પત્રબંધરચના (foliated structure) : ખડકોમાં જોવા મળતી પત્રવત્ કે પર્ણવત્ ખનિજીય ગોઠવણી. કોઈ પણ ખડકના બંધારણમાં રહેલાં ખનિજો જ્યારે અન્યોન્ય સમાંતર પડસ્થિતિમાં સંકેન્દ્રિત થયેલાં હોય ત્યારે ઉદ્ભવતી ગોઠવણીને પત્રબંધ(પર્ણવત્) રચના કહેવાય. ખડકોમાં જોવા મળતી પ્રવાહરચના, ફાટ-સંભેદ, સ્લેટ-સંભેદ અને શિસ્ટોઝ સંરચના પત્રબંધ-રચનાના જ પ્રકાર ગણાય. ખડકો જ્યારે દાબનાં પ્રતિબળોની અસર હેઠળ આવે ત્યારે તેમના બંધારણમાં રહેલાં ખનિજોનાં આકાર અને કદ બદલાય છે. કેટલાંક ખનિજો ચપટાં બને છે, કેટલાંક પતરી આકાર કે તક્તી આકારનાં બને છે તો અમુક ગોળાકાર ખનિજકણો લંબગોળાકાર કે અંડાકાર સ્વરૂપોે ધારણ કરે છે. બધાં જ એકદિશાકીય સમાંતર સ્થિતિમાં ગોઠવાય છે. આ પ્રકારે ગોઠવાયેલા ખડકમાળખાની રચના પત્રવત્ થતી હોવાથી તેને પત્રબંધ-રચના તરીકે ઓળખવામાં આવે છે. સ્લેટ, ફિલાઇટ, શિસ્ટ જેવા વિકૃત ખડકોમાં આ પ્રકારની રચના જોવા મળે છે (આકૃતિ માટે જુઓ, પત્રબંધી).

વેગ સહિત અંતર્ભેદન પામતો મૅગ્મા જો સાથે સાથે જ સ્ફટિકીકરણ પણ પામતો જતો હોય તો તેમાં પ્રાદેશિક ખડકની સંપર્કસપાટીઓ નજીક ઘનીભવન પામતાં ખનિજો પ્રવાહની દિશામાં તેમજ દીવાલોને સમાંતર ગોઠવાય છે અને પત્રબંધ-રચના તૈયાર કરે છે.

બરફની અત્યંત જાડાઈવાળી હિમનદીમાં બરફના ઉપરના થરોના બોજથી નીચેનાં પડો ઘનિષ્ઠપણે દબાતાં જવાથી પત્રબંધ-રચના જેવું વલણ દાખવે છે.

ગિરીશભાઈ પંડ્યા