પર્શિયા(ઈરાન)નાં શિલ્પ અને સ્થાપત્ય

February, 1998

પર્શિયા(ઈરાન)નાં શિલ્પ અને સ્થાપત્ય : પર્શિયા એટલે કે ઈરાનનાં પ્રાચીન શિલ્પ અને સ્થાપત્ય. ઈરાન ભારત અને મિસરની પેઠે પોતાના પ્રાચીન વારસાનું ગૌરવ ધરાવે છે. અહીંનાં ખંડેરો ઐતિહાસિક દસ્તાવેજો સમાન છે. તેમનું મૂલ્ય ઘણું છે. તે ઈરાનના પ્રાચીન માહાત્મ્યની સાક્ષી આપે છે.

ઈરાનીઓએ એમના લાંબા ઇતિહાસ દરમિયાન બીજી પ્રજાઓ પાસેથી સ્થાપત્યના વિચારો લીધા તેમજ પચાવ્યા છે. તેમનાં બાંધકામોમાં ઈરાની છાપ જોવા મળે છે. તેમાં ઈરાનીઓની મૌલિકતા પણ જણાય છે; કેમ કે તેમણે એમાં પોતાના જમાનાને લાયક કેટલાક સુધારાવધારા પણ કર્યા હતા. જ્યારે એસિરિયનો લાકડાં કે ઈંટનો ઉપયોગ કરતા ત્યારે ઈરાનીઓએ પથ્થર વાપરવાનું શરૂ કર્યું હતું. ઈરાનમાં પથ્થર પુષ્કળ મળતો, જ્યારે એસિરિયા અને બૅબિલોનિયામાં પથ્થરનો અભાવ હોઈને માટી અને ઈંટનો ઉપયોગ થતો. સૌથી સારો પથ્થર મિસરમાં મળતો. ત્યાંના પિરામિડો તેના પુરાવારૂપ છે. વળી ઈરાનમાં પર્વતો ઉપર વિપુલ પ્રમાણમાં શિલ્પો અને લેખો મળે છે.

તખ્તે જમશીદના મહેલમાં ‘ફરોહર’નું ચિત્ર

ઈરાનીઓ બીજી પ્રજાઓના પણ ઋણી હતા તેની સાબિતી ત્યાંનું એક શિલ્પ આપે છે. મહાન સાયરસના પાંખવાળા બાવલામાં માથા ઉપરનો તાજ મિસરી ઢબનો અને આંખો એસિરિયન જેવી છે. પાંખવાળા ગોધાઓની આકૃતિઓ તો એસિરિયન જ છે અને અર્ધમનુષ્યની પૂંછડીવાળી આકૃતિ છે, જે જરથોસ્તીઓમાં ‘ફરોહર’ તરીકે ઓળખાય છે. જરથોસ્તી ધર્મમાં મૂર્તિપૂજા દાખલ થવાથી ઈરાની સ્થાપત્યનો વિકાસ થયો. ઈરાનીઓ એસિરિયનોના સંબંધમાં આવ્યા ત્યારથી તેમણે એસિરિયનોની કારીગરીનું અનુકરણ કરવા માંડ્યું. એસિરિયનોમાં મનુષ્યનું મુખ અને દાઢી ધરાવતો પાંખોવાળો ગોધો તેમના મુખ્ય દેવના ચિહ્ન તરીકે વપરાતો. મનુષ્યના મુખથી ઈશ્વરનું ડહાપણ, પક્ષીની પાંખોથી ઈશ્વરની સર્વવ્યાપકતા અને ગોધાના બળથી સર્વશક્તિમાન ઈશ્વરનું સામર્થ્ય સૂચિત થાય છે. આ જ આકૃતિનું અનુકરણ હખામની પારસીઓએ પર્સિપોલીસ ખાતેના ખંડિત થઈ પડેલા મહેલોમાં કર્યું હતું.

પર્સિપોલીસ મહેલનો સ્તંભ

આજે પણ ભારતમાં આવેલાં ઘણાં પારસી અગ્નિમંદિરો ઉપર એ જ આકૃતિનાં દર્શન થાય છે. એસિરિયન દેવાધિદેવ ‘અશુર’ની આકૃતિમાં એક પાંખવાળું ચક્ર છે, જેમાંથી એક ટોચવાળી ટોપી પહેરેલા મનુષ્યનો આકાર બહાર નીકળે છે. કોઈ શિલ્પચિત્રમાં તે આકાર તીર ફેંકે છે તો કોઈમાં તેણે હાથ ઊંચો કર્યો છે અને કોઈ શિલ્પચિત્રમાં તો તે માણસને રજૂ નહિ કરતાં માત્ર પાંખોવાળું તેનું ચક્ર જ બતાવેલું છે. એ ઊડતું ચક્ર અનંતકાળનું પ્રતીક છે અને તેમાં બેઠેલો માનવી તે ખુદાનું – એમ સૂચવાયું છે. આવી જ આકૃતિઓ ઈરાનના પર્સિપોલીસના મહેલનાં ખંડેરોમાં જોવામાં આવે છે. તે ઈરાનીઓએ એસિરિયનોના સ્થાપત્યના કરેલા ખુલ્લા અનુકરણનું પરિણામ છે. તે કોતરકામમાં શાહ દૅરિયસને હીસ્તાસ્પીસને વિચિત્ર જાનવરો જોડે લડતો બતાવ્યો છે, જે એસિરિયનોની નકલ છે.

મહાન શહેનશાહ દૅરિયસ (ઈ. સ. પૂ. 521-485)

હખામની મહેલોને રોનકદાર બનાવવવા માટે ગ્રીક કારીગરોની મદદ લેવાઈ હતી. આ ઉપરથી એમ સ્પષ્ટ થાય છે કે ઈરાનીઓ વિના સંકોચે બીજી પ્રજાઓની કળાનું અનુકરણ કરતા અને તેને આત્મસાત્ કરીને પોતાની એક ખાસ શૈલી ઊભી કરતા. ઈરાનીઓને પોતાની આગવી ધાર્મિક ફિલસૂફી હતી, પરંતુ તે ફિલસૂફીને બંધ બેસે એવાં ચિહ્નો તો તેમણે એસિરિયનો અને મિસરીઓ પાસેથી લીધાં હતાં.

સ્પેન્ટેમૈન્યુ અને અંગ્રેમૈન્યુ. ભલી શક્તિ બૂરીને જેર કરે છે.

જગતની સંસ્કૃતિઓના ચાલુ અને સીધા સંપર્કમાં જો કોઈ દેશ રહ્યો હોય તો તે ઈરાન છે. એણે સારા પ્રમાણમાં સાંસ્કૃતિક આપ-લે કરી છે. હખામની કાળમાં એસિરિયા, બૅબિલોનિયા, મિસર અને ગ્રીસ ઉપરાંત સાસાની સમયમાં રોમ અને બાઇઝેનશિયમમાંથી ઈરાને કળાની કાંઈક પ્રેરણા મેળવી; પરંતુ ઈરાન ઉપર વિજય મેળવનાર અરબો અને મૉંગોલો જેવી પ્રજાઓ ઈરાની કળા ઉપર પોતાના અજ્ઞાનને કારણે અસર ઉપજાવી શકી નહિ, પરંતુ તેમણે પોતે તેની અસર નીચે આવી જઈને ઈરાની કળાનો સંદેશ જગતને પહોંચાડવાનું કામ કર્યું.

પ્રિયબાળાબહેન શાહ