પારાશર, શ્યામદેવ (. 1922, સતનૌર, જિ. હોશિયાપુર, પંજાબ) : અનેક ભાષાઓના વિદ્વાન અને કવિ. તેમણે લખેલા તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘ત્રિવેણી’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે.

તેમણે સંસ્કૃત વિષય સાથે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ લગભગ 30 વર્ષ સુધી પંજાબની શાળા-કૉલેજોમાં અધ્યાપન કર્યું. તેઓ સંસ્કૃત, હિંદી, પંજાબી, અંગ્રેજી, ઉર્દૂ અને ફારસીના નિષ્ણાત છે.

શ્યામદેવ પારાશર

તેમણે 55 કૃતિઓ પ્રગટ કરી છે. તેમણે ‘રાજતરંગિણી’ અને ‘મેઘદૂતમ્’નો પંજાબીમાં અનુવાદ કર્યો છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ત્રિવેણી’ 28 અધ્યાયો ધરાવતું મહાકાવ્ય છે. તેમાં 3 રાજવંશો – વિક્રમાદિત્ય, માતૃગુપ્ત અને પ્રવરસેન – ના વૈભવશાળી યુગની કથાનું આલેખન છે. ઉજ્જયિની નગરીનું વર્ણન, વિક્રમાદિત્યની શૂરવીરતા અને વિક્રમાદિત્યે શકોનો કરેલો પરાભવ, માતૃગુપ્તની કવિતા સાંભળી તેણે વિક્રમાદિત્ય દ્વારા રાજપદ પ્રદાન કરવા કાશ્મીર મોકલવું, વિક્રમે કરેલાં પ્રજાપાલનનાં મહત્વપૂર્ણ કાર્યો, વિક્રમાદિત્યના મૃત્યુના સમાચાર સાંભળી તેને કરેલો રાજપાટનો ત્યાગ અને સંન્યસગ્રહણ, એનાથી ખિન્ન પ્રજાનો વિલાપ, માતૃગુપ્ત અને પ્રવરસેનની મુલાકાત, પ્રવરસેનનું શાસન તથા દિગ્વિજય કરીને કાશ્મીર પરત ફરવું તથા નગરનિર્માણ, કાશ્મીરનું સૌન્દર્ય – મુખ્યત: આ કાવ્યનું વર્ણ્ય વિષયવસ્તુ છે. ભાષાની પ્રૌઢતા અને શબ્દસંપદાના વૈભવને લીધે આ કાવ્ય પ્રશંસનીય બન્યું છે. ગામ, નગર, ઋતુ, યુદ્ધ વગેરેનાં વર્ણનો મનોહર છટાઓથી પરિપૂર્ણ છે. મહાકાવ્યકારે અહીં વિવિધ છંદોનો પ્રયોગ કર્યો છે. તેમનું અદ્ભુત ભાષાપ્રભુત્વ તેમની અલંકારરહિત સંસ્કાર-સંપન્ન શૈલી અને તેમનું ઉત્કૃષ્ટ વર્ણન – કૌશલ – આ સર્વને કારણે તેમની આ કૃતિ ભારતીય કાવ્ય-સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

બળદેવભાઈ કનીજિયા