પંત, ગોવિંદ વલ્લભ (. 30 ઑગસ્ટ 1887, ખૂંટ, જિ. અલમોડા, ઉત્તરપ્રદેશ; . 7 માર્ચ 1961, નવી દિલ્હી) : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના અઠંગ લડવૈયા, રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, ઉત્તરપ્રદેશના માજી મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી. તેમના પૂર્વજો દસમી સદીમાં મહારાષ્ટ્રમાંથી સ્થળાંતર કરી ઉત્તરપ્રદેશમાં સ્થાયી થયા હતા. પિતાનું નામ મનોરથ. બાળપણમાં તેમના પરદાદા અને મામાનો ગહન પ્રભાવ પડ્યો. મૅટ્રિક સુધીનું શિક્ષણ અલમોડા ખાતે. ભણતરમાં શરૂઆતથી જ તેજસ્વી કારકિર્દી. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી બી. એ. કર્યા બાદ તે જ યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની પદવી હાંસલ કરી, જેમાં તેમણે લમ્સડેન સુવર્ણચંદ્રક મેળવ્યો. અલમોડા, રાણીખેત અને કાશીપુર ખાતે વકીલાતમાં નોંધપાત્ર નામના મેળવનાર પંતે વિખ્યાત ‘કાકોરી કાવતરા’ કેસમાં વકીલોની ટુકડીનું નેતૃત્વ કર્યું. કાશીપુર ખાતેના તેમના નિવાસ દરમિયાન તેઓ ત્યાંના મ્યુનિસિપલ બોર્ડના સભ્યપદે પણ રહ્યા હતા. કુમાઉ પ્રદેશના વિશિષ્ટ પ્રશ્ર્નોને વાચા આપવા માટે તેમણે ‘શક્તિ’ નામનું સાપ્તાહિક પણ શરૂ કર્યું હતું.

ગોવિંદ વલ્લભ પંત

તેઓ તેમના વિદ્યાર્થીકાળથી જ રાષ્ટ્રીય આંદોલન અને રાજકીય પ્રવાહોમાં ઊંડો રસ લેતા હતા. અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં પંડિત મદનમોહન માલવિયાના પ્રભાવ હેઠળ આવ્યા બાદ તેમણે 1905ની કૉંગ્રેસની બેઠકમાં હાજરી આપી અને ઉત્તરપ્રદેશના કુમાઉ વિસ્તારમાં રાજકીય સંગઠન અને લોકચળવળનું કાર્ય શરૂ કર્યું. 1912માં સ્વરાજ પક્ષના સભ્ય તરીકે તેઓ ઉત્તરપ્રદેશની વિધાન પરિષદમાં ચૂંટાયા અને પોતાના વ્યક્તિત્વના ગુણો અને વક્તૃત્વશક્તિના બળે ગૃહમાં પક્ષના નેતા નિમાયા.

1930માં લખનૌ ખાતે સાઇમન કમિશન સામે દેખાવ કરતાં થયેલા લાઠીમારમાં તેમને ગંભીર ઈજાઓ થઈ. 1930 બાદ  કૉંગ્રેસના આદેશ અનુસાર તેમણે વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું. અસહકારની ચળવળ તથા સવિનય કાનૂનભંગની ચળવળમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. ત્રીસના દાયકાની વિશ્વવ્યાપી આર્થિક મંદીથી ભીંસ અનુભવી રહેલા ખેડૂતોના પ્રશ્નો અંગે તેમણે ગાંધીજીના માર્ગદર્શન હેઠળ અલગ અલગ સ્તરે આંદોલનો શરૂ કર્યાં.

આ ગાળા દરમિયાન કૉંગ્રેસમાં રાષ્ટ્રીય સ્તરે તેઓ એક મહત્વના નેતા તરીકે ઊપસી આવ્યા. સુભાષચંદ્ર બોઝના વૈચારિક પડકારોનો સામનો કરી  કૉંગ્રેસને ગાંધીજીના અહિંસક માર્ગે કાર્યરત રાખી સંગઠનમાં ભંગાણ અટકાવવા તેમણે સંનિષ્ઠ પ્રયાસો કર્યા. પ્રાદેશિક સ્તરે સ્વાયત્ત સરકારોની દરખાસ્તનો અમલ થતાં, 17 જુલાઈ, 1937માં તેઓ તે વખતના સંયુક્ત પ્રાંતોના મુખ્ય પ્રધાન ચૂંટાયા. 1939માં  કૉંગ્રેસના આદેશથી તેમણે ફરી પોતાના પદનું રાજીનામું આપ્યું. ‘ભારત છોડો’ ચળવળમાં તેમની હિસ્સેદારી નોંધપાત્ર રહી અને તેમણે જેલવાસ પણ વેઠ્યો. 1 એપ્રિલ, 1946ના રોજ તેઓ ફરી વાર યુ. પી.ના મુખ્ય પ્રધાન અને સાથે સાથે ભારતીય બંધારણ-સભાના સભ્ય બન્યા. આઝાદી પૂર્વેની વિવિધ રાજકીય બેઠકો અને ઉચ્ચસ્તરની મંત્રણાઓમાં તેમણે જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલની સાથે રહી મહત્વની ભૂમિકા ભજવી. બંધારણ-સભાના સભ્ય તરીકે તેમણે મૂળભૂત અધિકારોના પ્રકરણના ઘડતરમાં વિશેષ ફાળો આપ્યો. ઘણાં વર્ષો સુધી તેઓ કૉંગ્રેસની કારોબારીના સભ્ય રહ્યા હતા.

એપ્રિલ, 1946થી ડિસેમ્બર, 1954 સુધી તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીપદે ચાલુ રહ્યા. ત્યારબાદ દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુના આગ્રહથી જાન્યુઆરી, 1955માં કેન્દ્રીય પ્રધાનમંડળમાં પ્રથમ ખાતા વિનાના પ્રધાન તરીકે અને ત્યારબાદ ગૃહમંત્રી તરીકે તેમણે જવાબદારી સંભાળી. આ પદ પર તેમણે સમર્થ વહીવટકર્તા તરીકેની છાપ ઉપસાવી. રાજ્યોની ભાષા-આધારિત પુનરરચના, વહીવટી ભાષા-પંચનો અહેવાલ, આઇ. એ. એસ.માં તાકીદની ભરતી, મુન્દ્રા ભ્રષ્ટાચાર પ્રકરણ જેવા ઘણા વિવાદાસ્પદ અને સંવેદનશીલ પ્રશ્નોનો તેમણે પોતાના વ્યવહારુ અને પીઢ અભિગમથી સુખદ ઉકેલ આણ્યો. અલગ અલગ રાજ્યો વચ્ચે ઘર્ષણ નિવારવા તેમણે પ્રાદેશિક પરિષદો(zonal councils)ની રચના માટે પહેલ કરી. જમીનદારી પ્રથા, વેશ્યાવૃત્તિ અને સ્ત્રીઓના વેપાર જેવાં આર્થિક અને સામાજિક દૂષણો ડામવા તેમણે સરકારી અને બિનસરકારી સ્તરે કાર્યક્રમોનો અમલ કરાવ્યો. હરિજન-ઉત્થાન, સર્વધર્મસમભાવ અને વ્યસનમુક્તિ તેમને માટે જીવનપર્યંતનું ધ્યેય (mission) બની રહ્યાં.

નહેરુ બાદ તેઓ કેન્દ્રીય પ્રધાનમંડળમાં બીજા નંબરના સ્થાને હતા અને પોતાના મંત્રાલય ઉપરાંત તેમણે  કૉંગ્રેસ પક્ષ અને સરકારમાં બીજી પણ ઘણી જવાબદારીઓ વહન કરી. રાજ્યસભાના સભ્ય તરીકે તેમણે ઉપલા ગૃહનું નેતાપદ સંભાળ્યું. વ્યાપક જ્ઞાન, તીખી દલીલો અને પ્રભાવક વક્તૃત્વકળાને કારણે તેઓ પીઢ સાંસદ તરીકે ખ્યાતિ પામ્યા. સજ્જનતા, ધાર્મિકતા અને માનવતાવાદી ગુણોથી વિભૂષિત આ રાજનીતિજ્ઞના અંગત કે રાજકીય શત્રુઓ હતા નહિ. દેશ પ્રત્યેની તેમની સેવાઓની કદર રૂપે  26 જાન્યુઆરી, 1957માં તેમને ‘ભારતરત્ન’નું બિરુદ આપવામાં આવ્યું હતું.

અમિત ધોળકિયા