પત્રકારત્વ

પરંપરાગત વ્યાખ્યા મુજબ સમાચારો એકત્ર કરવા, લખવા, સંપાદિત અને પ્રકાશિત કરવા તેને પત્રકારત્વ ગણાય છે. પત્રકારત્વને ઉતાવળે લખાયેલ સાહિત્ય પણ કહેવાય છે.

ઈ. સ.ની પહેલી સદીમાં રોમન સમ્રાટ જૂલિઅસ સીઝરે Acta Diurna (દૈનિક ઘટનાઓ) – હસ્તલિખિત સમાચાર બુલેટિનો રોજેરોજ ચોક્કસ સ્થળોએ લગાડવાના આદેશો આપી પત્રકારત્વનો પ્રારંભ કર્યો તે પછી તે ક્રમશ: મુદ્રિત, શ્રાવ્ય અને શ્ય માધ્યમો  વૃત્તપત્રો, સામયિકો, રેડિયો, ટેલિવિઝનના રૂપે વિકસતું રહ્યું છે અને હવે માહિતીવિસ્ફોટના યુગમાં પ્રવેશ્યું છે.

માત્ર સમાચારો એકત્ર કરી તેને પ્રગટ કરવાથી સાંપ્રત પત્રકારત્વ ઘણું આગળ વધ્યું છે. સમાચારનું અર્થઘટન અને સમાચારની સમીક્ષા ઉપરાંત સમાચારના અન્વેષણને સવિશેષ મહત્ત્વ અપાતાં પત્રકારત્વ ઉચ્ચ કોટિનો વ્યવસાય ગણાયો છે. પત્રકારત્વનાં માધ્યમોના માલિકો માટે તે મોટો ઉદ્યોગ પણ બન્યું છે. પત્રકારત્વનાં મુદ્રિત અને વીજાણુ માધ્યમો ભવિષ્યમાં કેવો આકાર લેશે એની આગાહી કરવી કઠિન છે.

પત્રકારત્વના સ્વરૂપની જેમ તેની વિભાવનામાં પણ ઉત્તરોત્તર પરિવર્તન આવ્યું છે. પ્રારંભમાં શાસકો દ્વારા ફરમાનો તથા સિદ્ધિઓની પ્રજાજનોને જાણ કરવાનો હેતુ રહેતો હતો. યુરોપમાં રાજાશાહીનાં વળતાં પાણી થયાં અને લોેકશાહીનો ઉદય થયો એટલે પત્રકારત્વ શાસનાભિમુખ મટી પ્રજાભિમુખ અને શાસનનું આલોચક પણ બન્યું. પત્રકારત્વની આ શક્તિના કારણે શાસકોએ તેને એક યા બીજા રૂપે અંકુશિત કર્યા કર્યું. પણ રાજકીય સ્વતંત્રતા વિચાર, વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય વિના સંપૂર્ણ ગણાતી નથી તેથી પત્રકારત્વની  સ્વતંત્રતા અનિવાર્ય બની. આજે પત્રકારત્વ અપ્રિય શાસનને અસ્થિર કરવાનું સામર્થ્ય પણ ધરાવતું થયું છે. આથી કેટલીક મહત્ત્વાકાંક્ષી વ્યક્તિઓ પત્રકારત્વના ક્ષેત્રે પોતાનું સામ્રાજ્ય કોઈ એક દેશની ભૌગોલિક સરહદો પૂરતું સીમિત ન રાખતાં વિશ્વના અનેક  દેશોમાં વિસ્તારવા મથે છે. રૂપર્ટ મરડૉકનું નામ આ માટે જાણીતું છે. વીજાણુ ટૅક્નૉલૉજીની પ્રગતિના કારણે એકસાથે અનેક નગરો અને દેશોને આવરી લેવાનું શક્ય બન્યું છે.

પત્રકારત્વ તથા તેની સાથે સંબંધિત ક્ષેત્રોમાં ચીનનો ફાળો નોંધનીય છે. ઈ. સ. બીજી સદીમાં તેણે કાગળની શોધ કરી. યુરોપમાં તો કાગળ છેક સોળમી સદીમાં પહોંચ્યો હતો. મુદ્રણની શોધ પણ ચીને ઈ. સ. 868માં કરી. આઠમી સદીમાં ચીને માહિતી એકત્ર કરવાનો આરંભ વ્યવસ્થિત યોજનાના રૂપમાં કર્યો અને 1,200 વર્ષ સુધી ચાલુ રાખ્યો હતો. તાંગ (T’ang) વંશે તેહિંગ-પાઓ (Tehing-Pao) નામે માસિક વૃત્તાંતનું પ્રકાશન આરંભ્યું. 1361માં તે સાપ્તાહિક અને 1830માં દૈનિક વૃત્તાંતમાં રૂપાંતરિત થયાં અને ‘પેકિંગ ગૅઝેટ’ તરીકે ઓળખાવા લાગ્યાં. 1911માં ચીની સામ્રાજ્યની સાથે તેનો પણ લોપ થયો; પરંતુ ચીને કરેલી શોધોથી પશ્ચિમ યુરોપને ઘણો લાભ થયો છે.

1450માં જોહાનેસ ગુટનબર્ગ (Johannes Gutenberg) દ્વારા કરાયેલી સીસામાંથી ટાઇપ બનાવવાની શોધે મુદ્રણની સાથે  સાથે પત્રકારત્વના વિકાસમાં મોટો ફાળો આપ્યો.

ઇતિહાસ : ઈ. સ. 1513માં બ્રિટનમાં ન્યૂઝ બુક્સથી પત્રકારત્વનો આરંભ થયો. તેમાં કોઈ પણ એક મહત્ત્વની ઘટનાનું વિવરણ અપાતું હતું; દા. ત., 1517માં પ્રગટ થયેલ એક ન્યૂઝબુકનું શીર્ષક હતું ‘વૅલિયન્ટ એક્સપ્લૉઇટ્સ ઑવ્ સર ફ્રાન્સિસ ડ્રેક’. 16મી સદીમાં આવી ન્યૂઝબુક્સ લોકપ્રિય બની હતી.

1621માં લંડનની શેરીઓમાં આધુનિક વૃત્તપત્રના પ્રાકૃત નમૂના સમું ‘ન્યૂઝશીટ’ પ્રગટ થયું જે ‘કોરાન્ટો’ કહેવાતું હતું. અત્યારના વર્તમાનપત્રની જેમ તે નિયતકાલિક ન હતું.

1628માં પાર્લમેન્ટની કાર્યવાહીનાં તથા અન્ય ઘટનાઓનાં રોજેરોજનાં વૃત્તાંતો પ્રગટ થવા માંડ્યાં, જે ‘The Diurnals’ – ‘ધ ડાયરુનલ્ઝ’ કહેવાતાં હતાં.

1655માં ‘ઑક્સફર્ડ ગૅઝેટ’ના પ્રકાશન સાથે પત્રકારત્વના નવા યુગનો આરંભ થયો. પાછળથી તેનું નામ ‘લંડન ગૅઝેટ’ રાખવામાં આવ્યું હતું. 1702ના માર્ચની 11મીએ લંડનમાં સર્વપ્રથમ દૈનિકપત્ર ‘Daily Covrant’ પ્રગટ થયું. 1704ના એપ્રિલની 24મીએ અમેરિકાનું સર્વપ્રથમ વર્તમાનપત્ર બૉસ્ટનમાં છપાયું હતું. પોસ્ટમાસ્તર જૉન કૅમ્પબેલના આ પત્રનું નામ ‘ધ બૉસ્ટન ન્યૂઝલેટર’ હતું. 1783માં અમેરિકાનું સર્વપ્રથમ દૈનિક પત્ર ફિલાડેલફિયામાં બેન્જામિન ટાઉન (Benjamin Towne) દ્વારા શરૂ થયું હતું. એનું નામ ‘ધ પેન્સિલવેનિયા ઈવનિંગ પોસ્ટ’ હતું. જૉસેફ પુલિત્ઝરનું નામ માત્ર અમેરિકામાં નહિ, પણ વિશ્વભરમાં પત્રકારત્વના ક્ષેત્રે અનન્ય પ્રદાન માટે ઇતિહાસમાં અંકિત થયું છે. 1878માં તેણે સેન્ટ લુઇસથી ‘Post Dispatch’નું પ્રકાશન શરૂ કર્યું હતું. પુલિત્ઝરને લોકધર્મી પત્રકારત્વનો પ્રણેતા કહી શકાય.

ભારતમાં પત્રકારત્વને ત્રણ મુખ્ય તબક્કાઓમાં વહેંચી શકાય :

(1) સ્વાતંત્ર્યપ્રાપ્તિ પૂર્વેનું પત્રકારત્વ.

(2) સ્વાતંત્ર્યસંગ્રામની સાથે સાથે વિકસેલું પત્રકારત્વ જેને રાષ્ટ્રવાદી પત્રકારત્વ કહી શકાય.

(3) સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનું પત્રકારત્વ.

લોકરંજન તથા વ્યાપારીકરણ તેનાં લક્ષણો છે. દેશમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની બોલબાલા હતી ત્યારે 1780ના જાન્યુઆરીની 19મીએ કૉલકાતામાં જેમ્સ ઑગસ્ટસ હિક્કીએ ‘બૅંગૉલ ગૅઝેટ’ યાને ‘કલકત્તા જનરલ એડવર્ટાઇઝર’ના નામે સર્વપ્રથમ વર્તમાનપત્ર શરૂ કર્યું. દર સપ્તાહે બે પાનાંમાં પ્રગટ થતું આ પત્ર ગવર્નર જનરલ વૉરન હેસ્ટિંગ્ઝ અને ચીફ જસ્ટિસ ઇલીયાહ ઇમ્પે સહિત વગદાર અંગ્રેજ અધિકારીઓના રોષનો ભોગ બન્યું; કારણ કે તેમાં બધાં કાળાં કરતૂતોનો પર્દાફાશ થતો હતો. અદાલતી કારવાઈ તથા દંડ તેમજ ટાઇપોની જપ્તી જેવાં દમનકારી પગલાંઓની પરાકાષ્ઠા રૂપે હિક્કીને દેશનિકાલ કરવામાં આવ્યો. 1782ના માર્ચમાં ભારતના આ પ્રથમ પત્રની લીલા સંકેલાઈ ગઈ. 1818માં જેમ્સ સિલ્ક બકિંગહામ કેટલાક વેપારીઓએ શરૂ કરેલા ‘કલકત્તા ક્રૉનિકલ’નું તંત્રીપદ સંભાળવા ભારત આવ્યો. ઑક્ટોબરની બીજીએ તેનો પ્રથમ અંક પ્રગટ થયો હતો. બકિંગહામને જવાહરલાલ નહેરુએ અખબારી સ્વાતંત્ર્યના પુરસ્કર્તા તરીકે બિરદાવ્યો હતો. દેશમાં તેણે પત્રકારત્વને પ્રજાભિમુખ બનાવ્યું; પરંતુ તેને પણ શાસકોના કોપનો ભોગ બનવું પડ્યું. એની સામે ઍડવોકેટ-જનરલે બદનક્ષીનો ફોજદારી કેસ કર્યો. તેમાં બકિંગહામ જીત્યો તો ખરો, પણ આર્થિક રીતે પાયમાલ થઈ ગયો. 1823માં એને દેશનિકાલ કરાયો.

હિક્કી અને બકિંગહામ અંગ્રેજ હોવા છતાં તેમણે અંગ્રેજ શાસકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવીને પત્રકારત્વનો સાચો ધર્મ શો છે તે સ્પષ્ટ કર્યું અને તેમના અનુગામીઓને માટે પ્રેરણા પૂરી પાડી. આવી પ્રેરણા પામનારાઓમાં એક હતા રાજા રામમોહન રાય. તેઓ ભારતીય પત્રકારત્વના સંસ્થાપક ગણાય છે.

1821માં તેમણે બંગાળી ભાષાનું એક સાપ્તાહિક કૉલકાતામાં ‘સંવાદ-કૌમુદી’ શરૂ કર્યુ. 1822માં તે બંધ કરાયું, પણ 1823માં ફરી શરૂ કરાયું. રાજા રામમોહન રાયે 1822માં એક પર્શિયન ભાષાનું પત્ર ‘મિરુત-અલ-અખબાર’ પણ શરૂ કર્યું હતું, જે 1823માં અખબારોનું નિયમ કરવાના સરકારના આદેશ સામે વિરોધ દર્શાવવા બંધ કરી દેવાયું હતું. રાજા રામમોહન રાયને એક બાજુ સરકાર તથા બીજી બાજુ હિંદુ પ્રત્યાઘાતીઓ સાથે સંઘર્ષમાં આવવું પડ્યું. આ પ્રખર સમાજસુધારક આધુનિક રાષ્ટ્રવાદી પત્રકારત્વના પ્રણેતા ગણાય છે. એમનાથી પ્રભાવિત ગંગાધર ભટ્ટાચાર્યજીએ 1816માં ભારતીય માલિકીનું સર્વપ્રથમ અંગ્રેજી દૈનિક ‘બૅંગૉલ ગૅઝેટ’ શરૂ કર્યું હતું.

આ અરસામાં ભારતીય પત્રકારત્વનાં બે વહેણ પરસ્પરવિરોધી દિશામાં ચાલતાં હતાં. એક અંગ્રેજોના શાસનનું સમર્થન કરતું હતું. તો બીજું એનો વિરોધ કરી રાજકીય જાગૃતિ માટે મથતું હતું.

1831થી 1833ના સમયગાળામાં બંગાળમાં 33 અંગ્રેજી વર્તમાનપત્રો અને 16 બંગાળી સામયિકો પ્રગટ થતાં હતાં. દ્વારકાનાથ ટાગોરનું ‘બૅંગૉલ હેરલ્ડ’ (અંગ્રેજી સાપ્તાહિક) તથા ‘બંગદૂત’ (બંગાળી), 1853માં ગિરીશચંદ્ર ઘોષનું અંગ્રેજી સાપ્તાહિક ‘હિંદુ પૅટ્રિઅટ’ વગેરે ઉલ્લેખપાત્ર ગણાય. ‘હિંદુ પૅટ્રિઅટ’ પાછળથી મહાન સામાજિક સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાને હસ્તક લીધું હતું. 1871માં કેશવચંદ્ર સેને ‘ઇન્ડિયન મિરર’ સામયિક પોતાને હસ્તક લીધું હતું. આમ બંગાળમાં સામાજિક સુધારણા, રાજકીય જાગૃતિ સાથે પત્રકારત્વનો વિકાસ સધાતો રહ્યો.

1857ના વિપ્લવ દરમિયાન અંગ્રેજ માલિકીનાં પત્રોએ ઝેરી પ્રચાર કર્યો હતો. જ્યારે અન્ય પત્રોએ આ મહાન ઘટનાનું ઐતિહાસિક મૂલ્ય લગભગ અવગણ્યું હતું.

19મી સદીના ઉત્તરાર્ધમાં દેશના પત્રકારત્વમાં ઍંગ્લો-ઇન્ડિયન અખબારો તથા તંત્રીઓનો ઘણો પ્રભાવ રહ્યો. કૉલકાતામાં ‘ધી ઇંગ્લિશમૅન’ અને ‘સ્ટેટ્સમૅન’, મુંબઈમાં ‘ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’, મદ્રાસમાં ‘મદ્રાસ ટાઇમ્સ’ અને ‘મદ્રાસ મેઇલ’, લાહોરમાં ‘ધ સિવિલ ઍન્ડ મિલિટરી ગૅઝેટ’ અને અલ્લાહાબાદમાં ‘ધ પાયોનિયર’ વૃત્તપત્રો આમાં મુખ્ય હતાં. ઍંગ્લો-ઇન્ડિયન પત્રકારત્વને ‘ધ સ્ટેટ્સમૅન’(1857)ના રૉબર્ટ નાઇટે (Robert Knight) આગળ વધાર્યું હતું. રુડ્યાર્ડ કિપ્લિંગ 1883માં ‘ધ સિવિલ ઍન્ડ મિલિટરી ગૅઝેટ’નો સહાયક તંત્રી બન્યો, ત્યારે ખૂબ નાની વયનો હતો. પછી તે ‘પાયોનિયર’માં જોડાયેલો.

લૉર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા ત્યારે તેની સામેની ઉગ્ર લડતે રાષ્ટ્રવાદી પત્રકારત્વને જન્મ આપ્યો. સુરેન્દ્રનાથ બૅનરજીના ‘બૅંગૉલી’એ તેમાં ઘણો ભાગ ભજવ્યો. આ ઉપરાંત બિપિનચંદ્ર પાલના ‘ન્યૂ ઇન્ડિયા’ અને ‘વંદે માતરમ્’ (જેનું સુકાન પાછળથી શ્રી અરવિંદ ઘોષે સંભાળ્યું હતું) અને 1922માં મૃણાલકાંતિ ઘોષ, પ્રફુલ્લકુમાર સરકાર અને સુરેશચંદ્ર મજુમદારે શરૂ કરેલ ‘અમૃત બઝાર પત્રિકા’નો ઉલ્લેખ કરી શકાય. ‘યુગાન્તર’ અને ‘બસુમતી’ સહિત અનેક પત્રોએ બંગાળી પત્રકારત્વને લોકપ્રિય બનાવ્યું છે.

હિંદી ભાષાનું સર્વપ્રથમ દૈનિક 1854માં શરૂ થયું હતું. સ્વાતંત્ર્ય પૂર્વેના ગાળામાં બનારસમાંથી 1920માં શરૂ થયેલું ‘આજ’, ડૉ. રાજેન્દ્રપ્રસાદ દ્વારા શરૂ કરાયેલ સાપ્તાહિક ‘દેશ’ વગેરેનો આમાં સમાવેશ થાય છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનાં પત્રોમાં ‘હિન્દુસ્તાન’, ‘પંજાબકેસરી’, ‘નવભારત ટાઇમ્સ’, ‘જનસત્તા’, ‘દૈનિક સહારા’ વગેરે ઉલ્લેખનીય છે. હિંદી પત્રકારત્વે ફેલાવા ઉપરાંત ગુણવત્તાની દૃષ્ટિએ આઝાદી પછી ઝડપી વિકાસ સાધ્યો છે.

ઉર્દૂ પત્રકારત્વનો પ્રારંભ 1852માં થયો હતો. મૌલાના અબુલ કલામ આઝાદે 1922માં શરૂ કરેલા ‘અલ હિલાલે’ ઉર્દૂ પત્રકારત્વને નવો વળાંક આપ્યો હતો. 1923માં આર્યસમાજ દ્વારા લાહોરમાંથી ‘મિલાપ’ તથા અન્ય માલિકો દ્વારા શરૂ કરાયેલ ‘પ્રતાપ’ની ગણના લોકપ્રિય પત્રોમાં થતી હતી. 1923માં દિલ્હીમાંથી સ્વામી શ્રદ્ધાનંદે ‘તેજ’ શરૂ કર્યું હતું. આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, બિહાર, ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાં ઉર્દૂ પત્રકારત્વ વિકસ્યું છે.

મરાઠી ભાષાના પત્રકારત્વે રાજકીય સ્વાતંત્ર્ય તથા સામાજિક સુધારણાના ક્ષેત્રે ઘણો મોટો ફાળો આપ્યો છે. 1881માં શરૂ થયેલા લોકમાન્ય બાળ ગંગાધર ટિળકનાં ‘કેસરી’ તથા ‘મરાઠા’ (અંગ્રેજી) આમાં મોખરે રહ્યાં. લાલ શાસ્ત્રી જાંભેકર મરાઠી પત્રકારત્વના પિતા ગણાય છે. 1832માં તેમણે ‘બૉમ્બે દર્પણ’ માસિક શરૂ કર્યું હતું, જે પછી સાપ્તાહિક બન્યું હતું. એ. આર. કોલ્હાટકરના ‘સંદેશ’, કે. પી. ખાડિલકરના ‘લોકમાન્ય’ અને ‘નવકાલ’, સદાનંદના ‘નવશક્તિ’ (1932), એન. બી. પારુલકરના ‘સકાલ’ અને પાછળથી શરૂ કરાયેલાં પત્રો – ‘મહારાષ્ટ્ર ટાઇમ્સ’, ‘લોકસત્તા’ વગેરે ઉલ્લેખનીય છે. મરાઠા પત્રકારત્વને વિકસાવવામાં જી. જી. આદરકર, એસ. એમ. પરાંજપે, એન. સી. કેળકર, મામા વરેરકર, આચાર્ય અત્રે, એલ. બી. ભોપટકર, જી. ટી. મધોલકર, વી.એમ. સાઠે, ગડકરી વગેરેનું પ્રદાન નોંધપાત્ર છે.

દક્ષિણ ભારતમાં કેરળનું ‘મલયાળમ મનોરમા’ સૌથી વધુ ફેલાવો ધરાવતું ભારતીય ભાષાનું દૈનિક છે. 1890માં દેશી રાજ્ય ત્રાવણકોરના કોટ્ટાયમમાં તે શરૂ કરાયું હતું. 1923માં કાલિકટમાંથી શરૂ કરાયેલ ‘માતૃભૂમિ’ અસહકારની લડતના વાહન તથા કૉંગ્રેસના મુખપત્ર તરીકે શરૂ કરાયું હતું. આ બે પછી ત્રીજા નંબરે ‘કેરળકૌમુદી’ આવે છે.

કર્ણાટકમાં કન્નડ ભાષાના આધુનિક પત્રકારત્વના પિતા એમ. વેંકટકૃષ્ણૈયા ગણાય છે. 1843માં મૅંગલોરમાંથી શરૂ થયેલ ‘મેંગ, લૂરા સમાચાર’ સર્વપ્રથમ પત્ર હતું. તેનો ઉદ્દેશ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવાનો હતો. તે મિશનરીઓ દ્વારા પ્રગટ થયું હતું. 1859માં તે વખતના મૈસૂરના મહારાજાના આશ્રયે ‘માયસૂરૂ વૃત્તાંત બોધિની’ શરૂ કરાયું હતું. એમ. વેંકટકૃષ્ણૈયાએ 1885માં ‘વૃત્તાંતચિંતામણિ’ શરૂ કર્યું હતું.

છેક 1914માં મહિલાઓએ પત્રકારત્વના ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. જેમાં ટી. સંજીવમ્મા તથા તિરુમલામ્મા(1916)નાં નામો ઉલ્લેખનીય છે.

‘પ્રજાવાણી’ અને તેનું ભગિનીપત્ર ‘ડેક્કન હેરલ્ડ’ લોકપ્રિયતામાં અત્યારે મોખરે છે. ‘પ્રજાબંધુ’ તથા ‘ગુજરાત સમાચાર’(અમદાવાદ)-ના તંત્રી ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોરે બૅંગાલુરુમાં કાયમી વસવાટ કર્યો તે પછી ‘ડેક્કન હેરલ્ડ’માં ઉચ્ચ પદે જોડાઈ તેના વિકાસમાં ખૂબ મોટો ફાળો આપ્યો હતો એ ઉલ્લેખનીય છે.

આંધ્રપ્રદેશમાં તેલુગુ ભાષાના પત્રકારત્વે પણ સ્વાતંત્ર્ય પૂર્વે અને તે પછી ઘણું નામ કાઢ્યું છે. 1835માં બેલારીથી શરૂ કરાયેલ ‘સત્યદૂત’ તેલુગુનું પ્રથમ પત્ર (માસિક) હતું. એનો ઉદ્દેશ ભગવાન ઈસુનો સંદેશ ફેલાવવાનો હતો. ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે શરૂ થયેલાં પત્રોના પ્રતિકાર માટે વૈદિક ધર્મનો પ્રચાર કરનારાં પત્રો પણ આ અરસામાં શરૂ થયાં હતાં. 1864માં વેદસમાજ દ્વારા શરૂ કરાયેલ ‘તથ્યબોધિની’ આવું એક પત્ર હતું. તેમાં ઋગ્વેદના શ્લોકો તથા તેનું તેલુગુ ભાષાંતર પ્રગટ કરાતું હતું.

વીરાસલિતગમ પન્ટુલુ તેલુગુ પત્રકારત્વના પિતા લેખાય છે. 1895 અને તે પછી તેમણે વિવિધ પ્રકારનાં પત્રો શરૂ કર્યાં હતાં.

1885માં કૉંગ્રેસની સ્થાપના થઈ તે પછી ‘આંધ્ર પ્રકાશિકા’ નામનું સમાચારસાપ્તાહિક એ. પી. પાર્થસારથિ નાયડુએ શરૂ કર્યું હતું. 1953માં આંધ્રપ્રદેશના રાજ્યની રચના પછી તેલુગુ પત્રકારત્વ ખૂબ વિકસ્યું છે. એ પહેલાં 1947માં રામોજી રાવે હૈદરાબાદમાં ‘ઈનાડુ’ શરૂ કરીને નવો ઇતિહાસ સર્જ્યો હતો.

તમિળ ભાષાના પત્રકારત્વનો વિકાસ પ્રમાણમાં મંદ રહ્યો છે. સર્વપ્રથમ તમિળ સામયિક ‘તમિળ પત્રિકા’ 1831માં શરૂ કરાયું હતું. શરૂઆતનાં પત્રો ધાર્મિક અને બિનરાજકીય હતાં. 1882માં ‘સ્વદેશમિત્રન’ના આરંભ સાથે સાચા અર્થમાં તમિળ પત્રકારત્વના શ્રીગણેશ થયા. જી. સુબ્રમણ્યમ્ ઐયરે સાપ્તાહિક હિંદ શરૂ કર્યું હતું. મહાન કવિ સુબ્રમણ્યમ્ ભારતીએ તેના દ્વારા પત્રકારત્વમાં પ્રવેશ કર્યો હતો. 1934માં એક્સપ્રેસ જૂથના ‘દિનમણિ’ના પ્રકાશન સાથે તમિળ પત્રકાત્વમાં એક વીજળીસંચાર થયો. તેના તંત્રી ટી. એસ. ચોકલિંગમ્ અને સહતંત્રી એ. એન. શિવરામન તમિળ પત્રકારત્વના ભીષ્મ પિતામહ ગણાય છે.

1942માં એ. બી. આદિત્યને ‘દિન થાંતી’ (Dina Thanti) નામનું દૈનિક અર્ધશિક્ષિત અને નીચલા વર્ગના વાચકો માટે શરૂ કર્યું. મદ્રાસ રાજ્યમાં દ્રવિડ કળગમ અને દ્રવિડ મુનેત્ર કળગમ જેવા પક્ષોની સ્થાપના પછી આદિત્યન્ કૉંગ્રેસ છોડી તેમાં જોડાયા અને તેમણે આ પત્રને સાવ સામાન્ય માણસ સુધી પહોંચાડી પત્રકારત્વને નવો વળાંક આપતો ઇતિહાસ સર્જ્યો. આજે તેનો ફેલાવો સૌથી વધુ છે. બીજા નંબરે ‘દિનમણિ’ અને ત્રીજા નંબરે ‘દિનમલાર’ આવે છે જે 1951માં શરૂ થયું હતું. એસ. એસ. વાસને રાજ્યમાં સામયિકોના પ્રકાશનક્ષેત્રે ‘આનંદનિકેતન’(1924)નો નવો યુગ શરૂ કર્યો. એના તંત્રી આર. કૃષ્ણમૂર્તિએ પછી પોતાનું સાપ્તાહિક ‘કલ્કિ’ શરૂ કર્યું. તેનો ફેલાવો અત્યારે સૌથી વધુ છે. ચો રામાસ્વામીનું ‘તઘલખ’ ખૂબ લોકપ્રિય બન્યું છે.

1 જુલાઈ, 1822ના દિવસે મુંબઈથી ‘શ્રી મુમબઈનાં શમાચાર’ (આજનું ‘મુંબઈ સમાચાર’) પ્રગટ થયું અને ગુજરાતી પત્રકારત્વનો પ્રારંભ થયો. એના સ્થાપક હતા ફરદૂનજી મર્ઝબાન. પ્રારંભમાં એ સાપ્તાહિક હતું. 1855માં દૈનિક બન્યું.

‘મુંબઈ સમાચાર’ને પગલે બીજાં પત્રો શરૂ થયાં, તેમાં 1830માં શરૂ થયેલ ‘મુંબઈ ચાબુક’ (‘મુંમઈના ચાબુક’), 1832માં શરૂ થયેલ ‘જામે જમશેદ’, 1851માં દાદાભાઈ નવરોજીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલ ‘રાસ્ત ગોફતાર’ મુખ્ય હતાં. આ બધાં પત્રો પારસીઓએ શરૂ કર્યાં હતાં, અને એમાં મુખ્યત્વે પારસી સમાજની સમસ્યાઓની ચર્ચા થતી.

2-5-1849ના રોજ અમદાવાદમાંથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ‘વરતમાન’નું પ્રકાશન શરૂ કર્યું અને ગુજરાતમાં પત્રકારત્વનો પ્રારંભ થયો. ‘વરતમાન’ શિલાપત્ર પર છપાતું હતું. 1854માં બીબાઢાળ ટાઇપ ઉપર મુદ્રણ થઈને ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું, જે આજે પણ ચાલુ છે. 1851માં ‘ખેડા વર્તમાન’ સાપ્તાહિકનો પ્રારંભ થયો. 1921ની બીજી ઑક્ટોબરે રાણપુરથી અમૃતલાલ શેઠે ‘સૌરાષ્ટ્ર’ (આજનું ‘ફૂલછાબ’) શરૂ કર્યું અને સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોની જોહુકમી સામે પ્રજાની વેદનાને વાચા આપી. 1948માં રાજકોટથી ‘જયહિંદ’ અને ‘નૂતન સૌરાષ્ટ્ર’ દૈનિકો શરૂ થયાં. ‘ફૂલછાબ’ 1950માં રાજકોટ આવ્યું અને દૈનિક બન્યું.

1852માં કરસનદાસ મૂળજીએ શરૂ કરેલ ‘સત્યપ્રકાશ’ અને 1864માં નર્મદે શરૂ કરેલ ‘ડાંડિયો’એ સમાજસુધારાના પત્રકારત્વમાં ઇતિહાસ રચ્યો. આ પત્રો આજીવિકા માટે નહિ, પણ સમાજના ઉત્થાનના મિશનથી જ ચાલેલાં.

1880માં ઇચ્છારામ દેસાઈના તંત્રીપદ હેઠળ ‘ગુજરાતી’ના પ્રારંભ સાથે ગુજરાતી પત્રકારત્વનો એક નવો યુગ શરૂ થયો. રાજકીય પ્રશ્ર્નો ઉપર પણ લખવાનું શરૂ થયું. એક જમાનામાં તેનું સ્થાન ટિળકના ‘કેસરી’ જેવું હતું.

1864માં જૂનાગઢથી મણિશંકર કીકાણીએ ‘સૌરાષ્ટ્રદર્પણ’ શરૂ કર્યું. એ સૌરાષ્ટ્રનું પ્રથમ પત્ર ગણાય છે. ભાવનગરથી મિરઝા મુરાદઅલીએ ‘મનોરંજક રત્નમાળ’ 1868માં શરૂ કરેલું. એ જ વર્ષે, રાજકોટથી ‘વિજ્ઞાનવિલાસ’ શરૂ થયું, જેમાં પણ પ્રેરણા મણિશંકરની હતી. મણિશંકરનો સુધારો નર્મદ-દુર્ગારામ જેવો આક્રમક નહિ, પણ સંરક્ષક હતો. 1862માં અમદાવાદથી ‘ગુજરાત શાળાપત્ર’ શરૂ થયું તે 1876થી 1888 સુધી નવલરામે રાજકોટથી ચલાવ્યું હતું. 1885માં મણિલાલ નભુભાઈએ ભાવનગરમાં રહીને ‘પ્રિયંવદા’ નામે મહિલાઓ માટેનું માસિકપત્ર ચલાવ્યું હતું, જે 1890થી ‘સુદર્શન’ રૂપે વિસ્તૃત ફલક પર મુકાયું હતું.

1919માં ગાંધીજીએ ઇન્દુલાલ યાજ્ઞિક પાસેથી ‘નવજીવન’નું સુકાન સંભાળ્યું, અને ગુજરાતી પત્રકારત્વનો નવો યુગ મંડાયો. સ્વાતંત્ર્ય ઉપરાંત હરિજન-ઉદ્ધાર, સ્ત્રીકેળવણી જેવા વિષયોમાં નવજાગૃતિનો પ્રારંભ થયો. ગાંધીજીના વ્યક્તિત્વની છાપ પત્રકારત્વ ઉપર પણ પડી, અને એમના લેખોની અસર શહેરી ભદ્રવર્ગથી માંડીને ગામડાના ખેડૂતને પણ સ્પર્શી જતી. દેશમાં રાજકીય જાગૃતિનો જુવાળ લાવવામાં ‘નવજીવન’ અને ‘હરિજનબંધુ’(1932)એ ખૂબ મદદ કરી. ગાંધીજી ઉપરાંત મહાદેવભાઈ, કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર વગેરેની કલમનો લાભ પણ આ પત્રોને મળતો.

ગુજરાતી ભાષામાં આજે 40થી વધુ દૈનિકો પ્રગટ થાય છે. ઉપરાંત ગુજરાતીમાં 175 સાપ્તાહિક, 90 પાક્ષિક અને 20 જેટલાં માસિકો નીકળે છે. ‘ચિત્રલેખા’, ‘અભિયાન’, ‘ઇન્ડિયા ટુડે’ (ગુજરાતી આવૃત્તિ) ફેલાવા અને સામગ્રીની દૃષ્ટિએ નોંધપાત્ર છે. માસિકોમાં ‘અખંડ આનંદ’, ‘નવનીત સમર્પણ’, ‘કુમાર’, ‘નવચેતન’ ઉલ્લેખનીય છે. ‘ભૂમિપુત્ર’, ‘નિરીક્ષક’, ‘ઉદ્દેશ’, ‘પરબ’, ‘શબ્દસૃદૃષ્ટિ’, ‘કવિતા’ સાહિત્ય તથા પ્રજાજીવનના અન્ય પ્રવાહોને ઝીલે છે.

ભારતમાં પત્રકારત્વે બે સદીથી વધુ સમયમાં સારો એવો વિકાસ સાધ્યો છે, છતાં સાક્ષરતાના નીચા આંક તથા બીજાં કારણોને લીધે હજી આ બાબતમાં વિકસિત દેશોની સરખામણીએ ભારત પાછળ છે. દર હજારની વસ્તીદીઠ દૈનિક પત્રના એક સો નકલના ફેલાવાના યુનેસ્કોના માપદંડની સામે ભારતમાં હજી એ આંક 13 નકલનો છે.

ભારતમાં પત્રકારત્વે ઘણું વૈવિધ્ય અને આકર્ષણ જન્માવ્યું છે અને વીજાણુ માધ્યમોની તીવ્ર સ્પર્ધા છતાં પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે અને આગેકૂચ જારી રાખી છે. દેશકાળને અનુરૂપ તે લોકરંજન તરફ વધુ વળ્યું છે એમ ઘણા માને છે.

મહેશ ઠાકર

યાસીન દલાલ

બંસીધર શુક્લ