પાર (1984) : હિંદી ચલચિત્ર. નિર્માણસંસ્થા : ઑર્ચિડ ફિલ્મ્સ પ્રા. લિ. દિગ્દર્શન, સંગીત અને છબીકલા : ગૌતમ ઘોષ. સંકલન : પ્રશાંત ડે. કલાકારો : શબાના આઝમી, નસીરુદ્દીન શાહ, મોહન અગાશે, ઉત્પલ દત્ત, અનિલ ચૅટરજી, ઓમ્ પુરી. અવધિ : 12૦ મિનિટ.

બિહારના એક ગામમાં હરિજન વસ્તીમાં કેટલાક લોકો આગ ચાંપી દે છે. તે વસ્તીમાં રહેતો ફિલ્મનો કામદાર નાયક નૌરંગિયા અને તેની ગર્ભવતી પત્ની રમાને ઘર છોડીને ભાગવું પડે છે. આ ઘટનાથી ગામના સવર્ણ અને હરિજન વર્ગ વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થાય છે. એક વૃદ્ધ અધ્યાપકે શોષણવિરુદ્ધ દલિતોના વર્ગને સંગઠિત કર્યો હતો. આથી ગુસ્સે થઈને જમીનદારના ભાઈએ અધ્યાપકની હત્યા કરી. લાંચ અને દબાણના કારણે પોલીસે આને દુર્ઘટના તરીકે ખપાવી. નૌરંગિયા અને તેના સાથીદારે અધ્યાપકની હત્યાનો બદલો લેવા જમીનદારના ભાઈને મારી નાંખ્યો. પ્રતિક્રિયા સ્વરૂપે તેમની ઝૂંપડીઓ સળગાવી દેવામાં આવી. નૌરંગિયા પોલીસથી બચવા પોતાની પત્ની રમા સાથે ગામ છોડીને ભાગી ગયો. અનેક મુશ્કેલીઓ બાદ તેઓ કૉલકાતા પહોંચ્યાં. નૌરંગિયાને કોઈ કામ મળતું નથી. તેને ભૂખે મરવાના દિવસો આવે છે. તેથી તે ગામમાં પાછા ફરવાનો નિર્ણય  કરે છે. પાછા જવાના તેની પાસે પૈસા ન હતા. ભટકતાં ભટકતાં તેને એક અજીબ કામ મળે છે. ડુક્કરોના ધણને નદી પાર પહોંચાડવાનું. નૌરંગિયા અને તેની પત્ની આ કામ પાર પાડવા નરક જેવી યાતના સહન કરે છે. કામ પૂરું થાય છે. રમાને લાગે છે કે તેના ઉદરનું સંતાન મૃત્યુ પામ્યું છે. નૌરંગિયા રમાના પેટ ઉપર પોતાના કાન માંડીને બાળકના ધબકારા સાંભળવાનો પ્રયત્ન કરે છે.

વેનિસ ચિત્ર મહોત્સવમાં આ ચિત્ર માટે નસીરુદ્દીન શાહને પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

પીયૂષ વ્યાસ