પદ્મનાભપુરમ્ મહેલ

February, 1998

પદ્મનાભપુરમ્ મહેલ : તમિળનાડુમાં કેરળની સરહદ પાસે આવેલ ત્રાવણકોરના રાજવીઓનો મહેલ. આ પ્રદેશની સમૃદ્ધ કાષ્ઠ-સ્થાપત્યકલાનો તે ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મહેલનું બાંધકામ ક્યારે શરૂ થયું એ વિશે કોઈ પ્રમાણભૂત નોંધ નથી, પણ એમાંની જૂની ઇમારતો 1400થી 1500માં બંધાઈ હોવાનું મનાય છે. કાળક્રમે રાજવંશના જુદા જુદા રાજવીઓ દ્વારા એમાં ઉમેરો થતો રહ્યો જણાય છે. ભગવાન પદ્મનાભન્ના ભક્ત મહારાજા માર્તંડ વર્માએ 1744માં મહેલનું નામ બદલીને પદ્મનાભપુરમ્ રાખ્યું.

ડુંગરાની તળેટીમાં 986 એકર જેટલા કિલ્લેબંધ વિસ્તારમાં આ મહેલનું સંકુલ લગભગ 6.5 એકરમાં પથરાયેલું છે. એની પશ્ચિમે કોટની ઊંચી દીવાલ છે, જ્યારે બાકીની ત્રણ બાજુએ મકાનો અને દીવાલો છે. સંકુલમાં અનેક ચોક છે, જેની આજુબાજુ ઇમારતો સુંદર રીતે ગોઠવાયેલી છે. ભોંયતળિયે મોટાભાગની ઇમારતો એકબીજીથી અલગ છે, પણ ઉપરના માળે તેમને વરંડા અને સાંકડા પુલ દ્વારા સાંકળી લેવાઈ છે.

પદ્મનાભપુરમ્ મહેલનું પ્રવેશદ્વાર

કેરળના ઉચ્ચ સમાજમાં ઉપરના માળે અંગત આવાસ અને નીચે અન્ય કાર્યો માટેના ઓરડા રાખવાનો રિવાજ છે, જે અહીં પણ જોવા મળે છે. મહેલના મધ્ય ભાગમાં ઉપરના મજલે રાજકુટુંબના રહેઠાણ તથા રાજાનાં અંગત કાર્યો માટેના ઓરડા છે, જ્યારે નીચે ભોજનશાળા, રસોડું, ભંડારો, ટંકશાળ, શસ્ત્રાગાર, નૃત્યશાળા અને મહેલનાં કાર્યાલયો રાખવામાં આવ્યાં જણાય છે. આ પ્રદેશ નૃત્ય અને નાટ્યકલાની આદિ પરંપરા માટે પ્રખ્યાત છે. આને માટે ખાસ બે મોટા ખંડ રાખવામાં આવ્યા છે, જે મંત્રશાળા એટલે કે ખાસ સભાગૃહ સાથે સીધા જોડાયેલા છે. ધાર્મિક વિધિઓ અને પ્રસંગો માટે એક અલગ ખંડ કર્ણાટકી શૈલીમાં પથ્થરોથી બનાવેલો છે.

વિષુવવૃત્તીય આબોહવા ધરાવતા આ પ્રદેશમાં વરસાદ ઘણો પડે છે, જેથી અહીં દેખાવમાં દીવાલ કરતાં છાપરાં વધુ પ્રભાવશાળી લાગે છે. સુથારોએ છાપરાના માળખાની રચના ઘણી જ અટપટી બનાવી છે. ખીલીનો અહીં ભાગ્યે જ ઉપયોગ થયો છે. માપસર સાલવીને લાકડાંનો એકબીજા સાથે બંધ બેસાડવામાં આવ્યો છે. છાપરાના બહાર લટકતા ભાગને ટેકો આપતા લાકડાનો પોખરો (બ્રૅકેટ) એ કેરળની કાષ્ઠ-સ્થાપત્યકળાનું આગવું અંગ છે, જે અહીં જોવા મળે છે. છાપરાને ટેકા આપવા પથ્થર અને લાકડાના થાંભલા છે. તેની વચ્ચેની જગ્યા ઈંટ અથવા લૅટરાઇટ(laterite)ની દીવાલ અથવા લાકડાની જાળીથી બંધ કરવામાં આવી છે. લાકડાની જાળી પ્રકાશને નિયંત્રિત કરે છે, પણ પવન એમાંથી સહેલાઈથી આવી શકે છે, જેથી અંદર ઘણી ઠંડક રહે છે. પ્રકાશના સૂક્ષ્મ નિયંત્રણથી આ સંકુલમાં વિશાળતા અને ભવ્યતાની સાથોસાથ શાંત અને સૌમ્ય વાતાવરણ અનુભવાય છે, જે સ્થાપત્યની દૃષ્ટિએ એક વિશિષ્ટ સિદ્ધિ છે.

મહેલની ઇમારતોનાં કદ અને આકારમાં ઘણી વિવિધતા જોવા મળે છે. સંકુલના બહારના ભાગમાં મુખ્યત્વે લાંબી ઇમારતો છે. જેમ અંદર જઈએ તેમ ઇમારતનું કદ અને પ્રમાણ નાનું થતું જાય છે. પ્રથમ નજરે સમગ્ર સંકુલના આયોજનમાં તર્કસંગતતાનો અભાવ લાગે, પણ એની રચનામાં રહેલા ગર્ભિત શાસ્ત્રીય નિયમોનો ખ્યાલ આવે ત્યારે આયોજનની પદ્ધતિ સ્પષ્ટ થાય છે. ત્રણેક સદીના લાંબા ગાળા દરમિયાન જુદી જુદી ઇમારતો બની છે. એના પર તત્કાલીન રાજકીય અને સામાજિક પરિસ્થિતિની અસરો પડવાથી સ્થાપત્યશૈલીમાં રસપ્રદ મિશ્રણ જોવા મળે છે. વળી આ મહેલમાં બાંધકામની સ્થાનિક પદ્ધતિની પ્રભાવશાળી અસર અને સ્થાનિક વાસ્તુશાસ્ત્રના નિયમોના પાલનને લીધે એકરૂપતાની દૃઢ પ્રતીતિ પણ થાય છે.

ફક્ત આયોજનના જ નહિ, પણ બાંધકામની બધી જ સામગ્રીને લગતા વાસ્તુશાસ્ત્રના નિયમોના સમગ્ર સંકુલમાં થયેલ ચુસ્ત પાલનને કારણે પણ આ મહેલની ઐતિહાસિક દૃષ્ટિએ અનુપમ વિલક્ષણતા છે.

કલ્લોલ જોશી