પિત્તપાપડો (2) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા)ના ઍકૅન્થેસી (પર્પરાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rungia repens Nees. (સં. પર્પટત, હિં. પિત્તપાપડા, ખારમોર, દવનપાડા, બં. ક્ષેતપાપડા, મ. ઘાટીપિત્તપાપડા, ગુ. ખડસલિયો, પિત્તપાપડો, તા. કોડાગા સાલેહ, કન્ન. કોડાગાસાલે ગિડા, ફા. શાહતરા) છે.

વિતરણ : તે ભારતમાં બધે જ થાય છે. તે ખાબોચિયાં, ડાંગરનાં ખેતરો, નહેર અને નદીકિનારા જેવી ભેજવાળી જગ્યાઓએ અપતૃણ તરીકે થાય છે.

બાહ્યાકારવિદ્યા (Morphology) : તે જમીન પર પથરાયેલી ઉચ્ચાગ્ર ભૂશાયી (decumbent) શાકીય વનસ્પતિ છે. તેનો અગ્રભાગ 10-30 સેમી. જેટલો ઊંચો હોય છે. પ્રકાંડના તલ ભાગેથી અથવા ગાંઠો પરથી મૂળ ઉત્પન્ન થાય છે. પર્ણો સાદાં, સંમુખ, 3-5 સેમી. લાંબાં, ભાલાકાર (lanceolate)થી માંડી લંબચોરસ-ઉપવલયો (oblong-elliptic) તિર્યકી (oblique) અને અવૃંતમાય (subsessile) હોય છે. તથા તેનાં પર્ણાગ્ અણીદાર હોય છે.

આકૃતિ

પુષ્પનિર્માણ નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન થાય છે. પુષ્પો વાદળી, ગુલાબી, સફેદ કે પીળાં, દ્વિઓષ્ઠીય (bilabiate), અગ્રસ્થ કે કક્ષીય અને 3-7 સેમી. લાંબી શૂકી (spike) પ્રકારે ગોઠવાયેલાં હોય છે. દલપુંજનો ઉપરનો ઓષ્ઠ બે દલપત્રોનો બનેલો અ 3 મિમી. લાંબો તથા નતાગ્ર (emarginate) હોય છે. નીચેનો ઓષ્ઠ ત્રણ દલપત્રો જોડાવાથી બને છે. પુંકેસરચક્ર બે પુંકેસરોનું બનેલું હોય છે.

ફળ પ્રાવર (capsule) પ્રકારનું, અંડ-લંબચોરસ (avoid oblong), ચપટું અને 4-બીજમય હોય છે. બીજ ઉપવૃત્તાકાર (suborbicular) અને આછાં બદામી હોય છે.

વનસ્પતિરસાયણ (phytochemistry) : સફેદ અને આછાં પીળાં પુષ્પોમાં લ્યુટિયોલીન અને કાયસોરિયોલ (3′-0-મિથાઇલ લ્યુટિયોલીન) અને તેમના ગ્લુકોસાઇડ હોય છે. પુષ્પના ઘેરા પીળા કે વાદળી પડતા ગુલાબી ભાગોમાં લ્યુટિયોલીન અને તેના 7-ગ્લુકોસાઇડ સાથે આઇસોસેલિપર્પોસાઇડ મળી આવે છે. તેનો વાદળી પડતો ગુલાબી રંગ ડેલ્ફિનિડિન-3-5-ડાઇગ્લુકોસાઇડને કારણે હોય છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો : તેના ઔષધગુણવિજ્ઞાનીય ગુણધર્મોમાં શોથહર (anti-inflammatory), મૂત્રલ (diuretic), પ્રતિસૂક્ષ્મજીવીય (anti-microbial), જ્વરહર (anti-pyretic) અને વેદનાહર(analgesic)નો સમાવેશ થાય છે. તેના 3000 મિગ્રા./કિગ્રા. માત્રાવાળા નિષ્કર્ષો અવિષાળુ (nontoxic) જણાયા હતા.

તેના ઔષધીય ગુણધર્મો પિત્તપાપડા-1 જેવા હોવા છતાં તે વધારે ગુણકારી છે. તેનું શાક સારું થાય છે. તેને સૂકવીને તેનું ચૂર્ણ બનાવવામાં આવે છે. તેનો ઉપયોગ તાવ અને કફમાં થાય છે. તે મૂત્રલ અને કૃમિહર (vermifuge) ગુણધર્મો ધરાવે છે. સામાન્ય રીતે બાળકોને થતાં ટિનિય કેપિટિસ નામના ત્વચાના રોગમાં દિવેલ સાથે તેનાં તાજાં પર્ણોના ટુકડા મિશ્ર કરી લગાડવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ