પંડ્યા, ધ્રુવકુમાર (. 12 ફેબ્રુઆરી 1923; . 10 જૂન 1990) : ગુજરાતના જાણીતા પર્વતારોહક તથા પર્વતારોહણ-પ્રશિક્ષક. ગુજરાતને 1,600 કિમી. જેટલો વિશાળ સાગરકાંઠો હોવાથી તરણપ્રવૃત્તિ માટે અનુકૂળતા હતી. સ્વતંત્રતા પૂર્વેના દિવસોમાં, સપાટ ગુજરાત દેશમાં પર્વતારોહકો હિમાલયનો સાદ સાંભળી અધીરા બન્યા હતા.

ધ્રુવકુમાર પંડ્યા

ગુજરાત રાજ્યની 1960માં સ્થાપના થયા પછી પર્વતારોહણક્ષેત્રે જે નામો આગળ આવ્યાં તેમાં ધ્રુવકુમાર, નંદિની, કોકિલા, સ્વાતિ વગેરે નામો અવિસ્મરણીય બની ગયાં. પ્રારંભે છૂટાંછવાયાં નાનાંમોટાં અભિયાનો ચલાવી, 1965માં ધ્રુવકુમારે ‘પરિભ્રમણ’ નામની સંસ્થાની સ્થાપના કરી અને સાહસયાત્રાની પ્રવૃત્તિને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. તેમણે ઈડરમાં શિબિર કર્યો, આબુ ઉપર શિબિર કર્યો અને વિવિધ સાહસિક કાર્યો માટે અભ્યાસક્રમો ઘડી કાઢ્યા. સંસ્થાનું પોતાનું ભવન ખરીદી લીધું. થોડા જ સમયમાં તે ગુજરાત પર્વતારોહણ પ્રશિક્ષણશાળા નામે જાણીતી સંસ્થામાં પરિણમ્યું. ધ્રુવકુમાર આ સંસ્થાના નિયામક રહ્યા. અહીંથી તેમણે પર્વતારોહકો જ નહિ, પર્વતારોહણ-અભિયાનના નેતાઓ પણ પૂરા પાડ્યા. પત્ની નંદિનીબહેન તેમના કાર્યમાં મહત્વનાં સાથી બની રહ્યાં. ધ્રુવકુમારે આ સંસ્થા જીવનના અંત સુધી સંભાળી. વચ્ચેના ગાળામાં તેમણે ગુજરાત રાજ્યના યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગમાં નિયામક તરીકે પણ સેવાઓ આપી.

1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછીનાં તુરતનાં વર્ષોમાં જ ગુજરાતમાં પર્વતારોહણ-પ્રવૃત્તિનો ઉદભવ થયો. ગુજરાતી ભાઈબહેનોની ટુકડીઓ હિમાલયનાં જ્ઞાત-અજ્ઞાત શિખરો સર કરતી થઈ. ગુજરાતના લોકોએ પહેલી વાર લઘુ કૈલાસ, ગંગોત્રી (શિખર, તીર્થ નહિ), શ્રી માત્રી કે મૈત્રી આદિ નામો સાંભળ્યાં. ધ્રુવકુમારે પોતે હિમાલય ખૂંદવામાં ભાગ્યે જ કંઈ બાકી રાખ્યું. કાંચનજંઘા, ગંગોત્રી-1, ગંગોત્રી-2, ત્રિશૂલ, શ્રી હનુમાનટીંબા આદિ અભિયાનોમાં નંદિનીબહેન પણ સાથે રહ્યાં. તેમની પ્રવૃત્તિએ ગુજરાતી પર્વતોરોહકોને દેશમાં ઊંચી પ્રતિષ્ઠા અપાવી. મહાન પર્વતારોહક તેનસિંગ નોરકે પણ ગુજરાતીઓ માટે આદર ધરાવતા થયા.

નૌકાયાત્રા-ક્ષેત્રે પણ તેમણે સાહસભરી પ્રવૃત્તિઓ આદરી. નર્મદા તથા તાપીમાં મૂળથી મુખ સુધીની યાત્રાઓ તેમણે કરી. સાગરકાંઠે અભિયાનની એક યોજના વિચારી, પણ 67 વર્ષની વયે અવસાન થતાં, આ કાર્યક્રમ અધૂરો રહ્યો.

તુષાર ત્રિવેદી