પાલિતાણા : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો એક તાલુકો તથા નગર, જે તાલુકામથક તથા જૈનોનું પ્રસિદ્ધ તીર્થધામ પણ છે. આ તાલુકાની ઉત્તરે તથા ઈશાનમાં શિહોર, અગ્નિમાં તળાજા તાલુકાઓ, પશ્ચિમે ગારિયાધાર તાલુકો, અગ્નિખૂણે સાવરકુંડલા તાલુકો, અને દક્ષિણે મહુવા તાલુકો આવેલા છે. તાલુકાનું નામ તાલુકામથક પરથી પડ્યું છે.  પાલિતાણાથી અર્ધો કિમી. દૂર 603 મીટર ઊંચો શેત્રુંજય કે શેત્રુંજો પર્વત આવેલો છે. શેત્રુંજી નદી આ તાલુકામાંથી પસાર થાય છે, તેના પર ત્રણેક કિમી. અંતરે સિંચાઈ માટેનો બંધ છે. ઉનાળામાં મે માસનું ગુરુતમ-લઘુતમ દૈનિક તાપમાન 41o અને 24o સે. અને શિયાળામાં જાન્યુઆરી માસનું ગુરુતમ-લઘુતમ દૈનિક તાપમાન 26o સે. અને 21o સે. રહે છે. વાર્ષિક વરસાદનું પ્રમાણ 617 મિમી. જેટલું રહે છે. અહીંના ખેતીના મુખ્ય પાક મગફળી, કપાસ અને બાજરો છે, જ્યારે લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે.

પાલિતાણા નગર 21o 30′ ઉ. અ. અને 70o 50′ પૂ. રે. પર ભાવનગરથી 54 કિમી.; શિહોરથી 29 કિમી. અને સોનગઢથી 24 કિમી. દૂર વાલાક પ્રદેશમાં ખારી નદીના જમણા કાંઠે આવેલું છે, આ શહેરની વસ્તી 64,497 (2011)હતી.

શત્રુંજય પર્વત પરનાં જૈન મંદિરો, પાલિતાણા

જૈન આચાર્ય પાદલિપ્તસૂરિના નામ પરથી આ નગરનું નામ પડ્યું છે. રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ પ્રભૂતવર્ષના દેવલીના ઈ. સ. 818ના દાનશાસનમાં તેનો ‘પાલિત્તાનક’ તરીકે, પ્રબંધકોશમાં ‘પાદલિપ્તપુર’, વિવિધ તીર્થકલ્પમાં ‘પાલિત્તાણય’ અને પુરાતન પ્રબંધસંગ્રહમાં ‘પાલીતાણક’ તરીકે ઉલ્લેખ મળે છે.

પાલિતાણા જૈનો માટેનું ગુજરાતનું પ્રસિદ્ધ તીર્થધામ હોવા ઉપરાંત તાલુકાનાં ગામો માટેનું વેપારકેન્દ્ર છે. તેના માર્કેટ યાર્ડમાં મરચાં, ગોળ, કઠોળ અને અનાજ વેચાવા માટે આવે છે. જૈન યાત્રાળુઓ તેમજ અન્ય પ્રવાસીઓની અવરજવરને કારણે આ નગરનો વેપાર સારો ચાલે છે. અહીં તેલની  મિલો,  જિનો ઉપરાંત હીરા ઘસવાનો, તોલમાપના કાંટા બનાવવાનો તથા હાર્મોનિયમ બનાવવાનો ઉદ્યોગ ચાલે છે. અહીં દવાખાનું, થિયેટર, ક્લબ જેવી આધુનિક તમામ સુવિધાઓ પ્રાપ્ય છે.

આ નગર શિહોર-પાલિતાણા મીટર-ગેજ રેલમાર્ગનું અંતિમ મથક છે. રાજ્ય માર્ગ-પરિવહનની બસો દ્વારા તે ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને ગુજરાતનાં અન્ય કેટલાંક મહત્વનાં શહેરો સાથે જોડાયેલું છે. યાત્રાધામ હોવાને કારણે પ્રવાસીઓની અવરજવરની સુવિધા માટે ખાનગી વાહનો પણ મળી રહે છે. યાત્રાળુઓ માટે પાલિતાણા પહોંચવા માટેની જુદી જુદી સગવડો ઉપલબ્ધ છે. અહીં હોટલ, ગેસ્ટ-હાઉસ, પથિકાશ્રમ તથા ધર્મશાળાઓની પૂરતી સગવડો મળી રહે છે.

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર અને જૈન સંસ્કૃતિના આદિ-સ્થાપક શ્રી ઋષભદેવ ભગવાન આ તીર્થમાં 99 વાર સમોસર્યા હતા. જૈનોના 24 તીર્થંકરો પૈકી શ્રી નેમિનાથ ભગવાન સિવાયના 23 તીર્થંકરોએ આ તીર્થ પરથી જૈન ધર્મનો મંગલકારી સંદેશ આપ્યો હતો.

મંદિરોની મહાનગરીસમું શેત્રુંજયતીર્થ આગમમાન્ય શાશ્વત સિદ્ધક્ષેત્ર ગણાય છે3. શ્વેતવર્ણીય પદ્માસનસ્થ શ્રી આદીશ્વર ભગવાન એના મૂળ નાયક છે. ગિરિરાજ શેત્રુંજયની ઊંચાઈ આશરે 505 મીટર જેટલી છે. એના પરનો ગઢ-વિસ્તાર 20 એકરમાં પથરાયેલો છે. ગિરિરાજ પરની 9 ટૂકોમાં 108 દેરાસર અને 872 નાની દેરીઓ છે, લગભગ 7,000 જેટલી જિન-પ્રતિમાઓ છે. પ્રાચીન સમયમાં આ તીર્થ પર જૈનોના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવના ગણધર પુંડરીક સ્વામી મોક્ષે પધાર્યા હતા, તેથી તેને પુંડરીકગિરિ પણ કહે છે. શેત્રુંજય ગિરિરાજ ચઢતાં જ જમણી બાજુએ પર્વત-ગોદમાં 32 મીટર ઊંચાઈવાળું અને આશરે 16,000 ચોમી. વિસ્તારમાં પથરાયેલું સમવસરણ મહામંદિર આવેલું છે. મંદિરના પ્રવેશદ્વારની બેનમૂન કલાકારીગરી, તેમજ તેની બંને બાજુ પાષાણમાં અંકિત અક્ષરો અદ્ભુત આકર્ષણ જન્માવે છે. તેના 12 દરવાજા, સુંદર કમાનો, દ્વારપાલ, ચૈત્યવૃક્ષ અને અશોકવૃક્ષ ધ્યાનાકર્ષક છે. આ કારણે જ શ્રી 108 જૈન તીર્થદર્શન ભવન અને સમવસરણ મહામંદિર પવિત્રતા અને મહત્તાથી ખ્યાતનામ બનેલાં છે.

અહીંના આદિનાથ ઋષભદેવના પ્રાચીન મંદિરનો સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના મંત્રી ઉદયન અને તેના પુત્ર વાહડે જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પાલિતાણાથી થોડે દૂર હસ્તગિરિ ખાતે ઋષભદેવનાં પગલાં છે. પાલિતાણામાં ઘણાં મંદિરો છે, પણ તેનાં પ્રાચીન શિલ્પો નષ્ટ થયાં છે. 1986માં પાર્શ્વનાથનું સમવસરણ મહામંદિર રૂપિયા એક કરોડના ખર્ચે પૂર્ણ થયું હતું, તેની સાથે જ્ઞાનભંડાર પણ છે.

આ મહામંદિરનો પાષાણ-નિર્મિત ગોળ ઘુમ્મટ 12.60 મીટર ઊંચો અને 21 મીટર પહોળો છે. વીંટી સમાન આ વર્તુળાકારમાં 12.60 મી. ઊંચો અને 4.80 મીટર પહોળો અષ્ટમંગલ, તેમજ તેની ટોચ ઉપર ઊલટા કમળની પાંખડીઓથી સુશોભિત માણેકસ્તંભ રત્ન સમો દીપે છે. માણેકસ્તંભની ચારે દિશામાં જૈનોના 24 તીર્થંકરોની ભાવભરી 24 મૂર્તિઓ બિરાજમાન છે. ઘુમ્મટની ગોળાઈમાં ચારે દિશામાં થાંભલા વિનાની ઝૂલતી કમાનો ઉપર શ્રી પાર્શ્વનાથની મૂર્તિઓ જોવા મળે છે. આમ સમવસરણ એ માત્ર મંદિર નહિ, મહામંદિર છે. ધાર્મિકતા અને આધ્યાત્મિકતા, ભવ્યતા અને દિવ્યતા, શિલ્પ અને સ્થાપત્ય, ઇતિહાસ અને વર્તમાન  એ સર્વ રીતે આ મંદિર દેશ-વિદેશમાં ખ્યાતનામ બન્યું છે.

પાલીતાણામાં સમવસરણ મંદિર 108 પ્રભુ પ્રતિમાઓનું સુંદસ સ્થાપત્ય છે. જંબુદ્ધિ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિદ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે, બે સંગ્રહસ્થાનો આવેલાં છે. `શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન’ અને `સ્થાપત્ય કલા ગૃહ’. જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાનપર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો,  હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરના ચિત્રો, કાષ્ટકોતરણીઓ વગેરેનો સમાવેશ થાય છે.

પ્રતિવર્ષ 4 લાખથી પણ વધુ યાત્રાળુઓ સંઘ મારફતે અથવા અન્ય રીતે આ અજોડ તીર્થની યાત્રા-મુલાકાતે આવે છે. તળેટીથી શિખર સુધી પહોંચવા યાત્રીઓને ત્રણ કિમી.નો પંથ (3,750 પગથિયાં ચઢીને) કાપવો પડે છે. ધર્મભાવનાથી રંગાયેલું આ તીર્થ ગુજરાત તેમજ ભારતભરમાં અજોડ છે.

મુઘલ કાળમાં પાલિતાણા પરગણું અને લશ્કરી થાણું હતું. સેજકજીના બીજા પુત્ર શાહજી ગોહિલ તેરમી સદીના અંતભાગમાં આ પ્રદેશના પ્રથમ શાસક હતા. મુસ્લિમ શાસક ગોરી બેલીમને પૃથ્વીરાજે (1697-1734) હરાવીને ગારિયાધારથી પાલિતાણા તેની રાજધાની ફેરવી હતી. છેલ્લા રાજા બહાદુરસિંહજીના વખતમાં આઝાદી પછી 15 ફેબ્રુઆરી, 1948ના રોજ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં આ જૂના દેશી રાજ્યનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું.

ગુજરાત સરકારે રાજ્યનાં છ યાત્રાસ્થળોને પવિત્રધામ તરીકે વિકસાવવા કરેલ નિર્ણયમાં પાલિતાણાનો પણ સમાવેશ થાય છે.

શિવપ્રસાદ રાજગોર