પાણિનિ (. પૂ. ચોથી સદી) : સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણશાસ્ત્રી. પાણિનિ શલાતુર (હાલનું લાહોર) ગામમાં જન્મ્યા હોવાથી ‘શાલાતુરીય’ એવા નામે ઓળખાય છે. તેમની માતાનું નામ દાક્ષી હતું. ‘મહાભાષ્ય- પ્રદીપ’ ટીકાના લેખક કૈયટના મત મુજબ તેમના દાદાનું નામ ‘પણિન્’ અને તેમના પિતાનું નામ ‘પાણિન્’ હોવાથી તેમનું નામ ‘પાણિનિ’ પડેલું. ‘આહિક’ અને ‘શાલંકિન’ એવાં નામો વડે પણ તે ઓળખાય છે. ઈ. સ.ની સાતમી સદીમાં ભારતમાં આવેલા યુઅન એન શ્વાંગ નામના ચીની મુસાફરે પાણિનિના શલાતુર ગામની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

સોમદેવ ભટ્ટે `કથાસરિત્સાગર’માં પાણિનિ વિશે જે અનુશ્રુતિ નોંધી છે તે મુજબ, પાણિનિ, જડ બુદ્ધિના બાળક હતા. વર્ષ નામના ગુરુની પત્નીએ પાણિનિએ કરેલી ગુરુશુશ્રૂષા જોઈને પતિની સૂચના મુજબ શિવને તપ કરી ખુશ કર્યા અને શિવે પોતાનું નૃત્ય પ્રદોષસમયે પૂરું કરી ચૌદ વાર ડમરુ વગાડીને 14 શિવસૂત્રો પાણિનિને આપ્યાં જેમાં બધા મૂળાક્ષરોનો સમાવેશ થાય છે. આમ શિવ પાસેથી વ્યાકરણનું જ્ઞાન મેળવીને એમણે પોતાના ‘અષ્ટાધ્યાયી’ નામના આઠ અધ્યાયના બનેલા વ્યાકરણની રચના કરી. એ પછી તેમણે ‘જામ્બવતીજય’ નામનું મહાકાવ્ય પણ રચ્યું હોવાનો નિર્દેશ ભાષ્યકાર પતંજલિ અને રાજશેખર વગેરે કરે છે.

બીજી દંતકથા મુજબ પાણિનિનાં રચેલાં સૂત્રોમાં ભૂલો બતાવતાં વાર્તિકો કાત્યાયને રચેલાં, તેથી બંને ગુસ્સે ભરાઈ એકબીજાને શાપ આપવાથી તેરસને દિવસે તે મૃત્યુ પામેલા. અન્ય મત મુજબ તેઓ સિંહના શિકારનો ભોગ બનેલા.

સોમદેવના મત મુજબ ઐન્દ્ર વ્યાકરણને આધારે પાણિનિએ પોતાનું વ્યાકરણ રચેલું. જગતભરની કોઈ પણ ભાષામાં આટલું વ્યવસ્થિત વ્યાકરણ જોવા મળતું નથી. ‘અષ્ટાધ્યાયી’માં અનેક પુરોગામી વ્યાકરણના લેખકોનો નિર્દેશ પાણિનિએ કર્યો છે. ઉપરાંત, પોતાના સમયની લોકબોલીઓ, વૈદિક સાહિત્ય, તે સમયે પ્રાપ્ત કાવ્યસાહિત્યનો અભ્યાસ કરીને તેમણે પોતાનું વ્યાકરણ લખ્યું છે. વળી સરખા નિયમોવાળા શબ્દોનો ગણપાઠ, અર્થના અનુબંધો સહિત બે હજાર શબ્દોનો ધાતુપાઠ, શબ્દોનું લિંગાનુશાસન વગેરે આપી પોતાના વ્યાકરણને સૌથી સંક્ષેપમાં ચાર હજાર જેટલાં સૂત્રોમાં રજૂ કરવાની અનન્ય સિદ્ધિ આચાર્ય પાણિનિએ દાખવી છે.

તેઓ તક્ષશિલામાં અધ્યાપક હતા અને તેમના શિષ્ય કૌત્સ હતા તેવી પણ એક પરંપરા પ્રચલિત છે. રાજશેખરના મતે પાણિનિની પરીક્ષા પાટલિપુત્રમાં થયેલી. તે ઈ. સ. પૂ. ચોથી સદીમાં થઈ ગયા હોવાનું આધુનિક વિદ્વાનો માને છે. વળી ભાષાશાસ્ત્રના પ્રાચીન તેમજ અર્વાચીન વિદ્વાનો પાણિનિનો વ્યાકરણશાસ્ત્રી તરીકે ઘણો આદર કરે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી