નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, નવી દિલ્હી

January, 1998

નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, નવી દિલ્હી : ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરી રાષ્ટ્રની વિવિધ જરૂરિયાતો પૂરી પાડતી, ઔદ્યોગિક ઉત્પાદન અને ગુણવત્તા વધારવા વૈજ્ઞાનિક કામગીરી બજાવતી દિલ્હી-સ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા. દેશમાં શરૂઆતમાં જે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી તેમાંની આ એક છે. ઔદ્યોગિક આયોજનસમિતિની ભલામણથી આ પ્રયોગશાળાનું ખાતમુહૂર્ત ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 4 જાન્યુઆરી, 1947ના રોજ કરેલું અને ઉદઘાટન ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલના શુભ હસ્તે 21 જાન્યુઆરી, 1950ના રોજ થયું હતું. સંસ્થાએ 1975માં રૌપ્યજયંતીની ઉજવણી વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીના પ્રમુખપણા હેઠળ કરી હતી.

રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર પર ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરી દેશની વિવિધ જરૂરિયાતો પૂરી પાડવામાં મદદ કરવી, ઉદ્યોગોને ઉત્પાદનની ગુણવત્તા વધારવામાં તથા નવી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં જરૂરી સંશોધનોમાં સહાયરૂપ થવું, વિશ્વમાં આ ક્ષેત્રમાં થતાં સંશોધનો અંગે અદ્યતન માહિતી દેશની આ ક્ષેત્રની અન્ય સંસ્થાઓને પૂરી પાડવી, આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ વિષયમાં દેશને માન્યતા મેળવી આપવી વગેરે તેના મહત્ત્વના ઉદ્દેશો છે.

દેશમાં દશમાનપદ્ધતિ દાખલ કરવામાં આ સંસ્થાએ ખૂબ જ મહત્ત્વની કામગીરી બજાવી હતી. દશમાનપદ્ધતિનાં વિવિધ પાસાં બાબત આ સંસ્થાએ ખાસ સગવડો વિકસાવી છે. થરમૉમેટ્રી, રેડિયોમેટ્રી, ફોટોમેટ્રી વગેરે વિવિધ વિષયોમાં તેણે મહત્ત્વની સિદ્ધિ મેળવી છે. નૅવિગેશન, બ્રૉડકાસ્ટિંગ, રિમોટ સેન્સિન્ગ તેમજ સેટેલાઇટ ટેલિવિઝન ક્ષેત્રે સંસ્થાએ વિશેષ કામગીરી કરી છે. સંસ્થાને આ કામગીરી માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પણ મળી છે અને આંતરરાષ્ટ્રીય કેન્દ્ર તરીકે તે ગણના પામી છે. સંસ્થાએ 100થી વધુ પેટન્ટ મેળવ્યાં છે.

તકનીકી સલાહ : રેડિયો-સંચારણ, મેઝરમેન્ટ સ્ટૅન્ડર્ડ, ઇમારતોની ધ્વનિવ્યવસ્થા અંગે આ સંસ્થા તકનીકી માર્ગદર્શન આપે છે. લશ્કરના સ્ટાફ માટે ‘દૂરસંચાર’ ક્ષેત્રે સંસ્થા તાલીમ-કાર્યક્રમનું આયોજન કરે છે. ઇલેક્ટ્રૉનિક્સ, ગ્લાસ-મોલ્ડિંગ, મીટિયોરૉલૉજીના ખાસ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. વજનમાપ-વિભાગ, રાષ્ટ્રીય ચકાસણી કાર્યાલય જેવી સંસ્થાઓના કર્મચારીઓ માટે વિવિધ તાલીમ કાર્યક્રમો ગોઠવવામાં આવે છે. સંસ્થા પાસે ભૌતિક તથા આનુષંગિક વિષયોનાં વિશ્લેષણ, ચકાસણી, પ્રમાણીકરણ વગેરેની વ્યવસ્થા ઉપલબ્ધ છે. સંસ્થા પાસે અદ્યતન સાધનસામગ્રી છે તેમજ પોતાની કાર્યશાળા (workshop) અને ઉપકરણન(instrumentation)ની સગવડ છે.

સંસ્થાના પુસ્તકાલયમાં એક લાખથી વધુ પુસ્તકો, ભારતીય પેટન્ટ, ભારતીય તથા પરદેશી સ્ટૅન્ડર્ડ, સામયિકો વગેરે રાખવામાં આવ્યાં છે. સંસ્થાને પેટન્ટ ઇન્સ્પેક્શન સેન્ટર તરીકે માન્યતા મળી છે.

સંસ્થા પરિસંવાદો, પરિષદો, કાર્યશાળાઓ ઇત્યાદિનું વખતોવખત આયોજન કરે છે. સંસ્થા ‘સમીક્ષા’ નામનું એક ટૅકનિકલ બુલેટિન પ્રસિદ્ધ કરે છે. સંસ્થાના વાર્ષિક અહેવાલો પણ પ્રસિદ્ધ થાય છે. સંસ્થાની માહિતી આપતું દસ્તાવેજી ચિત્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે.

જયંત કાળે