પાઠક, રામનારાયણ વિશ્વનાથ (. 8 એપ્રિલ 1887, ગણોલ, તા. ધોળકા; . 21 ઑગસ્ટ 1955, મુંબઈ) : ‘શેષ’, ‘દ્વિરેફ’, ‘સ્વૈરવિહારી’. ગુજરાતના એક સર્વતોમુખી સાહિત્યસર્જક. પિતા શિક્ષક હતા. તેમની બદલીઓને કારણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વિવિધ સ્થળોએ. ઉચ્ચ શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં. 1904માં મૅટ્રિક. 1908માં તર્કશાસ્ત્ર અને મૉરલ ફિલૉસૉફીના વિષયો સાથે પ્રથમ વર્ગ સાથે બી.એ. કૉલેજમાં દક્ષિણા ફેલો નિમાયા. સરકારી નોકરી કરવાની અનિચ્છાને લીધે તેઓ 1911માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. થયા. અમદાવાદમાં વકીલાત શરૂ કરી, પણ ક્ષયરોગનું નિદાન થતાં 1912માં સાદરામાં સ્થિર થઈ વકીલાત કરી. પત્ની મણિગૌરીનું 1918માં અણધાર્યું અવસાન થતાં અને એક વર્ષ પછી પુત્રી સરલાનું મૃત્યુ થતાં, 1919ના ડિસેમ્બરમાં ટાઇફૉઈડની લાંબી માંદગી આવી પડતાં તેમણે વકીલાત આટોપી લેવી પડી. 1920માં ઇન્દુલાલ યાજ્ઞિકના આગ્રહથી ગુજરાત કેળવણી મંડળમાં જોડાઈ જે. એલ. ન્યૂ ઇંગ્લિશ સ્કૂલનું આચાર્યપદ સંભાળ્યું; ગાંધીજીના અસહકાર આંદોલનને લીધે સાત માસ પછી શાળા છોડી 1921માં તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા.

રામનારાયણ વિશ્વનાથ પાઠક

1928 સુધી ત્યાં તેમણે પ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું. વિદ્યાપીઠના અધ્યાપન તથા ‘પ્રસ્થાન’ માસિકના તંત્રીપણા દરમિયાન (1926થી 1937) તેઓ ગુજરાતની નવી સાહિત્યકાર પેઢીના માર્ગદર્શક બન્યા. તેથી તેમને ઉચિત રીતે ‘ગાંધીયુગના સાહિત્યગુરુ’ તરીકે ઓળખવામાં આવ્યા. 1928માં વિદ્યાપીઠમાંથી રાજીનામું આપી ‘પ્રસ્થાન’ના સંપાદનમાં તેઓ પૂરો સમય આપવા લાગ્યા. ઉપરાંત ગાંધીજીપ્રેરિત સત્યાગ્રહના કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેવા લાગ્યા. એક વાર તેઓ જેલમાં પણ ગયેલા. 1935થી 1937 દરમિયાન તેઓ મુંબઈની એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક રહ્યા. 1937માં તેઓ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક બન્યા. એની સાથે સંસ્થાના નિયમાનુસાર તેમણે ‘પ્રસ્થાન’નું તંત્રીપદ ત્યજ્યું. 1946માં મુંબઈની ભવન્સ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. 1947માં હૃદયરોગનો હુમલો થતાં ભારતીય વિદ્યાભવનની સંશોધન-સંસ્થામાં કામ શરૂ કર્યું. ત્યાં જૂન 1950 સુધી રહ્યા. 1952માં અધ્યાપનકાર્ય છોડી તેઓ 1953માં આકાશવાણી, મુંબઈના સરકાર-નિયુક્ત સલાહકાર તરીકે જોડાયા અને અંત સુધી ત્યાં રહ્યા. 1946માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના તેઓ પ્રમુખ હતા. 1956માં સાહિત્ય એકૅડેમી ઍવૉર્ડ તેમને મરણોત્તર એનાયત થયેલ. નર્મદ સુવર્ણચંદ્રક પણ તેમને મળેલ. 1945માં તેમણે પોતાની વિદ્યાર્થિની હીરાબહેન કલ્યાણદાસ મહેતા સાથે લગ્ન કરેલ.

રામનારાયણે લગભગ 34 વર્ષની વયે સાહિત્યોપાસના શરૂ કરી, જે પૂરાં 34 વર્ષ ચાલી. તેમણે સર્જક તરીકે કવિતા, ટૂંકી વાર્તા, નિબંધ, નાટક-એમ વિવિધ ક્ષેત્રે પ્રદાન કર્યું છે. અન્ય સ્વરૂપોમાં તેમણે તેમનાં સામયિકોની જરૂરિયાતને કારણે લેખન કરેલું, પણ કવિતા તેમનો સ્વત:સંભવી વ્યાપાર હતો. 1921માં ‘જાત્રાળુ’ ઉપનામથી ‘રાણકદેવી’ કાવ્ય લખી તેમણે કાવ્યયાત્રા શરૂ કરી હતી. આ યાત્રા છેક 1955માં લખાયેલ કાવ્ય ‘સાલ-મુબારક’ સુધી ચાલે છે. પાછળથી તેમણે કાવ્યલેખન માટે ‘શેષ’ ઉપનામ રાખ્યું અને ‘શેષનાં કાવ્યો’ (1938) સંગ્રહ આપ્યો. તેની પ્રથમ આવૃત્તિમાં 67 કાવ્યો હતાં, બીજી આવૃત્તિ (1951) વખતે 73 કાવ્યો અને થોડાંક મુક્તકો તેમાં સમાવિષ્ટ થાય છે. ‘વિશેષ કાવ્યો’ (1959) તેમનો મરણોત્તર કાવ્યસંગ્રહ છે. ‘શેષ’ની કવિતા વિષયવૈવિધ્ય કરતાં રૂપબંધ, છંદોવિધાન અને કાવ્યબાનીના વૈવિધ્યથી ધ્યાનાકર્ષક બને છે. આ કવિતાના વૈશિષ્ટ્યનું પ્રથમ લક્ષણ એનું અત્યંત વ્યાપક ઘટનારૂપ ગણી શકાય. પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન અનેક કાવ્યપ્રકારો આ સંગ્રહદ્વયમાં દૃષ્ટિગોચર થાય છે. ઊર્મિકવિતાના અનેક પેટાપ્રકારો  મુક્તક, સૉનેટ, ગીત, રાસ, ગરબા, ગરબી, દુહા તથા ખંડકાવ્યો, કથાકાવ્યો, અંજલિકાવ્યો અહીં જોવા મળે છે. પ્રેમ, પ્રકૃતિ, પ્રભુભક્તિ તેમની કવિતાના મુખ્ય વિષયો છે. ‘શેષ’ની કવિતાનું બીજું લક્ષણ તાજી શબ્દાવલિનો વિનિયોગ કરતી વિશિષ્ટ રચના-પદ્ધતિ છે. રસનું ઊંડાણ અને શુદ્ધ, પ્રફુલ્લ, તાજો, મર્માળો કટાક્ષસભર હાસ્યરસ પણ તેની નોંધપાત્ર વિશેષતાઓ છે. તેમની કવિતામાં નાટ્યતત્વ પણ જોવા મળે છે. ‘વૈશાખનો બપોર’, ‘મંગલત્રિકોણ’ જેવી રચનાઓ આ સંદર્ભમાં જોઈ શકાય. તેમની કાવ્યબાનીમાં સાદૃશ્ય અને સંવાદ જેવાં ઘટકતત્વો ધ્યાન આકર્ષે છે. કવિ ગાંધીયુગને અનુરૂપ જીવનમાંગલ્યનું ગંભીર ગાન કરે છે અને સાથે સાથે હાસ્યકટાક્ષ-વિનોદની રચનાઓ પણ આપે છે. સૂક્ષ્મ ચિંતનાત્મકતાની સાથે ઊંડી ભાવાર્દ્રતા પણ તેમાં જોવા મળે છે. બીજા સંગ્રહની ‘તુકારામનું સ્વર્ગારોહણ’ જેવી રચના ખંડકાવ્યના વિશિષ્ટ પ્રયોગ લેખે ઉલ્લેખનીય છે.

લેખકે ‘દ્વિરેફ’ ઉપનામથી વાર્તાલેખન કરી ‘દ્વિરેફની વાતો’ના ત્રણ ભાગ અનુક્રમે 1928, 1935 અને 1942માં આપ્યા. 1922થી શરૂ થયેલું તેમનું વાર્તાલેખન 1941 સુધી આછું પણ વણથંભ ચાલ્યું. ત્રણ ભાગમાં તેમણે 40 વાર્તાઓ આપી છે. તેમણે વાર્તાલેખનને પોતાની મુખ્ય પ્રવૃત્તિ ગણાવી નથી. એમ છતાં તેમની વાર્તાઓ વાંચતાં પ્રતીતિ થાય છે કે તેમનામાં એક સાચો, સમર્થ, જાગ્રત સર્જક, વાર્તાકાર હતો જ. તેમણે ધીરજથી અને સ્વસ્થતાપૂર્વક વાર્તાલેખન કર્યું છે. તેમની લગભગ પ્રત્યેક વાર્તામાં રચનારીતિનો કોઈ નવો પ્રયોગ કરવાનું લેખકનું વલણ જોવા મળે છે. લેખકે પોતાની નવલિકાઓને ‘વાતો’ તરીકે ઓળખાવી છે. ‘સરકારી નોકરીની સફળતાનો ભેદ’ અને ‘સાચો સંવાદ’માં દ્વિરેફની સંવાદકુશળતા અનુભવાય છે. ‘જક્ષણી’ હાસ્યરસની વાર્તા છે તો ‘રજનું ગજ’ મનોવૈજ્ઞાનિક અભિગમવાળી છે. ‘મુકુન્દરાય’માં લેખકે બે પેઢી વચ્ચેના સંસ્કારભેદ અને દૃષ્ટિભેદને ઉપસાવ્યો છે. તેમની યશોદા વાર્તા ‘ખેમી’માં વાસ્તવ અને ભાવનાનો સુમેળ કલાત્મક રીતે સધાયો છે. ‘છેલ્લો દાંડક્ય ભોજ’, ‘બુદ્ધિવિજય’, ‘સૌભાગ્યવતી’ પણ નોંધપાત્ર વાર્તાઓ છે. લેખકે તેમની વાર્તાઓમાં સ્થળ-કાળ અને વાતાવરણનું ઘણું વૈવિધ્ય બતાવ્યું છે. તેમની વાર્તાઓમાં વસ્તુ, પાત્ર, સ્વરૂપ, શૈલી વગેરેને અનુલક્ષતાં અનેક આકર્ષણો છે. તેમની ઉત્તમ વાર્તાઓની સિદ્ધિઓ જોતાં તેમને વાર્તાસાહિત્યના સીમાસ્તંભરૂપ વાર્તાકાર અવશ્ય ગણી શકાય.

‘પ્રસ્થાન’ નિમિત્તે પાઠકસાહેબ ‘સ્વૈરવિહારી’ તખલ્લુસ નીચે હળવા નિબંધો લખે છે. તેના બે સંગ્રહો થયા : ‘સ્વૈરવિહાર’ ભાગ 1 (1931) અને ભાગ 2 (1937). પ્રથમ ભાગમાં 67 અને દ્વિતીય ભાગમાં 23 નિબંધો છે. આ લખાણોમાં લેખકે વિષયવસ્તુ અને નિરૂપણરીતિ ઉભય પરત્વે કશાં બંધનો સ્વીકાર્યાં નથી. અનેકવિધ વિષયોને સ્પર્શતી આ નિર્બંધ રચનાઓમાં લેખકે સમકાલીન જીવન અને એની સમસ્યાઓને હળવી શૈલીમાં સ્પર્શ્યાં છે. એમાંથી તેમનો નરવો જીવનરસ અને માનવતાનાં મૂલ્યોમાંની તેમની શ્રદ્ધા તથા તેમની રસિકતા હૃદ્ય રીતે પ્રગટ થાય છે. આ લખાણોમાં ગદ્યનાં અનેકવિધ શૈલીરૂપો તેમણે અજમાવ્યાં છે. ‘સ્વૈરવિહારી’ની સુધારકવૃત્તિ તંત્રોની જડતા અને તંત્રવાહકોની દોંગાઈ સામેની પ્રકોપવૃત્તિ-કટાક્ષવૃત્તિમાંથી સૂચિત થાય છે.

‘મનોવિહાર’ (1956) રામનારાયણના 28 ગંભીર નિબંધોનો સંગ્રહ છે. આ તથા તેમણે ‘મનનવિહાર’ રૂપે પ્રગટ કરવા ધારેલ અન્ય નિબંધો મળી લગભગ 80 જેટલા ગંભીર પ્રકારના વિચારપ્રધાન નિબંધો પણ મળે છે. આ નિબંધોમાં તેમનું જીવન અને કલા વિશેનું ચિંતન પ્રગટ થયું છે. અહીં કેટલાંક સ્મરણીય વ્યક્તિચિત્રો તથા કેટલાક સ્થળવિશેષને સ્પર્શતા લેખો પણ છે. આ નિબંધો પ્રકૃતિ અને સંસ્કૃતિના મર્મજ્ઞ પાઠકસાહેબની, ગાંધીસંસ્કારમાં રંગાયેલા ચિંતક પુરુષ અને તેજસ્વી નિબંધકાર તરીકેની મુદ્રા ઉપસાવી આપે છે.

નાટ્યક્ષેત્રે રામનારાયણનું પ્રદાન મરણોત્તર સંચય ‘કુલાંગાર અને બીજી કૃતિઓ’(1959)નાં ત્રણ મૌલિક નાટકો અને સાત અનુવાદો પૂરતું સીમિત છે. ત્રણ મૌલિક નાટકો પૈકી ‘કુલાંગાર’ અને ‘દેવી કે રાક્ષસી’ ઉલ્લેખનીય છે. મૌલિક નાટ્યક્ષેત્રે પ્રતિભાને પૂર્ણપણે પ્રવૃત્ત કરવામાં રહેલી ખોટ તેમણે ભાસની ત્રણ નાટ્યકૃતિઓ ‘ઊરુભંગ’, ‘કર્ણભાર’ અને ‘બાલચરિત’, ‘ભગવદજ્જુકીયમ્’ નામક પ્રહસન, શેક્સપિયરના ‘રોમિયો અને જુલિયેટ’ તથા ‘મર્ચન્ટ ઑવ્ વેનિસ’ના ખંડોના અનુવાદોથી કદાચ સરભર કરવાનો પ્રયાસ કર્યો છે.

વિવેચન પાઠકસાહેબની જીવનભરની મુખ્ય, પ્રિય અને સાતત્યવાળી પ્રવૃત્તિ રહી છે. જથ્થો અને ગુણવત્તા ઉભય દૃષ્ટિએ તેમનું વિવેચન પ્રભાવક છે. 1922માં પ્રસિદ્ધ થયેલ તેમના વિવેચનલેખ ‘કવિ બાલાશંકર ઉલ્લાસરાય કંથારિયાનાં કાવ્યો’થી તેમની વિવેચક તરીકેની કારકિર્દીનો પ્રારંભ થાય છે. ‘અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય’ (1933), ‘નર્મદાશંકર કવિ’ (1936), ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’ (1938), ‘કાવ્યની શક્તિ’ (1939), ‘સાહિત્યવિમર્શ’ (1939), ‘આલોચના’ (1944), ‘નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્યપ્રણેતા’ (1945), ‘સાહિત્યાલોક’ (1954), ‘નભોવિહાર’ (1961), ‘આકલન’ (1964), ‘કાવ્યપરિશીલન’ (1965, ન. પારેખ સાથે) અને ‘શરદસમીક્ષા’ (1980) તેમના વિવચનગ્રંથો છે.

રામનારાયણનું મોટાભાગનું ગ્રંથાવલોકન ‘યુગધર્મ’ ને ‘પ્રસ્થાન’ નિમિત્તે થયું છે, અને અન્ય વિવેચનકાર્ય મહદંશે વ્યાખ્યાનો ને સંપાદનો નિમિત્તે થયું છે. તેમણે વિવેચનના સૈદ્ધાંતિક, કૃતિનિષ્ઠ, તુલનાત્મક અને ઇતિહાસનિષ્ઠ-એ સર્વ મહત્વના પ્રકારોમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે. કાવ્યની શક્તિ, કાવ્યમાં ભવ્યતા, કાવ્ય અને સત્ય વચ્ચેનો સંબંધ, ટૂંકી વાર્તાનું સ્વરૂપ, વિવેચનના વિવિધ પ્રશ્નો વગેરે વિશેની તેમની વિચારણા સૈદ્ધાંતિક વિવેચન અંતર્ગત આવે છે. કૃતિનિષ્ઠ વિવેચન અંતર્ગત કાવ્યાસ્વાદો, ‘શરદસમીક્ષા’ના લેખો, ‘સરસ્વતીચંદ્ર’, ‘રાઈનો પર્વત’, ‘પૂર્વાલાપ’, ‘વિશ્વગીતા’ વગેરેની સમીક્ષાઓનો સમાવેશ થઈ શકે. જે સમયે તુલનાત્મક વિવેચનનો ખ્યાલ નવો હતો એ સમયે તેમણે મહાભારતના નલોપાખ્યાન અને પ્રેમાનંદના ‘નળાખ્યાન’ની તુલના કરતો લેખ લખ્યો હતો. ઇતિહાસનિષ્ઠ વિવેચનના નિર્દેશન રૂપે ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’નો ઉલ્લેખ કરી શકાય. ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા અંતર્ગત અપાયેલાં આ વ્યાખ્યાનોમાં બહિરંગથી શરૂ કરી કાવ્યના અંતરંગ સુધીનાં ગુજરાતી કવિતાનાં મહત્વનાં પરિબળોનું સમતોલ અને સંગીન નિરીક્ષણ તેમણે આપ્યું છે. તેમણે ગુજરાતી સાહિત્યનાં મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યસ્વરૂપો, પ્રવાહો, કર્તાઓ અને કૃતિઓની સહૃદયતા અને સૌહાર્દ સાથે સમીક્ષા કરી છે. પ્રેમાનંદની આખ્યાનત્રયીને કેન્દ્રમાં રાખી તેમણે પ્રેમાનંદની હાસ્ય નિષ્પન્ન કરવાની શક્તિનો હૃદયંગમ પરિચય કરાવ્યો છે.

રામનારાયણ વિવેચનને નવલરામની પેઠે સામાજિક જવાબદારીવાળું કાર્ય માને છે. તેઓ સર્જનની જેમ વિવેચનને પણ જીવનસાપેક્ષ અને આનંદ માટેની પ્રવૃત્તિ લેખે છે. તેઓ કલાની સ્વાયત્તતાનો આગ્રહ રાખે છે, પણ સાથે તેની જીવનસાપેક્ષતા અને જીવન પ્રત્યેની જવાબદારી પણ દર્શાવે છે. કાવ્યની રસાત્મકતા સાથે જીવનની રહસ્યાત્મકતાનો ગાઢ સંબંધ તે સ્પષ્ટ કરે છે. તેઓે કાવ્યમાં ઔચિત્યનું મહત્વ સ્વીકારે છે. તેમણે કાવ્યમાં પ્રતિભા, કલ્પના, જ્ઞાન, ભવ્યતા, વાસ્તવવાદ, ભાવનાવાદ વગેરે વિશે પાયાની વિચારણા કરી છે. તેમની સમગ્ર વિવેચના ભારતીય કાવ્યમીમાંસાનાં મુખ્ય તત્વોને આત્મસાત્ કરીને પ્રવર્તી છે. અલબત્ત, પ્રસંગોપાત્ત તેઓ સ્વકીય દૃષ્ટિબિંદુઓ પણ પ્રસ્તુત કરે છે. તેમણે જે વિવિધ સ્વરૂપો વિશે વિચારણા કરી છે તેમાં કવિતા તથા ટૂંકી વાર્તાની સ્વરૂપચર્ચા વિશેષ મહત્વની છે. તેમની વિવેચના તેમની ઉત્કૃષ્ટ સાહિત્ય-રસિકતા અને ઉત્કટ જીવનનિષ્ઠાની દ્યોતક છે. સાહિત્યનાં મૂળ તત્વોની વિચારણા કરતાં તેમણે પશ્ચિમના વિવેચનની કેટલીક મૂળભૂત વિભાવનાઓની તત્ત્વાન્વેષી ગવેષણા કરી છે. આમ, પૂર્વ-પશ્ચિમ બંનેની સાહિત્યવિચારણાઓના મર્મને જાણનાર આ જાગૃત સક્ષમ વિવેચકે ગુજરાતી વિવેચનમાં સૈદ્ધાંતિક તથા પ્રત્યક્ષ વિવેચનમાં કેટલીક નૂતન પ્રસ્થાપનાઓ દ્વારા સીમાસ્તંભરૂપ સ્થાન પ્રાપ્ત કરી લીધું છે.

મમ્મટરચિત ‘કાવ્યપ્રકાશ’ના 1થી 6 ઉલ્લાસનો રામનારાયણે ર. છો. પરીખ સાથે કરેલો અનુવાદ (1924) પ્રમાણભૂત અને પ્રાસાદિક છે. ચાવીરૂપ પરિભાષા આદિને સ્ફુટ કરતાં ટિપ્પણોને કારણે તેનું મૂલ્ય વધી ગયું છે. તેમણે ધર્માનંદ કોસંબી સાથે ‘ધમ્મપદ’(1924)નો અનુવાદ પણ કર્યો છે. તેમણે બે વાર્તાઓ અને કેટલાંક કાવ્યોના અનુવાદો પણ આપ્યા છે.

કાવ્યમર્મજ્ઞ તરીકે આરંભથી જ કવિતાના છંદોવિધાનમાં રસ લઈ રહેલા રામનારાયણને એમની શાસ્ત્રબુદ્ધિ સ્વાભાવિક રીતે જ પિંગળચર્ચા તરફ દોરી જાય છે. ‘પ્રાચીન ગુજરાતી છંદો : એક ઐતિહાસિક સમાલોચના’ (1948), ‘ગુજરાતી પિંગળ : નવી દૃષ્ટિએ’ (1952), ‘બૃહત્ પિંગળ’ (1955) અને ‘મધ્યમ પિંગળ’ (1981, (અપૂર્ણ, ચિ. ત્રિવેદી અને કાન્તિલાલ કાલાણીએ પૂરું કર્યું) તેમના પિંગળવિચારણાના ગ્રંથો છે. એમણે પિંગળનું કાર્ય સંશોધકના જુસ્સાથી અને કાવ્યરસિકની હેસિયતથી કર્યું છે. તેમનું ‘પ્રાચીન ગુજરાતી છંદો’ પુસ્તક હેમચંદ્રાચાર્યના ‘છંદોનુશાસન’ અને ‘દલપતપિંગળ’ને સાંકળતી કડીરૂપ બની રહે છે. એમાં તેમણે મધ્યકાલીન પદ્યરચનાની ગુજરાતી દેશીઓને પિંગળબદ્ધ કરવાનો શાસ્ત્રીય ભૂમિકાએ સમર્થ પ્રયાસ કર્યો છે. 1951માં મહારાજા  સયાજીરાવ ત્રીજા (III) સુવર્ણ મહોત્સવ સ્મારક વ્યાખ્યાનમાળાના ઉપક્રમે તેમણે આપેલાં પિંગળવિષયક ત્રણ વ્યાખ્યાનો(‘ગુજરાતી પિંગળ : નવી દૃષ્ટિએ’)માં અક્ષરમેળ વૃત્તો, માત્રામેળ વૃત્તો અને પદ અથવા દેશીની ચર્ચા કરી છે. આ વ્યાખ્યાનો તેમના મહત્વના ગ્રંથ ‘બૃહત્ પિંગળ’ના પૂર્વસારરૂપ છે. એમાં પણ એમની વિકસતી જતી ને વિશદ બનતી જતી છંદોવિચારણા દૃષ્ટિગોચર થાય છે. સાહિત્ય એકૅડેમી ઍવૉર્ડથી પુરસ્કૃત ‘બૃહx પિંગળ’નાં 15 પ્રકરણો અને 20 પરિશિષ્ટોમાં લેખકે વેદકાળથી અર્વાચીન સમય સુધીનાં ડિંગળ, દિંડી, ગઝલ, બ્લૅન્ક વર્સ વગેરે સહિત છંદોનો ઇતિહાસ, છંદોનાં સ્વરૂપ અને એમનાં આંતરબાહ્ય કલેવરમાં થયેલા ફેરફારો, છંદના માત્રા, યતિ આદિ ઘટકોની કેટલીક સમસ્યાઓ, વિવિધ છંદોની ક્ષમતાઓ વિસ્તારથી વિગતવાર ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં સોદાહરણ નિરૂપી છે. તેમના જીવનભરના પિંગળ-અધ્યયનના ફળરૂપ આ આકર-ગ્રંથ ગુજરાતી સાહિત્યની આજ સુધીની પિંગળ-અધ્યયનપરંપરાના પરિપાકરૂપ છે. કાવ્યના અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને તે ઉપયોગી થાય એ દૃષ્ટિએ તેમણે ‘મધ્યમ પિંગળ’ની યોજના કરી, એનાં 4 પ્રકરણો લખ્યાં હતાં. આ કાવ્યમર્મજ્ઞની સાહિત્ય-સાધનામાં લયવિચાર-છંદોવિચારપિંગળ-વિચાર એટલો બધો મહત્વનો બની રહ્યો એ બાબત તેમની કાવ્યગત સૂક્ષ્મ ભાવનકલાની દ્યોતક છે.

પ્રમાણશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમણે તૈયાર કરેલ ‘પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા’ (1922), આચારધર્મનું નિરૂપણ કરતી 12 વર્ષથી વધારે ઉંમરના કિશોરો અને યુવાનોના દૈનંદિનીય આચારની વ્યાવહારિક દૃષ્ટિએ વિચારેલી સમાયોજના રૂપે લખાયેલ ગ્રંથ ‘નિત્યનો આચાર’ (1945) પણ તેમનાં ઉલ્લેખનીય પુસ્તકો છે. તેમણે કાન્તકૃત ‘પૂર્વાલાપ’ની બીજી આવૃત્તિનું તેમજ ઉમાશંકર જોશી સાથે આનંદશંકરના ‘કાવ્યતત્વવિચાર’, ‘સાહિત્યવિચાર’,  ‘દિગ્દર્શન’ અને ‘વિચારમાધુરી1’નું સંપાદન પણ કરેલ. હીરાબહેન સાથે તેમણે ‘ગુર્જર વાર્તા-વૈભવ’ની શ્રેણીમાં ‘સામાજિક કથાઓ’નું સંપાદન કર્યું હતું. ‘યુગધર્મ’ અને ‘પ્રસ્થાન’ના સંપાદક તરીકે પણ તેમણે નોંધપાત્ર કામગીરી બજાવેલી જ. આ રીતે રામનારાયણે ગુજરાતી ભાષા અને સાહિત્યની સર્જન, વિવેચન, સંશોધન, સંપાદન, અનુવાદ વગેરે દ્વારા મૂલ્યવાન સેવા કરી છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ