નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સ (National Mission for Manuscripts – NMM)

January, 1998

નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સ (National Mission for Manuscripts – NMM) : હસ્તપ્રતોની જાળવણી અને સુરક્ષા માટેની રાષ્ટ્રીય યોજના.

ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી, 2003માં વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપેયીના હસ્તે નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સની યોજના શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ (Motto) ભવિષ્ય માટે ભૂતકાળની જાળવણી (Conserving the past for future) માટે આ કાર્યની શરૂઆત થઈ. ભારતમાં દસ લાખ જેટલી હસ્તપ્રતોનો ખજાનો છે. જુદાં જુદાં સ્થળોએ જળવાયેલી આ હસ્તપ્રતોની શોધ કરવી, તેમનું ડૉક્યુમેન્ટેશન કરવું, સંરક્ષણ કરવું તેમ જ તેમાં ધરબાયેલા અમૂલ્ય વારસાને માનવસમાજ માટે ઉપલબ્ધ બનાવવા માટેનાં કાર્યો હાથ ધરવામાં આવ્યાં છે. આ હસ્તપ્રતો કાગળ, છાલ, ધાતુ, તાડપત્ર વગેરે સામગ્રી પર લખાયેલી છે; જે ઐતિહાસિક, વૈજ્ઞાનિક તથા સૌંદર્યની દૃષ્ટિએ પણ મહત્ત્વ ધરાવે છે. તેમાં સુલેખન, સ્પષ્ટીકરણ અને ચિત્રોનો પણ સમાવેશ થાય છે. આ હસ્તપ્રતો 100થી પણ વધારે ભાષાઓમાં અને વિવિધ લિપિઓમાં લખાયેલી છે. વિષયવૈવિધ્ય ધરાવતી આ હસ્તપ્રતોમાં વેદ, વેદાંત, દર્શનશાસ્ત્રો, સૌંદર્યશાસ્ત્ર, આયુર્વેદ, ખગોળવિદ્યા, જ્યોતિષ-વિદ્યા, યોગ, વાસ્તુશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન જેવા અનેક વિષયોનો સમાવેશ થાય છે.

પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો, ભારત સરકારના અહેવાલ (2018) (https://pib.gov.in) Retrived on 20th Sept., 2019 મુજબ 2.96 લાખ હસ્તપ્રતોનાં 283 લાખ પૃષ્ઠોનું ડિજિટાઇઝેશનનું કાર્ય થયું છે. 43.16 લાખ હસ્તપ્રતોનું ડૉક્યુમેન્ટેશન થયું છે. 436.56 લાખ હસ્તપ્રતોના ફોલિયોનું ડૉક્યુમેન્ટેશન થયું છે. તેમ જ અલભ્ય અને અપ્રકાશિત હસ્તપ્રતો પ્રકાશિત કરી છે. આ ડૉક્યુમેન્ટેશન તેમજ ડિજિટાઇઝેશન થયેલી હસ્તપ્રતોની ડિજિટલ રિપૉઝિટરી  ડિજિટલ હસ્તપ્રત ભંડાર તૈયાર કરવામાં આવેલ છે. જે સંશોધકો અને વિદ્વાનોને અભ્યાસ અને સંશોધન માટે ઉપયોગી છે.

આ સમગ્ર યોજનાની કેન્દ્રીય એજન્સી તરીકે ઇન્દિરા ગાંધી નૅશનલ સેન્ટર ફૉર આર્ટ્સ (IGNCA) કાર્ય કરે છે. આ સાંસ્કૃતિક મંત્રાલય, ભારત સરકારની સ્વાયત્ત સંસ્થા છે. આ સંસ્થા સમગ્ર ભારતમાંથી પ્રાપ્ત થયેલી હસ્તપ્રતોનો વાઙ્મયસૂચિગત ડેટાબેઝ તૈયાર કરે છે. વળી હસ્તપ્રતોની જાળવણી અને તેમનું સંરક્ષણ કરે છે. આ કાર્યો માટે નૅશનલ નેટવર્ક ઑવ્ ઇન્સ્ટિટ્યૂશન અને મૅન્યુસ્ક્રિપ્ટ્સની રચના કરી છે. એ અન્વયે સમગ્ર દેશમાંથી જુદી જુદી સંસ્થાઓ જુદાં જુદાં કાર્યોની જવાબદારી સંભાળે છે. સમગ્ર કાર્યોને દેશના જુદા જુદા પાંચ ઝોનમાં  ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યમાં વહેંચી દેવામાં આવ્યાં છે. પાંચેય ઝોનમાં જુદાં જુદાં કાર્યો માટેનાં જુદાં જુદાં કેન્દ્રો કાર્યરત છે.

1. હસ્તપ્રત સંસાધન કેન્દ્રો (Manuscript Resource Centres – MRCs)

2. હસ્તપ્રત સંરક્ષણ કેન્દ્રો (Manuscript Conservation Centres – MCCs)

3. હસ્તપ્રત સહભાગી કેન્દ્રો (Manuscript Partner Centres – MPCs)

4. હસ્તપ્રત સંરક્ષણ સહભાગી કેન્દ્રો (Manuscripts Conservation Partner Centre – MCPCs)

200 કરતાં પણ વધુ સંસ્થાઓ હસ્તપ્રત સંરક્ષણ સહભાગી કેન્દ્રો તરીકે કાર્ય કરે છે. ગુજરાતમાંથી અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી MRC અને MCC તરીકેની જવાબદારી સંભાળે છે. જ્યારે વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન MCC તરીકેની જવાબદારી સંભાળે છે.

આ ઉપરાંત ઑગસ્ટ, 2005થી ‘કૃતિરક્ષણ’ નામનું દ્વિમાસિક પ્રગટ થાય છે, જે દરેક યુનિવર્સિટીઓ અને સાર્વજનિક ગ્રંથાલયોમાં વિના મૂલ્યે મોકલવામાં આવે છે. વળી ભારતની હસ્તપ્રતોમાં રસ ધરાવતા વિદ્વાનોને અને પરદેશની કેટલીક સંસ્થાઓને પણ તે મોકલવામાં આવે છે. ‘કૃતિસંપદા’ એ ડિજિટલ હસ્તપ્રતોનો ઑન-લાઇન ડેટાબેઝ છે, જે વેબસાઇટ પર ઉપલબ્ધ છે. એના દ્વારા હસ્તપ્રતોની શોધ કરી શકાય છે.

‘કૅટલૉગ્સ કૅટલૉગોરિયમ’ (Catalogus Catalogorium) એ સંસ્કૃત હસ્તપ્રતસંગ્રહોની વર્ણાનુક્રમ-સૂચિ છે. નવું ‘કૅટલૉગ્સ કૅટલૉગોરિયમ’ મદ્રાસ યુનિવર્સિટીએ 42 ખંડોમાં પ્રકાશિત કરેલું છે. તેમાંથી કેટલાક ખંડ ‘નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સ’ના સહયોગથી પ્રકાશિત કરવામાં આવ્યા છે.

દેશનાં હસ્તપ્રત સંસાધન કેન્દ્રોના સહયોગથી મિશને વિવરણાત્મક સૂચિ પ્રગટ કરવાનું આયોજન કર્યું છે. તાજેતરમાં મિશને જર્મનીમાં ફ્રૅન્કફર્ડના બુકફેરમાં ભારતીય હસ્તપ્રતોનું પ્રદર્શન કરેલું. તેની જુદા જુદા છ વિભાગો ધરાવતી સૂચિ પ્રગટ કરી છે.

 ઊર્મિલા ઠાકર