપ્ત રાખી શકતો નથી. આ નિયમ વકીલ કે બૅરિસ્ટર કે મુખત્યારના કારકુન કે નોકરોને પણ લાગુ પડે છે. કોઈ અસીલને પણ એના કાયદાકીય સલાહકાર સાથેની ગુપ્ત વાતચીત કે વ્યવહાર જાહેર કરવાની ફરજ પાડી શકાશે નહિ. (6) દાવામાં પક્ષકાર ન હોય એવી કોઈ પણ વ્યક્તિને તેની મિલકતના દસ્તાવેજ રજૂ કરવાની ફરજ પાડી શકાશે નહિ, સિવાય કે તેણે લેખિત રીતે એવા દસ્તાવેજ રજૂ કરવાની સંમતિ આપી હોય. (7) દીવાની કે ફોજદારી કાર્યવહીમાં તકરારી બાબતને લગતા કોઈ પણ પ્રશ્નનો જવાબ પોતાને ગુનેગાર ઠરાવશે કે દંડને પાત્ર બનાવશે એવા કારણસર કોઈ સાહેદ તેવા પ્રશ્નનો જવાબ આપવાની ના પાડી શકશે નહિ; પણ આવા જવાબના આધારે તેની ધરપકડ થઈ શકશે નહિ અને કોઈ ફોજદારી કાર્યવહીમાં એ જવાબનો ઉપયોગ થઈ શકશે નહિ. આવો જવાબ આપતાં ખોટી જુબાની અપાઈ હોય તો તેની સામેના કેસમાં તે જવાબનો ઉપયોગ થઈ શકે. (8) આરોપીની સામે એનો સાથીદાર જુબાની આપવા સક્ષમ છે.

સાહેદો તપાસવાનો ક્રમ : દીવાની કે ફોજદારી કાર્યવહીના કાયદા પ્રમાણે અને તેવા કાયદાના અભાવે અદાલતની મુનસફી પ્રમાણે સાહેદો તપાસી શકાશે. કોઈ પક્ષકાર પોતાના સાહેદને તપાસે એ સરતપાસ કહેવાય છે. સામો પક્ષકાર તેને પ્રશ્નો પૂછે એ ઊલટતપાસ કહેવાય છે, અને ત્યારબાદ સરતપાસ કરનાર પક્ષકાર જે પ્રશ્નો પૂછે એ ફેરતપાસ કહેવાય છે. સરતપાસ અને ઊલટતપાસ પ્રસ્તુત હકીકત બાબતમાં જ કરી શકાય, પણ સરતપાસમાં કહેલી વિગતો વિશે જ ઊલટતપાસ કરી શકાય એવી મર્યાદા નથી. ઊલટતપાસમાં આવેલી હકીકતના ખુલાસા માટે જ ફેરતપાસ કરી શકાય. માત્ર દસ્તાવેજ રજૂ કરવા માટે બોલાવેલ વ્યક્તિની ઊલટતપાસ ન કરી શકાય.

સૂચક પ્રશ્નો : જે પ્રશ્નમાંથી જવાબનું સૂચન થાય તેવો પ્રશ્ન સૂચક પ્રશ્ન ગણાય છે. અદાલતની પરવાનગી વિના સરતપાસમાં સૂચક પ્રશ્નો પૂછી શકાય નહિ; પણ ઊલટતપાસમાં પૂછી શકાય.

(1) કોઈ સાહેદે ભૂતકાળમાં કરેલા લેખિત કથન વિશે તેની ઊલટતપાસ કરી શકાય, પણ તેને ખોટો સાબિત કરવા એ લખાણ તરફ એનું ધ્યાન દોરવું પડે. કોઈ સાહેદ ફરી ગયેલો જણાય ત્યારે એવી ઊલટતપાસ કરી શકાય.

(2) ઊલટતપાસ કરતી વખતે દાવાની કે કાર્યવહીને લગતી બાબતમાં સાહેદની સચ્ચાઈની કસોટી કરવા કે જીવનમાં તેની સ્થિતિ કઈ છે એ નક્કી કરવા કે તેની વિશ્વસનીયતા ડગાવી દેવા માટેના પ્રશ્નો પૂછી શકાય.

(3) જો ઊલટતપાસમાંના પ્રશ્નો પ્રસ્તુત ન હોય તો સાહેદ તેનો જવાબ આપવા બંધાયો નથી, એવી સૂચના અદાલત આપી શકે. સાહેદના ચારિત્ર્યને સ્પર્શતો પ્રશ્ન કરવા માટેનું વાજબી કારણ ન હોય કે તેના ટેકામાં સધ્ધર પુરાવો ન હોય તો એવો પ્રશ્ન કરી શકાય નહિ. વાજબી કારણ વિના એવો સવાલ પૂછવામાં આવે તો અદાલત વડી અદાલતને અને બાર કાઉન્સિલને તે હકીકત જણાવી શકે. તે જ પ્રમાણે તકરારી બાબતને લગતા ન હોય એવા કોઈ પણ અભદ્ર કે બદનક્ષીભરેલા પ્રશ્નો પૂછતાં અદાલત અટકાવી શકે છે; અને સાહેદનું અપમાન કરે કે ચીડવે અને બિનજરૂરી આક્રમણ કરે એવા પ્રશ્નો પૂછતાં પણ અટકાવી શકે.

(4) કોઈ પક્ષકારે બોલાવેલો સાહેદ તેની વિરુદ્ધ જુબાની આપે તો અદાલત તે પક્ષકારને તેની ઊલટતપાસ કરવાની પરવાનગી આપી શકે.

(5) કોઈ સાહેદની વિશ્વસનીયતા ઘટાડવા કે તોડવા માટે અન્ય વ્યક્તિઓની જુબાની લઈ શકાય, સાહેદ લાંચ કે લાલચનો શિકાર બન્યો છે એવું સાબિત કરી શકાય, તેની જુબાનીથી વિસંગત હોય એવાં કથનો અગાઉ કર્યાં હોય તો તે પુરવાર કરી શકાય અને બળાત્કારના મુકદ્દમામાં ફરિયાદી સ્ત્રી ખરાબ ચારિત્ર્યની હતી એવું સાબિત કરી શકાય.

(6) કોઈ સાહેદની જુબાનીના સમર્થનમાં તે જ હકીકતના સમયગાળા દરમિયાન તે સાહેદે અગાઉ જે કથન કર્યું હોય તે સાબિત કરી શકાય.

(7) કોઈ બનાવ કે વ્યવહાર વખતે સાહેદે કોઈ લખાણ કર્યું હોય તો તેની જુબાની વખતે પોતાની યાદદાસ્ત તાજી કરવા એ લખાણ જોઈ શકે. પણ વિરુદ્ધ પક્ષકાર માગે તો તે લખાણ તેને બતાવવું પડે અને તે બાબતમાં તે સાહેદની ઊલટતપાસ થઈ શકે.

(8) કોઈ દસ્તાવેજ રજૂ કરવાની નોટિસ મળવા છતાં કોઈ પક્ષકાર તે રજૂ ન કરે તો પાછળથી સામા પક્ષકારની સંમતિ વિના તે દસ્તાવેજનો પુરાવા તરીકે ઉપયોગ ન કરી શકે.

(9) સુસંગત કે પ્રસ્તુત હકીકત અંગે યોગ્ય સાબિતી મેળવવા ન્યાયાધીશ ગમે તે પ્રશ્ન કરી શકે અને દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવાનો આદેશ આપી શકે, અને ન્યાયના હિતમાં કાયદાકીય કાર્યવહીના કોઈ પણ તબક્કે કોઈ પણ સાહેદને તપાસી શકે.

(10) કોઈ પુરાવો અયોગ્ય રીતે દાખલ કરવામાં આવ્યો હોય કે ન સ્વીકારવામાં આવ્યો હોય તેટલા જ કારણસર અદાલતનો ચુકાદો રદ કરવામાં નહિ આવે.

ચિનુપ્રસાદ વૈ. જાની