નિરાલા (સૂર્યકાંત ત્રિપાઠી)

January, 1998

નિરાલા (સૂર્યકાંત ત્રિપાઠી) (. 21 ફેબ્રુઆરી, 1896  મહિષાદલ, મેદનીપુર સ્ટેટ, બંગાળ; . 15 ઑક્ટોબર, 1961, અલ્લાહાબાદ) : પ્રસિદ્ધ આધુનિક હિંદી કવિ.

વતન તો ઉત્તર ભારતનું ગઢાકોલા ગામ, પણ જન્મ અને ઉછેર બંગાળમાં હોવાના કારણે નિરાલાએ આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા બંગાળી ભાષામાં લખેલી. ઘરમાં હિંદીની બૈસવાડી બોલી બોલાતી. ખડી બોલી હિંદી, પત્ની મનોહરાદેવીની પ્રેરણાથી અને ‘સરસ્વતી’ તથા ‘મર્યાદા’ સામયિક વાંચીને, બંગાળી-અંગ્રેજી વ્યાકરણ દ્વારા શીખેલા.

નિરાલાનું જીવન આરંભથી અભાવો અને સંઘર્ષોથી ગ્રસ્ત રહ્યું. ત્રણ વર્ષની ઉંમરે માતાનું અવસાન થયું. સ્ટેટમાં સિપાઈની નોકરી કરતા પિતા રામસહાય પાસેથી હેતને બદલે હંમેશાં કઠોર અનુશાસન મળતું. એક વાર વેશ્યાના છોકરાના હાથનું પાણી પીવાના ગુનાસર પિતાએ પુત્રને એટલું ફટકાર્યો કે એ બેભાન થઈ ગયેલો. શાળા સુધી શિક્ષણ લીધું. સાહિત્ય ઉપરાંત સંગીત, રમતગમત, કુસ્તી, કસરતમાં ખૂબ રસ. ઊંચો પહોંચતો પઠાણી બાંધો, હજારોની ભીડમાં નોખું તરી આવતું આકર્ષક વ્યક્તિત્વ. ચૌદમે વર્ષે લગ્ન થયું અને એકવીસમે વર્ષે વિધુર થયા. પત્નીને આજીવન ભૂલી ન શક્યા. સાસુનો આગ્રહ છતાં ફરી લગ્ન ન કર્યાં. કલાકો ડલમઉના સ્મશાનમાં રાખ ફંફોસ્યા કરતા. રોગચાળામાં પિતા, કાકા, પિતરાઈ ભાઈ-ભાભી બધાં ગયાં. ચાર ભત્રીજા અને પોતાનાં બે સંતાન–પુત્ર રામકૃષ્ણ અને પુત્રી સરોજ–નો ભાર આવી પડ્યો.

નિરાલા

થોડો સમય મહિષાદલ સ્ટેટમાં નોકરી કરી, પણ મતભેદ થતાં છોડી દીધી. કૉલકાતા ગયા અને રામકૃષ્ણ મિશનના સામયિક ‘સમન્વય’માં માંડ માંડ નોકરી મળી. નિરાલા પર પહેલેથી જ રવીન્દ્રનાથ અને વિવેકાનંદનો પ્રભાવ હતો. સ્વામી શારદાનંદ અને પ્રેમાનંદના દાર્શનિક વિચારોથી પ્રેરાઈ દાર્શનિક લેખો લખ્યા. આ પૂર્વે ‘હિંદી-બંગલા કા તુલનાત્મક વ્યાકરણ’ છપાયેલું. રવીન્દ્રનાથની કવિતાના છંદોબદ્ધ અનુવાદ કરેલા. 1923માં ‘મતવાલા’ સામયિકના સંપાદકમંડળમાં જોડાયા. પહેલા અંકમાં રક્ષાબંધન પર કવિતા છપાઈ અને મતવાલાના પ્રાસમાં ‘નિરાલા’ ઉપનામ ધારણ કર્યું.

નિરાલા સતત સ્વજનોના મૃત્યુના આઘાત, મોટી મોટી માંદગીઓ અને આર્થિક અભાવ સહેતા રહ્યા. અત્યંત સ્વાભિમાની અને નીડર નિરાલાએ ક્યારેય કોઈ સમાધાન ન કર્યું, બલકે જડ જીર્ણ રૂઢિઓનો કટ્ટર વિરોધ કર્યો. દીકરાના લગ્નમાં દહેજ તો ન જ લીધું; ઊલટું કન્યાપક્ષનો ખર્ચ પણ ઉપાડ્યો. પોતે ગોર બનીને સાદાઈથી દીકરીનાં લગ્ન કરાવ્યાં. નેતા, સત્તા અને સંપત્તિની ધાક એમણે ક્યારેય સ્વીકારી નહિ. કેટલાક લોકો તેમને ઉદ્દંડ માનતા, પણ સાહિત્ય અને હિંદી ભાષાની ઉપેક્ષા એ સહેજ પણ સહી ન શકતા. અત્યંત સંવેદનશીલતા અને કઠોર વાસ્તવ વચ્ચે રહેંસાતા નિરાલા અંતસમયે કંઈક વિક્ષિપ્ત થઈ ગયેલા.

1916માં ‘જૂહી કી કલી’ કવિતા સાથે એક વિદ્રોહી મુદ્રામાં નિરાલાએ છાયાવાદી યુગમાં પ્રવેશ કર્યો. જૂઈની કળી નિમિત્તે ઉન્મુક્ત પ્રણયકેલિનાં ચિત્રોને મુક્તછંદમાં રજૂ કરતી આ કવિતા તત્કાલીન સાહિત્યજગતમાં એક પડકાર બનીને આવી. પરંપરાગત છંદોબદ્ધતાના બંધનને ફગાવતાં નિરાલાએ લખ્યું, ‘ભાવોની મુક્તિ છંદોની પણ મુક્તિ ઝંખે છે.’ આ કદાચ એ યુગની સ્વાતંત્ર્યઝંખનાની એક આગવી અભિવ્યક્તિ હતી. ભાવ, ભાષા અને છંદ ત્રણેય ક્ષેત્રે નિરાલા ગતાનુગતિકતાનો વિરોધ કરતા રહ્યા. પરિણામે, શરૂઆતમાં એમને સાહિત્ય-જગતનો વિરોધ અને ઉપેક્ષા સહેવાં પડ્યાં. એમના મહત્વના કાવ્યસંગ્રહોમાં ‘અનામિકા’, ‘પરિમલ’, ‘આરાધના’, ‘ગીતિકા’, ‘તુલસીદાસ’, ‘રામ કી શક્તિપૂજા’, ‘અણિમા’, ‘અર્ચના’, ‘કુકુરમુત્તા’, ‘ગર્મ પકોડી’, ‘પ્રેમસંગીત’, ‘રાની ઔર કાની’, ‘ખજોહરા’, ‘માસ્કો ડાયલાગ્સ’ અને ‘નયે પત્તે’ છે.

નિરાલાએ પ્રવેશ છાયાવાદયુગમાં કર્યો, પણ એ કોઈ એક પ્રવૃત્તિમાં બંધાઈને ન રહ્યા. પછીથી પ્રગતિવાદી વિચારધારાથી આકર્ષાયા. વળી કાવ્યરીતિ તો પહેલેથી જ પ્રયોગશીલ રહી. નિરાલાની કવિતામાં ભાવ, વિચાર, ભાષા અને સ્વરૂપનું અપાર વૈવિધ્ય છે. એમાં પ્રેમ, પ્રકૃતિ, સૌંદર્યનાં ઋજુ કોમળ સંવેદનો, વિદ્રોહ અને ક્રાંતિના ઓજસ્વી સ્વરો, આધ્યાત્મિક રહસ્યવાદ અને જીવનનું કઠોર વાસ્તવ છે. ક્યાંક ભાવોચ્છવાસની ઉત્ફુલ્લતા, વ્યથાની ગહનતા, પ્રાર્થનાની સમર્પણશીલતા, શોક-સંતપ્તિ છે તો ક્યાંક હાસ્ય અને વ્યંગ છે. છાયાવાદી કવિઓમાં નિરાલામાં વિશેષ બૌદ્ધિકતા જોવા મળે છે.

છાયાવાદમાં ગીત અને ઊર્મિકવિતાનું પ્રાધાન્ય છે. નિરાલાની પરિણીત પુત્રી સરોજના અકાળ અવસાન નિમિત્તે લખેલું કાવ્ય ‘સરોજસ્મૃતિ’ હિંદીનું સર્વશ્રેષ્ઠ શોકપ્રશસ્તિકાવ્ય છે. ‘તુલસીદાસ’ અને ‘રામ કી શક્તિપૂજા’ પ્રબંધકાવ્યો છે. ‘તુલસીદાસ’માં રામાયણના રચયિતા તુલસીના ચરિત્ર દ્વારા કવિ ભારતીય પરંપરાનાં ગૌરવપૂર્ણ મૂલ્યોની પ્રતિષ્ઠા કરે છે. નિરાલાના તુલસીને ભારતના સાંસ્કૃતિક હ્રાસના પુનરુદ્ધારક થવાની પ્રેરણા પત્ની રત્નાવલી નહિ, પ્રકૃતિ આપે છે. વ્યક્તિગત સુખ અને જીવનનાં મહાન મૂલ્યોના સંઘર્ષ દ્વારા કવિ ઉદાત્ત મૂલ્યોનો વિજય નિરૂપે છે. ‘રામ કી શક્તિપૂજા’માં રામ ધર્મનું અને રાવણ અધર્મનું પ્રતીક છે. રામ-રાવણના યુદ્ધમાં રામ એક સમયે ક્ષુબ્ધ થઈ જાય છે. પછી યુગાનુરૂપ સાંસ્કૃતિક આદર્શોના પૂજન દ્વારા રામ શક્તિનું આહવાન કરી અધર્મનો નાશ કરે છે. નિરાલાનાં પ્રકૃતિ અને પ્રેમના વિવિધ ભાવોનાં ગીતોની સંગીતાત્મકતા આજેય રસિકોને આકર્ષે છે.

શરૂઆતના ગાળામાં નિરાલાની કાવ્યભાષામાં સંસ્કૃતપ્રચુરતા અને સામાસિકતા જોવા મળે છે, પરંતુ આગળ જતાં એમાં સરળતા અને સ્વાભાવિકતા ભળે છે. નિરાલાના પાછલા કાવ્યસંગ્રહોમાં લોકાભિમુખતાના રૂપમાં પ્રગતિવાદી દૃષ્ટિ છે. ‘કુકુરમુત્તા’ એટલે કે બિલાડીના ટોપને નિમ્નવર્ગ અને નવાબના બગીચાના ‘ગુલાબ’ને પૂંજીવાદીના પ્રતીક રૂપે આલેખ્યાં છે. લોકકથા અને સંવાદની શૈલીનાં કાવ્યોમાં લોકજીવનનાં ભાવ, દૃશ્ય અને ભાષા ઝિલાયાં છે.

નિરાલા માટે લેખન જ આજીવિકાનું સાધન હતું. એમણે ‘અપ્સરા’, ‘અલકા’, ‘પ્રભાવતી’ અને ‘નિરુપમા’ જેવી નવલકથાઓમાં રોમૅન્ટિક પ્રેમકથાઓ આલેખી છે. ‘લિલી’, ‘ચતુરી ચમાર’, ‘સુકુલ કી બીવી’ અને ‘સખી કી કહાનિયાં’ વગેરે નવલિકાસંગ્રહો મળે છે. ‘કુલ્લીભાટ’ અને ‘બિલ્લેસુર બકરિહા’ ગદ્ય-સંગ્રહોમાં વ્યંગકાર નિરાલાનો પરિચય થાય છે. સુમિત્રાનંદન પંતના ‘પલ્લવ’ કાવ્યસંગ્રહના વિવેચન ઉપરાંત કવિતાની ભાષા, છંદ, પ્રાસ, લય, સાર્વદેશિકતા, સ્થાનીયતા જેવા વિષયો પર લખી ભાવિ કવિતા અને વિવેચનને તેમણે દિશા ચીંધી. વિદ્રોહનો સ્વર લઈને આવેલા નિરાલા આધુનિક હિન્દી સાહિત્યના પ્રણેતા રૂપે ચિરસ્મરણીય બન્યા છે.

બિંદુ ભટ્ટ