નીલગિરિ

January, 1998

નીલગિરિ : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગના મિર્ટેસી (લવંગ) કુળની વનસ્પતિ. તેને Eucalyptus પ્રજાતિ હેઠળ મૂકવામાં આવે છે. આ પ્રજાતિ 300 જેટલી સદાહરિત અને સુરભિત (aromatic) વૃક્ષ-જાતિઓ વડે બનેલી છે અને તે ઑસ્ટ્રેલિયા, તાસ્માનિયા, ન્યૂગિની અને પડોશી ટાપુઓની સ્થાનિક (indegenous) પેદાશ છે. ત્યાં તે વનોનો ઘણો મોટો ભાગ બનાવે છે. તેની વિવિધ જાતિઓનું ઉપોષ્ણ અને હૂંફાળા સમશીતોષ્ણ પ્રદેશોમાં વાવેતર થાય છે. ભારતમાં જુદા જુદા સમયે લગભગ 170 જેટલી જાતિઓના પ્રવેશ માટે પ્રયત્ન થયો છે. તે પૈકી જાણીતી જાતિઓ Eucalyptus citriodora Hook. અને E. globulus Labill છે.

  1. citriodora ઊંચું સુંદર વૃક્ષ છે અને તેનાં પર્ણો લીંબુ જેવી સુગંધી ધરાવે છે. તે ઉત્તર ભારતનાં મેદાનોમાં ઉપ-પર્વતીય (sub-montane) વિસ્તારોમાં તેમજ મલબાર, નીલગિરિ અને કૂર્ગમાં સારી રીતે ઊગે છે. તે મેદાનોમાં થતી સૌથી જાણીતી ઉદ્યાન-જાતિઓ પૈકીની એક છે. તેને સારા પ્રમાણમાં ભેજ ધરાવતી ભૂમિ સૌથી અનુકૂળ છે; છતાં તે શુષ્ક ભૂમિમાં પણ થાય છે. તે હિમ અને અતિશુષ્કતા માટે સંવેદી હોય છે. Trameter cubensis (Mont.) Sacc. નામની ફૂગ દ્વારા તેને અંત:કાષ્ઠ-વિગલન(heart-rot)નો રોગ લાગુ પડે છે.

આકૃતિ 1 : નીલગિરિ(Eucalyptus citriodora)ની ફળ સહિતની શાખા.

  1. globulus (અં. તૈલપર્ણ, સુગંધપત્ર, હરિતપર્ણ, નીલનિર્યાસ; ગુ. નીલગિરિ; અ. તાસ્મેનિયન બ્લુ ગમ યુકેલિપ્ટ) લગભગ 90 મી. કે તેથી વધારે ઊંચું વૃક્ષ છે. જંગલમાં તે સીધું થડ ધરાવે છે, જ્યારે ખુલ્લાં સ્થળોએ તે મુક્ત રીતે શાખિત બને છે. તેની છાલ સફેદ હોય છે અને લાંબી પાતળી પટ્ટીઓ કે ચાદર સ્વરૂપે ખરી પડે છે. તરુણ પ્રરોહ પર પર્ણો સમ્મુખ, અદંડી હૃદયાકાર કે અંડાકાર હોય છે. પુખ્ત પર્ણો એકાંતરિત, ભાલાકાર, 15 સેમી.થી 30 સેમી. લાંબાં અને 2.5 સેમી.થી 5.0 સેમી. પહોળાં હોય છે. તરુણ રોપ અને ગુલ્મવન (coppice) પ્રરોહ ચતુષ્કોણાકાર હોય છે.

આ જાતિ ભારતમાં એક બળતણવૃક્ષ તરીકે 1843માં પ્રવેશી હતી. તે દક્ષિણ ભારતના નીલગિરિ, અન્નામલી અને પાલનીના પહાડી વિસ્તારોમાં (1,500 મી.થી 2,475 મી.), સિમલા (1,200 મી.થી 2,100 મી.) અને આસામમાં શિલૉંગમાં થાય છે. રાનીખેત (ઉ.પ્ર.), કાંગરા, કુલુ અને છંબાને તેના વાવેતર માટેનાં યોગ્ય સ્થળો ગણવામાં આવે છે. 1,200 મી.થી નીચેની ઊંચાઈએ અથવા જ્યાં હિમવર્ષા વધારે પ્રમાણમાં થતી હોય તેવા વિસ્તારો વાવેતર માટે અયોગ્ય ગણાય છે.

તેની વૃદ્ધિ માટે ઠંડી અને ભેજવાળી આબોહવા અને ચૂનારહિત તેમજ ખારાશ વિનાની ઊંડે સુધી ફળદ્રુપ ભૂમિ અનુકૂળ ગણાય છે. તેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. તાજાં બીજ અંકુરણની વધારે ક્ષમતા ધરાવે છે. તરુણરોપ અને પુખ્તવૃક્ષ શુષ્કતા, હિમ અને અગ્નિ માટે સંવેદનશીલ હોય છે.

જ્યાં તેના કાષ્ઠ માટે આ વૃક્ષો રોપાય છે, ત્યાં 1.5 મી.થી 2 મી. × 1.5 મી.થી 2 મી.નું અંતર રાખવામાં આવે છે. પાંચેક વર્ષ પછી એકાંતરી હરોળ કાપી નાખવામાં આવે છે. બાકી રહેલાં વૃક્ષો ત્યારપછીનાં 5થી 10 વર્ષે કાપવામાં આવે છે. નીચે કાપ્યા પછી નવી ફૂટ આવે છે અને આમ નવો ફાલ લેવાય છે.

નીલગિરિની ભારતમાં થતી જાતિઓ પ્રવેશ કરાવાયેલી જાતિઓ પૈકી સૌથી શ્રેષ્ઠ નીલગિરિની એક સંકર જાતિ, E. umbellata Domin.નું સ્વરૂપ છે. તે સૌથી જાણીતી બની છે. તે ભારતના ઓછા વરસાદવાળા વિસ્તારોમાં થાય છે. તે લાંબા સમય સુધી શુષ્કતા (drought) સહન કરી શકે છે. તે વિવિધ કૃષિ-આબોહવાકીય (agroclimatic) પરિસ્થિતિઓમાં ઊગવાનો વિશિષ્ટ અનુકૂલનશીલતા(adaptibility)નું લક્ષણ ધરાવે છે. તેની ઝાડીવન નિર્માણ(coppicing)ની ક્ષમતા પણ ઉત્તમ છે. E. grandis W. Hill ex Maiden, E. camaldulensis Dehnh.syn, E. restrata Schlecht, E. robusta Sm. (E. multiflora Poir) વનીકરણ (afforestation) માટે અનુકૂળ જાતિઓ છે.

સંકરણ અને સુધારણા : ભારતમાં વ્યાપકપણે ઉછેરવામાં આવતી નીલગિરિ, મૈસૂર ગુંદર યુકેલિપ્ટસ સંકર છે અને તે મૈસૂરનો ઉદભવ ધરાવે છે. તે E. umbellata અને E. camaldulensisનું યાંત્રિક મિશ્રણ છે અને 90 % લક્ષણો E. umbellataનાં છે. વન અનુસંધાન સંસ્થા (Forest Research Institute, FRI) અને કૉલેજો, દહેરાદૂન દ્વારા ઉપર્યુક્ત બંને જાતિઓ પર સંકરણ અને ડઝન જેટલી વિવિધ યુકેલિપ્ટસની જાતિઓ વચ્ચે આંતરજાતીય (interspecific) સંકરણ તથા પ્રતીપ સંકરણ(back cross)ની શરૂઆત 1965માં થઈ હતી. તે પૈકી પારસ્પરિક સંકરણ (reciprocal cross) (E. umbellata X E. camaldulensis)થી ‘FRI-4’ અને (E. camaldulensis X E. umbellata)થી ‘FRI-5’ F, સંકર પ્રાપ્ત થયા હતા. તે બંનેમાં સ્પષ્ટ માત્રામાં સંકર ઓજ (hybrid vigour), ઊંચાઈ અને થડની જાડાઈ જોવા મળી હતી.

રાસાયણિક બંધારણ : નીલગિરિના પર્ણનું તેલ વ્યાપારિક મહત્ત્વ ધરાવે છે. ઔષધીય (pharmaceutical) કક્ષાના તેલમાં લઘુતમ 70 % સિનીઑલ દ્રવ્ય જરૂરી હોય છે. નીલગિરિની ‘ગ્લોબ્યુલસ’ જાતિ ઘણા દેશોમાં તેલ અને મજ્જાકાષ્ઠ (pulpwood) માટેનો મુખ્ય સ્રોત છે. ભારતમાં ‘ગ્લોબ્યુલસ’ અને ‘સિટ્રિયોડોરા’ જાતિઓમાંથી મુખ્યત્વે તેલ પ્રાપ્ત કરવામાં આવે છે; પરંતુ આ જાતિઓનું વાવેતર મર્યાદિત વિસ્તારોમાં થાય છે. ‘ગ્લોબ્યુલસ’ જાતિમાં તેલનું ઉત્પાદન 2.12 % અને તેમાં 1,8–સિનીઓલ દ્રવ્ય 70 %થી વધારે હોય છે, જ્યારે α  – ફેલેન્ડ્રીન 1.0 % કરતાં ઓછું હોય છે. ‘સિટ્રિયોડોરા’ના તેલમાં સિટ્રોનેલલ 56 % જેટલું હોય છે; જે અત્તર-ઉદ્યોગ અને સાબુ બનાવવામાં વપરાય છે.

સારણી1 : યુકેલિપ્ટસ સંકર ‘FRI-4અને ‘FRI-5તથા તેમના પિતૃઓ, E. umbellata અને E. camaldulensisના બાષ્પશીલતેલમાં આવેલાં ઘટકો

ઘટક (%) ‘FRI-4 ‘FRI-5 E. umbellata E. camaldulensis
α-પિનીન 11.78 43.42 20.57 16.0
β-પિનીન 11.64 5.04 18.3 16.8
ફેલેન્ડ્રીન 4.85 1.96 3.03 5.43
α-ટર્પિનીન 0.83 20.65 6.80
લિમોનીન 2.24 3.36 0.20
સિનીઑલ 33.28 17.37 20.09 20.63
γ-ટર્પિનીન 3.86 5.70
ρ-સાયમીન 25.65 25.77 13.49 24.57
ટર્પિનોલીન 1.12 1.0
અજ્ઞાત 2.03 2.52
અજ્ઞાત 0.72 0.56

સારણી 2 : યુકેલિપ્ટસની જાતિઓમાં અબાષ્પશીલ તેલ રાસાયણિક ઘટકો

જાતિ ભાગ રાસાયણિક ઘટકો
E. camal- dulensis syn. પર્ણ રુટિન, મેસ્લિનિક અને ઓલીએનૉલીક ઍસિડ, ક્વિર્સેટિન, ક્વિર્સિટ્રિન, ઉર્સોલિક અને 1-α-હાઇડ્રૉક્સિ ઉર્સોલિક ઍસિડ
E. rastrata E. citriodora કિનૉ ઍરામેડેન્ડ્રિન 7-મૉનોમિથાઇલ ઇથર, કૅમ્પ્ફેરોલ 7-મૉનોમિથાઇલ ઇથર, ઍરોમેડોન્ડ્રિનનું ડાઇમિથાઇલ ઇથર, સિટ્રિયોડોરૉલ અને ઇલેજિક ઍસિડ
પર્ણ યુકેલિપ્ટીન, ક્વિર્સેટિન, ક્વિર્સિટ્રિન, β-સિટો-સ્ટેરૉલ, બીટ્યુલિનિક અને ઉર્સોલિક ઍસિડ
મૂળ ઍરોમેડેન્ડ્રિન, 7-O-મિથાઇલએરોમેડેન્ડ્રિ β-સિટોસ્ટેરૉલ, બીટ્યુલિનિક અને ઉર્સોલિક ઍસિડ
રાળ સેકુરેનેટીન અને 3- અને -મિથૉક્સિ-ઍરોમેડેન્ડ્રિન્સ
કેલસ પેલાર્ગોનિડીન, સાયેનિડીન અને ડેલ્ફિનિડીન 3-ગ્લુકોસાઇડસ્
E. globulus કલિકા યુગ્લોબલ-Ia1, Ia2, Ib, Ic, IIa, IIb, IIc અને યુગ્લોબલ્સ III થી IX
પર્ણ યુકેલિપ્ટસ, 8-ડેસ્મિથાઇલયુકેલિપ્ટીન, સાઇડરોઝાયલીન, 8-ડેસ્મિથાઇલસાઇડરૉ-ઝાયલીન, ક્વિર્સેટિન, ક્વિર્સિટ્રિન, ક્વિર્સેશૅલ અને તેના 3-ગ્લુકોસાઇડ, ક્રિસીન, રુટિન હાઇપરોસાઇડ, ફ્લોરૉગ્લુસીનનાં વ્યુત્પનો, EAથી EJ, n-ટ્રાઇટ્રાઇએકોન્ટન16, 18-ડાયૉન, 4-હાઇડ્રૉક્સિટ્રાઇટ્રાઇ-એકોનેટ-16, 18-ડાયૉન, 16-હાઇડ્રૉક્સિ-18-ટ્રાઇટ્રાઇએકોન્ટેનૉન, 11, 12-ડીહાઇડ્રોઉર્સોલિક લૅક્ટોન ઍસિટેટ, કૅફીક, ફેરુલીક, ગૅલીક, જેન્ટિસીક, પ્રોટોકેટેચૂઇક, મસ્લિનિક અને ઓલીએનોલીક ઍસિડો
ફળ α – અને β-એલેનિન, ઍસ્પર્જિન, સિસ્ટીન, ગ્લુટામિક ઍસિડ, ગ્લાયસિન, નોર્વેલાઇન, ઓર્નિથીન અને થ્રીઓનિન
રાળ 3-મિથૉક્સિએરોમેડેન્ડ્રિન, 7-મિથૉક્સિ-ઍરોમેડેન્ડ્રિન અને સેકુરેનેટીન
E. umbellata પર્ણ મેસ્લિનિક અને ઓલેનૉલિક ઍસિડો

જૈવિક સક્રિયતાઓ (biological activities) :

(1) ‘સિટ્રિયોડોરા’ અને ‘કેમેલ્ડ્યુલેન્સિસ’ જાતિઓનાં તેલ મનુષ્યને થતા કેટલાક ચામડીના રોગો માટે જવાબદાર ફૂગની જાતિઓ (Trichophyton mentagrophytes, Microsporum audounil, M. caras, M. gypseum અને Epidermophyton floccosum) સામે ફૂગવિષાળુતા (fungitoxicity) દર્શાવે છે. ‘કેમેલ્ડ્યુલેન્સિસ’ જાતિ ફૂગની બે સંગ્રહ (storage) જાતિઓ (Aspergillus nidulans અને A terrcus સામે ફૂગનાશક (fungicide) (લઘુતમ માત્રા, 1X 103 માઇક્રોલી./લી.) સક્રિયતા દાખવે છે. ‘FRI-5’ જાત ઘણા જીવાણુઓ અને ફૂગ સામે નોંધપાત્ર પ્રતિજીવાણુક (antibacterial) અને ફૂગરોધી (antifungal) સક્રિયતા દર્શાવે છે.

(2) નીલગિરિનું તેલ ચોખાનાં ધનેડાં (Sitophilus oryzae), દાળ ઉપર થતો ભમરો (Callosobruchus chinensis), મસાલા ઉપર થતો ભમરો (Stegobium paniceum) અને ઘરમાખી (Musca domestica) સામે કીટપ્રતિકવર્ષ (insect repellent) સક્રિયતા દર્શાવે છે. કેમેલ્ડ્યુલેન્સિસના તેલમાંથી અલગ કરેલાં રસાયણો, યુકેમેલોલ અને 4-આઇસોપ્રોપાઈલબૅન્ઝાઈલ આલ્કોહોલ Aedes albopictus અને A. aegypti સામે નોંધપાત્ર મચ્છર પ્રતિકર્ષક સક્રિયતા દાખવે છે.

(3) ગ્લોબ્યુલસ જાતિમાંથી પ્રાપ્ત કરેલું તેલ શિરદર્દ, શરીરની વેદનાઓ અને તાવ મટાડવા માટે ઉપયોગમાં લેવાય છે. તે મલેરિયાના વાહક મચ્છર, Anopheles stephensi સામે ઇયળનાશક (larvicidal) સક્રિયતા દર્શાવે છે.

(4) કાષ્ઠમાંથી પ્રાપ્ત કરેલું બાષ્પશીલ તેલ મૅન્થૉલ ધરાવે છે. તેના તેલનો જંતુઘ્ન અને વિસંક્રામક (disinfectant) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનાં સૂત્રણો(formulations)નો શ્વસનમાર્ગમાં થતા ચેપ, દીર્ઘકાલી શ્વસનીશોથ (chronic bronchitis) અને શ્વાસ (inhalation)ની ચિકિત્સામાં ઉપયોગ થાય છે.

(5) યુકેલિપ્ટસની કેટલીક જાતિઓ રુટિન (ક્વિર્સેટિન 3- રુટિનોસાઇડ)નો વિપુલ સ્રોત ધરાવે છે. રુટિનમાં વિટામિન P – સમ ગુણધર્મ હોય છે. તેનો ઉપયોગ રુધિરકેશિકાઓના છેડાઓની પારગમ્યતા (permeability) પર અસર કરવા અને કેટલાંક અન્ય ઔષધોમાં થાય છે. તેનો ઔષધ-ઉદ્યોગમાં પણ ઉપયોગ કરવામાં આવે છે.

(6) જાપાનમાં યુકેલિપ્ટસનાં પર્ણોમાંથી ‘સ્વાસ્થ્ય-ચા’ (health tea) બનાવવામાં આવે છે. તેનાં પર્ણો જલદ્રાવ્ય પૉલિસૅકેરાઇડો, ટૅનિન, પોટૅશિયમ, સોડિયમ અને કૅલ્શિયમ ધરાવે છે.

(7) પ્રતિ-ઉપચાયક (antioxidative), કેમ્પ્ફેરૉલ 3-0-એરેબિનોપાયરેનોસાઇડ 2″-ગેલેટનો ઔષધીય પ્રક્રિયક તરીકે અને સૌંદર્યપ્રસાધન અને આહારમાં સંયોજી (additive) તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે પર્ણોમાંથી પ્રાપ્ત થાય છે. તે લિપિડ પેરૉક્સીકરણ(peroxidation)નો BHA (બ્યુટાઇલેટડ હાઇડ્રૉક્સિએનિસોલ) કરતાં બે-ગણો અવરોધ કરે છે. કેમેલ્ડ્યુલૅન્સિસના આલ્કોહોલીય નિષ્કર્ષમાંથી 1,2,6  ટ્રાઇ – O – ગેલોઇલ-β-D-ગ્લુકોઝ અને 2,3 – ડાઇ-O-ગેલોઇલ4,6-(O-4,4’, 5,5’ 6,6’  હેક્ઝાહાઇડ્રૉક્સિડાઇફીનોયીલ) -D- ગ્લુકોઝ નામના બે પ્રતિ-ઉપચાયકો પ્રાપ્ત કરવામાં આવ્યા છે. આ સંયોજનોનો આહાર, સૌંદર્યપ્રસાધન અને ઔષધીય ઉદ્યોગોમાં ઉપયોગ થઈ શકે તેમ છે.

(8) યુકેલિપ્ટસની જાતિઓનાં પર્ણો કેટલાંક વ્યુત્ક્રમી રસાયણો (allelochemicals) મુક્ત કરે છે. તેઓ ઘણા એકવર્ષાયુ પાકો; જેવા કે, બટાકા, ટમેટાં, મરચાં, મકાઈ અને ઘઉં ઉપર પસંદગીમય વ્યુત્ક્રમી વિકૃતિ(allelopathic)નો પ્રભાવ ધરાવે છે. તેથી આ વનસ્પતિઓના સફળ ઉછેર માટે યુકેલિપ્ટસની જાતિથી 12 મી. દૂર વાવેતર કરવું જોઈએ. જોકે ડાંગર અને સુગંધિત તૃણોની યુકેલિપ્ટસનાં પર્ણોની બિછાત (litter)થી વૃદ્ધિ અને ઉત્પાદનમાં સુધારણા થાય છે.

(9) યુકેલિપ્ટસની છાલનો મિથેનૉલીય નિષ્કર્ષ Escherichia coli WP-2 અને Salmonella typhimurium TA 98, જીવાણુઓના વિભેદો(strains)માં પારજાંબલી વિકિરણને લીધે થતી વિકૃતિજનકતા(mutagenicity)માં ઘટાડો કરે છે. નિષ્કર્ષ દ્વારા કોઈક ઉત્સેચકીય ક્રિયા થતાં પિરિમિડીનદ્વિલકો(dimers)ના નિર્માણનું પ્રત્યાવર્તન થાય છે. આમ, તેના ઉપયોગથી વિકૃતિજનો દ્વારા થતા જનીનીય જોખમમાં ઘટાડો થઈ શકે છે.

(10) સિટ્રિયોડોરાનાં પર્ણોનો જલીય નિષ્કર્ષ અને બાષ્પશીલ તેલ સૂત્રકૃમિનાશક (nematocidal) સક્રિયતા ધરાવે છે અને પોષિતા વનસ્પતિના મૂળ ઉપર ગાંઠનો રોગ કરતા સૂત્રકૃમિ(Melodogyne incognita)ની ઇયળોનો નાશ કરે છે.

(11) ગ્લોબ્યુલસનાં પર્ણો અને પુષ્પકલિકાઓમાંથી પ્રાપ્ત થયેલાં કેટલાંક યુગ્લોબલ્સ સેસ્કિવટર્પીનના બંધારણ સાથે ગાઢપણે સંબંધિત છે. આ સંયોજનો કણિકાકરણ(granulation)ની ક્રિયા અવરોધે છે અને એપસ્ટેઇન-બાર વાઇરસ(EBV)ના સક્રિયણનો પ્રતિરોધ કરે છે. પર્ણોમાંથી તારવેલા ફ્લોરોગ્લુસીનનાં વ્યુત્પનો ઇન્ડોમિથાસીન કરતાં વધારે સારી પ્રતિશોથકારી (anti-inflammatory) સક્રિયતા દર્શાવે છે.

આયુર્વેદ અનુસાર, નીલગિરિના ગુણધર્મો આ પ્રમાણે છે :

ગુણ : લઘુ, સ્નિગ્ધ.       રસ : કટુ, તિક્ત, કષાય.

વિપાક : કટુ.             વીર્ય : ઉષ્ણ.

દોષકર્મ : તે ઉષ્ણ હોવાથી કફવાતશામક છે.

બાહ્યકર્મ : તે જંતુઘ્ન, પૂતિહર અને ઉત્તેજક છે. નવા તેલની સરખામણીમાં જૂનું તેલ વધારે પૂતિહર હોય છે.

પાચનતંત્ર : અલ્પ માત્રામાં આપવાથી તે ઉષ્ણ હોવાથી દીપન, પાચન, અનુલોમન અને કૃમિઘ્ન છે. તેનો નિર્યાસ કષાયપ્રધાન હોવાથી તે ગ્રાહી છે. વધારે માત્રામાં તેનાથી વમન, અતિસાર અને મરડો થાય છે.

રુધિરાભિસરણતંત્ર : તે અલ્પ માત્રામાં હૃદયને ઉત્તેજિત કરે છે અને અધિક માત્રામાં દુર્બળ બનાવે છે.

શ્વસનતંત્ર : તે કફઘ્ન અને શ્લેષ્મપૂતિહર છે.

ઉત્સર્જનતંત્ર : તે મૂત્રજનન છે.

ત્વચા : તે સ્વેદજનન છે.

તાપક્રમ : તે જ્વરઘ્ન અને વિષમજ્વરપ્રતિબંધક છે. તેનાથી બરોળ સંકોચાય છે.

ઉત્સર્ગ : તેનું ઉત્સર્જન મૂત્રપિંડો, ત્વચા, ફેફસાં અને મૂત્રજનનતંત્રની શ્લેષ્મકલા દ્વારા થાય છે. – મૂત્રમાં તેલની ગંધ આવે છે.

દોષપ્રયોગ : તે કફવાતજન્ય વિકારોમાં ઉપયોગી છે.

બાહ્યકર્મ : તેનો મલમ વ્રણ ઉપર લગાડવામાં આવે છે. સંધિવાતમાં સરસવના તેલ સાથે મિશ્ર કરી અભ્યંગ કરવામાં આવે છે. ફેફસાંના જૂના રોગ, યક્ષ્મા, જીર્ણકાસ, ઉટાંટિયું અને રોહિણીના રોગોમાં તેની બાષ્પ લેવાય છે અથવા તેલ સૂંઘવામાં આવે છે.

પાચનતંત્ર : તે અગ્નિમાંદ્ય, આધ્માન અને કૃમિરોગમાં આપવામાં આવે છે. ખાસ કરીને તંતુકૃમિમાં તેલની બસ્તિ અપાય છે. અતિસાર, પ્રવાહિકા અને ગ્રહણીમાં તેનો નિર્યાસ અપાય છે.

રુધિરાભિસરણતંત્ર : તે હૃદયના દૌર્બલ્યમાં ઉપયોગી છે.

શ્વસનતંત્ર : તે સ્વરભેદ, જીર્ણકાસ અને ફેફસાંના રોગોમાં આપવામાં આવે છે. તેનાથી કફ શાંત થાય છે, કફની દુર્ગંધ દૂર થાય છે અને રોગજન્ય જીવાણુઓનો નાશ થાય છે.

ઉત્સર્જનતંત્ર : તે બસ્તિશોથ અને જીર્ણ પૂયમેહમાં લાભદાયી છે.

ચેતાતંત્ર : તે શિરદર્દ, અંગમર્દ અને વાયુના રોગમાં ઉપયોગી છે.

ત્વચા : તે ત્વગ્દોષોમાં ઉપયોગી છે.

તાપક્રમ : ખાસ કરીને જીર્ણજ્વર અને વિષમજ્વરમાં તેનાં પર્ણોનો ફાંટ અથવા છાયાશુષ્ક પર્ણનું ચૂર્ણ આપવામાં આવે છે.

પ્રયોજ્ય અંગ : પર્ણ, નિર્યાસ, તેલ.

માત્રા : પત્રચૂર્ણ – 1–2 ગ્રા.; ફાંટ – 20–50 મિલી. (પત્રચૂર્ણ 5–10 ગ્રા. 20 ગણા ગરમ પાણીમાં ઉમેરી ફાંટ બનાવવામાં આવે છે.) નિર્યાસ – 1–2 ગ્રા. , તેલ 1–3 ટીપાં.

અન્ય ઉપયોગો : (1) નીલગિરિના બીજનું પ્રોટીન વ્યાપારિક મહત્ત્વ ધરાવે છે. મેદરહિત બીજના ખોળમાં 13.514.2 % જેટલું પ્રોટીન હોય છે. તેનું સંતુલિત ઍમિનૉઍસિડ બંધારણ પ્રાણી-આહારમાં અગત્યનું સંપૂરક (supplement) બની શકે છે. નવ આવશ્યક ઍમિનોઍસિડો પૈકી ઍસાર્ટિક ઍસિડ, ગ્લુટામિક ઍસિડ અને ગ્લાયસિન નોંધપાત્ર પ્રમાણમાં તથા મિથિયૉનિન (0.065 %) અને હિસ્ટિડીન (1.93 %) અલ્પ પ્રમાણમાં હોય છે; જોકે ટ્રિપ્ટોફેન હોતું નથી.

(2) તેના ઇમારતી લાકડા(વજન 897.6 કિગ્રા./ઘમી.)નો ઑસ્ટ્રેલિયામાં વિવિધ હેતુઓસર ઉપયોગ થાય છે. લાંબા કાષ્ઠપટ્ટ(plank)ની પ્રાપ્યતા, કીટકના આક્રમણ સામેની પ્રતિકારકતા અને પાણીમાં તેના ટકાઉપણાને કારણે વહાણ બનાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે અગ્નિ-અવરોધક હોવાથી ગોડાઉન, શેડ, સ્ટેશન અને પ્લૅટફૉર્મ બનાવવામાં વપરાય છે. ભારતમાં તેનો ઉપયોગ બળતણ તરીકે, થોડાક પ્રમાણમાં વાડના થાંભલા બનાવવામાં અને સુથારી કામમાં થાય છે. તે મજબૂત, સ્થિતિસ્થાપક અને ટકાઉ હોય છે; પરંતુ સહેલાઈથી ચિરાઈ જાય છે અને શુષ્ક્ધા થતાં વળી જાય છે. ગાડાં, સુરંગના ટેકાઓ, હાથાઓ, લાકડાનાં પગથિયાં અને સ્લીપરો બનાવવામાં તેનો ઉપયોગ થાય છે.

(3) કાગળનો માવો બનાવવા માટે તેના કાષ્ઠની ઉપયુક્તતા-(suitability)ની કસોટી કરવામાં આવી છે. તે
72.7 % બદામી રંગનો માવો ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ કાર્ડબોર્ડ અને વીંટાળવાના કાગળ બનાવવામાં થાય છે. સલ્ફાઇડ અને સોડાની પ્રક્રિયા દ્વારા સારી ગુણવત્તાવાળો સફેદ માવો મેળવવામાં આવે છે. તેના માવાને સ્પ્રૂસના માવા સાથે મિશ્ર કરીને ઊંચી કક્ષાનો કાગળ બનાવી શકાય છે.

(4) નીલગિરિનાં પર્ણો કે અગ્ર ઉપશાખાઓમાંથી બાષ્પશીલ તેલ બનાવવાનો ગૃહઉદ્યોગ વિકસેલો છે.

બળદેવભાઈ પટેલ

મ. ઝ. શાહ

આદિત્યભાઈ છ. પટેલ