નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓશનૉગ્રાફી, ડોના પૌલા, ગોવા

January, 1998

નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓશનૉગ્રાફી, ડોના પૌલા, ગોવા : ભારતના દરિયાનાં ભૌતિક, રાસાયણિક, જૈવશાસ્ત્રીય, ભૂસ્તરીય અને પ્રદૂષણને લગતાં વિવિધ પાસાંના વૈજ્ઞાનિક અધ્યયન-સંશોધન માટેની રાષ્ટ્રીય સંસ્થા.

ઇતિહાસ : સોળમી તથા સત્તરમી સદીમાં ભારતના સાહસવીરોએ દરિયાઈ પ્રવૃત્તિઓ સારા પ્રમાણમાં કરી હતી. જોકે એ પ્રવૃત્તિ મુખ્યત્વે ભારતનો અન્ય દેશો સાથે વેપાર વધારવા અંગેની જ હતી. વૈજ્ઞાનિક દૃષ્ટિએ ભારતના ત્રણે દિશાએ આવેલા સાગરવિસ્તારની જાણકારી ઉપલબ્ધ હતી નહિ. આઝાદી પછી 1962–65ના અરસામાં હિન્દી મહાસાગરનું વૈજ્ઞાનિક દૃષ્ટિએ અધ્યયન યુનેસ્કો તથા સ્કોર (UNESCO તથા SCOR) મારફત કરવામાં આવ્યું. આ અધ્યયનમાં 20 દેશોએ ભાગ લીધો હતો. આ અધ્યયનમાં મળેલ માહિતીથી ભારત સરકારને આ પ્રકારનાં વધુ સંશોધનો માટે એક સંસ્થા સ્થાપવાની જરૂર જણાઈ. તેના ફલસ્વરૂપે 1966ના જાન્યુઆરી માસમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઓશનૉગ્રાફીનો ડોના પૌલા, ગોવા ખાતે જન્મ થયો.

ઉદ્દેશ અને કાર્યો : સંસ્થાના મુખ્ય ઉદ્દેશ આ પ્રમાણે છે : (1) ભારતની ત્રણે બાજુમાં આવેલ દરિયાનું ભૌતિક, રાસાયણિક, ભૂ-સ્તરીય, ભૂ-ભૌતિકીય, જૈવશાસ્ત્રીય, ઇજનેરી અને પ્રદૂષણનાં વિવિધ પાસાંના સંદર્ભમાં અધ્યયન-સંશોધન કરવું. (2) દરિયાઈ સંપત્તિનો વધુમાં વધુ લાભ મેળવી શકાય તે માટે જરૂરી ક્ષમતા કેળવવી. (3) દરિયાઈ ઉપકરણો(marine instrumentation)માં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવી. (4) વિવિધ સંશોધન અને વિકાસસંસ્થાઓ સાથે સામુદ્રિક વિજ્ઞાન(marine science)ના ક્ષેત્રે સહયોગ કરવો અને માહિતીનું આદાનપ્રદાન કરવું. (5) સામુદ્રિક વિજ્ઞાનક્ષેત્રે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સહયોગ આપવો. (6) સામુદ્રિક વિજ્ઞાનક્ષેત્રે સરકાર, વેપાર-ઉદ્યોગ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કેળવણીની સંસ્થાઓ વગેરેને માર્ગદર્શન, સલાહસૂચન, માહિતી પૂરી પાડવી.

સિદ્ધિ : સંસ્થાએ બહુધાત્વીય ગ્રંથિકા(polymetallic nodules)ના વિકાસ અંગે મધ્ય હિન્દી મહાસાગરમાં જે મોજણી કરી અને 1.50 લાખ વર્ગ કિમી.ના દરિયાઈ વિકાસ માટે જે કામગીરી કરી તેને કારણે સંસ્થાને ‘પાયોનિયર ઇન્વેસ્ટર’નું બિરુદ મળ્યું. આ પ્રકારનું માન મેળવનાર આ સંસ્થા વિશ્વમાં સર્વપ્રથમ છે. કોંકણનો દરિયાકાંઠો, બૉમ્બે હાઈ ઑઇલફીલ્ડ, દરિયાઈ જીવજંતુઓમાં મળી આવેલ ઔષધિ-પદાર્થ, દરિયાઈ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી અંગેની ખાસ માહિતી, નવી ટૅક્નૉલૉજીનો વિકાસ વગેરે વિવિધ દરિયાઈ બાબતો અંગે સંસ્થાએ આજદિન સુધીમાં ખૂબ જ ઉપયોગી માહિતી અને આંકડાઓ મેળવ્યાં છે.

ખાસ સવલતો : આ સંસ્થા દરિયાકાંઠાનો વિકાસ, બંદરવિકાસ, દરિયા નીચે પાઇપ લાઇન નાખવાની કામગીરી, પ્રદૂષણ-નિયંત્રણ, પર્યાવરણ, દરિયાઈ ઇજનેરી જેવા વિવિધ વિષયો અંગેની સંશોધનક્ષમતા ધરાવે છે. આ સંસ્થા દરિયાઈ વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીને લગતા વિવિધ તાલીમ-કાર્યક્રમો પણ યોજે છે. અન્ય સંસ્થાઓને આ અંગે તાંત્રિક જાણકારી અને સલાહ-સૂચન-માર્ગદર્શન આપવા આ સંસ્થા નિષ્ણાત-સેવા (consultancy-service) પૂરી પાડે છે. સંસ્થા પાસે અદ્યતન પુસ્તકાલય, કમ્પ્યૂટરો, આધુનિક ડેટા-પદ્ધતિની સગવડ વગેરે ઉપલબ્ધ છે. તે અદ્યતન સાધનસામગ્રી સાથેની પ્રયોગશાળા ધરાવે છે. આ સંસ્થાની મુંબઈ, કોચીન તથા વિશાખાપટ્ટણમ્ ખાતે વિભાગીય કચેરીઓ આવેલી છે.

જયંત કાળે