નીશી-હોન્ગાન-જી (મંદિર), ક્યોટો

January, 1998

નીશી-હોન્ગાન-જી (મંદિર), ક્યોટો : આશરે 1657માં બંધાયેલ  જાપાનનું ધાર્મિક સ્થળ. તેનું આયોજન તત્કાલીન જાપાની શૈલીમાં પ્રચલિત સ્થાપત્યની પ્રણાલીઓને અનુરૂપ થયેલું છે. બગીચા અને મકાનની સંલગ્ન પરિસર તથા ચતુષ્કોણાકાર સાદડીના માપથી રચાયેલ ફરસ-વિસ્તાર આ આયોજનના મુખ્ય અંગ રૂપે છે. સ્વાગત-કક્ષ, પાદરીઓ માટે ખાનગી રહેણાક અને અલાયદું બાંધવામાં આવેલ મંદિર આમાં સમાવાયેલાં છે.

આકૃતિ : નીશી-હોન્ગાન-જી(મંદિર) : નિર્માણ 1657. માપ 1:1000. (ક) નોહની પ્રસ્તુતિ માટેનો મંચ, (ખ) પ્રવેશદ્વાર, (ગ) તાઇમેન્શો એટલે કે સ્વાગત-કક્ષો, (ઘ) ક્યુરોશોઈન એટલે કે ઉપરી અધિકારી માટે નિજી નિવાસ, (ઙ) મંદિરનાં વિવિધ અંગોનું ભારે પરિષ્કૃત આયોજનવાળા ઉદ્યાનો દ્વારા સંકલન કરાયું છે.

મંદિરના જુદા જુદા ભાગો એક વિશાળ બગીચા દ્વારા સાંકળવામાં આવેલા છે. મંદિરો ખાસ કરીને કુદરતી બળોને અર્પણ કરાતાં અને તેથી કુદરતી શક્તિને જુદી જુદી રીતે પ્રસ્થાપિત કરીને બગીચાની રચના કરવામાં આવતી જેથી તેના દ્વારા કુદરતનું આવાહન થતું.

રવીન્દ્ર વસાવડા