પરીખ, નરહરિભાઈ દ્વારકાદાસ (. 7 ઑક્ટોબર, 1891, કઠલાલ, જિ. ખેડા; . 15 જુલાઈ, 1957, બારડોલી) : ગાંધીવાદી બુનિયાદી શિક્ષણના હિમાયતી, કેળવણીકાર, સ્વાતંત્ર્ય-સૈનિક અને લેખક. પિતા દ્વારકાદાસ મોતીલાલ પરીખ વડોદરા રાજ્યમાં વકીલ હતા. પછી અમદાવાદમાં વસવાટ કર્યો. તેઓ ગુજરાતના એક નાના દેશી રાજ્યના દીવાન પણ હતા. નરહરિભાઈ કિશોરવયથી દેશનેતાઓ લાલા લજપતરાય, બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ(લાલ, બાલ અને પાલ)ની ત્રિપુટીથી પ્રભાવિત થયા અને તેમનામાં દેશભક્તિની ભાવના જાગ્રત થઈ. એમને ક્રિકેટ, ગિલ્લીદંડા અને પતંગ ચગાવવાનો ખૂબ શોખ હતો. માધ્યમિક શાળાનો અભ્યાસ અમદાવાદમાં કરી, 1906માં મૅટ્રિક પાસ થઈને તે ગુજરાત કૉલેજમાં જોડાયા. ગુજરાત કૉલેજના અંગ્રેજ આચાર્ય હર્સ્ટની જોહુકમી સામે વિરોધની આગેવાની લઈને ‘હર્સ્ટ ઇઝ વર્સ્ટ’નો અવાજ ગુજરાતભરમાં ફેલાવ્યો. 1911માં બી.એ. પાસ થયા બાદ મુંબઈની લૉ કૉલેજમાં જોડાયા. આ દરમિયાન મહાદેવભાઈ સાથે ગાઢ મિત્રતા થઈ, જે આજીવન ટકી રહી. 1913માં એલએલ.બી. થયા બાદ અમદાવાદમાં વકીલાત શરૂ કરી. 1915માં મહાદેવભાઈ સાથે ગાંધીજીને મળ્યા, તેમનાથી પ્રભાવિત થયા અને 1916થી આશ્રમમાં જોડાઈ, ત્યાંની પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા. આશ્રમમાં તેઓ કપડાં ધોતા, પાયખાનાંની ડોલો ઊંચકતા તથા તે સાફ કરીને તેમાં પસ્તીનાં છાપાં ગોઠવતા. નદીએથી પાણીની બે ડોલ કાવડમાં ઊંચકી ભેખડ ચડતા.

નરહરિભાઈ દ્વારકાદાસ પરીખ

નરહરિભાઈ, 1923માં બારડોલી પાસેના સરભોણ ગામે પ્રૌઢશિક્ષણ તથા ગ્રામસેવા માટે ગયા. ત્યાં આશ્રમ સ્થાપી વણાટશાળા શરૂ કરી, દૂબળા-હળપતિઓને ભણાવવા લાગ્યા. તેનો ગામના આગેવાનો દ્વારા વિરોધ થવાથી ઉપવાસ પર ઊતર્યા. આખરે વલ્લભભાઈ પટેલે ત્યાં જઈ સમજાવવાથી, આગેવાનોએ દૂબળાઓને ભણાવવાની છૂટ આપી. ગુજરાતમાં 1927માં રેલસંકટ આવવાથી તેમણે સૌથી વધુ અસરગ્રસ્ત માતર તાલુકામાં થાણું નાખી રાહતકાર્ય કર્યું. 1928માં બારડોલી-સત્યાગ્રહમાં ભાગ લઈને ખેડૂતો તરફથી હકીકતો રજૂ કરવાનું કામ કર્યું. ખેડૂતોના આવકખર્ચનો હિસાબ કરવા માટે નરહરિભાઈએ યોજેલી પદ્ધતિ સરકારે મંજૂર રાખી.

ત્યાંથી અમદાવાદ જઈને તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં મહામાત્રની જવાબદારી સ્વીકારી. તેઓ તેમની વિનોદવૃત્તિ અને વ્યવહારકુશળતાને કારણે વિદ્યાર્થીઓમાં બહુ પ્રિય થયા. 1930માં ધરાસણાના સત્યાગ્રહમાં સખત લાઠીમારથી લોહીલુહાણ થઈને બેભાન થઈ ગયા હતા. બીજે દિવસે તેમની ધરપકડ કરીને નાસિકની જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાર બાદ 1932માં બેલગામની જેલમાં તેમની ઉપર ખૂબ ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. ગાંધીજીના સૂચનથી, 1934ની આખરમાં, તેમણે હરિજન આશ્રમ, સાબરમતીની વ્યવસ્થાનું કામ હાથમાં લઈ, તે 1948 સુધી સંભાળ્યું હતું.

પ્રાંતોમાં કૉંગ્રેસની સરકારો 1937માં રચાઈ ત્યારે મુંબઈ ઇલાકામાં રચવામાં આવેલી બુનિયાદી શિક્ષણ-સમિતિના અધ્યક્ષ તરીકે તેમને નીમવામાં આવ્યા. તેમણે બુનિયાદી શિક્ષણનો પ્રથમ પ્રયોગ ખેડા જિલ્લાના થામણા ગામમાં બબલભાઈ મારફતે શરૂ કર્યો. એનાં સારાં પરિણામોથી પ્રોત્સાહિત થઈને એમાંથી પાયાની કેળવણીને વ્યાપક બનાવવાની પ્રેરણા તત્કાલીન સરકારને મળી. કેળવણી વિશેના ગાંધીજીના વિચારોનો અમલ કરવાનું મહત્ત્વનું કામ તેમણે કર્યું છે. રાષ્ટ્રીય શિક્ષણમાં એમનું પ્રદાન અવિસ્મરણીય છે. 1940-41માં તેમણે સેવાગ્રામ મુકામે ગ્રામસેવક વિદ્યાલયના આચાર્ય તરીકે સેવાઓ આપી. તેમણે ગુજરાતમાં સણોસરામાં, ભારતની પ્રથમ ગ્રામ-યુનિવર્સિટી સ્થાપી અને એ પ્રકારની યુનિવર્સિટીના ઉદ્દેશો સમજાવતું પુસ્તક લખ્યું. ‘હિંદ છોડો’ લડતમાં 9 ઑગસ્ટ, 1942ના રોજ તેમની ધરપકડ કરીને અટકાયતમાં રાખવામાં આવ્યા. ગાંધીજી પુણેના આગાખાન મહેલમાંથી છૂટ્યા પછી નરહરિભાઈએ 1945માં તેમના રહસ્યમંત્રી તરીકે કેટલોક સમય કામ કર્યું. ગાંધીજીએ તેમના વસિયતનામામાં નીમેલા બે ટ્રસ્ટીઓમાં મહાદેવ દેસાઈ તથા નરહરિ પરીખ હતા.

તેમણે ગુજરાતી ભાષાના લેખક, અનુવાદક અને સંપાદક તરીકે નોંધપાત્ર સેવા આપી છે. તેમનું લખાણ સાદું, સચોટ અને સ્પષ્ટ હોય છે. તેમણે લખેલાં ‘સરદાર વલ્લભભાઈ પટેલ’ (ભાગ 1, 2); ‘શ્રેયાર્થીની સાધના’ અને ‘મહાદેવભાઈનું પૂર્વચરિત્ર’ જીવનચરિત્રો તરીકે ઉલ્લેખનીય ગણાય. ગામડાંના પ્રશ્નો, ખાદીનું અર્થશાસ્ત્ર અને તેના સિદ્ધાંતો સમજાવતું ગુજરાતી ભાષામાં છસો પૃષ્ઠનું ‘માનવ અર્થશાસ્ત્ર’ નામનું પુસ્તક તેમણે 1942માં જેલમાં લખ્યું. આ ગ્રંથને હરગોવિંદ કાંટાવાળા પારિતોષિક એનાયત થયું હતું. તેમણે ‘મહાદેવભાઈની ડાયરી’ ભાગ 1થી 5ના સંપાદનનું મહત્ત્વનું કામ કર્યું હતું. 1926થી 1942 સુધી તેઓ ગાંધીજીના ‘નવજીવન’ સાપ્તાહિકના કાર્યમાં રોકાયેલા રહ્યા હતા. આ ઉપરાંત ‘કન્યાને પત્રો’ નામના તેમના પુસ્તકના હિન્દી, મરાઠી અને ઊડિયા ભાષામાં અનુવાદો થયા છે. પછાત વર્ગના ઉત્કર્ષમાં તેમને ઘણો રસ હતો. તેમના પ્રયાસોને લીધે મુંબઈના કૉંગ્રેસ મંત્રીમંડળે ગુજરાતના દૂબળાઓની ગુલામી નાબૂદ કરતો કાયદો ઘડ્યો હતો. તેમણે દલિતોની સ્થિતિ સુધારવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.

જયકુમાર ર. શુક્લ