નાયક, પુંડલિક નારાયણ

January, 1998

નાયક, પુંડલિક નારાયણ (. 21 એપ્રિલ 1952, વળવઈ, તા. પોન્ડા, ગોવા) : કોંકણીના કવિ, નાટકકાર. માછીમાર કુટુંબમાં જન્મ. માધ્યમિક શિક્ષકની નોકરી કરતાં કરતાં સ્નાતક સુધીનું શિક્ષણ લીધું. પણજી ખાતે ઑલ ઇન્ડિયા રેડિયોમાં કામ કર્યું. 1984માં પૂર્ણ સમયના લેખક બન્યા. એમનાં પત્ની હેમા નાયક પણ લેખિકા છે. ‘રાનસુંદરી’ નામની ગીતકથાને ગોવા કલા અકાદમીનો બાલસાહિત્યનો પ્રથમ પુરસ્કાર મળ્યો તેમજ કોંકણી ભાષા મંડળનો નહેરુ પુરસ્કાર પણ મળ્યો. તેવી જ રીતે નાટ્યક્ષેત્રે ‘ખણ ખણ માતી’ નામના એમના ત્રિઅંકી નાટકને ગોવા કલા અકાદમીનો પ્રથમ પુરસ્કાર મળ્યો. 2002થી ગોવા કોંકણી અકાદમીના પ્રમુખ છે.

સાહિત્યમાં એમનું વલણ ક્રાન્તિકારીનું છે. એથી પ્રચલિત નીતિસિદ્ધાંતોનો તે એમની રચનાઓ દ્વારા પ્રબળ વિરોધ કરે છે. એમણે લખેલ નાટક, નવલકથા, નવલિકા વગેરેમાં દલિતપીડિત પ્રત્યેની ઊંડી અનુકંપાનો તથા સ્થાપિત હિતોનો વિરોધનો અને મૂડીવાદીઓની શોષણનીતિ પ્રત્યેની ઘૃણાનો સૂર બુલંદ અવાજે ગાજતો રાખ્યો છે. આ ઉપરાંત કોંકણપ્રદેશની પ્રાકૃતિક સુંદરતા તથા વિશેષતાનું નિરૂપણ પણ હૃદ્ય રીતે એમણે કર્યું છે. અત્યાર સુધી એમનાં ચાર નાટકો, ત્રણ એકાંકીસંગ્રહો, ત્રણ નવલકથાઓ તથા અનેક કાવ્યો પ્રસિદ્ધ થયાં છે. એમની ‘આછેવ’ (1977) નોંધપાત્ર કોંકણી નવલકથા છે.

1984માં તેમની કૃતિ ‘ચૌરંગ’ને સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. 2010માં ગોમંત શારદા પુરસ્કારથી સન્માનિત થયા છે. એમને નાટ્યલેખક તરીકે ઑલ ઇન્ડિયા રેડિયો ઍવૉર્ડ (1986-87) મળ્યો છે. બાળકો માટે નાટક લખવા માટે ગોવાની સરકારે 1975માં ઍવૉર્ડ આપ્યો હતો. એમને કોંકણી ભાષા મંડળ પારિતોષિક મળ્યું છે. ભારતીય રંગભૂમિ સંદર્ભે નાટ્યલેખકનો ઍવૉર્ડ એમને સંગીત નાટક અકાદમી તરફથી મળ્યો છે.

કોંકણી-મરાઠીના ભાષાવિજ્ઞાનના વિવાદમાં એમણે મહત્વની ભૂમિકા અદા કરી હતી.

યશવંત કેળકર