પાયોનિયર અંતરીક્ષયાનો : આંતરગ્રહીય અંતરીક્ષના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલ અમેરિકન અન્વેષી યાનોની પ્રથમ શ્રેણી. 1 ઑક્ટોબર, 1958ના રોજ ચંદ્રની કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવેલા પાયોનિયર-1 સિવાયનાં અન્ય અન્વેષી યાનો સૌરમંડળના ગ્રહોના અન્વેષણ તથા આંતરગ્રહીય કણ અને ચુંબકીય ક્ષેત્રની વિવિધ અસરો માપવા માટે મોકલવામાં આવ્યાં હતાં. ઉદાહરણ તરીકે પાયોનિયર-6 (1965) પૃથ્વી અને શુક્ર ગ્રહ વચ્ચેના અંતરીક્ષની પરિસ્થિતિનો અભ્યાસ કરવા માટે સૂર્યની કક્ષામાં મોકલવામાં આવ્યું હતું. આ યાન દ્વારા સૌર પવન, સૌર બ્રહ્માંડ-કિરણો (cosmic rays), સૂર્યનું કિરીટાવરણ (corona) તથા કોહૂટેક ધૂમકેતુની પૂંછડી અંગે ઘણી માહિતી પ્રાપ્ત થઈ હતી. પાયોનિયર-1૦ (1972), તેની કક્ષામાં ડિસેમ્બર, 1973 દરમિયાન ગુરુ ગ્રહ પાસે થઈને આગળ જનારું પહેલું અન્વેષી યાન હતું. જેની મદદથી ગુરુના ચુંબકાવરણની વિસ્તૃત પૂંછડીની શોધ થઈ હતી. પાયોનિયર-11 (1973), જેને પાયોનિયર-સૅટર્ન પણ કહેવામાં આવતું હતું તે ડિસેમ્બર, 1974માં ગુરુ ગ્રહની પાસે થઈને સપ્ટેમ્બર, 1979માં શનિ ગ્રહથી 2૦,9૦૦ કિમી. દૂર રહીને આગળ ગયું હતું. તેની મદદથી શનિની સંખ્યાબંધ છબીઓ તથા અન્ય માહિતી મળી હતી અને પૃથ્વી-સ્થિત વિજ્ઞાનીઓને શનિનાં વધારાનાં બે વલયો (rings) જોવા મળ્યાં હતાં તથા શનિના ચુંબકાવરણમાં વિકિરણ-પટ્ટાઓ(radiation belts)નું અસ્તિત્વ જાણવા મળ્યું હતું. પાયોનિયર-વિનસ-1 તથા પાયોનિયર – વિનસ – 2 (1978) બંને અન્વેષી યાનો ડિસેમ્બર, 1978માં શુક્રની પ્રદક્ષિણા કરતી કક્ષામાં મૂકવામાં આવ્યાં હતાં. આમાંના પહેલા અન્વેષી યાન દ્વારા શુક્રના નીચેના વાતાવરણ અંગે રેડિયો-અવલોકનો લેવામાં આવ્યાં હતાં.

પરંતપ પાઠક