પાવો નુર્મી (. 13 જૂન 1897, તુર્કુ; . 2 ઑક્ટોબર 1973, હેલસિન્કી, ફિનલેન્ડ) :  આધુનિક ઑલિમ્પિકના આરંભકાળનો લાંબા અંતરની દોડની સ્પર્ધાનો સમર્થ ખેલાડી. ફિનલૅન્ડનો ‘ધ ફ્લાઇંગ ફિન’ના હુલામણા નામે ખેલ-જગતમાં જાણીતો બનેલો પાવો નુર્મી 1920, 1924 અને 1928ની ત્રણ ઑલિમ્પિક સ્પર્ધાઓમાં કુલ 9 સુવર્ણચંદ્રક અને 3 રૌપ્યચંદ્રક મેળવી ગયો હતો. ઈ. સ. 1920થી 1930ના ગાળામાં પાવો નુર્મીએ 1 માઈલ (1.6 કિમી.), 2 માઈલ (3.2 કિમી.), 3 માઈલ (4.8 કિમી.), 6 માઈલ (9.6 કિમી.), 10 માઈલ (16  કિમી.) અને 1,500, 2,000, 3,000, 5,000, 10,000 અને 20,000 મીટરની સ્પર્ધાઓમાં વિશ્વવિક્રમો સર્જ્યા હતા. એણે એક કલાકમાં 19.209 કિમી. દોડીને વિશ્વવિક્રમ સ્થાપ્યો હતો. 1932ની ઑલિમ્પિકમાં પ્રવાસ દરમિયાન પોતાના ખર્ચની વધુ પડતી રકમ લેવા માટે એને એમેચ્યોરને બદલે પ્રોફેશનલ ગણવામાં આવ્યો અને પરિણામે 1932ની ઑલિમ્પિકમાં એ ભાગ લઈ શક્યો નહિ. 1952ની હેલસિંકી ઑલિમ્પિક સ્પર્ધામાં ઑલિમ્પિક મશાલ લઈને મુખ્ય સ્ટેડિયમમાં પ્રવેશવાનું ગૌરવ  પાવો નુર્મીને મળ્યું હતું. આજે પણ લાંબા અંતરની દોડ માટે ઉત્કૃષ્ટ ટેક્નિક, પ્રતિભા, ક્ષમતા, ધૈર્ય અને સાહસ ધરાવનાર પાવો નુર્મીની કાંસ્ય પ્રતિમા હેલસિંકીના ઑલિમ્પિક સ્ટેડિયમની બહાર મૂકવામાં આવી છે.

કુમારપાળ દેસાઈ