પપનસ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના રુટેસી (નારંગ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus grandis (Linn) Osbeck. syn. C. decumana Linn; C. maxima (Burm f.) Merrill (સં. મધુકર્કટી, શતવેધી, કરુણ, મલ્લિકા પુષ્પ; હિં. બતાવી નીંબૂ, મહાનીંબૂ, કન્નાનીંબૂ, ચકોતરા,  સદાફલ; બં. વાતવિ લેબુ, મિષ્ટ લેબુ, જમ્બુરા લેબુ, ચકોતરા, મહાનીબુ, મ. પનીસ, પપનસ, ચકુત્રા, બંપારા, ગુ. પપનસ, ચકોતરા લીંબુ, ચકોતરુ; મણિ. નોબાબ, મિઝો. કામલો; આ રોબાબ, ટેંગા, તા. પામ્બ, લિમાસુ, મેટુક, તે. ખંપારા પનસ; કા. ચકોત્રે, સક્કોતા, ચકોતાહાન્નુ, કોં. તોરંદ, મલા. બંપ્લિમાસ, કંપિલિનરન્ના, ઉ. બતાપી, ઉર્દૂ-ચકોતરા, અં. ફરબીડન ફ્રૂટ, પમેલો, શૅડોક) છે.

વિતરણ : પપનસ દક્ષિણ એશિયા, ખાસ કરીને મલેશિયા અને પૉલિનેશિયાનું મૂળ વતની છે. તે ફીઝી, તોંગા અને હવાઈમાં નદીકિનારે વન્ય (wild) સ્વરૂપે થાય છે. ચીનમાં ઈ. સ. પૂર્વે 100 વર્ષની આસપાસ તેનો પ્રવેશ કરાવવામાં આવ્યો હોવાની માન્યતા છે. દક્ષિણ ચીન(જિયાંગ્સુ, જિયાંગ્ક્ષી અને ફ્યુજીઅન પ્રાંતો)માં વ્યાપકપણે ઉગાડવામાં આવે છે અને ખાસ કરીને મધ્ય થાઇલૅન્ડમાં થા ચીન નદીકિનારે તથા તાઇવાન અને દક્ષિણ જાપાન, દક્ષિણ ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, વિયેટનામ, ઇન્ડોનેશિયા, ન્યૂ ગિનિ અને તાહિતીમાં તે થાય છે.

‘શૅડોક’ નામ અંગ્રેજ દરિયાઈ કપ્તાન શૅડોકના નામ ઉપરથી આપવામાં આવ્યું છે. શૅડોકે 17મી સદીમાં મલાય દ્વીપસમૂહ(archipelago)માંથી પપનસનાં બીજનો વેસ્ટ ઇન્ડીઝમાં પ્રવેશ કરાવ્યો હતો.

આ વૃક્ષ ભારતમાં ઉત્તર-પૂર્વીય પ્રદેશમાં 1500 મી.ની ઊંચાઈ સુધી આસામ, ત્રિપુરા અને તેમના ગિરિપાદ(foot-hills)માં જોવા મળે છે. કેટલાક સ્થાનિક વિસ્તારો સિવાય ભારતમાં તેનું વ્યાપારિક ધોરણે વાવેતર થતું નથી. દક્ષિણ ભારતમાં ઘરઆંગણે તે ફળ માટે ઉગાડાય છે.

બાહ્ય લક્ષણો : તે ઘટાદાર, ઉપરનો ગોળાકાર ભાગ બનાવતું, લગભગ કંટકરહિત (ઉપશાખાઓ સામાન્યત: કંટકયુક્ત), 4.8 મી.-15 મી. સુધી ઊંચું વૃક્ષ છે. કેટલાંક સ્વરૂપો વામન પણ હોય છે. સાદાં દેખાતાં પર્ણો, વિજ્ઞાનની દૃષ્ટિએ એક પંજાકાર (unifoliate) સંયુક્ત અને એકાંતરિત હોય છે. પર્ણો સંયુક્ત મોટી એક પર્ણિકાવાળાં, અંડાકાર-લંબચોરસ(ovate-oblong)થી ઉપવલયાકાર (elliptical) 5-12 સેમી. × 2-12 સેમી., આછા લીલા રંગની, ઉપરની સપાટીએથી ચળકતી, નીચેની સપાટી ઝાંખી; પર્ણાગ્ર ગોળ અથવા તીક્ષ્ણ; પર્ણદંડ પહોળો, ચપટો, હૃદયાકાર (cordate) અને સપક્ષ તથા નીચેની સપાટીએથી રોમિલ હોય છે.

પુષ્પો મોટાં, સુવાસિત, કક્ષીય એકાકી કે ટૂંકી કલગી (raceme) સ્વરૂપે, 2-10ના ગુચ્છમાં, કેટલીક વાર 10-15 પુષ્પો 10-30 સેમી. લાંબી અગ્રસ્થ કલગી સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. દલપત્રો 4-5, પીળાશ પડતાં સફેદ, 1.5-3.5 સેમી. લાંબાં અને પીળાશ પડતી લીલાં ટપકાં જેવી ગ્રંથિઓ ધરાવે છે. પુંકેસરો 4-5 સમૂહોમાં બહુગુચ્છી (polyadelphous) અને નારંગી રંગનાં પરાગાશયો (anthers) ધરાવે છે.

ફળ માંસલ નારંગ (hesperidium) પ્રકારનાં મોટાં (સાઇટ્રસ પ્રજાતિમાં સૌથી મોટાં) ગોળ કે ભમરડા આકાર(turbinate)નાં, આછા પીળાથી નારંગી રંગનાં, છાલ ખૂબ જાડી, સફેદ, પોચી, લીસી અને ગ્રંથિમય; 11-14 ખંડો જાડા ચર્મિલ પડદાઓ વડે આવરિત; સફેદ પપનસનો ગર સફેદ કે આછો પીળો; લાલ કે ગુલાબી પપનસનો ગર લાલ કે ગુલાબી હોય છે. બીજ અસંખ્ય, પીળાશ પડતાં સફેદ, મોટાં, ચપટાં અથવા ફાચર (wedge) આકારનાં હોય છે.

પપનસની જાતો : આ વૃક્ષના C. grandis var megaloxycarpa R. Singh & Nath = C. megaloxycarpa Lushington (અમીબેદ ભોગાટે અથવા ખાટું પપનસ); C. grandis var. Keem syn. C. megaloxycarpa var. Keem અને C. grandis var. rugosa (મહાલુંગ અથવા લેમન થંબ ઑવ્ ઇન્ડિયા) – એમ ત્રણ પરિવર્ત (variant) છે.

  1. grandis(પપનસ) x C. sinensis(મોસંબી)ની અપસંયોગતા (apomixis) દ્વારા બનાવાયેલ સંકર જાતને C. paradisi Macf. (ગ્રેપફ્રૂટ) કહે છે.

‘બોરટેંગા’, ‘હુકમા-ટેંગા’, ‘હોલોંગ-ટેંગા’ અને ‘જમીન-ટેંગા’ – એ આસામમાં વવાતી પપનસની જાતો છે. ભારતમાં ગ્રેપફ્રૂટ અને પપનસનું 1984માં સંયુક્ત વાર્ષિક ઉત્પાદન 25,000 ટન અને 1985થી 1988 દરમિયાન 20,000 ટન પ્રતિવર્ષ હતું.

કૃષિ : તે હિમરહિત ઉપોષ્ણ અને અર્ધઉષ્ણ આબોહવામાં સારી રીતે થાય છે. તે હળવું હિમ સહન કરી શકે છે. સદાહરિત હોવાથી તેને શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણની ખાસ જરૂરિયાત હોતી નથી; પરંતુ શિયાળામાં થતો વૃદ્ધિ-અવરોધ (growth inhibition) વસંત ઋતુમાં પુષ્પકલિકા-નિર્માણને પ્રેરે છે. ઠારબિંદુથી નીચું તાપમાન તરુણ વૃક્ષોને ઈજા પહોંચાડે છે અને 46° સે.થી ઊંચા તાપમાને તે સૂર્યદગ્ધ (sun burn) થાય છે અને તેના ફળમાં કણિકાયન (granulation) જોવા મળે છે.

તે ઊંડી, પોચી, સારા પ્રમાણમાં વાયુમિશ્રિત (aerated) અને કૅલ્શિયમ-કાર્બોનેટના સખત પડ વિનાની ભૂમિમાં થાય છે. તેનો અનુકૂળ pH 5.5થી 7.5 જેટલો છે; આમ છતાં યોગ્ય પ્રબંધ દ્વારા તેને ખૂબ ઍસિડિક (pH 4.5) કે મુક્ત ચૂનો ધરાવતી (pH 8.5) ભૂમિમાં પણ સફળતાપૂર્વક ઉગાડી શકાય છે. મૂળના પ્રદેશની ભૂમિ જલાક્રાન્ત (water logged) હોય તો તે તેને અનુકૂળ આવતી નથી. તે ક્ષારજ અને આલ્કેલાઇન ભૂમિમાં ઊગી શકતું નથી.

તેનું પ્રસર્જન બીજ દ્વારા કરવામાં આવે છે. સારાં વંશાવળી-લક્ષણો ધરાવતાં વૃક્ષોનાં તંદુરસ્ત અને વાઇરસમુક્ત ફળોમાંથી બીજ એકત્રિત કરવામાં આવે છે. કલિકારોપણ (budding) વર્ધીપ્રજનનની સૌથી સામાન્ય પદ્ધતિ છે. કટકારોપણ (cutting), હવાદાબ અને રોપણ(graft)ની પદ્ધતિઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

બીજાંકુર કે તૈયાર કલમનું ચોમાસાની શરૂઆતમાં વાવેતર કરવામાં આવે છે. તે માટે ઉનાળામાં 5થી 8મી.ના અંતરે 50થી 75 સેમી. ઊંડા ખાડા તૈયાર કરવામાં આવે છે અને 40 કિગ્રા. ફાર્મયાર્ડ ખાતર ઉમેરી માટીનું પ્રતિસ્થાપન (replacement) કરવામાં આવે છે.

890 મિમી.થી ઓછો વાર્ષિક વરસાદ પડતો હોય તો ઉત્તર ભારતની પરિસ્થિતિમાં સિંચાઈ દ્વારા માર્ચથી જૂન સુધી અઠવાડિયે એક વાર અને નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી પખવાડિયે એક વાર પાણી આપવામાં આવે છે.

રાસાયણિક બંધારણ : પપનસના ફળના ભાગોનું બંધારણ આ પ્રમાણે છે : છાલ 23-24 %, રસ 175 મિલી., ફળને સંપીડિત (compressed) કર્યા પછી બાકી રહેતો અવશેષ 25-37 % અને બીજ 3-4 %.

મૂળની છાલ b સીટોસ્ટૅરોલ અને ઍક્રિડોન આલ્કેલૉઇડ જેવાં કે સિટપ્રેસિન – I અને II, સિટેક્રિડોન – I અને II, ગ્લાયકોસિટ્રિન – I, ગ્રાન્ડિસિન – I અને II, ગ્રાન્ડિસિનીન, 5-હાઇડ્રૉક્સિ નૉરએક્રોનાયસિન, હોન્યુમીન, નેટ્સુસિટ્રિન  II, 2’, 2’ ડાઇમિથાઇલ  (પાયરેનો 5’, 6’ : 3 : 4) – 1, 5 – ડાઇહાઇડ્રૉક્સિ – 6 – મિથૉક્સિ – 10 – મિથાઇલ એક્રિડોન અને 2’, – 2 – ડાઇમિથાઇલ (પાયરેનો 5’, 6’ : 3 1 – હાઇડ્રૉક્સિ – 5, 6 – ડાઇમિથૉક્સિ – 10 મિથાઇલ ઍક્રિડોન ધરાવે છે. તે કેટલાંક કૉમેરિન પણ ધરાવે છે. આ ઉપરાંત, મૂળની છાલમાં રહેલાં અન્ય ઍક્રિડોન આલ્કેલૉઇડોમાં બૈયુમિન A(C20H19NO4, ગ-બિં.160-61° સે.), બૈયુમિન B(C22 H25NO5, ગ-બિં.145-47° સે.), સિટ્રસિનિન  I, N મિથાઇલ એટેનિન પ્રીનાઈલસિટ્પ્રેસિન અને પ્રેસ્કિમિયોનિનનો સમાવેશ થાય છે.

પર્ણો અને કાચાં ફળોમાંથી પ્રાપ્ત થતું બાષ્પશીલ તેલ લિમોનિન 20 %, નેરોલોલ 30 %, નૅરોલીન ઍસિટેટ 40 % અને જિરાનિયૉલ 3 % ધરાવે છે.

ફળના 100 ગ્રા. ખાદ્ય ભાગમાં ભેજ 88.0 ગ્રા., પ્રોટીન 0.6 ગ્રા., ચરબી 0.1 ગ્રા., રેસા 0.6 ગ્રા., કાર્બોહાઇડ્રેટ 10.2 ગ્રા., ખનિજક્ષારો 0.5 ગ્રા., કૅલ્શિયમ 30 મિગ્રા., ફૉસ્ફરસ 30 મિગ્રા., લોહ 0.3 મિગ્રા., થાયેમિન 0.03 મિ.ગ્રા., રિબૉફ્લેવીન 0.03 મિગ્રા., નાયેસીન 0.2 મિગ્રા., વિટામિન ‘સી’ 20 મિગ્રા., કૅરોટિન 120 માઇક્રોગ્રામ અને 44 કિ. કૅલરી કાર્યશક્તિ હોય છે.

ફળના રસનું ઉત્પાદન 39.8 %, કુલ ઘન પદાર્થ 11.2 %થી 13.2 %; સાઇટ્રિક ઍસિડ 2.31 %થી 2.70 %; કુલ શર્કરા 8.0 %થી 9.50 % અને સુક્રોઝ 5.0 % હોય છે.

પપનસનાં ફળ અને મૂળની છાલમાં ક્લૉઉસરિન, સિડ્રેલોપ્સિન, હોન્યુડિસીન, મેરાન્ઝિન, આઇસોમેરાન્ઝિન, મેરાન્ઝિન હાઇડ્રેટ, મેરાન્ઝિન હાઇડ્રેટ – 13 – O – β – D – ગ્લુકોપાયરેનોસાઇડ, 5 – મિથૉક્સિ સેસેલિન, નૉરડેન્ટટિન, સ્કોપોલેટિન, થૅમ્નોસિન, અમ્બેલીફૅરોન, ઝૅન્થોઝાયલેટિન અને ઝૅન્થાયલેટિન નામની કૉમેરિન્સ અને સોરાલેન્સ હોય છે.

તે ડૅક્યુમેનિન, નારિંજિન, નારિંજિન – 4’ – β – D – ગ્લુકોસાઇડ, પોન્સિરિન, ર્હોઇફોલિન રુટિન, લ્યુટિયોલિન – 7 – β – નિયો હૅસ્પરીડોસાઇડ નિયોહૅસ્પરિડિન અને હૉન્યુસિટ્રિન નામનાં ફ્લૅવોનોઇડ ધરાવે છે.

ફળની છાલના તેલમાં – d – લિમોનિન, 90 %થી 92 %; α – પિનીન, 0.5 %થી 1.5 %; લિનેલૂલ, 1 %થી 2 % જિરાનિયૉલ, 1 %થી 2 %; અને ખૂબ અલ્પ પ્રમાણમાં જિરેનિલ અને લિનેલીલ ઍસિટેટ; સિટ્રોનેલલ બાષ્પશીલ તેલ હોય છે. તેનું વિશિષ્ટ ગુરુત્વ 0.845થી 0.860 જેટલું; વિશિષ્ટ પ્રકાશિક ધૂર્ણન, [∝]D +72.5° – +78.5°; વક્રીભવનાંક, nD – 1.4751.4785; અને આલ્ડીહાઇડ દ્રવ્ય (%) 3.5 (સાઇટ્રલ સ્વરૂપે).

ફ્લેવોનૉઇડો ઉપરાંત, સાઇટ્રસ પ્રજાતિમાં સંયોજનોનો અન્ય એક સમૂહ, લિમોનૉઇડો છે. તે ફળ / રસમાં કડવાશ ઉત્પન્ન કરે છે. તેઓ પર્ણ, શાખાઓ, ફળો અને બીજમાં હોય છે. પર્ણો અને ફળોની વૃદ્ધિના પ્રારંભમાં તેની સાંદ્રતા મહત્તમ હોય છે. બીજમાં ફળની વૃદ્ધિ અને પરિપક્વન દરમિયાન લિમોનૉઇડોનું કુલ દ્રવ્ય અને સાંદ્રતા એકધારી વધતી રહે છે. રસમાં લિમોનૉઇડની કડવાશનો ક્રમશ: વધારો થતો રહે છે. આ કડવાશને વિલંબિત (delayed) કડવાશ કહે છે. બધા લિમોનૉઇડો કડવાં હોતાં નથી. લિમોનિન સૌથી વિપુલ પ્રમાણમાં મળી આવતું કડવું ટ્રાઇટર્પીનૉઇડ ડાઇલૅક્ટોન છે. તે વિલંબિત કડવાશનું પ્રાથમિક કારણ છે. કડવાં લિમોનૉઇડોમાં લિમોનિન, નોમિલિન, નોમિલિનિક ઍસિડ, ઇચેન્જિન અને ફોટોલિમોનિન I છે તથા કડવાશરહિત લિમોનૉઇડોમાં કેલેમિન, સાયક્લોકેલેમિન, રીટ્રો-કેલેમિન, લિમોનેક્સિક ઍસિડ, ડીઑક્સિલિમોનિન, લિમોનૉઇક ઍસિડ, લિમોનૉઇક ઍસિડ, A, 1-7, ડીહાઇડ્રૉલિમોનૉઇક ઍસિડ A, ડીઑક્સિલિમોનૉઇડ ઍસિડ, લિમોનૉલ, ડીઑક્સિલિમોનૉલ, લિમોનિલિક ઍસિડ, ડીઍસિટાઇલનોમિલિનિક ઍસિડ, મિથાઇલ ડીઍસિટાઇલનોમિલિનેટ, આઇસોલિમોનિક ઍસિડ, ઓબેક્યુનૉલ, ઓબેક્યુનોન, આઇસોઓબેક્યુનૉઇડ ઍસિડ, ઍપિઆઇસોબેક્યુનૉઇક ઍસિડ, T∝- ઓબેક્યુનૉલ, મિથાઇલ આઇસોઓબેક્યુનૉએટ ડાઇઓસ્ફીનૉલ, ફોટોલિમોનિન II.

પર્ણો અને તરુણ પ્રરોહોના બાષ્પનિસ્પંદન (steam distillation) દ્વારા પ્રાપ્ત કરવામાં આવતા બાષ્પશીલ તેલને વ્યાપારિક રીતે પૅટિટ ગ્રેન ઑઇલ કહે છે.

પપનસના પેટિટ ગ્રેન તેલનાં બંધારણ અને લાક્ષણિકતા આ પ્રમાણે છે : લિનેલીલ ઍસિટેટ 44.18 %, લિનેલૂલ 42.34 %, l-b-પિનીન 6.6 % અને d  ∝ પિનીન 2.6 %.

પપનસના બીજના તેલની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : તેલ 39 %, વક્રીભવનાંક, nD 1.464531° સે., ઍસિડ-આંક 30.7, આયોડિન (Iod) 92.7 %, સાબૂકરણ(Sap)-આંક 189.7, ફૅટી

ઍસિડ બંધારણ : પામિટિક 20.7 %, સ્ટીઅરિક 15.3 %, ઓલૅઇક 55.4 %, લિનોલૅઇક 8.1 % અને લિનોલેનિક 0.5 %.

પરંપરાગત ઉપયોગો : પપનસનો મંદિરમાં અર્પણવિધિમાં ઉપયોગ થાય છે. લગ્ન-સમારંભોમાં તેનાં પુષ્પો શોભા માટે વાપરવામાં આવે છે. સ્થાનિક લોકો ગુલાબી પપનસ ખાય છે. ફળોનો રસોઈ અને ઔષધીય હેતુઓ માટે ઉપયોગ થાય છે. ફળમાંથી મદિરા બનાવવામાં આવે છે. તેનાં છોતરાં શર્કરારસિત (candied) અથવા ચાસણીમાં પરિરક્ષિત કરવામાં આવે છે. ફિલિપિન્સમાં પર્ણોનો ઉપયોગ માંસ કે માછલીની વાનગીઓના પરિપક્વન (seasoning) માટે અને સુરભિત (aromatic) સ્નાનમાં થાય છે. પર્ણો, પુષ્પો અને છાલનો ક્વાથ (decoction) ચેતાતંત્રની તકલીફોમાં પ્રશામક (sedative) તરીકે આપવામાં આવે છે. પર્ણોનો અપસ્માર (epilepsy), લાસ્ય (chorea) અને ઉત્પાતકારી (convulsive) કફમાં ઉપયોગ કરવામાં આવે છે. મલેશિયામાં ઉકાળેલા પાનમાંથી બનાવેલો ગરમ મલમ દુખતા ફોડલા અને ચાંદાં પર લગાડવામાં આવે છે. ફળ પોષક અને પ્રશીતક (refrigerant) ગણાય છે. તાઇવાનમાં તેનો કફોત્સારક (expectorant) તરીકે અને શોફ (oedema) તેમ જ પેટના દુખાવામાં ઉપયોગ થાય છે. છાલનો બહારનો ભાગ ઉમદા તેજસ્કર (cordial) હોય છે. તે અજીર્ણ (dyspepsia) અને કફમાં આપવામાં આવે છે. બીજના પણ આ પ્રકારના ગુણધર્મો છે અને કેટલીક વાર તે કટિશૂલ(lumbago)માં આપવામાં આવે છે.

ઔષધગુણવિજ્ઞાનીય (pharmacological) ગુણધર્મો : રુટિન અને અન્ય ફ્લેવોનૉન વિટામિન Pનાં મુખ્ય ઘટકો છે. તેઓ રુધિરકેશિકાઓ દ્વારા થતા રક્તસ્રાવમાં ઘટાડો કરે છે; તે ઉપરાંત તેઓ સ્કર્વીજન્ય (scorbutic) ગિનિ પિગમાં જીવન-અવધિમાં વધારો કરે છે અને વાહિકીય રક્તચિત્તિતા(vascular purpurea)માંથી રોગમુક્ત કરવા મદદ કરે છે.

કૉમેરિનો અને આલ્કેલૉઇડો પ્રતિજીવાણુક (antibacterial) સક્રિયતા દાખવે છે.  નૉરડેન્ટેટિન 10 માઇક્રોગ્રામ/મિલી. એ.Bacillus subtilis (Ehrenb) Cohn, Micrococcus pyogenes Lehmann & Neumann var. aureus Hucker Syn. Staphylococcus aureus Rosenb અને Micrococcus luteus (Schroeter) Cohnની વૃદ્ધિ; તથા  ઝેન્થાયલેટિન 100 માઇક્રોગ્રામ/મિલી. એ Klebsiella pneumoniae (Schroeter) Trevisan, Pseudomonas aeruginosa (Schroeter) Mig. અને Salmonella typhi(Schroeter)ની વૃદ્ધિ તથા સ્કોપોલેટિન અને ગ્લાયકોસિટ્રિન-I Bordetella bronchiseptica (Ferry) Morneo-Lopezની વૃદ્ધિ પૂર્ણપણે અટકાવે છે.

તાજાં પર્ણોમાંથી પ્રાપ્ત કરેલ બાષ્પશીલ તેલ ત્વગ્વિકારી ફૂગરોધી (antidermatophytic) સક્રિયતા દર્શાવે છે. તે દાદરનો રોગ લાગુ પાડતી બે ફૂગ Trichophyton mentagrophytas અને Microsporum audouini સામે ફૂગનાશક (fungicidal) અને ફૂગસ્તંભક (fungistatic) પ્રક્રિયા દાખવે છે. બંને ફૂગ માટે લઘુતમ અવરોધક સાંદ્રતા 500 પી.પી.એમ. છે. તે ક્લોટ્રિમેઝોલ, ગ્રિસીઓફુલ્વિન અને નાયસ્ટેસ્ટિન જેવા કેટલાક ફૂગરોધી પ્રક્રિયકો કરતાં વધારે કાર્યસાધક હોય છે. તથા કેટાકોનેઝૉલ, બૅન્ઝોઇક અને સેલિસિલિક ઍસિડ જેટલી ક્ષમતા ધરાવે છે. આમ, તે ત્વચા-ફૂગરોગ (dermatomycosis) માટે એક સક્ષમ વનસ્પતિ રસાયણ ચિકિત્સીય (chemotheraputic) પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે.

પપનસનાં ફ્લેવોનૉઇડો પ્રતિકૅન્સરજનક (anti-carcinogenic) અને અર્બુદરોધી (anti-tumor) સહિત જૈવસક્રિયતાઓનો વિસ્તૃત પટ(broad spectrum) ધરાવે છે. ક્વિર્સેટિન અનેક પ્રાણી મૉડલોમાં કૅન્સરજનન(carcinogenesis)ની ક્રિયાનો પ્રતિરોધ (inhibition) કરે છે અને વિવિધ પ્રકારની અર્બુદ-કોષ વૃદ્ધિઓના પસંદગીમય રીતે પ્રતિરોધ કરે છે. પૉલિમિથૉક્સિલિત (polymethoxylated) ફ્લેવોનૉઇડો (PMF) અર્બુદકોષની વૃદ્ધિ બાબતે હાઇડ્રૉક્સિલિત (hydroxylated) ફ્લેવોનૉઇડો કરતાં વધારે શક્તિશાળી પ્રતિરોધકો (inhibitors) છે. તેઓ પ્રબળ પ્રત્યાક્રમક (anti-invasive) અને સ્થળાંતરરોધી (anti-metastatic) ગુણધર્મો પણ ધરાવે છે.

કેટલાક ફ્લેવોનૉઇડો માનવ અલ્કલરાગી (basophyl) હિસ્ટેમીન મુક્તિ અને તટસ્થકણ β – ગ્લુક્યુરોનિડેઝ મુક્તિનો ખૂબ સક્રિયતાથી પ્રતિરોધ કરે છે. આમ, તેઓ અંત:જીવે (in vivo) પ્રત્યૂર્જકરોધી (anti-allergic) અને પ્રતિશોથકારી (anti-inflammatory) સક્રિયતા દર્શાવે છે.

લિમોનિન મુખ્ય એગ્લાયકોન છે. લિમોનૉઇડ એગ્લાયકોનો ઉંદરો અને હૅમ્સટરોમાં પ્રતિકૅન્સરજનક સક્રિયતા પ્રદર્શિત કરે છે અને કીટકો તથા ઊધઈ સામે પ્રતિપોષી (anti-feedant) સક્રિયતા દર્શાવે છે.

લિમોનિન એક અસરકારક અને પરિસ્થિતિવિજ્ઞાન(ecology)માં અનેક કૃષિ-જીવાતો માટે સલામત પ્રતિપોષી હોવાનું જણાયું છે. માનવ માટે લિમોનિન અવિષાળુ (non-toxic) હોવાથી જંતુનાશક તરીકે તે એક આકર્ષક વિકલ્પ છે. નોમિલિન અને લિમોનિન સંબંધિત લિમોનૉઇડો છે. તેઓ પ્રતિકૅન્સરજનક સક્રિયતા દર્શાવે છે. લિમોનૉઇડો ઊધઈ અને કીટકોમાં ક્ષુધા અવદમન (appetite) સક્રિયતાનો ગુણધર્મ ધરાવે છે.

આયુર્વેદ અનુસાર પપનસ હળવું, રુક્ષ, તીક્ષ્ણ, અમ્લ, ઉષ્ણવીર્ય, કફ અને વાતનું શમન કરનાર, પિત્તવર્ધક, રુચિકર, ક્ષુધાપ્રેરક, પાચક, અનુલોમ, ભેદક, હૃદયોત્તેજક, મૂત્રલ, આમદોષનાશક છે. તે અરુચિ, મંદાગ્નિ, અજીર્ણ, ગોળો, બરોળ, રક્તપિત્ત, ખાંસી, શ્વાસ, ભ્રમ, હેડકી, યકૃતવૃદ્ધિ, મૂત્રાલ્પતા, આફરો અને મેદનો નાશ કરનાર છે.

ઔષધિ પ્રયોગો : (1) અરુચિ અને તૃષા ઉપર – પપનસનાં પતીકાં કરી તેના ઉપર ખાંડ અને સિંધવ લગાડી તેનું સેવન કરવામાં આવે છે. (2) બરોળ (પ્લીહા) ઉપર – પાકાં ફળોનું અથાણું બનાવી રોજ ખવડાવવામાં આવે છે. (3) પેટના કૃમિ ઉપર – તેની છાલ વાટી તેના પાણીમાં જેતુનનું તેલ કે દિવેલ ઉમેરી પિવડાવવામાં આવે છે. (4) મોળ-ઊલટી અને છાતીના દાહ ઉપર – ફળની છાલ પાણી સાથે વાટી, પાણીમાં ગાળી, તેમાં સાકર ઉમેરી પિવડાવાય છે. (5) ખૂજલી ઉપર – ફળના રસમાં ગંધક ઉમેરી ખૂજલી ઉપર ચોળવામાં આવે છે. (6) ઠંડીથી થતા શિરદર્દ ઉપર – ફળની છાલનું તેલ કપાળે ઘસવામાં આવે છે. (7) તાવ ઉપર  મૂળની છાલનો ઉકાળો કરી પીવાથી તાવ મટે છે.

માત્રા : ફળોનો રસ 3-10 ગ્રા., ફળની છાલનું ચૂર્ણ 35 ગ્રા., પર્ણોનો રસ 6-10 મિગ્રા. તેનું સેવન ખાલી પેટે કરવું નહિ. હાનિનિવારણ મીઠું, મરી, મધ.

બળદેવભાઈ પટેલ