પાવલોવા, ઍના (. 31 જાન્યુઆરી 1881, સેન્ટ પીટર્સબર્ગ; . 23 જાન્યુઆરી 1931, હેગ) : વિશ્વવિખ્યાત રશિયન નૃત્યાંગના. તેમનો જન્મ એક સાધારણ કુટુંબમાં થયો હતો. 9 વર્ષની ઉંમરે ‘સ્લીપિંગ બ્યૂટી’ નૃત્યનાટિકા જોઈ ત્યારથી તેની નાયિકા અરોરા જેવી નૃત્યાંગના બનવાનો તેમણે નિર્ધાર કર્યો.

ઍના પાવલોવા

એપ્રિલ, 1899માં સેંટ પીટર્સબર્ગની બૅલે સ્કૂલમાંથી તેઓ નૃત્યકળાનાં સ્નાતક થયાં. તેની બે વર્ષ પહેલાં ઍનાએ મારિંસ્કી સ્ટેજ પર ‘પાસ ડૅ અલ્મીસ’ અને ‘ફિલ્લે ડુ ફારોન’ નૃત્યનાટિકાઓમાં ભાગ લીધો હતો. આમ નૃત્યની તાલીમ પૂરી થયા પહેલાં જ તેઓ પ્રતિષ્ઠિત રંગમંચ  ઉપર નૃત્ય-કાર્યક્રમ આપવા લાગ્યાં હતાં. ‘ફૉલ્સ ડ્રાયાડસ’ના નૃત્યકૌશલ્ય દ્વારા તેમણે નૃત્યવિવેચકોનું ધ્યાન ખેંચ્યું. 1906માં તેઓ `બૅલેરિ’નાનું બિરુદ પામ્યાં.

ત્યારપછીનાં બે જ વર્ષમાં ‘સ્લીપિંગ બ્યૂટી’માં અરોરા બની તેમણે તેમના બાળપણનું સ્વપ્ન પૂરું કર્યું. 1907માં તેમણે ફૉકિનના ‘ડાઇંગ સ્વાન’નું સર્જન કર્યું; આ તેમનું સૌથી વિશેષ ખ્યાતિપ્રાપ્ત એકલનૃત્ય નીવડ્યું. ‘ધી ઍનલ્ઝ ઑવ્ ઇમ્પીરિયલિટી’માં તેમની કલા, સ્ફૂર્તિ, અભિનયકૌશલ, નજાકત અને મસ્તીભર્યા લાવણ્યનો ખાસ ઉલ્લેખ કરાયો છે.

મોરડકીન, નૉવિકૉપ, વૉલિનિન જેવા વિખ્યાત નર્તકો સાથે વિશ્વભરમાં તેમણે પ્રવાસ કર્યો અને નૃત્યકાર્યક્રમો આપ્યા; પણ નિજિન્સ્કી સાથેનું તેમનું સહનર્તન વિશેષ વખણાયું.

1908માં રશિયામાં પ્રસિદ્ધિ મળ્યા બાદ પાવલોવાએ સ્ટૉકહોમ, બર્લિન, કોપનહેગન વગેરે સ્થળોએ પ્રવાસ કર્યા અને 1910માં ન્યૂયૉર્ક  અને લંડન ખાતે પ્રથમ વાર નૃત્યો કર્યાં, અને 1912માં લંડનમાં સ્થાયી વસવાટ સ્વીકાર્યો. ત્યાં પોતાની સ્વતંત્ર નૃત્યસંસ્થા સ્થાપી. ત્યારબાદ તેમણે અનેક વિદેશપ્રવાસો કર્યા અને વિશ્વભરમાં તેઓ ક્લાસિકલ બૅલેનાં અગ્રણી લેખાયાં. પાવલોવાએ વિશ્વમાં જ્યાં જ્યાં નૃત્ય કર્યાં ત્યાં ત્યાં પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં અને બૅલેની પદ્ધતિમાં પોતાની આગવી  કલાપ્રતિભાથી આમૂલ પરિવર્તન લાવી બૅલેરિનાની પ્રતિભાને તેમણે સર્વોચ્ચ પ્રતિષ્ઠા અપાવી. તેમણે 12 ઉપરાંત બૅલેનું નૃત્યનિયોજન તથા નિર્માણ કર્યું અને તે પૈકી ‘સ્નોફ્લેક્સ’ (1910) તથા ‘ઑટલીવ્ઝ’ (1918) ખૂબ જાણીતાં બની રહ્યાં. નૃત્યનિયોજન વિશે તેમની સૌંદર્યવિભાવના ભારોભાર સ્થિતિચુસ્ત લેખાતી હતી.

જૉહાન અને રૉબેરર્ટા લાઝારીએ આઈવી હાઉસમાં 1974માં પાવલોવાનું મ્યુઝિયમ સ્થાપ્યું અને 1975માં પાવલોવા સોસાયટીની સ્થાપના કરી.

તે અગાઉ 1924-25માં હૉલિવુડમાં ડગ્લાસ ફરબકે પાવલોવાની ફિલ્મોનો સંગ્રહ કરી, તેમાં સંગીત ઉમેર્યું; પણ પ્રેક્ષકો સમક્ષ તે 1956માં રજૂ થઈ.

પાવલોવાના પતિ વિક્ટર દાન્દ્રેએ પત્નીની યાદમાં 1936માં ‘ધી ઇમૉર્ટલ સ્વાન’ ફિલ્મ બનાવી હતી.

પ્રકૃતિ કાશ્યપ