પંડ્યા, કૈલાસ (. 1925, મહુવા, જિ. ભાવનગર; અ. 2007) : અભિનેતા, દિગ્દર્શક અને નાટ્યનિર્માતા. અભ્યાસ મુંબઈની જી. ટી. હાઈસ્કૂલ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં ઇન્ટર આર્ટ્સ સુધી. કૉલેજકાળ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તથા યોગેન દેસાઈ, વજુ કોટક અને મધુકર રાંદેરિયા દિગ્દર્શિત નૃત્યનાટિકા તથા નાટકોમાં અભિનય (1940).

1941થી 1943 દરમિયાન મહેન્દ્ર મોદી, નટરાજ વશી અને યોગેન દેસાઈ દિગ્દર્શિત વિવિધ નૃત્યનાટિકાઓ ‘અશોક મેધાવિન’, ‘મહાભારત’, ‘ભૂખ’ ઇત્યાદિમાં અભિનય. બચુભાઈ શુક્લ સાથે નાટકોમાં તથા સુશીલા ભાટિયા, ઇરા વકીલ, શરદ શુક્લ અને ચીમન શેઠ સાથે ટાગોર સોસાયટીના કાર્યક્રમોમાં ભાગ લીધો. 1943થી 1947 દરમિયાન પીપલ્સ થિયેટરમાં કે. એ. અબ્બાસના ‘માં’ નાટકથી શરૂઆત કરીને જશવંત ઠાકર દિગ્દર્શિત ચન્દ્રવદન મહેતાનાં ‘નર્મદ’, ‘આગગાડી’, ‘આણલદે’, ગુણવંતરાય આચાર્યના ‘અલ્લાબેલી’ વગેરે નાટકોમાં પૃથ્વીરાજ કપૂર, બલરાજ સહાની, મુલ્કરાજ આનંદ, દુર્ગા ખોટે, કે. એ. અબ્બાસ, દમયંતી સહાની, મોહન સહેવાલ તથા વનલતા મહેતા, પ્રતાપ ઓઝા, ચંદ્રિકા શાહ, ચાંપશીભાઈ નાગડા, હંસા ખખ્ખર, લીલા જરીવાળા જેવાં કલાકારો સાથે અભિનય તથા સંગીત-નૃત્યના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો. નાટકના લેખન, દિગ્દર્શન તથા નિર્માણનું વ્યવહારુ શિક્ષણ પણ મેળવ્યું. 1948થી 1951 દરમિયાન, ઑલ ઇન્ડિયા રેડિયોમાં એનાઉન્સર તથા નાટ્ય-કલાકાર. ભરત નાટ્યપીઠમાં સહદિગ્દર્શક, ‘નાટક’ પત્રના સહતંત્રી. ઇબ્સનનાં નાટકો ‘હંસી’, ‘ઢીંગલીઘર’, ‘સાગરઘેલી’; ગૉર્કીનું ‘ઊંડા અંધારેથી’, ચંદ્રવદન મહેતાનું ‘સીતા’, સ્ટાઇનબેકનું ‘મૂષક અને મનુષ્ય’, શેક્સપિયરનું ‘હૅમ્લેટ’ વગેરે નાટકોમાં અભિનય, સહદિગ્દર્શન અને સહનિર્માણ. રંગમંડળમાં ‘સાથે શું બાંધી જવાના’ અને ‘મોંઘેરા મહેમાન’માં અભિનય. ગુજરાત વિદ્યાસભાની શતાબ્દી નિમિત્તે ‘રાઈનો પર્વત’માં જયશંકર ‘સુંદરી’ના સહાયક. નાટ્યમંદિરમાં રસિકલાલ પરીખ અને જયશંકરભાઈ સાથે નાટ્યપ્રયોગો. 1951થી 1957 દરમિયાન નટમંડળમાં નટ, દિગ્દર્શક અને નિર્માતા તરીકે કામગીરી કરી. જયશંકર ‘સુંદરી’, દીના ગાંધી અને જશવંત ઠાકર દિગ્દર્શિત નાટકો ‘વિરાજવહુ’, ‘લોકશત્રુ’, ‘જુગલ જુગારી’, ‘મેનાં ગુર્જરી’, ‘વિજયા’, ‘મિથ્યાભિમાન’, ‘રંજના’, ‘શ્રુતિપતિ’ અને ‘બાલચરિત’માં અભિનય. એશિયન થિયેટર ઇન્સ્ટિટ્યૂટમાં લોકનાટ્યનો ડિપ્લોમા મેળવ્યો (1958).

1959થી દર્પણ નાટ્યવિભાગનો પ્રારંભ કર્યો. સંસ્કૃત અને ગ્રીક નાટકો; શેક્સપિયર, મૉલિયેર, ટાગોર, શરદબાબુ, ચંદ્રવદન મહેતા. જયંતિ દલાલ, ચુનીલાલ મડિયા, નંદકુમાર પાઠક, પન્નાલાલ પટેલ, ઍગથા ક્રિસ્ટી ઉપરાંત ગુજરાતની ઊગતી પેઢીના મધુ રાય, આદિલ મન્સૂરી, શ્રીકાંત શાહ, સુભાષ શાહ, ચિનુ મોદી, મુકુંદ પરીખ, બકુલ ત્રિપાઠી, લાભશંકર ઠાકર અને માધવ રામાનુજનાં પ્રયોગશીલ નાટકોમાંથી પસંદગી કરીને ગુજરાત તથા ગુજરાત બહાર અનેક નાટ્યપ્રયોગો કર્યા.

ભવાઈ : ભવાઈ વેશમાં કાર્યશિબિરો (વર્કશૉપ) ચલાવી. તેનું શિક્ષણ આપ્યું અને જૂના વેશોની ભજવણી કરી. તે ઉપરાંત નવા વેશો પણ તૈયાર કરાવી ભજવ્યા. 1980માં ભવાઈ-મેળાનું આયોજન કર્યું. ગુજરાત રાજ્ય સંગીત-નાટ્ય અકાદમી સંચાલિત વિસનગર ખાતેના સર્વપ્રથમ ભવાઈ તાલીમ કેન્દ્રની સ્થાપનામાં તેમણે સહયોગ આપ્યો હતો (1983).

નાટ્યલેખન : રેડિયો-કાર્યક્રમ માટે બાળકો અને મજૂર ભાઈઓને અનુલક્ષીને વિવિધ નાટ્ય-શ્રેણીઓ તૈયાર કરી; દા.ત., ‘વાલાભાઈનું વલોણું’, ‘પહેલી પ્યાલી’, ‘માઈ’, ‘અમ્મા’, ‘ચીની જાદુગરનો વેશ’ અને ‘લાલલીલી’. વળી યુરોપ, અમેરિકા અને ચીનનો વિદેશપ્રવાસ પણ ખેડ્યો. ટી.વી.ની વિવિધ શ્રેણીઓમાં દિગ્દર્શન અને અભિનય કર્યાં; દા.ત., ‘હું ને હા’, ‘રંગલીલા’, ‘કૂંડાળાના સાપ’, ‘નારાયણ’. આ ઉપરાંત ટી.વી. ઉપર ભવાઈના જૂના-નવા વેશો પણ રજૂ કર્યા.

વિવિધ પાત્રોમાં શ્રેષ્ઠ અભિનય તથા શ્રેષ્ઠ દિગ્દર્શન કરવા બદલ તેમને 1984માં ગુજરાત રાજ્ય સંગીત-નાટ્ય અકાદમી તરફથી ઍવૉર્ડ તથા 1993માં દિલ્હી સંગીતનાટક અકાદમીનો શ્રેષ્ઠ દિગ્દર્શક ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.

ગોવર્ધન પંચાલ