પંઢરપુર : મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાનું નગર તથા પ્રસિદ્ધ તીર્થસ્થાન. તે સોલાપુરની પશ્ચિમે 71 કિમી. અંતરે સમુદ્ર-સપાટીથી 450 મીટરની ઊંચાઈ પર ભીમા નદીના જમણા કાંઠા પર વસેલું છે. આ તીર્થક્ષેત્ર વિશેનો જૂનામાં જૂનો ઉલ્લેખ ઈ. સ. 516નો છે, જેમાં આ નગર `પાંડરંગપલ્લી’ નામથી ઓળખાવાયેલું છે. આ નામ ઉપરાંત પણ ભૂતકાળમાં કેટલાંક અન્ય નામોથી તે જાણીતું બનેલું છે; દા. ત., પંડરંગે, પૌંડરીક્ષેત્ર, ફાગનીપુર, પંડરીપુર, પાંડુરંગપુર, પંઢરી ઇત્યાદિ. આ બધાં નામો ત્યાંના ઇતિહાસપ્રસિદ્ધ પંઢરીનાથ ભગવાનના મંદિર સાથે સંબંધ ધરાવતાં જણાય છે.

આ નગરમાં અનેક મંદિરો છે; પણ તેમાં પંઢરીનાથ અથવા વિઠ્ઠલનાથનું મંદિર મુખ્ય છે. મહારાષ્ટ્રના ભક્તજનો ભગવાન પંઢરીનાથ કે વિઠ્ઠલનાથને `વિઠોબા’ના હુલામણા નામથી ઓળખે છે. દેવગિરિના શાસકોના વડવાઓએ બારમી સદીમાં આ મંદિર બાંધ્યું હતું તેવા નક્કર પુરાવા સાંપડે છે.

આ મંદિરની આસપાસ કોટની રાંગ છે તથા મંદિરમાં પ્રવેશવા માટે જુદી જુદી દિશામાં આઠ જેટલાં પ્રવેશદ્વાર રાખવામાં આવ્યાં છે. મંદિરના વિસ્તારમાં ઉત્કૃષ્ટ કારીગરીથી કંડારેલા કાળા રંગના પાષાણ-સ્તંભો તથા દીપ પ્રકટાવવા માટે બનાવેલા દીપસ્તંભો મંદિરની શોભામાં વધારો કરે છે. ભગવાનની મૂર્તિ સામે બે મંડપો છે. તેમાંના એક મંડપમાં દશાવતાર તથા કૃષ્ણલીલાનાં સુંદર ચિત્રો દોરેલાં છે.

પંઢરીનાથ મંદિર, પંઢરપુર

મુખ્ય મંદિરની પૂર્વપશ્ચિમ લંબાઈ 107 મી.  તથા ઉત્તરદક્ષિણ પહોળાઈ 52 મી. જેટલી છે. મુખ્ય મંદિરની જેમ બીજું એક મંદિર વિઠ્ઠલનાથનાં પટરાણી માતા રુક્મિણી(રખમાઈ)નું છે. મુખ્ય મંદિરનાં પગથિયાં પર ગુજરાતના ભક્ત કવિ અખાની મૂર્તિ તથા તેની પડખે મહારાષ્ટ્રના જાણીતા સંત નામદેવની મૂર્તિ કંડારેલી છે. આ મંદિર ઉપરાંત મુખ્ય મંદિરના વિસ્તારમાં કેટલાંક અન્ય મંદિરો પણ આવેલાં છે, જેમાં ગરુડ ભગવાનનું મંદિર તથા મહારાષ્ટ્રના જાણીતા સંત રામદાસ સ્વામીએ બંધાવેલું હનુમાન મંદિર વિશેષ ઉલ્લેખનીય છે. અષાઢ અને કાર્તિકની એકાદશીએ પંઢરપુરમાં મોટો મેળો ભરાય છે. મહારાષ્ટ્રના વારકરી પંથના અનુયાયીઓ દર વર્ષે હજારોની સંખ્યામાં સંત જ્ઞાનેશ્વરના સમાધિસ્થાન આળંદીથી પંઢરપુર સુધી પગપાળા યાત્રા કરે છે, જેને દિંડી કહેવામાં આવે છે. પગપાળા યાત્રા દરમિયાન માર્ગ પર તથા ઉતારાનાં ગામોમાં સતત ભજન-કીર્તન કરવામાં આવે છે. માઘ અને ચૈત્ર માસમાં પણ પંઢરપુરમાં મેળો ભરાય છે.

મંદિરમાં વિઠોબાની મૂર્તિ

ઈ.સ. 1858માં ત્યાં નગરપાલિકા સ્થાપવામાં આવી અને ત્યારપછી મંદિર ઉપરાંતના શહેરના અન્ય વિસ્તારોના વિકાસને પ્રોત્સાહન મળ્યું. હવે આ નગર તે જ નામ ધરાવતા અલાયદા તાલુકાનું મુખ્ય મથક છે અને ત્યાં આધુનિક શહેરની લગભગ બધી જ સગવડો ઉપલબ્ધ છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની અદ્યતન સગવડો ઉપરાંત ત્યાં વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાનની કૉલેજો તથા એક સંસ્કૃત પાઠશાળા પણ છે. શહેરમાં ઘણા સંતોએ પોતપોતાના મઠોની સ્થાપના કરી છે, તથા યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાઓ બાંધવામાં આવી છે. કૃષિપેદાશોના ખરીદવેચાણના કેન્દ્ર તરીકે પણ આ નગર સોલાપુર જિલ્લામાં મહત્વનું સ્થાન ધરાવે છે.

પહેલાં પંઢરીનાથના મંદિરમાં હરિજનો પ્રવેશ કરી શકતા ન હતા, પરંતુ 1946માં સાને ગુરુજીના પ્રયત્નથી બધી કોમો માટે મંદિર ખુલ્લું મુકાયું છે. પંઢરપુર મહારાષ્ટ્રના ભક્તિસંપ્રદાય સાથે સંકળાયેલ સંસ્કૃતિનું કેન્દ્ર ગણાય છે. પંઢરપુરની વસ્તી 54,00 અને તાલુકાની વસ્તી 4,42,000 (2011) છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે