પુરાતત્વવિદ્યા

I પુરાતત્વવિદ્યા : પરિભાષા, ધ્યેય અને કાર્યક્ષેત્ર : ‘પુરા’ અર્થાત્ પ્રાચીન. જેમાં પ્રાચીનત્વ છે – જેમાં પુરાપણાનું તત્વ છે તે ‘પુરાતત્વ’. એ સંબંધી વિદ્યાનું નામ પુરાતત્વવિદ્યા ‘આર્કિયૉલૉજી’. ગ્રીક પદ ‘આર્કિઑસ્’ અર્થાત્ ‘પુરા’ અને ‘લૉગસ્’ અર્થાત્ ‘શબ્દ/વ્યાખ્યાન/નિરૂપણ’ આદિ વિદ્યા હોય તો શબ્દનો ઉપયોગ કરી વ્યાખ્યાનાદિ થાય. આથી ‘લૉગસ્’નો લક્ષ્યાર્થ થયો ‘વિદ્યા’. બંને પદોથી ‘પુરાવિદ્યા’ – શબ્દ સિદ્ધ થયો. તેનો અર્થવિસ્તાર થતાં ‘પુરાકાળમાં વસ્તુનિર્માણની વિદ્યા’ – એમ સમજવામાં આવ્યું. વળી પાછો અર્થવિસ્તાર થતાં ‘પુરાવસ્તુને અને એની નિર્માણકળાની પ્રવિધિની જાણકારી મેળવવા માટેની વિદ્યા’ – એમ સમજવામાં આવ્યું. વસ્તુમાં પ્રાચીનત્વ હોવું અનિવાર્ય હોઈ સંક્ષેપ થયો ‘પુરાતત્વવિદ્યા’. વ્યવહારમાં આ પદ કેવળ ‘પુરાતત્વ’ રૂપે પ્રયોજાય છે.

‘પુરાતત્વવિદ્યા’ અને ‘આર્કિયૉલૉજી’ બંનેમાં ‘વસ્તુ’ અને અન્ય આનુષંગિક પદ અધ્યાહાર છે. ‘વાયુપુરાણ’(99/278/79)માં અને કાલિદાસના ‘રઘુવંશ’(11/10)માં ‘પુરાવિદ’ પદ પ્રયોજાયેલું છે.

પ્રાચીન કાળમાં મનુષ્યકૃત સર્વે વસ્તુઓના પ્રાપ્ત થતા અવશેષોનો સંશોધનાત્મક અભ્યાસ. પુરાતત્વવિદ્યા, મનુષ્યના મનોદેહબુદ્ધિનો અને એને ઘડનારાં તત્કાલીન ભૂસ્તર, ભૂરચના તથા પર્યાવરણનો સાધાર નિર્ણય કરે છે. આથી વિવિધ સંસ્કૃતિઓના ઉદય-વિકાસ-હ્રાસ તથા લય અથવા રૂપાંતરનાં કારણોની આપણને જાણ થાય છે.

II નવપુરાતત્વવિદ્યા : ભારતમાં પ્રાય: 1888થી પ્રાય: 1944 સુધી થયેલાં પુરાતત્ત્વીય ઉત્ખનન કેવળ સ્થાવર-જંગમ પુરાવશેષોની શોધ અને પ્રાપ્તિ અર્થે થયેલાં હોઈ વસ્તુ-અભિમુખી હતાં સમસ્યાભિમુખી નહિ. હડપ્પા, તક્ષશિલા, નાલંદા વગેરેનાં ઉત્ખનન સ્તરવાર થયેલાં ન હોઈ તત્કાલીન માનવજીવનનો નિર્દેશ કરતાં નહોતાં. દ્વિતીય વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી અમેરિકાના પુરાવિદોએ માનવજીવનને જાણવા સમસ્યાભિમુખી ઉત્ખનનનું સમર્થન કરી, એનું ‘નવ્યપુરાતત્વવિદ્યા’ (neo archaeology) એવું નામકરણ કર્યું. એના મુખ્ય સિદ્ધાંત આ મુજબ છે : (1) પુરાતત્ત્વીય ઉત્ખનન વસ્તુ-અભિમુખ નહિ, સમસ્યાભિમુખ હોવું જોઈએ; (2) ઉત્ખનનમાંથી મળતા પુરાવશેષોનાં રચના અને ઉપયોગને, એનાં પ્રાપ્તિસ્થાને જ, સ્થાન-પરિસ્થિતિ-પરિવેશના આધારે સમજવા પ્રયત્નશીલ રહેવું જોઈએ અને (3) આ માટે ઉત્ખનન, કેવળ સંસ્કૃતિઓનો કાળક્રમ અને સમયગાળો જાણવા, નાના પાયે શિરોલમ્બ (vertical) નહિ, પરંતુ વિશાળ પાયે ક્ષિતિજસમતલ (horizontal) પણ હોવું જોઈએ.

ભારતમાં સર મોર્ટિમર વ્હીલર ‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ’ (ભા.પુ.સ.)ના મહાનિર્દેશકના પદ પર હતા (1944-48) ત્યારે સ્તરશ: ઉત્ખનનનું અક્ષરશ: પાલન થવા લાગ્યું હતું, જે ક્યારેક અવાંછિત અતિરેકમાં પરિણમતું હતું. અમેરિકાના પુરાવિદોએ સ્તરની અવગણના કરી પાંચ – પાંચ સેમી.નું ઉત્ખનન કરવાનો આગ્રહ રાખ્યો, પછી ભલે સ્તરપરિવર્તન થતું હોય !

વસ્તુત: પ્રાસંગિક આવશ્યકતાનુસાર ઉત્ખનન થાય એ ઇચ્છનીય છે. આદર્શ તો છે ટિંબા પર કેન્દ્રીય સ્થળે સર્વસ્તરદ્યોતક શિરોલમ્બ ખાત (trench) કે ક્ષિતિજસમતલ ખાઈમાં એક ખૂણે નિયંત્રક ગર્ત (control pit) બનાવીને એના આધારે આવશ્યકતાનુસાર ઉત્ખનન થાય તેનો.

III. નિસ્તાર-પુરાતત્વવિદ્યા : પુરાતત્ત્વીય પ્રવૃત્તિ બે પ્રકારે થતી હોય છે : આયોજિત અને આકસ્મિક. આકસ્મિકના પણ બે પ્રકાર છે. કોઈ જિજ્ઞાસુ કોઈ પુરાવશેષ બતાવવા કે તદ્વિષયક માહિતી આપવા આવે ત્યારે અને નાનામોટા નિર્માણકાર્ય માટે ખોદકામ થતું હોય ત્યારે. આકસ્મિક પુરાતત્ત્વીય પ્રવૃત્તિ-નિસ્તાર પુરાતત્વવિદ્યાના આધારે થાય છે.

નિસ્તાર એટલે ઉદ્ધાર. સર્વનાશમાંથી કશીક વસ્તુ કે માહિતી બચાવી લેવાના કર્મને અંગ્રેજીમાં ‘સૅલ્વેજ’ કહે છે.

વ્યક્તિ, સમાજ કે સરકાર દ્વારા, પુરાતત્ત્વીય સિવાયના કોઈ પણ પ્રકારના ખોદકામમાંથી કોઈ પણ પ્રકારના પુરાવશેષ પણ નીકળતા હોય છે ત્યારે પુરાવિદ પાસે એનું નિરીક્ષણ કરાવી લેવાથી ન તો મિથ્યા ઊહાપોહ થાય કે ન કોઈ અતિ મહત્વના પુરાવશેષ પુનર્વિસ્મૃતિના ગર્ભમાં ચાલ્યા જાય.

પુરાવિદ, આવા પુરાવશેષ અને ખોદકામના છેદ(section)નું ત્વરિત નિરીક્ષણ કરીને, સ્થાનિક ભૂરચનાના સ્તરીકરણ(stratification)ની નોંધ લઈ, આવશ્યક હોય તો પુરાવશેષ યોગ્ય સ્થળે સુરક્ષિત રખાવે છે.

વિશાળ સેતુનિર્માણ માટેના પાયા ખોદતાં પૂર્વે સેતુના કારણે ભૂમિના જેટલા ભાગ પર જળ ભરવાનું હોય, તેટલા ભાગનું ત્વરિત સર્વેક્ષણ/અન્વેષણ કરી જે સ્થાવર-જંગમ પુરાવશેષોને સુરક્ષિત રાખવાનો અભિપ્રાય આવે, તેને યોગ્ય સ્થળે ખસેડી લેવાથી એનો સર્વનાશ થતો નથી.

આવી નિસ્તાર-પુરાતત્ત્વીય પ્રવૃત્તિ ભવિષ્યના સંશોધનકાર્યમાં મહત્વનું યોગદાન આપે છે.

IV જળતળ-પુરાતત્વવિદ્યા : સમુદ્રીય વ્યતિકરો(phenomena)ને વર્ણવતાં વિદ્યાવિભાગ (oceanography) અને પુરાતત્વવિદ્યાના યોગથી વિકસેલી જળતળપુરાતત્વવિદ્યાને અંગ્રેજીમાં ‘મરીન આર્કિયૉલૉજી’ કહે છે.

આનો આરંભ 1900માં ગ્રીસના દક્ષિણ તટ નિકટ એક દ્વીપ પર થયેલો. આરંભિક કાળે તો, વાદળી એકત્રિત કરવાની પ્રવિધિ અનુસાર જ, મરજીવા, ડૂબકી મારીને સમુદ્રના તળિયેથી વહાણના ભગ્નાવશેષ અને આંતરવાણિજ્ય તથા વિદેશવ્યાપાર સાથે સંબદ્ધ ઉત્પાદ (products) કાઢી લાવતા. સમુદ્રવિદ્યાના વિકાસ સાથે આ વિદ્યા વિકસવા લાગી છે. આ પ્રવિધિનો પ્રયોગ તથા ઉપયોગ જળમગ્ન નગરોના સંશોધનાર્થે પણ થઈ રહ્યો છે.

ગુજરાતને સુદીર્ઘ સમુદ્રતટનો લાભ, જગતનો તથા ભારતનો વહાણવટાનો ઇતિહાસ પ્રાય: પાંચ હજાર વર્ષથી અધિક પ્રાચીન તથા સૌરાષ્ટ્ર અને આફ્રિકા વચ્ચે ભૂમિ, સમુદ્ર અને આદિમાનવનો પ્રાચીનતમ સંબંધ – આ સર્વ કારણોને લીધે ગુજરાતમાં જળતળપુરાતત્ત્વીય સંશોધનને વિશાળ અવકાશ છે.

શ્રીકૃષ્ણકાલીન દ્વારકાની શોધ માટે વીસમી સદીના પ્રાય: સાતમા દશકથી આ પ્રવિધિ અનુસારનું સંશોધન ચાલુ છે. એમાં એક સમસ્યા એ છે કે છૂટા પુરાવશેષોની, રૂપસામ્યના આધારે કાળગણના થઈ શકે, પરંતુ સમુદ્રતળે રહેલા સ્થાવર પુરાવશેષો સાથે એનો અનુબન્ધ જોડવો સરળ નથી, પ્રાય: કોઈને માન્ય ન રહે, સિવાય કે ઉત્ખનક અને અમુક સંપ્રદાયવાદીઓને.

V પુરાતત્વ અને ઇતિહાસ : પુરાતત્વ અને ઇતિહાસ વચ્ચે સંબંધ છે. બંને એક જ નથી. પુરાતત્વવિદ્યા અને ઇતિહાસલેખનનો પણ ઇતિહાસ છે. ગ્રીક અને લૅટિનમાં ‘હિસ્ટૉરિયા’ શબ્દ છે. ગ્રીકમાં એનો અર્થ છે ‘પૃચ્છા દ્વારા શીખવું’ અને લૅટિનમાં ‘ઇતિહાસ’. અંગ્રેજી પદ ‘હિસ્ટરી’નું સંક્ષિપ્ત સ્વરૂપ છે ‘સ્ટોરી’, ‘હિસ્ટરી’ અને ‘સ્ટોરી’ બંનેનો વાચ્યાર્થ એક જ છે : ‘બની ગયેલી ઘટનાનું વર્ણન’. ‘ઇતિહાસ’ પદનો અર્થ (ઇતિઆમ, હજ, આસ-હતું) ‘આમ જ હતું’ થાય છે. આવું કહેવા માટે વિશ્વાસપાત્ર આધાર જોઈએ.

યુરોપવાસી કેટલાક ઇતિહાસલેખકોની એવી માન્યતા હતી કે પ્રાચીન ભારતીય વિદ્વાનોને ઇતિહાસલેખન(historiography)નું જ્ઞાન નહોતું; પરંતુ ભારતમાં ઠેઠ વૈદિક કાળથી પ્રાય: ગુપ્તકાળના સમાપન સુધીમાં ઇતિહાસલેખનના 21 ભેદ હતા : 1. ઇતિહાસ, 2. ઐતિહ, 3. પુરાકલ્પ, 4. પરક્રિયા/પરકૃતિ, 5. ઇતિવૃત્ત/પુરાવૃત્ત, 6. અવદાન, 7. આખ્યાયન, 8. આખ્યાયિત, 9. ઉપાખ્યાત, 10. અન્વાખ્યાત, 11. ચરિત, 12. અનુચરિત, 13. કથા, 14 પરિકથા (નહિ કે પરીકથા), 15. અનુવંશ, 16. ગાથા, 17. નારચંસી, 18. રાજશાસન, 19. પુરાણ, 20. કાળવિદ્યા (chronology) અને 21. ગોત્ર-પ્રવર. આ વિભાગોના નામના સ્રોત અને ભેદના સ્વરૂપની પરિચર્ચા પં. ભગવદ દત્તે भारतवर्षका बृहर इतिहास નામના સ્વલિખિત સંશોધન-ગ્રંથના બે પૈકી પ્રથમ ભાગમાં કરી છે.

વિદેશીઓ દ્વારા ઉત્તરાધિકારમાં પ્રાપ્ત થયેલા ઇતિહાસનો કેવળ એક પ્રકાર હતો  રાજકીય. એનાં સ્રોતસાધનરૂપ કેવળ લિખિત પ્રમાણો હતાં. કેટલાંક પ્રમાણ કૃતક હોવા છતાંય એને અકૃતક માની લેવામાં આવ્યાં હતાં. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી હવે ઇતિહાસના બે વિભાગ થયા છે : રાજકીય અને સાંસ્કૃતિક. એના સ્રોતસાધન રૂપે પુરાતત્વની પ્રાય: સર્વે શાખાઓનો ઉપયોગ થાય છે.

સાંસ્કૃતિક ઇતિહાસલેખનમાં બહુધા પુરાવશેષોનાં સાંસ્કૃતિક વર્ણન (culturography) હોય છે. સંસ્કૃતિના તત્વદર્શનનો એમાં મહદંશે અભાવ હોય છે. પુરાતત્વવિદ્યા આ તત્વની પણ નિદર્શક છે. તત્કાલીન માનવ તથા માનવ-સમાજના દૃષ્ટિગત તથા સમષ્ટિગત મન-બુદ્ધિ-ચિત્ત-અહંકારજનિત વર્તનને અનાવૃત કરવાનું કર્મ પુરાતત્વવિદ્યા કરે છે.

VI પુરાતત્વવિદ્યાના વિવિધ શાસ્ત્રાદિ સાથેના સંબંધ : (1) ભૂસ્તરશાસ્ત્ર સાથે : પ્રાકૃતિક તથા માનવપ્રવૃત્તિભૂત સ્તરરચનાનાં ત્રણ લક્ષણ, બંનેમાં એકસમાન હોય છે : (i) અધ્યારોપણ-(superimposition)ના નિયમ પ્રમાણે પ્રત્યેક નિમ્ન સ્તર પ્રત્યેક ઊર્ધ્વ સ્તર કરતાં સાપેક્ષ રીતે પ્રાચીન હોય છે. (ii) ભૂકંપ જેવાં પરિબળોની પ્રવૃત્તિઓ(tectonic activities)થી મૂળ સ્તરરચનામાં વિક્ષેપ થાય છે. વિક્ષેપિત સ્તરરચના પોતાનું મૂળ સ્વરૂપ કદીય પુન:ધારણ કરી શકતી નથી અને (iii) પ્રાકૃતિક સ્તરરચનાના પ્રત્યેક કલ્પ-યુગ-કાળના સ્તરોમાં જેમ જે તે સમયની જીવસૃષ્ટિના અશ્મીભૂતાવશેષ, હાડપિંજર, અસ્થિ અને અશ્મોપકરણ (stone-implements) સમાવિષ્ટ હોય છે તેમ જ માનવપ્રવૃત્તિભૂત સ્તરરચનામાં માનવકૃત વસ્તુ કે એના અવશેષ સમાવિષ્ટ હોય છે. આ ત્રણેય લક્ષણ, કાળનિર્ણયમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

(2) પ્રાદેશિક ભૂરચના અને ભૂસ્વરૂપ સાથે : ‘જિયાગ્નસી’ અને ‘જિયોમૉર્ફૉલૉજી’ના જ્ઞાન વિના નદીના ઇતિહાસનું અને નદીતટે પાંગરેલી સંસ્કૃતિઓના સંશોધનનું સાચું જ્ઞાન થતું નથી.

(3) ભૂગોળ સાથે : પુરાતત્ત્વીય પ્રવૃત્તિઓનો સંબંધ, સંબંધિત ક્ષેત્રોની પ્રાકૃતિક તથા રાજકીય ભૂગોળ, માનચિત્રો (નકશા) તથા નદીઓનાં મૂળ-મુખ અને પ્રવાહમાર્ગ સાથે હોય છે.

(4) પર્યાવરણ સાથે : મનુષ્ય અને એની પ્રવૃત્તિઓ પર્યાવરણથી પ્રભાવિત થતી હોય છે, ઉત્ખનિત મૃત્તિકા (clay) અને ધરા(soil)ના વૈજ્ઞાનિક પૃથક્કરણ દ્વારા સંબંધિત સમયગાળાના પર્યાવરણને જાણી શકાય છે.

(5) અશ્મીભૂત પુરાજીવાવશેષશાસ્ત્ર (palaeontology) સાથે : ગ્રીક પદ ‘પૅલીઅસ્’ અર્થાત્ ‘પુરા’, ‘ઑન્ટસ્’ અર્થાત્ ‘જીવ’ અને ‘લૉગસ્’ અર્થાત્ ‘શાસ્ત્ર’ મળીને ઉપર્યુક્ત અંગ્રેજી પદ બનેલું છે. અશ્મીભૂત (fossil) થઈ ગયેલા જીવાવશેષનો અભ્યાસ આ શાસ્ત્ર દ્વારા થાય છે.

(6) પુરાવનસ્પતિશાસ્ત્ર (palaeo-botany) અને પુરાજીવશાસ્ત્ર (palaeo-biology) સાથે : આ બંને શાસ્ત્રોનો ઉપયોગ, સેન્દ્રિય પદાર્થોના જે અવશેષ અશ્મીભૂત ન થયા હોય, તેનો અભ્યાસ કરવામાં થાય છે. ઉત્ખનિત મૃત્તિકા અને ધરામાંથી તારણપ્રવિધિ(floating technique)થી ઉપર્યુક્ત પુરાવશેષ મળી આવે છે. એના અભ્યાસ પરથી તત્કાલીન પર્યાવરણ અને આબોહવા (climate) જાણી શકાય છે.

(7) નૃવંશશાસ્ત્ર (anthropology) સાથે : આ શાસ્ત્રના ‘શારીરિક’ અને ‘સાંસ્કૃતિક’ બંને વિભાગ દ્વારા, ઉત્ખનિત માનવ-હાડપિંજરનાં વેશ-જાતિ-બાંધો-વય-આહાર-ટેવ અને સંસ્કૃતિની જાણકારી મળે છે.

(8) મનુષ્યજાતિશાસ્ત્ર (ethnology) સાથે : આ શાસ્ત્ર અને ‘એથ્નૉગ્રાફી’ના અભ્યાસ દ્વારા સાંપ્રતકાલીન વિવિધ મનુષ્યજાતિગત કલા અને એની પ્રાચીનતાના આધારે પ્રાચીન મનુષ્યજાતિગત કલા વિશે સાપેક્ષ અનુમાન થઈ શકે છે.

(9) ભૌતિક વિજ્ઞાન સાથે : પુરાવશેષ કોઈ ને કોઈ દ્રવ્યના બનેલા હોય છે. દ્રવ્યજ્ઞાન ભૌતિક વિજ્ઞાનના આધારે થાય. કેટલાંક દ્રવ્ય કિરણોત્સર્જક (radio-active) હોય છે. કેટલાંક દ્રવ્ય ઉષ્ણતેજ-વિસર્જક (thermoluminescent) હોય છે. પ્રયોગશાળામાં આ બંને પ્રક્રિયા માપી શકાય છે. આથી કેટલાક પુરાવશેષોનો નિરપેક્ષ કાળનિર્ણય થઈ શકે છે.

(10) ધાતુશાસ્ત્ર (metallurgy) સાથે : કેટલાક પુરાવશેષ ધાતુનિર્મિત હોય છે. કેટલાક સમયખંડમાં અમુક ધાતુનું જ પ્રચલન હતું. કેટલાક ઉત્ખનનમાં ધાતુ ગાળવાની ભઠ્ઠી કે એના અવશેષ મળી આવે છે. ધાતુનો અને એને ગાળવાની ભઠ્ઠીના પ્રવિધિનો ઇતિહાસ જાણવામાં આ શાસ્ત્ર સહાયક બને છે.

(11) રસાયણશાસ્ત્ર સાથે : ર્જીણ પુરાવશેષોના દૃઢીકરણ – ભાવિ સંરક્ષણ માટે કયા દ્રવ્યની કયા દ્રવ્ય પર કેવી પ્રક્રિયા થશે, કયા દ્રવ્યની સારવાર કયા દ્રવ્યથી કરવી કે ન કરવી આદિ વિષયોની જાણકારી રસાયણશાસ્ત્ર આપે છે.

(12) ભાષા, સાહિત્ય, લોકકથા, લોકગીત, લોકબોલી સાથે : જે વિસ્તારમાં પુરાતત્ત્વીય પ્રવૃત્તિ કરવાની હોય, તેમાં રહેતા લોકોની પ્રવર્તમાન ઉપર્યુક્ત લાક્ષણિકતાઓના અભ્યાસ દ્વારા જ્ઞાતમાંથી અજ્ઞાતનું અનુમાન થઈ શકે છે.

(13) પ્રાચીન ધર્મગ્રંથો સાથે : ધર્મગ્રંથોની અવગણના કે અતિગણના પુરાતત્વ-સંશોધકને દિગ્ભ્રમિત કરી દે છે. વેદ, ષડ્દર્શનો (સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા તથા વેદાન્ત અર્થાત્ આરણ્યક અને ઉપનિષદ), મહાકાવ્યો (વાલ્મીકીય રામાયણ અને મહાભારત) તથા મુખ્ય મુખ્ય 18 પુરાણોના અભ્યાસથી પુરાવિદની સૂક્ષ્મદર્શી બુદ્ધિનો વિકાસ થાય છે. પ્રત્યેક સાંપ્રદાયિક ગ્રંથનો અભ્યાસ પણ સાંપ્રદાયિક પુરાતત્ત્વીય સંશોધનકાર્યમાં સહાયક બને છે. સામા પક્ષે સ્વયં ધર્મગ્રંથોના અને એમાં થયેલા સુધારા-વધારા કે ક્ષેપકોના સમયાંકનમાં પુરાતત્વવિદ્યા મહત્વનો ભાગ ભજવે છે.

(14) પ્રાચીન લિપિવિદ્યા સાથે : મૌર્યકાલીન બ્રાહ્મી લિપિ અને વર્તમાન ગુજરાતી લિપિ સુધીનાં એનાં સ્વરૂપોના ક્રમિક જ્ઞાન વિના પુરાભિલેખ ઉકેલી શકાય જ નહિ.

(15) અભિલેખવિદ્યા (epigraphy) અને સિક્કાશાસ્ત્ર (numismatics) સાથે : મૃત્તિકા, શૈલ-શિલા, ચર્મ, તાડપત્ર, ભોજપત્ર, કાષ્ઠ, વસ્ત્ર, તામ્રપત્ર, કલાકૃતિ, શવાધાન (કબર), શસ્ત્રાસ્ત્ર કે કાગળ આદિ પર કોઈ પણ લિપિ અને ગમે તે ભાષામાં કોતરેલા, ઉપસાવેલા કે લખેલા લેખને ‘અભિલેખ’ સંજ્ઞા આપવામાં આવી છે. અભિલેખ લખવા-ઉકેલવાની વિદ્યાને અભિલેખવિદ્યા કહે છે. કેટલાક અભિલેખ કે એમાંની કોઈ વાત બનાવટી પણ હોય છે. અભિલેખ વિદ્યાની મદદથી પ્રાચીન અને મધ્યકાલીન શિલાલેખા તથા સિક્કાઓનું વાંચન થઈ શકે છે.

સિક્કાશાસ્ત્ર : અભિલેખવિદ્યા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. કેટલાક રાજવંશ, વંશાવળી, શાસકોનાં નામ, એમનો સમય વગેરે નિશ્ચિત કરવામાં સિક્કાશાસ્ત્રની ભૂમિકા અદ્વિતીય છે. ગુજરાતમાં ક્ષત્રપ રાજાઓની વંશાવળી અને સાલવારીના નિર્ણયમાં ક્ષત્રપ-સિક્કાઓનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે.

(16) પ્રશિષ્ટ ભાષાઓ સાથે : સંસ્કૃત, ગ્રીક, લૅટિન, અરબી, ફારસી જેવી ભાષાઓ અને અરબી-ફારસી-તુર્કી-હિન્દીના મિશ્રણ જેવી ઉર્દૂ ભાષા અને લિપિની, એ લિપિઓ લખવાની શૈલીઓની જાણકારીથી, જે તે ભાષા-લિપિમાં લખાયેલા અભિલેખો અને સિક્કાઓ ઉકેલવામાં અને જે કોઈ ભાષાના શબ્દ, સીધા કે રૂપાન્તરિત થઈને અંગ્રેજી-ગુજરાતીમાં ઊતરી આવ્યા હોય તેમને સમજી શકાય છે.

(17) પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્ય સાથે : કથાવસ્તુ પ્રાચીન હોવા છતાંય રાજપ્રાસાદ, રાચરચીલું, વસ્ત્રાલંકાર આદિ લેખકકાલીન હોય છે યુદ્ધનાં વર્ણન પણ એ સર્વમાંના વર્ણનાત્મક સંદર્ભો, પુરાતત્વવિદ્યાને ઉપકારક થાય છે.

(18) નિરુક્ત અને વ્યુત્પત્તિશાસ્ત્ર સાથે : નિરુક્તિ અર્થાત્ વ્યુત્પત્તિ(etymology)વિષયક શાસ્ત્ર, પુરાતત્ત્વીય સંશોધનોમાં  ખાસ કરીને ગામનામની વ્યુત્પત્તિ જાણવામાં સહાયક થાય છે.

(19) વાસ્તુશાસ્ત્ર સાથે : અંગ્રેજીમાં ‘આર્કિટેક્ચર’ના બે અર્થ છે : સ્થાપત્ય અને સ્થાપત્યકલા/શૈલી ‘વાસ્તુશાસ્ત્ર’. એ અથર્વવેદનો ઉપવેદ છે. અથર્વવેદને પરોક્ષ રીતે પાષાણયુગ અને સિંધુસભ્યતા સાથે સંબંધ હોવાનો સંભવ છે. સિંધુ સભ્યતાની વાસ્તુશાસ્ત્રમાંની ગતિ વિશ્વપ્રસિદ્ધ છે.

ગુજરાતમાં વીસમી સદીમાં ઉપલબ્ધ વાસ્તુશાસ્ત્રના ગ્રંથ અગિયારમી સદી પછીના અને વિશેષત: સત્તરમી સદીમાં પરિવર્તન પામેલા હોય, એમ જણાય છે. પ્રાચીન સ્થાપત્યોનો અભ્યાસ વાસ્તુશાસ્ત્રીય દૃષ્ટિએ પણ થાય છે. વાસ્તુશાસ્ત્રોનો અભ્યાસ પણ પુરાતત્ત્વીય દૃષ્ટિએ અપેક્ષિત છે.

સ્થાપત્યના મુખ્ય બે ભેદ છે : ધાર્મિક અને નાગરિક. ધાર્મિક સ્થાપત્યના : શૈવ, વૈષ્ણવ, સૌર અને શાક્ત. દૂરથી જ મંદિરનો ‘છંદ’ અર્થાત્ ઊર્ધ્વમાન (vertical) અને તલમાન (ground plan) આયોજન, બૌદ્ધ, જૈન એવા ભેદ પાડે છે જોતાં જ દર્શક જાણી શકતો કે મંદિર અમુક સંપ્રદાયનું છે.

આ સાંપ્રદાયિક સ્થાપત્યના અર્વાચીન પાંચ ભેદ છે : હિન્દુ, બૌદ્ધ, જૈન, મુસ્લિમ અને ખ્રિસ્તી. અગિયારમી સદીના ઉત્તરાર્ધથી હિન્દુ અને જૈન મંદિર વચ્ચેનો છંદભેદ ક્રમશ: ઘટતાં ઘટતાં સંપૂર્ણત: અદૃશ્ય થઈ ગયો. સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરોની શૈલી, હિન્દુ-જૈનની મિશ્ર શૈલીથી ભિન્ન હોઈ હિન્દુ મંદિરનો એ ઉપભેદ થયો.

પ્રાચીન નાગરિક સ્થાપત્યના ત્રણ ઉપભેદ : પ્રજાકીય, શાસકીય અને સામરિક છે. ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ પ્રજાકીય સ્થાપત્ય इष्टापूर्त વર્ગમાં આવતાં અને એમાં લોકોના આવાસ, માર્ગ, સેતુ, પશુશાળા, પ્રપા (પરબ), જળાશય અને ઉપવનનો સમાવેશ થતો હતો.

ઉપર દર્શાવી એવી વાસ્તુશાસ્ત્રગત અનેક વિગતો પુરાતત્વમાં માર્ગદર્શક થાય છે.

(20) શિલ્પકલા અને મૂર્તિવિધાન : પુરાતત્વવિદ્યામાં શિલ્પ (sculpture) અર્થાત્ મૃત્તિકા, પાષાણ, કાષ્ઠ, ધાતુ ઇત્યાદિ સ્થૂળ, ભૌતિક માધ્યમમાં કરેલું કોતરકામ. એના ત્રણ ભેદ છે : પ્રાકૃતિક, ભૌમિતિક અને દૈહિક. દેવ-દેવી, ગંધર્વ, કિન્નર, અપ્સરા, રાક્ષસ, દૈત્ય, દાનવ, માનવ, પશુપંખી વગેરેની દેહરચનાના નિયમોને મૂર્તિવિધાન નામ અપાયું છે.

સ્થાપત્યકલાની જેમ શિલ્પકલા પણ દેશકાળભેદે પરિવર્તન પામતી હોય છે. વાસ્તુશાસ્ત્રોમાં મૂર્તિવિધાન પણ આપવામાં આવતું હોય છે; પરંતુ એનાથી મૂર્તિઓનું સમયાંકન થઈ શકતું નથી. દેશકાળભેદે શૈલીના ઉદય-વિકાસ-હ્રાસના ઘનિષ્ઠ અભ્યાસ પછી રૂપસામ્યના આધારે ‘જ્ઞાતમાંથી અજ્ઞાત પ્રતિ’ના અભિગમે મૂર્તિઓનો કાલનિર્ણય થઈ શકે છે.

(21) ચિત્રકલા અને રેખાકારી સાથે : ચિત્રકલા (painting) અને રેખાકારી (drawing) સાથે પણ પુરાતત્વને ગાઢ સંબંધ છે. પાષાણયુગી ગુફાચિત્રોથી અજંટાની ચિત્રકલા, જૈન હસ્તપ્રતોમાં જોવા મળતી ચિત્રકલા સ્વામી સહજાનંદકાલીન સ્વામિનારાયણીય મંદિરોનાં ભિત્તિ-વિતાન-ચિત્રો સુધીના, વિવિધ યુગોમાં, વિવિધ માધ્યમ પર, વિવિધ શૈલીમાં થયેલા ચિત્રકામનો સમયાંકનાર્થે લાભ લેવાય છે. જે તે ચિત્રોની સામગ્રી તથા તેની પૃષ્ઠભૂમિને સજ્જ કરવા માટેનાં દ્રવ્ય અને પ્રવિધિની જાણકારીનો પ્રાચીન ચિત્રોની, સાધિકાર કે અનધિકાર રીતે થતી પ્રતિકૃતિઓની પદ્ધતિ-રીતિ અને એ ચિત્રોના સંરક્ષણાર્થે કરવાના રાસાયણિક ઉપચારો તથા તેમની પુન:સ્થાપના વગેરે બાબતોનો પુરાતત્વવિદ્યામાં સમાવેશ થાય છે.

કેટલાંક પ્રાચીન ચિત્ર રેખાત્મક હોય છે, એથી અને પુરાતત્ત્વીય ક્ષેત્રકાર્યોના વૃત્તાન્તલેખન તથા સંશોધનલેખોમાં પણ રેખાંકન કરવાનાં હોય છે. તેથી રેખાકારીનાં અનુભવ-જ્ઞાન પણ પુરાતત્વમાં ઇચ્છનીય છે.

(22) છાયાકારી (photography) સાથે : પુરાતત્ત્વીય છાયાકારી છાયાંકન-એક વિશિષ્ટ પ્રવિધિ છે. ચિત્રાંકન અને  રેખાંકનની જેમ છાયાંકન વિના વૃત્તાન્તલેખન અપૂર્ણ ગણાય. ઉત્ખનન પૂર્વેના ટિંબાના પ્રાકૃતિક દૃશ્યનાં અને ઉત્ખનન ચાલે ત્યાં સુધી વિવિધ સ્તરમાંથી નીકળતા પુરાવશેષોનાં અને ખાઈના છેદનાં સ્થાપત્યકીય સ્મારકોનાં સ્થાપત્યકાલીન ભૌતિક સમારકામ અને રાસાયણિક સંરક્ષણકામ પૂર્વેનાં, ચાલુ કામનાં અને કામ પૂર્ણ થયા પછીનાં દૃશ્યોનાં, નદીના ભાઠાના છેદમાં કપાયેલા ટિંબાના છેદમાં દેખાતા પુરાવશેષોનાં – આ રીતે પ્રાય: પ્રત્યેક સ્થિતિનાં છાયાંકનો આવશ્યક હોય છે.

આથી પુરાવિદને વિવિધ પ્રકારના કૅમેરા અને ફોટોગ્રાફી તકનીકનું તથા કઈ વસ્તુની છાયા, શા હેતુ માટે, કયા કોણથી, કયા સમયે, કઈ રીતે લેવી, એનું જ્ઞાન હોવું અનિવાર્ય છે.

(23) માનવકૃત ઉપગ્રહ અને દૂરવેદન સાથે : કૃત્રિમ ઉપગ્રહ(satellite)માં ભૂગર્ભ-સંશોધનાર્થે ગોઠવવામાં આવેલાં તીવ્ર સંવેદનશીલ કૅમેરાની દૂરવેદન પ્રવિધિ (remote sensing) દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવતા ફોટાઓના અભ્યાસ દ્વારા મળતી માહિતીમાં ભૂપૃષ્ઠ પરથી ભૂતકાળમાં અદૃશ્ય થઈ ચૂકેલી કે હાલમાં વહેતી નદીઓ અને એની શાખાઓના પ્રાચીન પ્રવાહમાર્ગોની, પ્રાચીન ટિંબાઓની અને ભૂગર્ભસ્થ થઈ ગયેલાં પ્રાચીન ગ્રામ, નગર, ગઢ, આવાસ, નહેર, માર્ગ આદિની ભાળ મળે છે.

આ ભાળના આધારે પૃથ્વી પરના સંબંધિત વિસ્તારમાં પુરાતત્ત્વીય પદ્ધતિ અનુસાર ક્ષેત્રાન્વેષણ આદિ કરીને પ્રાપ્ત થયેલા પુરાવશેષોની પ્રાચીનતા નિશ્ચિત કરાય છે, જેના આધારે નદીના (હાલમાં અદૃશ્ય એવા) પ્રાચીન પ્રવાહના માર્ગનો સમય પણ નિશ્ચિત થાય છે. લુપ્ત સરસ્વતી નદીનો પ્રવાહ આ રીતે શોધવામાં આવ્યો હતો.

(24) ઉદ્યોગ સાથે : પચીસેક લાખ વર્ષ પૂર્વે આદિ માનવ પથ્થરમાંથી ખોદવાનાં, કાપવાનાં, ભાંગવાનાં અને ઘસવાનાં ઓજારો બનાવતો થયો, ત્યારથી ઉદ્યોગનો આરંભ થયો ગણાય. કાળે કરીને ઔદ્યોગિક ઉત્પાદનમાં વિવિધતા પ્રવેશતી ગઈ. વિવિધ ધાતુઓની શોધ સાથે પ્રવિધિ જટિલ બનતી ગઈ.

કયા કાળે, કઈ કઈ વસ્તુઓના નિર્માણનો ઉદ્યોગ, કયાં કયાં સ્થળોએ કયાં કયાં સાધનોથી, શી રીતે ચાલતો હતો, ઉત્પાદનની આયાત-નિકાસ કયા માર્ગે થતી હતી, ઉપભોક્તા કોણ હતા, શ્રમિકોની સ્થિતિ કેવી હતી – આ અને આવી અન્ય બાબતોનો પુરાતત્ત્વીય અભ્યાસ સાંપ્રત ઉદ્યોગોની જ્ઞાત વિગતોના આધારે થાય છે.

(25) સંસ્કૃતિ સાથે : ‘સંસ્કૃતિ’ (culture) પદ, અન્ય શાસ્ત્રોમાં થતા એના વિવિધ અર્થો કરતાં, પુરાતત્વવિદ્યામાં સ્વકીય વિશિષ્ટ અર્થ ધરાવે છે. ‘કલ્ચર’ પદનો સર્વપ્રથમ વાચ્યાર્થ ‘કૃષિ’ હોઈ, કેટલાકના મતે કૃષિ-આરંભ સાથે સંસ્કૃતિ-આરંભ થયો. આમ હોય તો કૃષિ-આરંભપૂર્વેની સંસ્કૃતિનો પ્રશ્ન ઊભો થાય છે. સાંસ્કૃતિક નૃવંશશાસ્ત્રીઓ મૃત્તિકાપાત્રનિર્માણના પ્રવિધિમૃત્તિકાનું ચયન અને ગૂંદન, પાત્રોનો ઘાટ, દહન, રંજન અને ચિત્રાંકન-રેખાંકનમાં ભિન્નતા સાથે સંસ્કૃતિની ભિન્નતા સંકળાયેલી હોવાનું માને છે. જો એમ માનવામાં આવે તો એક જ કાળના એક જ સંસ્કૃતિના લોકોમાં મૃત્તિકાપાત્રના રૂપરંગના પ્રવિધિમાં પરિવર્તનનો પ્રશ્ન તો રહે જ છે. પુરાતત્વવિદ્યામાં પ્રાય: 1944થી ‘ઠીકરાં જુદાં તો સંસ્કૃતિ જુદી’ની માન્યતા બ્રહ્મવાક્યવત્ અચળ થઈ પડી છે અને 1980 પછી તો સિન્ધુ સભ્યતાનાં મૃત્તિકાપાત્રોનાં રૂપરંગમાં આંશિક ભિન્નતા જણાયે, એના ઉત્પાદકોને ભિન્ન માનવજાતિના માનવા-મનાવવાના સંપ્રજ્ઞાત પ્રયત્નો થઈ રહ્યા છે.

પુરાતત્વવિદ્યાની ‘સંસ્કૃતિ’નો આરંભ, આદિમાનવો અન્ન (વૈદિક સંસ્કૃતમાં ‘અન્ન’ અર્થાત્ સામિષ અથવા નિરામિષ ખાદ્ય) શોધીને એકત્રિત કરીને સંગ્રહવા લાગ્યા ત્યારથી લેખાય છે. અન્ન-ઉત્પાદનની ભૂમિકા તો એ પછીથી આવી.

પુરાતત્વવિદ્યાએ સ્થળ-કાળના સંદર્ભમાં, મનુષ્યોના અધિકાધિક વિસ્તીર્ણ એકમોના જીવનધોરણમાં રહેલા સમત્વનું અધિકાધિક વિસ્તૃત દર્શન, એવા વિશાળ અર્થમાં ‘સંસ્કૃતિ’ પદને સ્વીકાર્યું છે અને સાચો પુરાવિદ આ અર્થસંદર્ભમાં જ પુરાતત્વવિદ્યાને ક્ષેત્રે સંશોધન-અધ્યયનમાં સક્રિય રહે છે.

(26) સભ્યતા સાથે : ‘સભ્યતા’ પદનો અંગ્રેજી પર્યાય ‘સિવિલાઇઝેશન’ છે. તેના પૂર્વપદ ‘સિવિલ’નું મૂળ લૅટિન પદ civilis(અર્થાત્ ‘નગરજન’)માં છે. નગરજનો અને નગરના શાસન-પ્રશાસન સાથે સંબદ્ધ સર્વ વિષયો માટે ‘સિવિલ’ પદ પ્રયોજાવા લાગ્યું. સેના કે સંગ્રામ સાથે જેને સંબંધ ન હોય, તે સર્વ માટે  સેના-સંગ્રામના વિરોધાર્થી શબ્દ રૂપે સિવિલ શબ્દ પ્રચલિત થયો. એ શબ્દ સાથે ‘સુશીલ’, ‘સભ્ય’, ‘શિષ્ટ’ વગેરે શબ્દોની અર્થચ્છાયાઓ પણ સંકળાયેલી છે.

પુરાતત્વવિદ્યાને કેવળ નાગરિકતામાં મર્યાદિત ‘સભ્યતા’નો સંકુચિત અર્થ અસ્વીકૃત છે. આદિમાનવ સ્વકીય તથા પરકીય ઉપયોગાર્થે પાષાણ અને અસ્થિમાંથી ઉપકરણો અને ઉપસ્કરોનું નિર્માણ કરવા લાગ્યો, ત્યારથી ‘ઉદ્યોગ’નો ખાતવિધિ થઈ ચૂક્યો હતો  જેમ ચક્રની શોધ સાથે યંત્રયુગની ઉષા પ્રગટી, એ જ રીતે.

‘સભ્યતા’નો સંબંધ ભૌતિક દ્રવ્ય અને સાધનસામગ્રી સાથે, તો ‘સંસ્કૃતિ’નો મનુષ્યના ચૈતસિક ઉત્ફુલ્લનજનિત વિચાર-વાણી-વર્તન સાથે છે. પુરાતત્વવિદ્યા માટે સભ્યતા પુષ્પ છે અને સંસ્કૃતિ એની સૌરભ. પુરાતત્વવિદ્યા સભ્યતા અને સંસ્કૃતિના અભ્યાસ દ્વારા અમુક યુગમાં અમુક સભ્યતા/સંસ્કૃતિધારી માનવ એના નિજી પર્યાવરણમાં મન-વચન-કર્મથી શી રીતે ‘વર્તતો’ હતો તે શોધવામાં સતત પ્રયત્નશીલ રહે છે.

(27) જનીનવિજ્ઞાન અને મનોવિજ્ઞાન સાથે : પ્રાય: 4.37 અબજ વર્ષ પૂર્વે પૃથ્વી પર જીવસૃષ્ટિનો આરંભ થયા પછી, ઉત્ક્રાંતિની અનેકવિધ ભૂમિકાઓમાંથી પસાર થતાં થતાં પ્રાય: સાત કરોડ વર્ષ પૂર્વે સસ્તન પ્રાણીઓના કોઈ સમુત્ક્રાંત વંશમાં ‘ન નર  ન વાનર’(કપિ-માનવ) પ્રકારનાં પ્રાણીઓનો વિકાસ થયો. એના વંશજોમાંથી પ્રાય: ત્રણ કરોડ વર્ષ પૂર્વે વાનર અને માનવ બંનેની સ્વતંત્ર દેહરચનાની પ્રક્રિયા આરંભાઈ. દેહ-રચનામાં મસ્તિષ્ક અને એની ક્રિયા-પ્રક્રિયા-પ્રતિક્રિયાનો પણ સમાવેશ થાય. આથી જનીનવિજ્ઞાન અને મનોવિજ્ઞાનના આધારે આધુનિક વાનર તથા માનવની કેટલીક આદતોની પ્રાચીનતાનો નિર્ણય થઈ શકે.

VII. પુરાતત્વવિદ્યાનો આરંભ અને વિકાસ : ભારતમાં પ્રાય: અઢારમી સદીના ઉત્તરાર્ધથી અને ગુજરાતમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધથી પુરાતત્વની છૂટક-તૂટક પ્રવૃત્તિઓ આરંભાઈ હતી. 1860માં ‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ’ની સ્થાપના થઈ. 1861માં ભગવાનલાલ ઇંદ્રજીએ બ્રાહ્મી લિપિ ઉકેલવાનું શરૂ કર્યું. 1874-75માં જેમ્સ બર્જેસે કચ્છ-સૌરાષ્ટ્રનાં સ્થાપત્યકીય સ્મારકોનું સર્વેક્ષણ કર્યું. 1881માં ભાવનગર રાજ્યમાં પુરાતત્વખાતું સ્થપાયું. 1883-84માં બર્જેસે અમદાવાદ, ચાંપાનેર તથા ધોળકામાં મુસ્લિમ સ્થાપત્યોનું સર્વેક્ષણ કર્યું. 1888માં ગિરનાર નિકટસ્થ બોરિયા સ્તૂપનું ઉત્ખનન થયું. 1893માં રૉબર્ટ બ્રુશફૂટે વડોદરા રાજ્યનાં નદી, ખડક અને ભૂરચનાનો અભ્યાસ કર્યો. 1930માં વડોદરા રાજ્યમાં પુરાતત્વ ખાતું શરૂ થયું. 1944-47માં ડૉ. હ. ધી. સાંકળિયાએ લાંઘણજનું ઉત્ખનન કર્યું. 1933માં જૂનાગઢ રાજ્યમાં પુરાતત્વખાતું હોવાનો સંભવ છે. 1947-48માં સૌરાષ્ટ્ર રાજ્યમાં પુરાતત્વખાતાની સ્થાપના થઈ, જે તા. 1519-60થી ગુજરાત રાજ્યનું પુરાતત્વ ખાતું બન્યું અને સિન્ધુસભ્યતાનાં સ્થળોના અન્વેષણનો આરંભ થયો, ઉત્ખનન પણ થયાં. 1947માં અમદાવાદમાં ‘ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી’(PRL)ની સ્થાપના થઈ, જે પુરાવશેષોના વૈજ્ઞાનિક સમયાંકનમાં અતિ મહત્વનું યોગદાન આપી રહી છે. અહીં પુરવશેષોનું સમયાંકન C14 પદ્ધતિથી કરવામાં આવે છે. 1967માં અમદાવાદમાં Indian Space Research Organisation-ISRO (ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર)ની સ્થાપના થઈ, જે દૂરવેદન પ્રવિધિ દ્વારા પુરાતત્ત્વીય શોધકાર્યમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. 1949માં ગિરનાર નિકટસ્થ ઈંટવા વિહારનું ઉત્ખનન થયું. 1950માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં પુરાતત્વ વિભાગ સ્થપાયો.

વીસમી સદીના અંતિમ દશક સુધીમાં તો ગુજરાતમાં રાજ્ય પુરાતત્વખાતું, પુણેની ડેક્કન કૉલેજ, વડોદરાની મ. સ. યુનિવર્સિટીનો પુરાતત્વ વિભાગ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણનું વડોદરાસ્થિત પશ્ચિમ વર્તુળ, PRL, ઇસરો-ISRO અને અમેરિકાની પેન્સિલવેનિયા યુનિવર્સિટી વગેરે પુરાતત્વક્ષેત્રે એવાં તો કાર્યરત છે કે ગુજરાતમાં પ્રાગૈતિહાસિક પ્રાચીન પાષાણયુગથી આરંભી મધ્ય ઐતિહાસિક નગરોના પુરાતત્ત્વીય અધ્યયન સુધી પુરાતત્વની સર્વ શાખાઓમાં એવો વિકાસ સાધી શકાયો છે કે ગુજરાત, વિશ્વભરમાં ‘પુરાતત્વની ખાણ’ રૂપે ખ્યાત થયું છે.

VIII. અધ્યયનસામગ્રી : પુરાતત્ત્વીય અધ્યયનસંશોધનાર્થે જે સામગ્રીનો ઉપયોગ થાય છે, તેમાં મુખ્યત્વે છે : અશ્મીભૂત અવશેષ, હાડપિંજર, અસ્થિ, પાષાણ-અસ્થિ-ધાતુનાં ઓજાર, મૃત્તિકાપાત્ર, પ્રાકૃતિક તથા માનવકૃત ગુફાઓ, પ્રાચીન માનવવસવાટના ટિંબા, નગર-રચના, ગૃહરચના, રસોડાં, ચૂલા, ભઠ્ઠી, ગમાણ, ખેતી, પાળેલાં પશુ, ઉકરડા, શૌચાલય, દેવાલય, વાવ-કૂવા, કોલસા, માનવમળ, વનસ્પતિના અવશેષ, અભિલેખ, મુદ્રાસંક્ષેપમાં માનવકૃત કોઈ પણ વસ્તુ.

વિવિધ શાસ્ત્રોની સહાયથી થતા પુરાતત્ત્વીય અધ્યયન-સંશોધનમાં પુરાવશેષોની નિર્માણકલાનો ઇતિહાસ, માનવવસવાટથી થતું ભૂરચનાકીય પરિવર્તન, પર્યાવરણ, કાળગણના અને પુરાવશેષોની ભાવિ પેઢીઓ માટે સાચવણી આદિનો સમાવેશ થાય છે.

IX સમન્વય તથા સહકાર : જે જે શાસ્ત્રોના સમન્વયથી પુરાતત્વવિદ્યા વિકસી છે, તે તે શાસ્ત્રોના નિષ્ણાતોનો સહકાર પુરાતત્ત્વીય પ્રવૃત્તિઓમાં મળવો અનિવાર્ય છે. આથી જે તે વિષય-નિષ્ણાત માટે એ આવશ્યક બની જાય છે કે સમસ્યાના પુરાતત્ત્વીય દૃષ્ટિબિંદુને સમજે, પુરાતત્વવિદ્યાની બાળપોથીને જાણે. અન્યથા, સંશોધનાન્તે થતાં તારણ સત્યથી વિમુખ રહે છે.

X સંભાવના તથા મર્યાદા : મનુષ્યકૃત સર્વ વસ્તુઓનો કુદરતે કરીને, મનુષ્યે કરીને હ્રાસનાશ થતો જ રહે છે. એમાંથી જે બચી જાય તે પણ મહદંશે ખંડિત અથવા જર્જરિત દશામાં હોય છે. એમાંથીયે અલ્પની જ સ્થળ પર કે સંગ્રહાલયમાં સાચવણી થતી હોય છે. વળી, સાચવણી માટે ઉત્તરદાયી લોકોની મનોવૃત્તિના કારણે પણ નાશ થતો રહેતો હોય છે. લિખિત સાહિત્ય ક્યારેક અતિશયોક્તિપૂર્ણ, એકપક્ષીય કે બનાવટી હોય છે. નિરક્ષર પ્રજા પાસે લિખિત સાહિત્યસામગ્રી પ્રાય: હોતી જ નથી. એના વિશે અન્ય કોઈએ કંઈ લખ્યું હોય એ વાત જુદી છે.

આમ તો પુરાતત્ત્વીય પ્રવૃત્તિ તો, પૃથ્વી પર માનવજીવન છે ત્યાં સુધી ચાલુ રહેવાની જ છે; પરંતુ માનવજાતિનો ભૂતકાળ જાણવાનાં સાધન પ્રમાણમાં નહિવત્ હોઈ, અવશેષ જોઈને જ અશેષનું અનુમાન કરવું પડે એવી પરિસ્થિતિ રહે છે, જે એની મર્યાદા પણ બને છે. વળી, અવશેષ રૂપી પુરાવાના બદલાવ સાથે ધારણા પણ બદલાતી રહે એ જેમ પુરાતત્વવિદ્યાની ઉદારતા તેમ મર્યાદા બની રહે છે.

XI પુરાતત્વવિદ્યાના વિભાગ : કોઈ પણ દેશના ઇતિહાસલેખનના આધાર માટે જે સમયથી લિખિત સામગ્રી મળતી હોય, તે સમયથી એના ઇતિહાસનો આરંભ થયો ગણાય. એની પહેલાંનો સમય પ્રાગ્-ઐતિહાસિક કહેવાય છે. આ બેની વચ્ચે ભારતમાં, વૈદિક સંસ્કૃતિ અને સિન્ધુ-સભ્યતાનો યુગ આવે છે. વૈદિક કાળ અંગેની લિખિત સામગ્રી એના પછીના કાળમાં મળે છે, અને સિન્ધુ-સભ્યતાકાલીન લિપિ અદ્યાપિ ઉકેલી શકાઈ નથી. એથી એ બંનેની ગણના આદ્ય-ઐતિહાસિક (proto-historic) તબક્કામાં કરવાની થાય છે. સિન્ધુ લિપિનો સર્વમાન્ય ઉકેલ શોધાયો. આમ છતાં આ ઉકેલ અનુસારનું અર્થઘટન પરિવર્તન પામે તેવી સંભાવના સ્વીકારવામાં આવે છે. આથી પુરાતત્વવિદ્યાના પણ ઉપર્યુક્ત ત્રણ વિભાગ થયા. એના પેટાનિયમ નીચે મુજબ છે :

(1) પ્રાગૈતિહાસિક પુરાતત્વ : આદિમાનવના પૂર્વજ, આદિમાનવ, એનાં હાડપિંજર કે અસ્થિ, એ સમયનાં ભૂસ્તર, ભૂરચના, આબોહવા અને પર્યાવરણ. આદિમાનવકૃત પાષાણ-નિર્મિત ઉપકરણો-ઓજારો, એના ખાદ્ય પદાર્થો, એની ખાવાની ટેવ, આદિ વિષયોનો સંશોધનાત્મક અભ્યાસ પ્રાગૈતિહાસિક પુરાતત્વવિદ્યા કરે છે. આ સર્વ વિષયોની સૂચક સંક્ષિપ્ત સંજ્ઞા છે, ‘પાષાણયુગ’. પાષાણના અન્ય પર્યાય ‘પ્રસ્તર’ અને ‘અશ્મ’ હોઈ, આ ત્રણમાંથી ગમે તે પદ પ્રયોજાય છે.

ભૂરચનાના જે સ્તરમાંથી આદિમાનવનાં હાડપિંજર, અસ્થિ કે અશ્મોપકરણ મળી આવે, તે સ્તર ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ જે સમયે રચાયા હોય, તેના આધારે, આરંભિક સંશોધકોએ, અશ્મયુગનું વિભાજન કરેલું. પાછળથી અશ્મોપકરણનાં નિર્માણપ્રવિધિ અને રૂપસામ્યના આધારે વિભાગ કર્યા; જેની વિગતો નીચે મુજબ છે :

(i) આદિ/પૂર્વ અશ્મયુગ (early stone age)  (a) નિમ્ન/પૂર્વ પુરાશ્મ યુગ (lower palaeolithic age) : પ્રાય: બેએક લાખ વર્ષ.

(ii) મધ્યાશ્મ યુગ (middle stone age)  (a) મધ્ય પુરાશ્મયુગ (middle palaeolithic age) : પ્રાય: 50થી 20 હજાર વર્ષ.

(b) ઊર્ધ્વ/ઉત્તર પુરાશ્મયુગ (upper palaeolithic age) : પ્રાય: 10 હજાર વર્ષ.

(iii) અન્ત્યાશ્મ/ઉત્તરાશ્મયુગ (late stone age).

(d) અન્તરાશ્મ યુગ (mesolithic age) : પ્રાય: સાતથી પાંચ હજાર વર્ષ.

(iv) અનુ નવાશ્મયુગ (new stone age).

(v) નવાશ્મયુગ (neolithic age) : (આ યુગ ગુજરાતમાં સ્પષ્ટત: નહોતો. અન્યત્ર પ્રાય: નવ હજાર વર્ષ).

(vi) લઘ્વાશ્મ સંસ્કૃતિ/ઉદ્યોગ (microlithic culture/industry).

મધ્યાશ્મ યુગથી અન્ય અશ્મોપકરણોની સાથે લઘ્વાશ્મનિર્મિત ઉપકરણ પણ પ્રાપ્ત થાય છે, ઠેઠ ઈ. સ. પૂ. 400 સુધી. આમ એને અશ્મયુગનો કોઈ પેટાયુગ ન માનતાં, સંસ્કૃતિ કે ઉદ્યોગ કહેવામાં આવે છે.

(vii) તામ્રાશ્મ યુગ (chalcolithic age) : અશ્મોપકરણની સાથે જે યુગમાં તાંબાનાં ઉપકરણ પણ મળવા લાગ્યાં, તે યુગનું નામ તામ્રાશ્મયુગ. સિન્ધુ-સભ્યતા તામ્રાશ્મયુગીન હોવા છતાં એમાં લિપિ અને અભિલેખ હોવાથી એને પ્રાગૈતિહાસિક ગણવામાં નથી આવી.

(2) આદ્ય-ઐતિહાસિક પુરાતત્વ : આમાં વૈદિક કાલ અને સિન્ધુ સભ્યતાકાલનો સમાવેશ થાય છે. અંગ્રેજોએ વૈદિક કાલને સિન્ધુ સભ્યતાનો ઉત્તરકાલીન ઠરાવ્યો હતો. હવે ક્રમશ: સમજાતું જાય છે કે બંને પ્રાય: સમકાલીન હતાં. સિન્ધુ-સભ્યતાનો સમયગાળો સર્વત્ર એકસમાન નહોતો; ઈ. સ. પૂ. 2300થી ઈ. સ. પૂ. 1400 વચ્ચે ભિન્ન ભિન્ન હતો.

ગુજરાતમાં પ્રાય: 1948થી 1996 સુધીમાં સિન્ધુ-સભ્યતાનાં આશરે 300થી અધિક ટિંબા/સ્થળ શોધાયાં છે, જેમાંથી અધિક ખ્યાત લોથલ, રોઝડી અને ધોળાવીરા સહિત પ્રાય: 26 સ્થળે ઉત્ખનન થયેલાં છે.

(3) ઐતિહાસિક પુરાતત્વ : ગિરનાર નિકટસ્થ ‘ત્રિલેખશૈલ’ પર મૌર્ય સમ્રાટ અશોકની રાજાજ્ઞાઓ બ્રાહ્મી લિપિમાં કોતરેલી છે. એ પૂર્વેના કોઈ લિખિત જ્ઞાપક ‘ડૉક્યુમેન્ટ્સ’ અદ્યાવધિ અપ્રાપ્ત હોઈ, ગુજરાતમાં ઐતિહાસિક પુરાતત્વનો આરંભ ઈ. સ. પૂ. પ્રાય: ચોથી સદીના પ્રથમ ચરણથી થાય છે. અંગ્રેજી શાસનના અંત સાથે, હાલ તુરત તો ઐતિહાસિક પુરાતત્વવિદ્યા વિરમે છે.

ગુજરાતનાં પ્રાય: 200 કેન્દ્રરક્ષિત અને પ્રાય: 329 રાજ્યરક્ષિત સ્મારકોમાંથી મોટાભાગનાં આ સમયગાળાનાં છે.

XII. પુરાતત્ત્વીય પ્રવૃત્તિઓના પ્રકાર : કોઈ પણ પ્રાચીન વસ્તુવિશેષ કે સ્થળવિશેષનો પુરાતત્ત્વીય અભ્યાસ આરંભતાં પૂર્વે, એ અંગે અગાઉ થઈ ચૂકેલાં સંશોધનોનું પૂર્વજ્ઞાન હોવું અનિવાર્ય છે. અભ્યસનીય વસ્તુ અસલ (genuine) છે કે બનાવટી, એનું પરીક્ષણ સર્વપ્રથમ કરી લેવાનું હોય છે.

પુરાતત્ત્વીય સંશોધનાત્મક પ્રવૃત્તિઓના મુખ્યત્વે ચાર પ્રકાર છે : નિરીક્ષણ, સર્વેક્ષણ, અન્વેક્ષણ અને ઉત્ખનન.

(1) નિરીક્ષણ : કોઈ પણ વર્ગના પુરાવશેષનો તુલનાત્મક અભ્યાસ કરી એનાં ઓળખ, કાળ, સ્થિતિ, ભાવિ પગલાં આદિનો નિર્ણય કરવામાં આવે છે. શેષ પ્રવૃત્તિઓમાં ‘નિરીક્ષણ’ સર્વસામાન્ય અને અનિવાર્ય છે.

(2) સર્વેક્ષણ : કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં આવેલા સર્વ પ્રકારના સ્થાવર-જંગમ પુરાવશેષોની સૂચિ બનાવી, વર્ગીકરણ કરવામાં આવે છે.

(3) અન્વેષણ : સર્વેક્ષણ (survey) કરતાં અન્વેષણ-(exploration)નું કાર્ય અધિક ઘનિષ્ઠ હોય છે. કોઈ પણ કે અમુક  યુગ, સંસ્કૃતિ કે સ્થાપત્ય-પ્રકાર માટે ઝીણવટભરી તપાસ કરીને એની જિલ્લા-તાલુકા-ગામવાર સૂચિ બનાવવામાં આવે છે.

(4) ઉત્ખનન : કોઈ સમસ્યાનું નિરાકરણ મેળવવાના હેતુ સિવાય ક્યાંય પણ પુરાતત્ત્વીય ઉત્ખનન કરવું યોગ્ય નથી. મનુષ્યવધ અને માનવદેહની શસ્ત્રક્રિયા વચ્ચે જેટલો ભેદ છે, તેથીય વિશેષ ભેદ અન્ય ખોદકામ અને પુરાતત્ત્વીય ઉત્ખનન વચ્ચે તથા વૈજ્ઞાનિક અને અણઘડ ઉત્ખનન વચ્ચે છે.

ઉત્ખનનના ચાર પ્રકાર છે : સંસ્કૃતિઓનું વેળાપત્રક મેળવવા શિરોલમ્બ, સંસ્કૃતિનો વિસ્તાર જાણવા ક્ષિતિજસમતલ અને બંને મેળવવા શિરોલમ્બ-યુક્ત-ક્ષિતિજસમતલ તથા કશીક ચકાસણી કરી જોવા પરીક્ષણ-ગર્ત.

કોઈ પણ પ્રકારના ઉત્ખનનમાં, નીકળનારા અજ્ઞાત સ્તરો પર નિયંત્રણ રાખવાના હેતુથી જેમ નિયત પરિમાણની ખાઈના ચોથા ભાગનું જ ઉત્ખનન પહેલાં કરી, પછી આગળ વધાય છે, તેમ અધિક સાવચેતી માટે એ ચોથા ભાગમાંથી એક જગ્યાએ નિયંત્રક ગર્તા (control pit) કરી, પછી એના આધારે આગળ વધાય છે.

XIII. પ્રાચીન સ્થાપત્યકીય સ્મારકોની સંભાળ : પ્રાચીન સ્થાપત્યકીય સ્મારકોની સંભાળ આવશ્યકતાનુસાર છ પ્રકારે રખાતી હોય છે : (1) વિધિપૂર્ણ રક્ષણ ((lawful protection); (2) જાળવણી/દેખભાળ (maintenance); (3) સંરક્ષણ (preservation); (4) પુરારક્ષણ (conservation); (5) રાસાયણિક ઉપચાર (chemical treatment); (6) પુન:સ્થાપન (restoration).

નવીનીકરણ (renovation) પુરાતત્વને માન્ય નથી. ચૂનો (lime), રસાયણવિજ્ઞાનની દૃષ્ટિએ નથી સંરક્ષણાત્મક (preservative) કે નથી રક્ષણાત્મક (conservative). આથી રક્ષિત સ્મારકને ચૂના કે કોઈ પણ રંગથી ધોળવું-ધોળાવવું કે રંગવું-રંગાવવું એ દંડનીય અપરાધકર્મ બને છે. કયા પ્રકારના સ્મારકની કઈ સંભાળ કેટલા પ્રમાણમાં રાખવી, એનું નૈતિક ઉત્તરદાયિત્વ પુરાવિદનું છે ને એમાં પુરાતત્વખાતાએ આવશ્યક સહાય-સહકાર આપવાનાં રહે છે. લોકજાગૃતિ પણ આમાં સૌથી મહત્વનું અને કાર્યસાધક સંભાળ લેનારું બળ બની શકે.

XIV કાલગણના : અંગ્રેજી પદ‘chronology’ના ગુજરાતી પર્યાય ત્રણ છે : કાલગણના, તિથિનિર્ધારણ અને સમયાંકન. એના બે પ્રકાર છે : નિશ્ચિત અને અનિશ્ચિત.

નિશ્ચિત કાલગણનાનો આધાર છે સ્વત:સિદ્ધ પ્રમાણ. જે વસ્તુ કે અભિલેખ પર એના નિર્માણનું સમયાંકન આપેલું હોય, એની સત્યતાના પરીક્ષણના અંતે, એ બનાવટી કે પાછળથી લખેલું સિદ્ધ ન થાય, તો એના આધારે થયેલી કાલગણના સ્વયંસિદ્ધ, પ્રત્યક્ષ અને નિરપેક્ષ કહેવાય.

અનિશ્ચિત કાલગણનામાં તિથિ-માસ તો શું, વર્ષ પણ નિશ્ચિતતાથી આપી શકતું નથી. અબજો વર્ષની વાતમાં થોડાક કરોડથી માંડી સો વર્ષની વાતમાં 25થી 30 વર્ષનો આમથી તેમ ફરક રહી જતો હોય છે.

(1) સાપેક્ષ કાલગણના : કોઈ જ્ઞાત વસ્તુના રૂપસામ્ય સાથે તુલના કરીને એના સમયના આધારે, એની સમકાલીન, પૂર્વકાલીન કે ઉત્તરકાલીન રૂપે થતી કાલગણના સાપેક્ષ ગણાય.

ભૂસ્તરની કાલગણના એમાંથી પ્રાપ્ત થતા પુરાવશેષોના જ્ઞાત સમયના આધારે અને અધિન્યાસ(superimposion)ના નિયમાનુસાર અર્થાત્ પ્રત્યેક ઊર્ધ્વસ્તર એના નિમ્નસ્તર કરતાં નવો હોય છે, એ આધારે થતી હોય છે.

(2) નિરપેક્ષ કાલગણના : સાપેક્ષ કાલગણના અસંભવ હોય, શંકાસ્પદ હોય કે એનું અનુમોદન કરવું હોય ત્યારે નિમ્નકથિત વૈજ્ઞાનિક પદ્ધતિઓમાંથી શક્ય તે પદ્ધતિ દ્વારા નિરપેક્ષ કાલગણના થાય છે.

(i) હૈમી પટલ (glacial varve) : હિમાચ્છાદિત પ્રદેશના (હિમ) સરોવરમાં પડતી (હિમ)નદી દ્વારા પ્રત્યેક વર્ષે જાડા-ઝીણા કાંપના ક્રમશ: જાડો થર અને પછી ઝીણો પટલ એમ રચાય છે. આવાં યુગ્મોની સંખ્યા = વર્ષ.

(ii) વૃક્ષવલય (tree ring) : dendro-chronology : વૃક્ષોની અંતસ્ત્વચાની આસપાસ થતાં વાર્ષિક વલયોની સંખ્યા = વર્ષ.

(iii) રેડિયો-કાર્બન : સેન્દ્રિય પદાર્થના ‘મૃત્યુ’ પછી એમાંથી ક્રમશ: ઘટતા જતા કાર્બન-14ના પ્રમાણ પરથી મૃત્યુનું સમયાંકન.

(iv) પુરા-ચુંબકત્વ (palaeomagnetism) : લોહતત્વ ધરાવતી મૃત્તિકાનિર્મિત અને અગ્નિમાં પકવેલાં પાત્ર, ઈંટ આદિમાં રહેલા પ્રાચીન ચુંબકત્વનો સમય = મૃત્તિકાપાત્રનો સમય.

(v) શ્રાવ્યાતીત (ultrasonic) : ધ્વનિતરંગોનો વેગ, વર્તમાન અસ્થિ કરતાં 500 વર્ષ પ્રાચીન અસ્થિમાં 50 પ્રતિશત અને 5,000 વર્ષ પ્રાચીન અસ્થિમાં 25 પ્રતિશત અલ્પ હોય છે.

(vi) ઉષ્ણતેજ-વિસર્જક (thermoluminescent) : અગ્નિપક્વ મૃત્તિકાપાત્રોમાં, કિરણોત્સર્ગના કારણે વિકૃતિઓ થાય છે. પ્રયોગશાળામાં એ પાત્રોને પુન: તપાવવાથી ઉષ્ણ થયેલી વિકૃતિઓનું સૂક્ષ્મ પણ દૃશ્ય તેજરાશિ રૂપે વિસર્જિત થાય છે.

(vii) પુષ્પરજ (palynology) : પુષ્પરજના અશ્મીભૂત કણના અભ્યાસથી એના પ્રાપ્તિસ્થાનની આબોહવા જાણ થાય છે. આ પદ્ધતિ સાપેક્ષ કે નિરપેક્ષ કાલગણનાની પ્રત્યક્ષ પદ્ધતિ નથી.

(viii) રાસાયણિક પૃથક્કરણ : દ્રવ્યમાં થતી ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાના કારણે એ ક્રિયાનો વેગ, નિયત રસાયણોની વધઘટ ઇત્યાદિના આધારે થતી સાપેક્ષ કાલગણના.

XV વૃત્તાન્તલેખન : કોઈ પણ પુરાતત્ત્વીય પ્રવૃત્તિ એના વૈજ્ઞાનિક વૃત્તાન્તના લેખન-મુદ્રણ-પ્રકાશન વિના અપૂર્ણધ્વંસાત્મક ગણાય છે. પુરાતત્ત્વીય પ્રવૃત્તિના કારણે પુરાવશેષો, એનાં પ્રાપ્તિસ્થાનની ધરતી, ભૂસ્તર આદિનો ધ્વંસ થતો જ હોય છે. ધ્વંસની આંશિક ક્ષતિપૂર્તિ સર્વગ્રાહી વૃત્તાન્તથી જ થઈ શકે. આથી જ વૃત્તાન્તને આકૃતિઓ, છાયાચિત્રો, રેખાંકનો આદિથી વિશદ કરવામાં આવે છે.

જે તે સ્થળના ઉત્ખનનવિષયક વૃત્તાન્તલેખનના આધારે જો ઉત્ખનિત સ્થળની, ઉત્ખનન પૂર્વેની કોઈ, તાદૃશ પ્રતિકૃતિ બનાવી શકે તો એ વૃત્તાન્ત ઉત્ખનનજનિત-ક્ષતિપૂર્તિકારક ગણાય અને એને વૈજ્ઞાનિક દૃષ્ટિએ શ્રેષ્ઠ લેખી શકાય.

XVI. પુરાતત્ત્વીય વિધિવિધાન : ભારતમાં બ્રિટિશ શાસનકાળથી સંવૈધાનિક સુધારામાં પુરાતત્વવિષયક અમુક જોગવાઈ (provision) કરેલી હોવાથી પુરાતત્વના વિકાસને દિશા અને ગતિ મળ્યાં છે.

1878ના ભારતીય ભૂમિગત ભંડાર પ્રાપ્તિ અધિનિયમ(હાલ પણ અમલમાં છે જ)માં, ભૂમિમાંથી પ્રાપ્ત થતા પુરાવશેષોને પ્રશાસન સંપ્રાપ્ત કરી શકે, એવી જોગવાઈ હોવાથી આજે પણ પ્રશાસનને  પુરાતત્ત્વીય મહત્વના અવશેષ, સુદીર્ઘ ધારાકીય વિધિને અંતે પ્રાપ્ત થાય છે. જે ભૂમિમાંથી ભંડાર પ્રાપ્ત થયો હોય તેના માલિકને અને જેને ભંડાર મળી આવ્યો હોય તેને ભંડારની ધાતુના તત્કાલીન મૂલ્ય જેટલી રકમ, ક્રમશ: એક ચતુર્થાંશ અને ત્રણ ચતુર્થાંશ ભાગે આપવામાં આવે છે; પરંતુ એમાંથી જે કોઈએ ભંડારપ્રાપ્તિની જાણ નિકટના મહેસૂલ/પોલીસ અધિકારીને ન કરી હોય, તો તે સ્વાધિકાર ગુમાવે છે.

1894ના ભૂમિસંપ્રાપ્તિ અધિનિયમની જોગવાઈ અનુસાર પુરાતત્વખાતું, મહત્વનાં ટિંબા, સ્થાપત્યકીય સ્મારકો અને પુરાતત્ત્વીય સ્થળોની અને એના પરિસરની ભૂમિ, સંબંધિત જિલ્લાધીશ દ્વારા સંપ્રાપ્ત કરી શકે છે.

1919ના ભારત સરકારના કાયદાથી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને કેન્દ્રીકૃત કરવામાં આવ્યું અને સ્મારકોની જાળવણીમાં સિવિલ ઇજનેરોની મનમાની બંધ કરાઈ. 1935ના ભારત સરકારના કાયદાથી પુરાતત્વને કેન્દ્રનો વિષય બનાવવામાં આવ્યું અને 1956ના રાજ્યોની પુનર્રચનાના કાયદાથી, પુરાતત્વવિષયક તત્કાળે અમલી (1951ના) અધિનિયમમાં સુધારો કરવામાં આવ્યો.

1950ના ભારતના સંવિધાનના સાતમા પરિશિષ્ટમાં પુરાતત્વને સંઘ અને રાજ્યો વચ્ચેના સહવર્તી (concurrent) વિષયોની સૂચિમાં મૂકવામાં આવ્યું. આથી, રક્ષિત સ્મારકોના બે પ્રકાર થયા : રાષ્ટ્રીય મહત્વનાં કેન્દ્રરક્ષિત અને પ્રાદેશિક મહત્વનાં રાજ્યરક્ષિત. એ રીતે કેન્દ્ર અને રાજ્ય – ઉભય સરકારો પોતપોતાનાં રક્ષિત સ્મારકોની જાળવણી કરે, એમ નીતિ નિર્ધારિત થઈ; અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ, રાજ્યોનાં પુરાતત્વ ખાતાં, વિશ્વવિદ્યાલયના પુરાતત્વ વિભાગ, કોઈ વિદ્યાસંસ્થા કે પુરાતત્વપ્રેમી વ્યક્તિ  જે કોઈ પુરાતત્ત્વીય અન્વેષણ, ઉત્ખનન જેવી પ્રવૃત્તિઓ કરવા ઇચ્છે, તે સર્વે રાજ્યના પુરાતત્વ નિયામક દ્વારા કેન્દ્રીય પુરાતત્વ પરામર્શદાતા મંડળની પૂર્વાનુમતિ મેળવીને જ કરી શકે, એવી પુરાતત્ત્વીય નિયમોમાં જોગવાઈ પણ થઈ શકી છે.

પુરાતત્વવિષયક બ્રિટિશ સરકારનો 1904નો અધિનિયમ, જૂનાગઢ સંસ્થાનનો 1933નો અધિનિયમ, ભારત સરકારનો 1947નો અને 1951નો અધિનિયમ, 1956નો સૌરાષ્ટ્ર સરકારનો અધિનિયમ – આ સર્વે, ભારત સરકારના 1958ના ‘પ્રાચીન સ્મારકો તથા પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો’ નામના અધિનિયમ પછી રદ થઈ ચૂક્યા છે. આ અધિનિયમ અને એની હેઠળના 1959ના નિયમ હાલ અમલમાં છે.

ગુજરાત સરકારના 1965ના ‘ગુજરાત પ્રાચીન સ્મારકો તથા પુરાતત્ત્વીય સ્થળો અને અવશેષો’ નામના અધિનિયમ અને એ જ નામના 1967ના નિયમ અન્વયે ગુજરાતનાં પ્રાદેશિક મહત્વનાં સ્મારકો(સ્થાપત્યો તથા ટિંબા અને સ્થળો)ને રક્ષિત જાહેર કરવાનું અને એમને જાળવવાનું કામ ગુજરાત સરકાર વતી રાજ્યનું પુરાતત્વ ખાતું કરે છે.

સંઘ સરકારના 1972ના ‘પુરાવશેષો અને બહુમૂલ્ય કલાભંડારો’ નામના અધિનિયમ હેઠળ સંઘ સરકાર જે પુરાવશેષોને અનુસૂચિત જાહેર કરે, તેની ફરજિયાત નોંધણીનું કામ, એ જ નામના 1972ના નિયમ હેઠળ સંઘ સરકારના ‘ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ’ વતી ગુજરાતનું પુરાતત્વ ખાતું કરે છે.

ગુજરાતના 1965ના ઉપર્યુક્ત અધિનિયમના ખંડ 31ના ઉપખંડ(1)ના વાક્યાંશ(1)માં જણાવ્યા પ્રમાણે જે કોઈ રક્ષિત સ્મારકનો નાશ કરે, એને ખસેડે, નુકસાન કરે, એમાં ફેરફાર કરે, એને કદરૂપું કરે, એને ભયમાં મૂકે કે એનો દુરુપયોગ કરે, તેનો અપરાધ સિદ્ધ થયે, તેને મહત્તમ ત્રણ માસની અવધિ સુધીનો કારાવાસ અથવા મહત્તમ પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા તે બંને શિક્ષા થઈ શકે.

ઉપર્યુક્ત અધિનિયમના ખંડ 32 અનુસાર પ્રથમ વર્ગના ન્યાયાધીશથી નિમ્ન કક્ષાનું ન્યાયાલય આ અધિનિયમ હેઠળના અપરાધોની સમીક્ષા કરી શકશે નહિ, અને ખંડ 33ના ઉપબન્ધાનુસાર 1898ના ‘ક્રિમિનલ પ્રોસિજર કોડ’ના 32મા ખંડમાં ગમે તે જણાવ્યું હોવા છતાં, એ ‘કોડ’ના અર્થમાં, ઉપર્યુક્ત ખંડ 31 (1) (1)માં જણાવેલા અપરાધને ‘કૉગ્નિઝેબલ’ માની લેવામાં આવશે.

‘કૉગ્નિઝેબલ’ અપરાધ, પોલીસ-અખત્યારનો ખટલો બને છે, તદનુસાર ‘વૉરન્ટ’ વિના ધરપકડ થઈ શકે છે, ફરિયાદી અને ગુનેગાર વચ્ચે સમાધાન થઈ શકતું નથી અને ન્યાયાધીશ સમાધાન કરાવી શકતા નથી.

ચર્ચિત અધિનિયમના ખંડ 31ની ઉપર્યુક્ત જોગવાઈમાં જે જે (કુ)કર્મને અપરાધ ગણવાનું કહેવાયું છે, તે તે કર્મ પુરાતત્ત્વીય દૃષ્ટિકોણથી થતા અર્થમાં જ લેવાનું છે; જેમ કે, ‘નુકસાન’ અને ‘દુરુપયોગ’.

સ્મારકને ધોળવા-ધોળાવવા કે રંગવા-રંગાવવાનું કામ સ્મારકની પ્રાચીનતાને હણનાર હોઈ, સ્મારકને નુકસાન કર્યું ગણાય. સ્મારક રક્ષિત જાહેર થતાં પૂર્વે એનો સાંપ્રદાયિક કે અન્ય ઉપયોગ ન થતો હોય, તો રક્ષિત જાહેર થયા પછી એવો ઉપયોગ કરવો તથા રક્ષિત જાહેર થતાં પૂર્વે સાંપ્રદાયિક કે અન્ય જે/જેવો ઉપયોગ થતો હોય, તેનાથી ભિન્ન ઉપયોગ કરવો  આ બંનેનો સમાવેશ ‘દુરુપયોગ’માં થાય છે.

XVII. પુરાતત્ત્વીય પ્રદર્શન તથા સંગ્રહાલય : જે વિસ્તારમાં પુરાતત્ત્વીય અન્વેષણ કે ઉત્ખનન જેવી પ્રવૃત્તિ ચાલતી હોય, તે વિસ્તારના લોકોની જિજ્ઞાસા સંતોષવા, ત્યાંથી પ્રાપ્ત થયેલા પુરાવશેષો અને એના સાંસ્કૃતિક મહત્વને વિવિધ સાધનો દ્વારા દર્શાવતાં અસ્થાયી પ્રદર્શનનું આયોજન યોગ્ય સ્થળે કરવાથી લોકોને પોતાના સાંસ્કૃતિક વારસાની ઝાંખી થાય છે અને એના રક્ષણ માટે એમને રુચિ થતાં એમનામાં જાગૃતિ આવે છે.

પ્રત્યેક રાજ્યમાં એક પુરાતત્ત્વીય સંગ્રહાલય હોય અને એમાં વિશ્વ તથા ભારતના પરિપ્રેક્ષ્યમાં રાજ્યના સાંસ્કૃતિક વારસાના ભૌતિક અવશેષોને, ચિત્રો-ફોટો આકૃતિઓ-માનચિત્રો અને દૃશ્યરચના (diorama) આદિના માધ્યમથી પ્રદર્શિત કર્યા હોય તો આદિકાળથી સાંપ્રતકાળ સુધીના માનવની અને એની ઉત્ક્રાંતિની તથા માનવ-સંસ્કૃતિ અને એના વિકાસની વૈજ્ઞાનિક જાણકારી લોકોને સુલભ બને.

XVIII. પુરાવિદ્ની પાત્રતા : વિવિધ શાસ્ત્રોના પુરાતત્વ સાથે સંબદ્ધ સિદ્ધાંતોની અધુનાતમ અભિજ્ઞતા, એનાથી ઉત્ફુલ્લતી બુદ્ધિશક્તિનો કર્મમાં વિનિયોગ કરવાની તીવ્ર જિજ્ઞાસા, સશક્ત દેહેન્દ્રિય, સૂક્ષ્મ અવલોકનશક્તિ, સુપેરે નિર્ભ્રાન્તપણે તર્કાનુમાન કરી શકતી ચિત્તશક્તિ, સદા કર્મશીલ સત્યશોધક વૃત્તિ, સત્યનિષ્ઠ પ્રવૃત્તિ, સહકારના આદાન-પ્રદાનની સતત તત્પરતા, વિશ્વભરમાં ચાલતી પુરાતત્ત્વીય પ્રવૃત્તિઓનું અને એના સાચા-ખોટા નિષ્કર્ષોનું અભિજ્ઞાન, તુલનાત્મક વિવેચનશક્તિ, માનવ-આચરણની મનોવૈજ્ઞાનિક સમીક્ષા કરવાની અપ્રદૂષિત સંવિત્તિ, ગુપ્તચર જેવી વેધક દૃષ્ટિગતિ, સેનાપતિ જેવી આયોજિત આક્રમક બુદ્ધિમત્તા, ઋષિ જેવી સંઘભાવના, શ્રમિક જેવી શ્રમશક્તિ, પિતામહ જેવો વાત્સલ્યભાવ, કોઈ પણ પરિસ્થિતિમાં ‘ચાલશે-ફાવશે-ભાવશે’વાળું વર્તન અને ઉત્કટ દેશપ્રેમ – આવાં આવાં લક્ષણો, પુરાતત્વવિદ્યા અથેતિ ભણેલી વ્યક્તિને સમર્થ પુરાવિદ બનવામાં સહાયક બને છે.

XIX. કૃતકવિદ્યા તથા કૃતક પુરાવિદ્ : કૃતકવિદ્યાને અંગ્રેજીમાં ‘સ્યૂડોલૉજી’ કહે છે. કૃતકવિદ્યા અર્થાત્ પદ્ધતિસર અસત્ય વાણી-વર્તનની વિદ્યા. વિખ્યાત ચિત્રકારોનાં ચિત્રોની કૃતક (નકલી) (fake) પ્રતિલિપિ કરી, અસલમાં ખપાવીને વેચવી; પ્રાચીન શૈલીમાં નવી જ પાષાણપ્રતિમા બનાવી/બનાવરાવીને (1) મંદિરમાં ખંડિત પ્રાચીન મૂર્તિના સ્થાને ઉદારતાપૂર્વક સ્થપાવી, બદલામાં પ્રાચીનને ઘરભેગી કરી, ગરજવાનોને વેચી લાખો રૂપિયા ઉપજાવવા અને/અથવા (2) જાણીજોઈને ખંડિત અને મલિન કરીને ‘ઍન્ટિક’ના નામે મોંઘા ભાવે વેચવી; એક સ્થળના મૃત્તિકા-પાત્રાદિ પુરાવશેષ, ગુપ્ત રીતે અન્ય અભીષ્ટ સ્થળે ફેંકી આવીને, ત્યાંથી મળતા હોવાનો પ્રકટ રીતે દાવો કરવો  આવી આવી અસામાજિક પ્રવૃત્તિ કરનારાઓ કેટલાક કૃતક (નકલી) પુરાવિદના રૂપમાં આ ક્ષેત્રે દેખા દેતા હોય છે, અને છીછરાપણું, પક્ષિલતા વગેરે છતાં આરૂઢ પુરાવિદનો દંભડોળ કરતા હોય છે. સ્થાવર-જંગમ પુરાવશેષો વચ્ચે ખોટો અનુબન્ધ (co-relation) સ્થાપી બંનેને સમકાલીન ગણવાં-ગણાવવાં, મંદિરોનાં ભ્રામક સમયાંકન કરવાં અને દૈનિક વૃત્તપત્રો તથા સામયિકોમાં કૃતક અને ભ્રામક સમાચાર/લેખ આપવા ઇત્યાદિ.

વીસમી સદીના સમાપન સુધીમાં તો અન્ય નૈતિક મૂલ્યોની જેમ પુરાતત્ત્વીય-સાંસ્કૃતિક મૂલ્યોનું પણ અવમૂલ્યનજનિત અધ:પતન થઈ રહ્યું છે. પ્રવર્તમાન સમસ્યા પુરાતત્વવિદ્યાના સક્રિય વિકાસની જ નથી, ન્યાયપ્રિય તટસ્થ પુરાવિદોની દુર્લભતાની પણ છે.

પ્રવર્તમાન પરિસ્થિતિ આવી છતાં પુરાતત્વવિદ્યાની ઉપકારકતા આવનારા સૈકાઓમાં પણ રહેવાની છે.

છોટુભાઈ અત્રિ