નીલકંઠ, (સર) રમણભાઈ મહીપતરામ

January, 1998

નીલકંઠ, (સર) રમણભાઈ મહીપતરામ (જ. 13 માર્ચ 1868, અમદાવાદ; અ. 6 માર્ચ 1928, અમદાવાદ) : એક પ્રતિભાશાળી ગુજરાતી સર્જક. માતા પાર્વતીકુંવર. માતાપિતાના તેઓ ત્રીજા અને સૌથી નાના પુત્ર. સુધારક અને કેળવણીકાર પિતા મહીપતરામ નીલકંઠના સમાજસુધારો, સાહિત્યપ્રીતિ, પ્રાર્થનાસમાજી ધર્મભાવના અને કેળવણીના સંસ્કારો એમને નાનપણથી જ વારસામાં મળ્યા હતા.

રમણભાઈનો પ્રાથમિક ઉછેર અમદાવાદમાં જ થયો. 1883માં 15 વર્ષની ઉંમરે એમણે મૅટ્રિકની પરીક્ષા અમદાવાદ કેન્દ્રમાં પ્રથમ સ્થાને ઉત્તીર્ણ કરી. 1884માં ગુજરાત કૉલેજમાં ઉચ્ચશિક્ષણ અર્થે દાખલ થયા. અહીં પ્રીવિયસની પરીક્ષામાં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં પ્રવેશ લીધો.

સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ

ત્યાં સુપ્રસિદ્ધ કવિ વર્ડ્ઝવર્થના કાવ્યસિદ્ધાંતનો અને કૉલેજના પ્રિન્સિપાલ વર્ડ્ઝવર્થના અધ્યાપનનો ઊંડો પ્રભાવ રમણભાઈ ઉપર પડ્યો. ગુજરાતી ઍલ્ફિન્સ્ટન સભા સમક્ષ એમણે ત્યારે ‘કવિતાની ઉત્પત્તિ અને સ્વરૂપ’ વિશે એક વ્યાખ્યાન પણ આપેલું.

1887માં રમણભાઈ બી.એ. થયા અને તરત જ તેમણે અમદાવાદના પ્રાર્થનાસમાજના પાક્ષિક મુખપત્ર ‘જ્ઞાનસુધા’નું સંચાલન સંભાળ્યું, જે એમણે 31 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક નિભાવ્યું. 1892માં રમણભાઈ એલએલ.બી. પણ થયા. અદાલતના શિરસ્તેદાર અને સબજજ તરીકે થોડોક વખત કામ કર્યા પછી નોકરીમાંથી રાજીનામું આપી તેમણે વકીલાત શરૂ કરી.

રમણભાઈએ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે, ગુજરાત સાહિત્ય સભાના અગ્રણી કાર્યકર્તા તરીકે, પ્રાર્થનાસમાજના પ્રમુખ તરીકે તેમજ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી તરીકે પોતાની સેવાઓ આપી. 1918માં નડિયાદમાં ભરાયેલી બીજી ગુજરાત સંસારસુધારા પરિષદના તથા 1924માં અહમદનગરમાં ભરાયેલી પ્રાંતિક સંસારસુધારા પરિષદના તેઓ પ્રમુખ બન્યા હતા તો 1926માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે પણ ચૂંટાયા હતા. તે પૂર્વે તેઓ પરિષદના કામમાં મદદરૂપ થતા. રમણભાઈની આ સાર્વજનિક પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને આનંદશંકર ધ્રુવે એમને ‘સકલપુરુષ’ તરીકે ઓળખાવ્યા હતા તેમજ સરકારે તેમને જાન્યુઆરી, 1927માં ‘સર’ના ખિતાબથી નવાજ્યા હતા.

એક સર્જક તરીકે રમણભાઈ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. નાટ્યકાર, નિબંધકાર, નવલકથાકાર, હાસ્યકાર, વિવેચક, ચિંતક અને કવિ તરીકે એમણે ગુજરાતી સાહિત્યને કેટલુંક યશસ્વી પ્રદાન કર્યું છે. એમનું પહેલું પુસ્તક ‘વિવાહવિધિ’ હતું.

‘રાઈનો પર્વત’ જેવું શિષ્ટ નાટક 1914માં રમણભાઈએ મણિલાલ દ્વિવેદીના ‘કાન્તા’ નાટકથી પ્રભાવિત થઈને લખ્યું. ભવાઈમાં લાલજી મણિયારના વેશમાં આવતા દોહરાના ઉદ્દેશને કેન્દ્રમાં રાખીને, તે વેશના જ વસ્તુ ઉપરથી પ્રેરિત આ નાટકની રમણભાઈએ રચના કરી. ભવાઈવેશના કથાનકમાં ફેરફારો કરી, પોતાની ધર્મવિચારણાને અનુરૂપ રહી, વિધવાલગ્નની વાત ગૂંથી લઈ, નાટ્યોચિત બને એ રીતે રમણભાઈએ આ નાટકની વસ્તુસંકલના કરી. સાથે પાત્રનિરૂપણ પણ પોતાની રીતે કર્યું. મૂળના ચમત્કારી અંશો દૂર કર્યા. નીતિનિષ્ઠા અને નીતિવિજય દર્શાવવાના મુખ્ય પ્રયોજનને ધ્યાનમાં રાખીને રમણભાઈએ રાઈના પાત્રનું અને સમગ્ર નાટકનું નિર્માણ કર્યું.

આ નાટકના સર્જનમાં રમણભાઈએ સંસ્કૃત અને શેક્સપિયરશાઈ – બંને નાટ્યપદ્ધતિઓનો સમન્વય કર્યો છે. નાટકનું સાત અંકોમાં વિભાજન, પ્રવેશયોજના, રંગનિર્દેશ, નાટ્યાંતર્ગત કાવ્યો, પાત્રોના પ્રવેશ-નિષ્ક્રમ, વિદૂષક જેવું વંજુલનું પાત્ર, નાટકનો સુખાંત – આ બધું સંસ્કૃત નાટ્યપદ્ધતિને અનુસરે છે; જ્યારે નાટ્ય-આરંભે નાન્દી તેમજ સૂત્રધારનો અભાવ, પ્રસંગનો થતો સીધો ઉપાડ, આરંભના પ્રસંગ-ધક્કાથી ગતિમાન બનતી અનુગામી ઘટનાઓ, રાઈ, જાલકા આદિનાં પાત્રનિરૂપણો, રાઈનો આંતરસંઘર્ષ, રાઈની સ્વગતોક્તિઓ વગેરે શેક્સપિયરશાઈ નાટ્યપદ્ધતિનાં છે. ‘રાઈનો પર્વત’ એક શિષ્ટ નાટ્યકૃતિ તરીકે ચિરંજીવ છે.

‘ભદ્રંભદ્ર’ (1900) ગુજરાતી ભાષાની સૌપ્રથમ સળંગ હાસ્યરસિક નવલકથા છે. આ નવલકથાની યોજના પ્રાચીન-સંરક્ષક-મતવાદીઓની રૂઢિચુસ્તતા અને તેમના સંસ્કૃતમય ભાષાપ્રયોગ ઉપર કટાક્ષ કરવા માટે રમણભાઈએ કરી હતી.

ભદ્રંભદ્ર આ નવલકથાનું મુખ્ય પાત્ર છે. ભદ્રંભદ્ર અને અંબારામ પ્રાચીનમતવાદીઓના પ્રતિનિધિ સમા આલેખાયા છે. આડંબરી સંસ્કૃતમય ભાષાના અતિરેકમાં, પ્રાચીન સંસ્કૃતિ વિશે વ્યાખ્યાન આપવાના અત્યુત્સાહમાં ભદ્રંભદ્ર ઠેરઠેર હાંસીપાત્ર બને છે, માર ખાય છે અને મૂર્ખ ઠરે છે.

રમણભાઈએ પ્રાચીનમતવાદીઓની ઠેકડી ઉડાડવાના પ્રયોજનમાં મણિલાલ નભુભાઈ અને મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠી જેવી કેટલીક વ્યક્તિઓને લક્ષ્ય કરી છે, તેથી જ આ રચના તે જમાનામાં આનંદશંકર ધ્રુવ જેવા સૌમ્ય વિવેચકની ઉગ્ર ટીકાનો ભોગ બની હતી.

આ નવલકથામાં રમણભાઈએ હાસ્યરસના તમામ પ્રકારો નર્મ, મર્મ, ઉપહાસ, કટાક્ષ, વ્યંગ વગેરેને અજમાવ્યા છે. લેખકની સાહજિક હાસ્યશક્તિનો ઉત્તમ આવિર્ભાવ અહીં જોવા મળે છે. વંદાના વધ બાબતે કોર્ટમાં ચાલેલો મુકદ્દમો કે ભદ્રંભદ્રનું મુંબઈપ્રયાણ જેવા પ્રસંગોને રમણભાઈએ સર્વભોગ્ય વિનોદનું આલંબન બનાવી હાસ્યની છોળો ઉડાવી છે. ‘ભદ્રંભદ્ર’માં સાંભળવા મળતી સંસ્કૃતપ્રચુર ભાષા, મારવાડી તેમજ હિંદીમિશ્ર ગુજરાતી બોલી પણ હાસ્યરસની જમાવટ કરે છે. પહેલી હાસ્યરસિક નવલકથા લેખે આ કૃતિનું ઐતિહાસિક મૂલ્ય વિશેષ છે અને ભદ્રંભદ્ર શબ્દ એ સમગ્ર ગુજરાતમાં પ્રાચીનજડ વ્યક્તિત્વવાળા માણસ માટેનો પર્યાય બની ગયો છે.

‘હાસ્યમંદિર’ (1915) એ પત્ની વિદ્યાગૌરીના સહયોગમાં રચાયેલ હાસ્યનિબંધોનો ગ્રંથ છે. ક્યાંક આ નિબંધો કથનાત્મક અને ચિત્રાત્મક પણ બન્યા છે. આ ગ્રંથમાંની ‘ચિઠ્ઠી’ રચના એમની ખૂબ જાણીતી બનેલી હાસ્ય-નિબંધિકા છે. ગ્રંથારંભે મુકાયેલો હાસ્ય-રસની વિશદ છણાવટ કરતો સુદીર્ઘ લેખ રમણભાઈના આ વિશેના ઊંડા અભ્યાસનો નિર્દેશક છે.

‘શોધમાં’ એ રમણભાઈની વ્યંગ-કટાક્ષપૂર્ણ અધૂરી રહેલી હાસ્યકથા છે. એમાં લેભાગુ કવિઓ, તંત્રીઓ અને દેશી રાજ્યોમાંના અંધેર પર કટાક્ષ છે. અહીં વિનોદ ઊતરતી કક્ષાનો છે.

રમણભાઈ મુખ્યત્વે પાશ્ચાત્ય સાહિત્યના અને પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના અભ્યાસી હોઈ એના પ્રભાવ નીચે એમણે લખેલા વિવેચનલેખો ‘કવિતા અને સાહિત્ય’ના (1 થી 4) ગ્રંથોમાં સંગૃહીત થયા છે. એમાં કાવ્યતત્વચર્ચા, ગ્રંથાવલોકનો, ભાષાશાસ્ત્રીય લખાણો, વ્યાખ્યાનો વગેરેનો સમાવેશ થાય છે. ‘કવિતા’, ‘કવિતાની ઉત્પત્તિ’, ‘રાગધ્વનિ-કાવ્યનું સ્વરૂપ’, ‘સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક કવિતા’, ‘વૃત્તિમય ભાવાભાસ’ જેવા લેખોમાં એમણે અભ્યાસપૂર્ણ સાહિત્યતત્વવિચાર કર્યો છે. સર્વાનુભવરસિક કવિતા કરતાં સ્વાનુભવરસિક કવિતાને એમણે ચડિયાતી ગણી છે.

‘રાઈનો પર્વત’  અંતર્ગત કવિતા ઉપરાંત ‘રેખાશૂન્યતા’, ‘પ્રભુમય જીવન’, ‘ઈશ્વરેચ્છા’ જેવાં કાવ્યોમાં કવિની ઈશ્વરશ્રદ્ધા અને સૂક્ષ્મ રસિકતા જોવા મળે છે.

રમણભાઈએ પ્રાર્થનાસમાજના ઉપક્રમે આપેલાં વ્યાખ્યાનો તેમજ સમાજસુધારાની સંસ્થાઓ કે પરિષદોના પ્રમુખસ્થાનેથી આપેલાં વ્યાખ્યાનો ‘ધર્મ અને સમાજ’ ભાગ 1-2માં ગ્રંથસ્થ થયાં છે. નીતિ-પરાયણતા, નીતિવિજય, પુનર્જન્મનો અને મૂર્તિપૂજાનો વિરોધ જેવી વિચારસરણીનો એમણે પુરસ્કાર કર્યો છે. કેટલાંક લખાણો મણિલાલ સાથેનાં ચર્ચા-વિવાદને નિમિત્તે પણ થયાં છે જેમાં અદ્વૈત વેદાંતનો વિરોધ જોવા મળે છે. ‘સંસારસુધારાની પદ્ધતિઓ’ એ એમનું સમાજલક્ષી મનનીય વ્યાખ્યાન છે. આ વિષયમાં રમણભાઈ ઉપર મિલના વ્યક્તિસ્વાતંત્ર્યવાદ અને સમાનતાવાદની પ્રબળ અસર જોવા મળે છે.

કાન્તિલાલ શાહ