પત્તાં : પત્તાં અથવા ગંજીફો એ મૂળે ચીન દેશની રમત છે અને બારમી સદીમાં ચલણી નોટોથી આ રમત રમાતી એવા ઉલ્લેખ મળી આવે છે. તે પછી આ રમત વિવિધ સ્વરૂપે ઇટાલી, ફ્રાન્સ, હોલૅન્ડ, બ્રિટન વગેરે દેશોમાં પ્રચલિત બની.

(1) ફુલ્લી, (2) કાળી, (3) ચોકટ અને (4) લાલનાં પત્તાં

ઈરાનમાં સોળમી સદીમાં આ રમત ‘ગંજીફો’ તરીકે ઓળખાતી. અંગ્રેજી શાસન દરમિયાન ભારતમાં આ રમત પ્રચલિત બની. આબાલવૃદ્ધ સૌમાં તેના વિવિધ પ્રકારો લોકપ્રિય બની રહ્યા.

પત્તાંમાં સામાન્ય રીતે લાલ, ચોકટ, કાળી અને ફુલ્લી એમ દરેક રંગ(ભાત)માં ક્રમસર એક્કાથી દસ્સા સુધી અને આગળ ગુલામ, રાણી અને રાજા, એમ કુલ 13 પત્તાં પ્રમાણે ગણતાં, ચારેય રંગોમાં મળી સરવાળે બાવન પત્તાં હોય છે. લોકપ્રિય રમતના અનેક પ્રકારો પ્રચલિત છે. નવરાશના સમયે ઘરમાં તથા ક્લબમાં; મુસાફરી દરમિયાન ટ્રેનમાં, બસમાં કે પ્લેનમાં નાનાંમોટાં સૌ પત્તાંની વિવિધ રમતો ખૂબ શોખથી રમે છે. ગુજરાતમાં ઢગબાજી, મંગીસ, બે-ત્રણ-પાંચ, સાત-આઠ, સરબાજી યા સતિયો, ગ્રીમ, બામ, પેશન્સ, મેમરી, લેડીઝ, ગુલામ-ચોર, બદામની સત્તી, નેપોલિયન, બ્રિજ, રમી વગેરે પ્રકારો પ્રચલિત છે અને બે અથવા વધારે રમનારથી વૈયક્તિક યા ભિલ્લુના ધોરણે રમાય છે. ક્વચિત્ એક વ્યક્તિ પણ રમી શકે છે. શરૂઆતમાં બધા રમનાર ગોળાકારે બેઠા પછી રમનાર પૈકી એક જણ પત્તાં હાથમાં લઈ ચીપે છે અને પછી અન્ય રમનાર સમક્ષ ધરે છે, જે તેમાંથી પોતાને ઠીક લાગે તેટલાં પત્તાંની થોકડી ઉપાડે છે, જેને ચીપનાર પોતાના હાથમાં બાકી રહેલ પત્તાંની થોકડીની નીચે સમાવી દે છે અને પછી સરખા ભાગે બધા રમનારને ક્રમસર પત્તાંની વહેંચણી કરે છે અને ત્યાર પછી રમત શરૂ થાય છે.

ચિનુભાઈ શાહ