પત્રહીન નગ્ન ગાછ

February, 1998

પત્રહીન નગ્ન ગાછ (1967) : મૈથિલી કવિ ‘યાત્રી’ (વૈદ્યનાથ મિશ્રા : જ. 1911; અ. 1998)નો કાવ્યસંગ્રહ. ‘યાત્રી’ મૈથિલી સાહિત્યના ગણનાપાત્ર ‘નવકવિ’ છે અને તેમનો અભિગમ પ્રયોગશીલતાનો છે. પ્રયોગશીલતાને તેમણે જે વિકાસ-તબક્કે પહોંચાડી છે ત્યાંથી નવી કવિ-પેઢીએ આગળ પ્રયાણ કર્યું છે. તે આધુનિક કવિ છે, પણ આધુનિકતાવાદી લેશ પણ નથી. તેમનાં કલ્પનો, તેમની કાવ્યબાની  શૈલી પરિપક્વ તથા મૌલિક છે અને તેમાં મહાન સાહિત્યની મુદ્રા છે.

કાવ્યસંગ્રહનાં જે કાવ્યો ગહન અને ચિંતનશીલ તેમજ નવતર શૈલીનાં છે તે જીવનનાં તેમજ સમાજનાં ભિન્ન ભિન્ન પાસાં અને પ્રશ્નો પરત્વેના અભિગમની દૃષ્ટિએ વિશિષ્ટ અર્થમાં વાસ્તવદર્શી બન્યાં છે. આ કાવ્યોમાં કવિએ પરંપરાગત છંદો તથા પ્રાસમેળના અનેક અખતરા કર્યા છે, પરંતુ તેમનું પ્રભુત્વ ફ્રી વર્સમાં છે. એમનાં એ કાવ્યો પૂરેપૂરાં પ્રગતિવાદી છે અને તેમાંનું દૃષ્ટિબિંદુ સામ્યવાદી વિચારસરણીથી રંગાયેલું છે. આમ છતાં તે કાવ્યોનાં મૂળ મિથિલાની સંસ્કારપરંપરામાં દૃઢપણે રોપાયેલાં છે.

તેમનું શ્રેષ્ઠ મનાતું ઊર્મિકાવ્ય ‘અંહાર ઝિનગી’ આ સંગ્રહમાં સામેલ છે. તેમાં એક અંધ વૃદ્ધ મહામુસીબતે ટેકરી પર ચઢવા મથે છે તેનું હૃદયદ્રાવક ચિત્રણ છે. શિખર ઉપર તેનો શ્રદ્ધા, શાંતિ અને વિજયની દેવી સાથે મેળાપ થાય છે. આ વસ્તુમાં જૂની સંસ્કૃતિ અને સંસ્કારપરંપરા સંક્રાંતિકાળે જે સંઘર્ષ અને હતાશા અનુભવે છે તેની તેમજ વિપરીત પરિસ્થિતિ છતાં તે જે શ્રદ્ધા અને શાંતિ સેવે છે તેની પ્રતીકાત્મક રજૂઆત છે. અન્ય કાવ્યોમાં ભગવાન શિવ, પ્રકૃતિ, કૌટુંબિક સંબંધો, અમલદારશાહી, નીરસ અને સંસ્કારવિહીન આધુનિકતા, જમીનદારો મારફત થતું શોષણ જેવા વિવિધ વિષયોનું નિરૂપણ છે.

આ કાવ્યસંગ્રહને સાહિત્ય એકૅડેમીનો 1968ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી