પાલેકર, અમોલ (જ. 24 નવેમ્બર, 1944, મુંબઈ) : મરાઠી રંગભૂમિ તથા હિન્દી ચલચિત્રોના અભિનેતા અને નિર્માતા દિગ્દર્શક. 1965 જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં પ્રશિક્ષણ લીધું, 1968માં મરાઠી રંગભૂમિથી કારકિર્દીનો આરંભ કર્યો. સત્યદેવ દુબે સાથે 1972 સુધી નાટ્યપ્રયોગો કર્યા. તેમનાં પ્રયોગાત્મક નાટકોએ વિવેચકોનું ધ્યાન ખેંચ્યું. તેઓ સારા ચિત્રકાર પણ છે. એમણે એમના ચિત્રોના એકલ પ્રદર્શનો પણ કરેલાં છે.
1972માં તેમણે પોતાનું સ્વતંત્ર ‘અનિકેત’ ગ્રૂપ સ્થાપ્યું અને મરાઠીમાં ઍબ્સર્ડ નાટકો ભજવવાની શરૂઆત કરી. શેરી-નાટકની પ્રથા પણ તેમણે ચાલુ કરી. ઉદા. સદાનંદ રેગેનું ‘ગોચી’ (1972) અને બાદલ સરકારનું ‘જુલૂસ’ (1975). 1971માં તેમણે ‘શાંતતા, કૉર્ટ ચાલુ આહે’થી ચલચિત્રજગતમાં પ્રવેશ કર્યો. પાલેકર મુંબઈમાં બૅન્કમાં ક્લાર્ક તરીકે કામ કરતા હતા, તેવામાં બાસુ ચૅટરજીએ પોતાની ફિલ્મ ‘રજનીગંધા’(1974)માં તેમને ભૂમિકા આપી. આ પછી મધ્યમવર્ગની સમસ્યાઓ તથા ગોટાળાસર્જક પ્રેમી તરીકે હાસ્યપ્રેરક ભૂમિકાઓમાં તે લોકપ્રિય થયા. કુમાર સહાનીના ‘તરંગ’માં રાહુલના પાત્રમાં તેમનો અભિનય નોંધપાત્ર રહ્યો. નારાયણ ચક્રવર્તીના ‘મધર’, દિનેન ગુપ્તનાં ‘કલંકિની’ અને ‘અવશેષે’માં તથા પિનાકી ચૌધરીના ‘ચેના અચેના’માં અભિનય આપી તેઓ બંગાળી અભિનેતા તરીકે ચાહના પામ્યા.
બાલુ મહેન્દ્રની ‘કોલાંગલ’ નામની મલયાળમ ફિલ્મમાં પણ તેમણે કામ કર્યું. મરાઠીમાં ‘આક્રિયેત’નું નિર્માણ કર્યું. તેમાં તેમણે શ્રેણીબદ્ધ હત્યાઓ કરનારા વિક્ષુબ્ધ મન:સ્થિતિવાળા માણસનો પાઠ ભજવ્યો. ‘અનકહી’, ‘થોડા સા રૂમાની હો જાયેં’ જેવાં ચિત્રોનું દિગ્દર્શન કર્યું. ચિત્રસૂચિ : 1971 : ‘શાંતતા, કૉર્ટ ચાલુ આહે’; 1974 : ‘રજનીગંધા’; 1975 : ‘છોટી સી બાત’; 1976 : ‘ચિતચોર’ અને ‘ભૂમિકા’; 1977 : ‘કન્નેશ્વર રામ’, ‘સફેદ જૂઠ’ અને ‘ઘરૌંદા’; 1978 : ‘દામાદ’ અને ‘દો લડકે દોનોં કડકે’; 1979 : ‘22 જૂન 1897’ અને ‘ગોલમાલ’, ‘મેરી બીવી કી શાદી’; 1980 : ‘અપને પરાયે’, ‘ચેહરે પે ચેહરા’ અને ‘આંચલ’; 1981 : ‘આક્રિયેત’, ‘કલંકિની’ અને ‘અગ્નિપરીક્ષા’; 1982 : ‘શ્રીમાન શ્રીમતી’; 1983 : ‘પ્યાસી આંખેં’; 1984 : ‘અનકહી’, ‘તરંગ’ અને ‘આદમી ઔર ઔરત’; 1987 : ‘કચ્ચી ધૂપ’, ‘આ બેલ મુઝે માર’ (ટી.વી.); 1988 : ‘નકાબ’ (ટી.વી.); 1990 : ‘થોડા સા રૂમાની હો જાયેં’; 1991 : ‘મૃગનયની’ (ટી.વી.); 1993 : ‘પાઊલ્ખુના’ (PaoolKhuna); 1996 : ‘દાયરા’; 2001 : ‘અક્સ’; 2004 : ‘કરીના કરીના’; 2015 : ‘એક નયી રોશની’. ‘પહેલી’ ફિલ્મનું દિગ્દર્શન તેમણે કર્યું હતું.
પીયૂષ વ્યાસ