પાડગાંવકર, મંગેશ (. 10 માર્ચ 1929, વેંગુર્લા; . 29 ડિસેમ્બર 2015, મુંબઈ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. મૅટ્રિક સુધીનું શિક્ષણ વેંગુર્લા ખાતે અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા 1956માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે પસાર કરી અને તર્ખડકર સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. 1958માં તે જ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે પસાર કરી અને ન. ચિં. કેળકર સુવર્ણચંદ્રક મેળવ્યો. સ્નાતક અને અનુસ્નાતક બંને પરીક્ષાઓમાં મુખ્ય વિષય મરાઠી હતો. તે પૂર્વે 1951-52માં મુંબઈની વિલ્સન હાઈસ્કૂલમાં નોકરી કરી તથા 1953-55ના ગાળામાં ‘સાધના’ સાપ્તાહિકના સંપાદક તરીકે કાર્ય કર્યું. 1957માં આકાશવાણી, મુંબઈ ખાતે આસિસ્ટન્ટ પ્રોડ્યુસર તરીકે જોડાયા. 1960-62 દરમિયાન મુંબઈની સોમૈયા કૉલેજ તથા મીઠીબાઈ કૉલેજમાં મરાઠીનું અધ્યાપન કર્યું. 1964-70 દરમિયાન આકાશવાણી, મુંબઈમાં પ્રોડ્યુસર તરીકે સેવા આપી. 1970માં મુંબઈ ખાતેની યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસ(USIS)ના કાર્યાલયમાં મરાઠી વિભાગના મુખ્ય સંપાદક તરીકે જોડાયા. 1976-79 દરમિયાન મુંબઈ યુનિવર્સિટીમાં મરાઠીના ઑનરરી પ્રોફેસર તરીકે સેવા આપી.

મંગેશ પાડગાંવકર

તેમના વિપુલ સાહિત્યસર્જનમાં ‘ધારાનૃત્ય’ (1950), ‘જિપ્સી’ (1952), ‘છોરી’ (1954), ‘ઉત્સવ’ (1962), ‘વિદૂષક’ (1966) અને ‘સલામ’ (1978)  એ કાવ્યસંગ્રહો; ‘મીરા’ (1965) નામનો મીરાંબાઈનાં હિંદી ગીતોનો પદ્યાનુવાદ; લિમરિક પદ્યશૈલી પર આધારિત પદ્યસંગ્રહ ‘વાત્રટિકા’ (1964) અને ‘શર્મિષ્ઠા’ (1960) રૂપકકાવ્ય; ‘નિંબોળીચ્યા ઝાડામાગે’ (1953) નામે કાવ્યાત્મક લલિતનિબંધ; ‘બબલગમ’ (1967), ‘ભોલાનાથ’ (1964), ‘ગઝલ’ (1981) અને ‘ભટકે પક્ષી’ (1984) બાલકાવ્યસંગ્રહો; ‘બોરકરાંચી કવિતા’ (1960), ‘યુગાત્મા’ (1970) નામનો મહાત્મા ગાંધી વિશેના લલિત લેખોનો સંગ્રહ અને ‘સંહિતા’ (1970) નામે વિં. દા. કરંદીકરની કેટલીક કાવ્યઓનો આસ્વાદ – એ બધા સંપાદિત ગ્રંથો ઉપરાંત કેટલીક અમેરિકન કૃતિઓના તથા જે. કૃષ્ણમૂર્તિનાં ભાષણોના મરાઠીમાં કરેલા અનુવાદો ઇત્યાદિનો સમાવેશ થાય છે.

તેમના બે કાવ્યસંગ્રહો ‘જિપ્સી’ અને ‘છોરી’ને તથા બાલગીતોનો સંગ્રહ ‘બબલગમ’ને મહારાષ્ટ્ર રાજ્ય પારિતોષિકો અને ‘સલામ’ કાવ્યસંગ્રહને સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યાં છે.

મરાઠીમાં ‘નવકાવ્ય’ નામથી ઓળખાતો કાવ્યપ્રકાર પાડગાંવકરે પણ પ્રયોજ્યો છે. મરાઠીના બે અગ્રણી કવિઓ બા. ભ. બોરકર તથા કુસુમાગ્રજની કાવ્યશૈલીની અસર પાડગાંવકરની કાવ્યરચનાઓ પર પડી છે. તેમની મોટા ભાગની કાવ્યરચનાઓ ગેય સ્વરૂપની હોવાથી તેની ગ્રામોફોન રૅકર્ડ્સ બહાર પાડવામાં આવી છે, જે મરાઠીભાષી પરિવારોમાં સતત ગવાતી હોય છે.

તેમને પ્રદાન કરવામાં આવેલા પુરસ્કારોમાં ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’ પુરસ્કાર(2013), ‘સલામ’ કાવ્યસંગ્રહ માટે મહારાષ્ટ્ર સાહિત્ય અકાદમી પુરસ્કારનો સમાવેશ થાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે