પારગમ્ય અને અર્ધપારગમ્ય પડદા

January, 1999

પારગમ્ય અને અર્ધપારગમ્ય પડદા : દ્રાવણમાં રહેલા ઘન કણો સિવાયના પ્રવાહીને પસાર થવા દે તે પારગમ્ય અને પરાસરણ (osmosis) વિધિમાં દ્રાવક જેવા બારીક અણુઓને પસાર થવા દે, પણ મોટા દ્રાવ્ય અણુઓને પસાર ન થવા દે તે અર્ધપારગમ્ય પડદા. અર્ધપારગમ્ય પડદા છિદ્રાળુ પાત્ર કે તારની જાળી ઉપર સેલ્યુલોઝ જેવા પદાર્થની ફિલ્મ બનાવીને મેળવી શકાય.

કુદરતી કે સંશ્લેષિત અર્ધપારગમ્ય પડદા એવા સૂક્ષ્મરંધ્રી (microporous) બંધારણવાળા હોય છે કે અણ્વીય પરિમાણ-સ્તરે આયનો, પાણી તથા અન્ય દ્રાવકો તથા નાના અણુઓ તેમાંથી પસાર થઈ શકે, પરંતુ બૃહદ્ અણુ (પ્રોટીનો) તથા કલિલીય કણો પસાર થઈ શકે નહિ. આવા પડદાની જાડાઈ 1૦૦ Å હોય છે તથા તેના પડદામાંનાં છિદ્રોનો વ્યાસ પેશીકોષ માટે 8 Å તથા સંશ્લેષિત પડદાનાં છિદ્રો માટે 1૦૦ Å કે વધુ હોય છે.

વનસ્પતિના કોષના દીવાલરૂપ પડદા પ્રોટીન જેવા પદાર્થોના બનેલા હોય છે, જે કુદરતી પરાસરણમાં ભાગ લે છે. આવા અર્ધપારગમ્ય પડદા પાર્ચમેન્ટ, સેલોફેન, કોલોડિયોન, ઍઝ્સ્ટૉબેસ રેસાઓ વગેરેમાંથી બનાવાય છે. ઉદ્યોગમાં આવા પડદા નકામું લિકર પાછું મેળવવા, વિલવણીકરણ (desalination) તથા વિદ્યુત્-વિચ્છેદન વિધિમાં વપરાય છે. આ ઉપરાંત જૈવ ઔષધીય સંશોધન, છાશમાંનાં પ્રોટીન તેમજ વાયુના અલગીકરણ [દા.ત., સંશ્લેષણ વાયુ(synthesis gas)માંથી એમોનિયા પેદા કરવા માટે તેમાંનો કાર્બન મૉનૉક્સાઇડ/હાઇડ્રોજન ગુણોત્તર જાળવી રાખવા] તથા ધાતુ-નિષ્કર્ષણ તેમજ દ્રાવણમાંના પદાર્થોની પુન:પ્રાપ્તિ (recovery) વગેરેમાં તે વપરાય છે.

જગદીશ જ. ત્રિવેદી