પદ્માવતી : તમિળના શરૂઆતના નવલકથાકાર તરીકે સુપ્રસિદ્ધ ડૉ. માધવૈયા(1874-1926)ની જાણીતી સામાજિક નવલકથા. આ કૃતિ ‘પદ્માવતી ચરિતિરમ્’ તરીકે પણ ઓળખાય છે. એમાં તમિળનાડુની તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું તથા તે વખતે વ્યાપ્ત ક્રાન્તિની લહરનું  અસરકારક નિરૂપણ છે. એમાં નાગમૈયર, એની પત્ની શાલા, ભાઈ ગોપાલન, પદ્માવતી, સાવિત્રી, સીદૈ અમ્માળ, કલ્યાણી ઇત્યાદિ પુરુષ  તથા નારી પાત્રો દ્વારા એક પેઢીના રીતરિવાજો, સંઘર્ષો, સુખદુ:ખ, આશા-નિરાશા, શક્તિ તથા મર્યાદાઓનું અસરકારક રીતે નિરૂપણ થયું છે.

એનું કથાનક સીધુંસાદું છે. પ્રારંભિક રચના છતાં તેમાં કથાવેગ રસપ્રદ રીતે અનુભવાય છે. એમાં વિશેષે કરીને નારીપાત્રોનું ચિત્રણ અસરકારક છે. નાયિકા પદ્માવતી તત્કાલીન સમાજવ્યવસ્થા તથા કુરિવાજોનો પ્રભાવક રીતે સામનો કરે છે. પદ્માવતી આદર્શ પાત્ર છે. સાવિત્રીમાં પ્રાચીન વિચારધારા તથા પશ્ચિમની વિચારધારાનો સમન્વય છે. સીદૈ અમ્માળ પ્રાચીન પરંપરાને દૃઢતાથી વળગી રહે છે જ્યારે કલ્યાણી, પ્રાચીન અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચે ગોથાં ખાધા કરે છે.

માધવૈયા સુશિક્ષિત સાહિત્યકાર છે. એ કૃતિ પ્રારંભિક તબક્કાની હોઈ તેનું સ્વરૂપ બરાબર ઘડાયેલું નથી અને વચ્ચે વચ્ચે લેખકની ઉપદેશવૃત્તિ બાધા પેદા કરે છે. એમાં સ્ત્રીશિક્ષણનું મહત્ત્વ દર્શાવી કુરિવાજોની વિરુદ્ધ પાત્રો દ્વારા ઝુંબેશ ઉઠાવાતી દર્શાવી છે. આમ છતાં પ્રારંભિક તમિળ નવલકથાઓમાં એનું સ્થાન વિશિષ્ટ છે.

ચન્દ્રકાન્ત મહેતા