પંત, ઋષભ રાજેન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1997, રૂરકી) : ડાબા હાથે ઝડપી બૅટિંગ કરતા ભારતના વિકેટકીપર. ઋષભ પંતે પોતાની ટૂંકી ક્રિકેટકારકિર્દીમાં ઘણી ચડતી-પડતી જોઈ લીધી છે. ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે રૂરકીથી દિલ્હી, દિલ્હીથી રાજસ્થાન અને રાજસ્થાનથી ફરીથી દિલ્હી એમ જુદાં જુદાં સ્થળે જવું પડ્યું. સૌપ્રથમ વખત ઋષભ પંતની ક્રિકેટર તરીકેની ઓળખ ત્યારે થઈ જ્યારે તેણે દિલ્હી તરફથી 19 વર્ષથી નાની વયના ક્રિકેટરોની મૅચમાં આસામ સામે ટીમના સૌથી વધુ 35 રન કર્યા અને બીજા દાવમાં 150 રન કર્યા. એ પછી ફેબ્રુઆરી, 2016ના રોજ 19 વર્ષથી નાની વયના ક્રિકેટરોની વિશ્વકપ સ્પર્ધામાં તેને ખેલવા મળ્યું. અહીં તેણે નેપાળ સામે માત્ર 18 દડામાં અડધી સદી ફટકારી.

22 ઑક્ટોબર, 2015ના રોજ રણજી ટ્રૉફી ટીમમાં દિલ્હી તરફથી રમી પોતાની પ્રથમ કક્ષાના ક્રિકેટની શરૂઆત કરનાર ઋષભ પંતે પોતાની બીજી રણજી સિઝનમાં 13 ઑક્ટોબર, 2016ના રોજ દિલ્હી તરફથી રમતાં મહારાષ્ટ્ર સામે મુંબઈના વાનખેડેના મેદાન પર માત્ર 326 દડામાં 42 ચોગ્ગા અને નવ છગ્ગાની મદદથી પોતાની કારકિર્દીની પ્રથમ ત્રેવડી સદી (308) રન કરી એ પછી 8 નવેમ્બર, 2016ના રોજ તેણે ઝારખંડ સામે માત્ર 48 દડામાં સદી ફટકારી તે સમયની રણજી ટ્રૉફીની સૌથી ઝડપી સદી ગણાઈ. ફેબ્રુઆરી, 2017માં રણજી ટ્રૉફીમાં દિલ્હીના સુકાની બનેલા પંતે 2016–2017ની વિજય હજારે ટ્રૉફીમાં પણ પોતાની ટીમનું નેતૃત્વ કર્યું.

જાન્યુઆરી, 2017ના રોજ ટી-20ની એકદિવસીય સ્પર્ધામાં ભારતીય ટીમમાં સ્થાન મેળવી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરનાર ઋષભ પંત માત્ર 19 વર્ષ 120 દિવસની વયે ટી-20 આંતરરાષ્ટ્રીય મૅચ રમનાર ભારતનો સૌથી નાની વયનો ક્રિકેટર બન્યો. તેના પ્રભાવશાળી દેખાવના પરિણામે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ઇંગ્લૅન્ડમાં પાંચ ટેસ્ટ રમવા જનાર ભારતીય ટીમમાં વિકેટકીપર તરીકે પસંદગી પામ્યો અને 18 ઑગસ્ટ, 2018ના રોજ ઇંગ્લૅન્ડમાં ટેન્ટબ્રીજમાં રમાયેલ શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં તેને સૌપ્રથમ વખત ટેસ્ટ રમવા મળી. પ્રથમ દાવમાં ઇંગ્લૅન્ડના 5 અને બીજા દાવમાં 2 ખેલાડીના કેચ કરી બૅટ્સમૅનની સાથે સાથે વિકેટકીપર તરીકે પણ પોતાને પ્રસ્થાપિત કર્યો. બૅટિંગમાં પણ તેણે છગ્ગો ફટકારી ટેસ્ટ કારકિર્દીમાં રનની શરૂઆત કરી. શ્રેણીની છેલ્લી અને પોતાની ત્રીજી ટેસ્ટના બીજા દાવમાં પંતે સદી(114 રન) પણ છગ્ગાથી પૂરી કરી. માત્ર 20 વર્ષ 338 દિવસની વયે ટેસ્ટમાં સદી કરનાર વિશ્વનો સૌથી નાની વયે સદી કરનાર બીજો વિકેટકીપર બન્યો.

6થી 10 ડિસેમ્બર, 2018 દરમિયાન ઑસ્ટ્રેલિયા સામેની એડેલેઇડ ટેસ્ટમાં પંતે વિકેટકીપર તરીકે પ્રથમ દાવમાં છ અને બીજા દાવમાં 5 એમ કુલ 11 કેચ કરી એક જ ટેસ્ટમાં સૌથી વધુ કેચના વિશ્વવિક્રમની બરાબરી કરી. અગાઉ ઇંગ્લૅન્ડના જેક રસેલ અને દક્ષિણ આફ્રિકાના એ. બી. ડી. વિલિયર્સ આવી સિદ્ધિ મેળવી ચૂક્યા હતા. શ્રેણીની સિડનીમાં રમાયેલ અંતિમ ટેસ્ટમાં પંત પોતાની ટેસ્ટમાં કારકિર્દીની બીજી સદી (અણનમ 159 રન) કરી ભારત તરફથી ઑસ્ટ્રેલિયામાં સદી કરનાર પ્રથમ વિકેટકીપર બન્યો. સાથે સાથે તેણે રવીન્દ્ર જાડેજા સાથે સાતમી વિકેટ માટે 204 રનની ભાગીદારી કરી ઑસ્ટ્રેલિયામાં સાતમી વિકેટ માટેની શ્રેષ્ઠ ભાગીદારી કરી. એટલું જ નહીં ભારત માટે ઑસ્ટ્રેલિયા સામે સાતમી વિકેટની શ્રેષ્ઠ ભાગીદારી પણ કરી. અગાઉ આ વિક્રમ ચેતેશ્વર પૂજારા અને રિદ્ધિમાન સહાનો 199 રનનો હતો.

ભારતના મહેન્દ્રસિંહ ધોની તથા ઑસ્ટ્રેલિયાના એદમ ગીલક્રિસ્ટને પોતાનો આદર્શ માનતા પંતના પસંદગીના કલાકારો અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન છે. ઇન્ડિયન પબ્લિક સ્કૂલ દહેરાદૂનમાંથી બી.કૉમ. થયેલ ઋષભ પંતે 21 ઑક્ટોબર, 2018ના રોજ વેસ્ટ ઇન્ડિઝ સામે રમી પોતાની વનડે કારકિર્દીની શરૂઆત કરી હતી. વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીની હાજરી હોવાથી ખેલાડી તરીકે સ્થાન પામનાર પંતનો દેખાવ સામાન્ય રહેતા ત્રણ મૅચ પછી આગળ રમવા ન મળ્યું. છેલ્લાં 4 વર્ષ દરમિયાન પંતે વનડેમાં માત્ર 43 મૅચ રમી છે જેમાં 2,439 રનની સરેરાશથી માત્ર 683 રન કર્યા છે.

2016માં સૌપ્રથમ વખત ઋષભ પંત દિલ્હી ડેરીવેટરીઝ તરફથી આઈ.પી.એલ. રમવા માટે 1.9 કરોડ રૂપિયા આપી ખરીદાયો હતો. સિઝનની ત્રીજી મૅચમાં ગુજરાત લાયન્સ સામે 40 દડામાં 69 રન કરી પોતાની ટીમને 8 વિકેટે વિજય અપાવનાર પંતે આ સિવાય કોઈ નોંધપાત્ર દેખાવ કર્યો ન હતો. આમ છતાં 2017ની સિઝનમાં પણ દિલ્હીએ તેને પોતાની પાસે રાખ્યા. અહીં નસીબે તેને સાથ ન આપ્યો અને સીઝનની પ્રથમ મૅચ અગાઉ તેના પિતાનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. જોકે મરણોત્તર ક્રિયા પતાવી તરત જ તે ટીમ સાથે જોડાયો અને ત્યારબાદ તરત જ તેણે ગુજરાત લાયન્સ સામે માત્ર 43 દડામાં શાનદાર 97 રન કર્યા. સમગ્ર સિઝનમાં 366 રન કર્યા. 2018ની ત્રીજી સિઝનમાં તેણે માત્ર 63 દડા રમી સનરાઇઝ હૈદરાબાદ સામે 125 રન કર્યા.

કોચ તારકસિંહાની દેખરેખ હેઠળ તૈયાર થયેલ ઋષભ પંતને 2021ની આઈ.પી.એલ સિઝનથી દિલ્હી ડેરીવેટરીઝના સુકાની તરીકે રમી રહેલ છે. પંતને ઉત્તરાખંડના મુખ્ય મંત્ર શ્રી પુષ્કર સિંહ ધામી દ્વારા 20-12-2021ના રોજ ઉત્તરાખંડનો બ્રાન્ડ ઍમ્બેસૅડર બનાવવામાં આવ્યો છે.

જગદીશ શાહ