પર્સિપોલીસ મહેલ : પ્રાચીન પર્શિયાના આ શહેરમાંનો અવશેષરૂપ ભવ્ય મહેલ. દૅરિયસ પહેલાએ તેના બાંધકામની શરૂઆત કરી. ઝકર્સીઝ પહેલા(ઈ. સ. પૂ. 486-465)એ એનું મોટાભાગનું બાંધકામ કરાવ્યું અને અર્તાઝકર્સીઝ પહેલાએ ઈ. સ. પૂ. 460માં તેનું બાંધકામ સંપૂર્ણ કરાવ્યું.

ખડકાળ જમીન પર 15 મી.ની ઊભણી પર 460 x 270 મી.ના ઘેરાવામાં તેની રચના થઈ છે. આ મહેલનો થોડો ભાગ બાંધેલો રહ્યો છે; બાકીનો ખોદાઈ ગયેલો છે. તે મહેલ સ્થાનિક પથ્થરો અને લોખંડના ખીલા વડે કંડારવામાં આવેલો. ઘોડાઓ પણ ચઢી શકે તે પ્રકારના વાયવ્ય દિશામાંનાં 0.7 મી. પહોળાં પગથિયાં વડે આ મહેલમાં પ્રવેશી શકાય છે. ઝકર્સીઝે બંધાવેલા પ્રવેશદ્વારમાં માટીની ઈંટોની દીવાલ છે; તેના પર બહુરંગી ઈંટો ચણવામાં આવેલી છે. આગળના અને પાછળના દરવાજા પર પથ્થરના સાંઢ બેસાડવામાં આવેલ છે. દક્ષિણમાં આવેલું ત્રીજું પ્રવેશદ્વાર વિશાળ દરબારખંડ તરફ જાય છે. આ ચોરસ ખંડ 76.2 મી. લંબાઈ-પહોળાઈ ધરાવે છે અને 6 મી. જાડી દીવાલોની સાથે તેમાં 36 આધારસ્તંભો છે.

આ મહેલના મધ્યમાં ટ્રિપિલૉન તરીકે ઓળખાતું પ્રવેશદ્વાર આવેલ છે. આ પ્રવેશદ્વાર અંદરના અંગત ઉપયોગના ભાગોમાં, સ્વાગત-ખંડ અને રક્ષક-ખંડમાં જવા માટે વપરાતું હતું. આ સ્થળના અગ્નિ ખૂણામાં એક તિજોરીખંડ આવેલ છે. દૅરિયસે પોતાના મહેલ સાથે જનાનખાનું પણ બાંધ્યું હતું, જેના દરવાજા ટ્રિપિલૉનની દક્ષિણે આવેલા ચોકમાં પડે છે. દૅરિયસે વિખ્યાત ‘સો સ્તંભોવાળા ખંડ’(The Hall of Hundred Columns)નું બાંધકામ શરૂ કરાવ્યું અને તે અર્તાઝકર્સીઝ પહેલાએ સંપૂર્ણ કરાવ્યું. આ ચોરસ (68.6 મી.) દરબારખંડમાં સપાટ દેવદારના 11.3 મી. ઊંચા આધારસ્તંભો છે. આ ખંડમાં બે પ્રવેશદ્વારો અને સાત બારીઓ હતી. આ બારીઓ 3.4 મી. જાડી ઈંટની દીવાલોમાં જડેલા નકશીદાર પથ્થરો વડે બનાવેલી હતી.

પર્સિપોલીસ મહેલ સ્થાપત્યકલા તેમજ શિલ્પકલાની દૃષ્ટિએ ઉત્કૃષ્ટ છે. આ મહેલની સીડીઓ પર શિલ્પની સુંદર અભિવ્યક્તિ છે. દીવાલો પર પથ્થરોમાં ઉચ્ચ કક્ષાનું નકશીકામ છે. બારી-બારણાંની ફરતે દીવાલો પર, સીડી પર દરબારીઓ અને રાજવીના રસાલાઓની ભવ્ય શોભાયાત્રા ઉપસાવીને કંડારવામાં આવી છે. આમાંની કેટલીક કૃતિઓ ચળકતા આકર્ષક રંગો ધરાવતી હતી. આ મહેલનાં સ્થાપત્ય-શિલ્પો આ ઇમારતના ઇતિહાસમાં એક મહત્ત્વની કડીરૂપ છે અને બેનમૂન કલાકૃતિઓ તરીકે જાણીતાં છે.

પ્રાચીન પર્શિયાનો આ સ્થાપત્યકલાના ભવ્ય નમૂનારૂપ મહેલ તથા શંકુ આકારની(ક્યૂનિફોર્મ) લિપિ વગેરે સૌપ્રથમ સોળમી સદીમાં શોધી કઢાયાં હતાં અને તેનું સૌપ્રથમ ઉત્ખનન 1930ના દશકામાં થયું હતું.

રૂપલ ચૌહાણ