નિર્દેશક જીવાવશેષ (index fossil)

January, 1998

નિર્દેશક જીવાવશેષ (index fossil) : ખડકસ્તરોનું વયનિર્ધારણ સૂચવતા જીવાવશેષો. દુનિયાના દૂરદૂરના પ્રદેશોમાં રચાયેલા સ્તરોનો સહસંબંધ (correlation) તે તે સ્તરોમાં જળવાયેલા જીવાવશેષોના પ્રકાર અને પ્રમાણ પરથી નક્કી થાય છે. બધા જ જીવાવશેષો વયનિર્ધારણ માટે ઉપયોગી નીવડતા નથી. કેટલાક જીવાવશેષો અનુકૂળ સંજોગો મળી રહે તો લાંબા કાળ સુધી, તો કેટલાક પ્રાપ્ત સંજોગો મુજબ અમુક મર્યાદિત ભૂસ્તરીય સમય પૂરતા જ ટકી શકે છે. જેની દ્વારા ચોક્કસ ભૂસ્તરીય કાળગાળાનું નિર્ધારણ કરી શકાય તે પ્રકારના જીવાવશેષને નિર્દેશક જીવાવશેષ કહી શકાય. કોઈ પણ એક કે અમુક ચોક્કસ સામૂહિક સ્તરવિભાગ પૂરતા મર્યાદિત રહેતા પણ તેમાં વિપુલ ઉપલબ્ધિવાળા હોય એવા જીવાવશેષ પ્રકારને વિભાગીય જીવાવશેષ (zone fossil) કહેવાય. નિર્દેશક જીવાવશેષ માટેનો આ સમાનાર્થી પર્યાય છે. આવો સ્તરવિભાગ જીવસ્તરીય વિભાગ (biostratigraphic zone) તરીકે ઓળખાય છે. આ પ્રકારના જીવાવશેષ સામાન્ય રીતે દરિયાઈ ઉત્પત્તિજન્ય હોય છે. આ કારણોથી જ તો તેમનો ખડકસ્તરોના ભૂસ્તરીય વયનિર્ધારણ માટે ઉપયોગ થાય છે. નિર્દેશક કે વિભાગીય જીવાવશેષ કહેવા માટે જે તે જીવાવશેષમાં આ લક્ષણો હોવાં જરૂરી છે : 1. મર્યાદિત ભૂસ્તરીય કાળગાળો. 2. ઝડપી વિતરણક્ષમતા. 3. સંખ્યાવૃદ્ધિ. 4. ક્ષૈતિજ સ્તરવિભાગીય વિતરણ. 5. ટકી રહેવાની ક્ષમતા. 6. ચોક્કસ પરખલક્ષણો.

એકમેકથી દૂર મળતા સ્તરોના સહસંબંધ માટે વાસ્તવમાં તો અમુક ચોક્કસ જીવાવશેષ દુનિયાના બધા જ ભાગોના તે સમયના સ્તરોમાં મળવા અશક્ય છે, કારણ કે તેમની રચના માટે બધે જ એક પ્રકારની સ્થિતિ હોતી નથી, એક જ પ્રકારનો નિક્ષેપ મળી રહેતો નથી કે એક જ પ્રકારના જીવાવશેષો પણ હોતા નથી. તેથી કોઈ પણ એક ભૂસ્તરીય કાળગાળાના એક સ્થળના રેતીખડકમાં અને અન્ય કોઈ સ્થળના ચૂનાખડકમાં સમકક્ષ જીવાવશેષ હોવાનું જરૂરી બની રહે છે. લાંબા કાળગાળા માટે ટકી રહેતા જીવાવશેષો (કાયમી જીવાવશેષ  persistant fossil) આ માટે ઉપયોગી નીવડી શકે જ નહિ; માત્ર ટૂંકા સમયગાળા પૂરતા સ્તરમર્યાદિત રહેતા જીવાવશેષો જ સહસંબંધસ્થાપન માટે લેવા પડે. આવા જીવાવશેષો દોરવણીરૂપ બની રહેતા હોવાથી તેમને દોરવણીદર્શક જીવાવશેષ (guide fossil) પણ કહેવાય છે.

વિભાગીય જીવાવશેષ : બે અલગ જીવાવશેષો 1 અને 2નું ક્ષૈતિજ તથા ઊર્ધ્વ વિતરણ.

કૅમ્બ્રિયન-ઓર્ડૉવિસિયન માટે ત્રિખંડી, ઓર્ડૉવિસિયન-સાઇલ્યુરિયન માટે ગ્રૅપ્ટોલાઇટ, ડેવૉનિયન માટે માછલી, કાર્બૉનિફેરસ-પર્મિયન માટે અમુક ચોક્કસ પ્રકારની વનસ્પતિ, મધ્યજીવયુગ માટે સરીસૃપો કે ઍમોનાઇટ નિર્દેશક જીવાવશેષો ગણાય છે. તૃતીય જીવયુગના જુદા જુદા કાલખંડો માટે અમુક પૃષ્ઠવંશીઓ, તેમનાં અસ્થિ કે દાંત પરથી તેમનું સ્તરવિભાગીકરણ થઈ શકે છે.

આમ નિર્દેશક જીવાવશેષો દ્વારા વયનિર્ધારણ ઉપરાંત, તે તે સમયગાળાની ભૂપૃષ્ઠ કે દરિયાઈ પરિસ્થિતિ, આબોહવા જેવા પ્રવર્તમાન સંજોગોનો પણ આબેહૂબ ખ્યાલ મેળવી શકાય છે. તે પ્રાણી કે વનસ્પતિ-પ્રકારો કેટલું ટક્યાં કે વિલુપ્ત થયાં, સ્થાળાંતર થયું કે ઉત્ક્રાંતિ થતી ગઈ વગેરે બાબતોનો પણ તાગ મેળવી શકાય છે. (વધુ માહિતી માટે જુઓ : જીવાવશેષ.)

ગિરીશભાઈ પંડ્યા