પાંચાલીશપથમ્ (1912)

January, 1999

પાંચાલીશપથમ્ (1912) : તમિળ કૃતિ. વ્યાસના મહાભારતને આધારે દ્રૌપદીની પ્રતિજ્ઞાનો પ્રસંગ તમિળના વિખ્યાત કવિ ભારતીએ વર્ણવેલો છે. કવિએ એમાં સમકાલીન રંગ પૂર્યા છે અને અત્યંત સરળ ભાષાનો પ્રયોગ કરીને કૃતિને લોકભોગ્ય બનાવી છે. એનો પહેલો ભાગ 1912માં પ્રગટ થયો અને અત્યંત લોકપ્રિય થયો. બીજો ભાગ એમના મૃત્યુ પછી પ્રગટ થયો. એમાં દુ:શાસન દ્રૌપદીનુ વસ્ત્રહરણ કરે છે એ પ્રસંગના આલેખનમાં કરુણરસ જમાવવાની કવિની શક્તિ પૂરી ખીલી ઊઠી છે. દ્રૌપદી દિવ્યશક્તિનું આવાહન કરે છે અને ચમત્કાર થાય છે. કવિ દેશભક્ત હતા એટલે આ પ્રસંગ દ્વારા મા ભારતીની દશા દ્રૌપદી જેવી જ અંગ્રેજ શાસકોએ દુ:શાસનના રૂપમાં કરી છે એવું સૂચવાયું છે. એમાં કાવ્યનું મધ્યબિન્દુ તો દ્રૌપદી, દુ:શાસનના રુધિરથી પોતાના વાળ ધોવાનો સંકલ્પ કરે છે તે છે. અને પરોક્ષ રીતે અંગ્રેજ શાસકોનો વિનાશ સૂચવાયો છે.

દુર્યોધન અને દ્રૌપદીનાં પાત્રો તરફ કવિએ એમનું લક્ષ કેન્દ્રિત કર્યું છે. એમણે દુર્યોધનને તિમિરના પુત્ર તરીકે આલેખ્યો છે; કારણ કે એ અંધ ધૃતરાષ્ટ્રનો પુત્ર હતો; જ્યારે દ્રૌપદી દ્રુપદે કરેલા યજ્ઞની વેદીમાંથી પ્રગટ થઈ હોવાથી એને પ્રકાશની પ્રતિમા રૂપે દર્શાવી છે. દ્રૌપદીના અવાજમાં નારી પર જે નિ:સીમ ત્રાસ ગુજરતો આવ્યો છે તેની સામેનો વિદ્રોહ છે. એ સત્તાભૂખ્યા પુરુષોના જુલ્મનો અંત લાવવા કટિબદ્ધ થાય છે; દ્રૌપદીની પ્રતિજ્ઞા તે પુરુષોના જુલ્મથી ત્રાસેલી સ્ત્રીઓનો બુલંદ અવાજે કરેલો ક્રાન્તિનો પોકાર છે અને સ્ત્રીઓને પ્રકાશનો માર્ગ દર્શાવે છે. દ્રૌપદીને એમાં મહાશક્તિના પ્રતીક તરીકે આલેખી છે. પાંચાલી ભારતમાતાનું દર્શન કરાવે છે, જે તે સમયે શૃંખલાબદ્ધ હતી અને એ એનું વસ્ત્રહરણ કરનાર અંગ્રેજ શાસકોના વિનાશનું ઇંગિત કરે છે. આમ ભારતીએ ‘પાંચાલીશપથમ્’માં દ્રૌપદીના પૌરાણિક પ્રતીક દ્વારા મા ભારતીને બંધનમુક્ત કરવા એમના દેશબાંધવોને આવાહન આપ્યું છે.

ચન્દ્રકાન્ત મહેતા