નાગાર્જુન (. 30 જૂન 1911, સતલાખા વિલેજ મધુબની, બિહાર; . 5 નવેમ્બર 1998, ખ્વાજા સરાઈ દરભંગા, બિહાર) : મૈથિલી અને હિંદીના પ્રગતિવાદી સાહિત્યકાર. મૂળ નામ બૈજનાથ મિશ્ર. મૈથિલી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ક્યારેક સ્વાધ્યાય અર્થે તો ક્યારેક આજીવિકા અર્થે પંજાબ, રાજસ્થાન, ગુજરાત, કાઠિયાવાડ, સિંધ, હિમાચલ પ્રદેશ, બંગાળ, તિબેટ અને છેક લંકા સુધી ફરતા રહ્યા. અઢારમે વર્ષે અપરાજિતાદેવી સાથે લગ્ન થયાં. પદ્ધતિસરના શિક્ષણને બદલે બનારસ અને કૉલકાતામાં સંસ્કૃત, હિંદી, પાલિ અને પ્રાકૃતનું અધ્યયન સ્વબલે કર્યું. સંસ્કૃતમાં કવિતા, પાદપૂર્તિ લખી ક્યારેક શિષ્યવૃત્તિ મેળવી તો કયારેક શિક્ષણસંસ્થામાં પ્રવેશ. પાલિ શીખવા માટે શ્રીલંકાના કોલંબો મુકામે બે વર્ષ રહ્યા. પોતે પાલિ શીખ્યા તેના બદલામાં ત્યાં ભિક્ષુઓને સંસ્કૃત શીખવ્યું. ત્યાં તેમણે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ ‘નાગાર્જુન’ નામ ધારણ કર્યું. આ સમયમાં (1936) એમણે માર્કસવાદની દીક્ષા પણ લીધી.

નાગાર્જુનના વ્યક્તિત્વમાં એક જન્મજાત વિદ્રોહી રહેલો છે. ભિક્ષુ બનીને તથાકથિત ચીવરધારી સંન્યસ્તને પણ પડકારી ગૃહસ્થધર્મ બજાવ્યો. માર્કસવાદી પાર્ટીના કાર્યકર તરીકે ખેડૂતો અને શ્રમિકોના આંદોલનમાં ભાગ લીધો, નેતૃત્વ લીધું અને જેલવાસ પણ વેઠ્યો; પરંતુ જ્યારે ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે વિરોધમાં માર્કસવાદી પક્ષનો ત્યાગ કર્યો. 1974માં જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં સમગ્ર ક્રાંતિ આંદોલનમાં જેલ સ્વીકારી; પણ બહાર આવ્યા પછી જયપ્રકાશ સાથે વિચારભેદ થતાં એમના વિરોધમાં કવિતા પણ લખી. નાગાર્જુનની મૂળ અને એકમાત્ર નિસબત છે સામાન્ય જન. સામાન્ય માણસનો જીવવાનો પણ હક ઝૂંટવતી દરેક ભ્રષ્ટશક્તિના તેઓ વિરોધી હતા.

નાગાર્જુન એક એવા સાહિત્યકાર હતા, જેમનો જીવનધર્મ અને શબ્દૃધર્મ એક હતો. એમની પ્રગતિવાદી જીવનદૃષ્ટિ એમની કવિતા અને નવલકથામાં પ્રતિબિંબિત થઈ છે. એમની પહેલી મૈથિલી કવિતા 1930માં ‘મિથિલા’ સામયિકમાં છપાઈ હતી. તેઓ ‘યાત્રી’ અને ‘વૈદેહ’ ઉપનામથી મૈથિલી ભાષામાં લખતા રહ્યા. 1968માં મૈથિલી કવિતાસંગ્રહ ‘પત્રહીન નગ્ન ગાછ’ કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયો. સંસ્કૃત અને બંગાળીમાં પણ કાવ્યરચના કરી. 1935માં ‘વિશ્વબંધુ’ સાપ્તાહિકમાં એમની પહેલી હિંદી કવિતા ‘રામ કે પ્રતિ’ પ્રકાશિત થઈ. એમની હિંદી રચનાઓ માટે મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની સરકારે અનુક્રમે મૈથિલીશરણ ગુપ્ત સમ્માન અને ભારતભારતી પુરસ્કાર આપ્યો હતો.

નાગાર્જુનના લગભગ પંદરેક કાવ્ય-સંગ્રહો મળે છે : ‘યુગધારા’, ‘પ્યાસી પથરાઇ આંખેં’, ‘સતરંગે પંખોંવાલી’, ‘ખૂન ઔર શોલે’, ‘પ્રેત કા બયાન’, ‘ચના જોર ગરમ ઔર અબ તો બંદ કરો હે દેવી યહ ચુનાવ કા પ્રહસન’, ‘ખિચડી વિપ્લવ દેખા હમ ને’, ‘હજાર-હજાર બાંહોંવાલી’, ‘તુમ ને કહા થા’, ‘ઇસ ગુબ્બારે કી છાયા મેં’, ‘પુરાની જૂતિયોં કા કોરસ’ અને ‘રત્નગર્ભ’. ‘ભસ્માંકુર’ તથા ‘ભૂમિજા’ પ્રબંધ-રચનાઓ છે, જેમાં ક્રમશ: કામદહન પ્રસંગ અને સીતાવનવાસ પ્રસંગનું આધુનિક સંદર્ભમાં નિરૂપણ છે.

નાગાર્જુનની કવિતામાં પ્રગતિવાદી ચેતનામાં રસાઈને પ્રેમ, પ્રકૃતિ, સમાજ, રાજનીતિ અને રાષ્ટ્રીયતા જેવા વિષયો આવે છે. સમાજની વિષમતા, ધાર્મિક જડતા, રાજનૈતિક અમાનવીયતા અને આર્થિક શોષણની અસમાનતાને કવિ ક્યારેક વ્યંગ, કટાક્ષ કે વિડંબન દ્વારા તો ક્યારેક વિદ્રોહ અને આક્રોશ દ્વારા માર્મિક અભિવ્યક્તિ આપે છે. નાગાર્જુનની કવિતા છંદોબદ્ધ હોય કે છંદમુક્ત એ ભાવક સાથે સીધો સંવાદ રચે છે.

1954માં ‘મૈલા આંચલ’ દ્વારા ફણીશ્વરનાથ રેણુએ આંચલિક (જાનપદી) નવલકથાના પ્રારંભની ઘોષણા કરી એ પૂર્વે નાગાર્જુને 1948માં ‘રતિનાથ કી ચાચી’ લખીને એના શ્રીગણેશ માંડ્યા હતા. પછી તો ‘બલચનમા’, ‘બાબા બટેશ્વરનાથ’, ‘દુખમોચન’, ‘વરુણ કે બેટે’, ‘નઇ પૌધ’, ‘કુંભીપાક’, ‘હીરક જયંતી’, ‘ઉગ્રતારા’, ‘ઇમરતિયા’ અને ‘પારો’માં મિથિલા જનપદને સાક્ષાત્ રજૂ કર્યું.

બિહારના મિથિલા જનપદના ગ્રામજીવનની સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક સમસ્યાઓને આધાર બનાવીને નવલકથાકાર સામાન્ય જનની વેદનાને વાચા આપે છે. નવનિર્માણ, વિદ્રોહ અને ક્રાંતિની ચેતના દ્વારા ગ્રામોત્થાનનું સ્વપ્ન સાકાર કરવાની દિશા પણ ચીંધે છે.

કવિતા અને નવલકથા ઉપરાંત ‘આસમાન મેં ચંદા તો’ નામે નવલિકાસંગ્રહ અને ‘બમ ભોલેનાથ’ તથા ‘અન્નહીનમક્રિયાહીનમ્’ એવા બે નિબંધસંગ્રહ મળે છે. ‘ગીતગોવિંદ’, ‘મેઘદૂત’ અને ‘વિદ્યાપતિ કી પદાવલી’ના સમશ્લોકી અનુવાદ દ્વારા નાગાર્જુનનો પ્રશિષ્ટ-રાગ જોઈ શકાય છે.

જીવન અને કવન બંને ક્ષેત્રે પીડિત, દલિત અને શોષિત જનતાના પ્રતિનિધિ નાગાર્જુનને સમાજવાદી વ્યવસ્થા તથા લોકશાહી મૂલ્યોમાં ઊંડો વિશ્વાસ હતો. તેમને 1969માં સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1983માં ભારત ભારતી ઍવૉર્ડ તેમજ 1994માં સાહિત્ય અકાદમીની ફેલોશિપ પ્રાપ્ત થઈ હતી.

બિંદુ ભટ્ટ